Saturday 1 September 2012

અમેરિકન મકાઈની મજા


અમારી ગલીના નાકે ઊભો ઊભો ગજેન્દ્ર એટલે કે ગજુ વડચ…વડચ… મકાઈનો ડોડો ખાઈ રહ્યો હતો. મેં પૂછ્યું : ‘ગજુ, આ શું ? અત્યારે મકાઈ ચાવવા માંડ્યો ?’ ત્યારે ગજુએ ગૌરવપૂર્વક મને ડોડો બતાવીને કહ્યું, ‘અમેરિકન મકાઈ છે હોં !’ ત્યારથી જ મારા મનમાં પ્રશ્ન ઊઠ્યો કે મકાઈ ભલેને અમેરિકન હોય પણ બાપ-જન્મારેય કોઈ દિવસ દીઠી ન હોય તેમ ઊભી બજારે ખાવાની ? અમેરિકન મકાઈ હોય અને અમેરિકાના ચાર રસ્તા પર ઊભા રહીને ઊંટ ડાળખાં-પાંદડાં ચાવતો હોય એમ જડબું હલાવતાં-હલાવતાં મકાઈ ખાતા હો તો ત્યાં આપણા પર કોઈક પ્રકારનો કેસ થવાનો સંભવ પૂરેપૂરો.
અરે ત્યાં તો અમેરિકન મકાઈ ધરાઈને ખાધા પછી ‘હો…ઈ….યા….આ…’ એવો ભવ્ય ભારતીય ઓડકાર પણ ન ખાઈ શકાય. મહિનો બે મહિનાની સજા પડે ! જ્યાં ખાધા પછી નિરાંતે ઓડકાર પણ ન ખાઈ શકતા હો તેવા દેશ પર ગૌરવ શા માટે લેવું ? આપણા દેશમાં તો તમે ગમે ત્યાં, ગમે તેનું, ગમે તેટલું ખાઈ જઈ શકો છો. ખાઈને ગમે તેટલા ઓડકાર પણ ખાઈ શકો છો. અને ગમે ત્યાં સૂઈ જઈ શકો છો. મકાઈ ભલે અમેરિકન હોય પણ આપણે ત્યાં તેને ટેસથી ગમે ત્યાં ઊભા-ઊભા, બસમાં બેઠાં-બેઠાં, ફિલ્મ જોતાં-જોતાં, ચકડોળમાં બેઠા-બેઠા કે રામકથા સાંભળતાં સાંભળતાં પણ ખાઈ શકો છો. ખાઈને ખાલી ડોડો ગમે ત્યાં ફગાવી શકો. બાકી અમેરિકામાં તમે મકાઈ ખાતા હો તો ચિંતા થાય કે કચરાપેટી ક્યાં હશે ? આપણા જેવા અજાણ્યા જો અમેરિકા ગયા હોય અને મકાઈ ખાધા પછી કચરાપેટી ન જડે તો પ્રિયતમાએ બર્થ-ડે પ્રેઝન્ટ આપી હોય એમ ખાલી ડોડો આખો દિવસ હાથમાં લઈને ફરવું પડે. ગમે ત્યાં ફગાવી ન શકાય.
જો અમેરિકામાં આ રીતે મકાઈ ખવાઈ ગયા પછી ખાલી ડોડા ગમે ત્યાં ફગાવવામાં આવે અને ત્યાંની મ્યુનિસિપાલિટી દ્વારા ઉપાડવામાં ન આવે તો ડોડાના ઢગલા થાય અને રોગચાળો ફેલાય. આપણે ત્યાં આવું ન બને કારણ કે આપણે ગમે ત્યાં ફગાવેલા ડોડા મ્યુનિસિપાલિટી ભલે ન ઉપાડે પણ તરત જ જેમના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે એવા ગાય માતા, ગધેડું કે બકરી આવી ચડે. તેઓ અમેરિકન મકાઈનો સ્વાદ માણે ! આમ સફાઈની સાંકળ આપો આપ રચાઈ જાય. ધારો કે ગાયમાતા, ગધેડું, બકરી કે કૂતરાં રસ્તા પર ન રઝળતા હોત તો આપણે ત્યાં કચરાના કેટલા મોટા ઢગલા થાત એનો વિચાર કર્યો છે ? હવે તો ગાય રોટલા-રોટલી અને સડેલા શાકભાજી જ નહિ, જનકલ્યાણ અર્થે સાદા અને પ્લાસ્ટિકના કાગળ પણ પચાવી જાય છે. એટલે જ ગાય માતા કહેવાય છે. માતા સિવાય આપણી આટલી કાળજી કોણ લે ? આવો કચરો પચાવીને તે દૂધ આપે છે. ભેંસ આવું ન કરી શકે. ભેંસને તમે એક દિવસ પ્લાસ્ટિકના કાગળ ખવડાવો તો ત્રણ દિવસ દૂધ ન આપે. કરુણાં ક્યાં ? એટલે જ ગાય માતા છે.
અમેરિકન મકાઈ ખાવાનો ક્રેઝ આજકાલ અબાલ-વૃદ્ધ સૌમાં જોવા મળે છે. જેમના દાંતની આખે આખી વિધાનસભા બરખાસ્ત થઈ ગઈ છે તે પણ મકાઈના ડોડા ખાવાની કોશિશ કરે છે. (ચોકઠામાં પણ નીચલું ગૃહ અને ઉપલું ગૃહ હોય છે !) આવી કોશિષોને કારણે અભયારણ્ય જેવા મુખમાં મકાઈના દાણા, કલાકો સુધી નિર્ભય બનીને રખડ્યા કરે છે. અમારા પાડોશી ચંદુમામાના મોંમાં એકય દાંત નહોતો. તેથી તેમણે મકાઈ ખાવા માટે જ ચોકઠું બેસાડાવ્યું. નિષ્ણાત ડોકટરને કારણે આ ચોકઠું એવું સરસ મજબૂત અને ફીટ બન્યું કે ગમે તેવી કઠણ ચીજ પણ મોમાં જતા જ ભરડાઈને ભૂકો થઈ જાય. હવે બન્યું એવું કે એકવાર મકાઈ ખાવાના મહાપ્રયત્નમાં ચંદુમામાએ જરૂર કરતાં વધારે બળ વાપર્યું. કારણ કે મકાઈના બે-એક દાણા તેમને વધારે પડતા કઠણ લાગ્યાં. છતાં ચંદુમામાએ ભગીરથ પ્રયત્ન કરી તેને ભરડી નાખ્યા. (ચોકઠું મજબૂત ખરું ને !) અને ગળે ઊતારી દીધા, ખબરેય ન પડી ! એ તો પછી ચોકઠું સાફ કરવા કાઢ્યું ત્યારે ચોકઠાની નીચલાગૃહની બે બેઠકો ખાલી જોતાં ચંદુમામાને ફાળ પડી કે પેલા મકાઈના બે-ચાર દાણા કડક લાગતા હતા તે શું…આ… !?
જો કે માત્ર મકાઈ ખાવા માટે આખે-આખા ચોકઠાં ફીટ કરાવવા આપણને ન પોસાય. મકાઈ ખાવા સારું કંઈ ચોકઠાં નખાવાતા હશે ? એટલે જ અમારા નિવૃત્ત શિક્ષક મનહરલાલ માસ્તરે મોંમાં એકેય દાંત ન હોવા છતાં મૂઠી એક મકાઈના દાણા ઓર્યા. દાણા અને પેઢાંની કુસ્તી શરૂ થઈ. પેઢાં તો બિચારા બિલકુલ ગાંધીબાપુના સત્યાગ્રહીઓ જેવા અહિંસક, શું કરી શકે ? આમ છતાં ગાંધી ચીંધ્યામાર્ગે પ્રયત્નો ચાલુ રાખવાને કારણે પરિણામ એ આવ્યું કે મકાઈના બે દાણા પેઢા વચ્ચે એવા સલવાઈ ગયા કે કોઈ રીતે નીકળે નહિ. દાંતનોય ન થાય એવો દુ:ખાવો આ દાણાએ કર્યો ! છેવટે ડોક્ટરની સલાહ મુજબ પેઢાનો એક્સ-રે પડાવ્યો ત્યારે ડોક્ટર પણ ખુશ થઈને કહેવા લાગ્યા કે સાહેબ, ભલે તમારા બધાય દાંત ગયા પણ આ બંને દાંત તો એવા અફલાતુન છે કે તેના પર એક ડાઘ પણ નથી થયો. છેવટે ડોક્ટરે પાના-પક્કડ લઈ દાંત કાઢ્યા ત્યારે રહસ્ય સમજાયું. આમ ચોકઠાં વગર મકાઈ ખાવામાં મનહરલાલ માસ્તરને રૂપિયા સાતસો ચોંત્રીસનો ખર્ચ થયો અને બે દિવસ રાડો પાડી એ જુદી. આ કુદરતની લીલા કહેવાય. કુદરત કોને, ક્યારે, ક્યાં ફીટ કરી દે કંઈ કહી ન શકાય. માટે સમજાય તે ઘટના અને ન સમજાય તે લીલા !
મકાઈ ખાવી એ પણ કળા છે. જો ખાતા આવડે તો. પતિ ભરચક ટ્રાફિકમાં મહામહેનતે મોટરસાઈકલ ચલાવતો હોય અને પાછળ બેઠાં-બેઠાં મેડમ મકાઈનો ડોડો ખાતાં હોય એ દ્રશ્યમાં સંપૂર્ણ સ્ત્રી-સ્વાતંત્ર્યના દર્શન થાય છે. આવી રીતે મેડમે મૂઠી એક દાણા મોમાં ઓરી દીધાં હોય પછી ભયંકર છીંક આવે તો પતિ જરૂર ફફડી ઊઠે કે નક્કી કોઈક સોપારીબાજે તેના પર ભરબજારે ફાયરિંગ કર્યું ! (એક અર્ધસત્ય ઘટના પર આધારિત..) એકવાર એક ટ્રાફિક પોલીસ ટ્રાફિક પોઈન્ટર પર ઊભો ઊભો ફરજકાળ દરમિયાન મકાઈનો ડોડો ખાઈ રહ્યો હતો. તેના કમનસીબે બરાબર તે જ સમયે ત્યાંથી કમિશનર સાહેબ પસાર થયા. સાહેબે તે દ્રશ્ય જોયું અને સાહેબને થયું કે આ સાલાને ટ્રાફિક પોઈન્ટર પર ઊભા રહીને શું ખાવું જોઈએ તેનું પણ ભાન નથી ? અને સાહેબે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો.
આમ, મકાઈ ક્યારે ક્યાં કઈ રીતે ખાવો એ અગાઉ કહ્યું તેમ એક કળા છે. અમારા પાડોશી માલતીબેન પોતાનું દરેક કાર્ય કલાત્મક ઢબે કરે છે. તેમના દરેક કામમાં આગવો ટચ હોય છે. આ માલતીબેન મકાઈનો ડોડો ખાતા હોય તો પણ માઉથ ઓરગન વગાડતા હોય એવું લાગે. પણ આવા દ્રશ્યો જોઈને કાંઈ આપણે આપણી પત્નીના હાથમાં મકાઈનો ડોડો આપીને તેમાં દાંત ભરાવતી હોય અને આપણે તેના ખભે હાથ મૂકીને વિકેટકીપરની જેમ પાછળ ઊભા હોય એવા દ્રશ્યની તસ્વીર ન ખેંચાવાય ! કારણ કે આવા દ્રશ્યો જો કહેવાતા પર્યાવરણવાદીઓની નજરે ચઢી જાય તો તેઓ આ મુદ્દે પણ મકાઈ બચાવો…. છોડ બચાવો….. વૃક્ષ બચાવો…. દેશ બચાવો… અથવા ફક્ત બચાવો….બચાવો….બચાવો…ના મુદ્દે પણ રાષ્ટ્રવ્યાપી આંદોલન ચલાવી શકે તેમ છે. આ દેશમાં આંદોલન કરનારા ઘણા છે પણ મજબુત મુદ્દા નથી. કહેવાય છે કે આપણા દેશમાં સરકારી ઑફિસમાં કંઈ પણ કામ કરાવવું હોય તો ‘દાંત ભરાવવા’ પડે છે. માટે તમે પણ આજથી જ અમેરિકન મકાઈના ડોડામાં દાંત ભરાવવાની પ્રેક્ટિસ ચાલુ કરી દો.

No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...