Saturday 1 September 2012

ખાડો


[ પ્રસ્તુત હાસ્યલેખ ‘નવનીત સમર્પણ’માંથી સાભાર. શ્રી નટવરભાઈનો (સુરત) આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 7779056113 ]
‘ખાડો ખોદે તે પડે.’ આ કહેવત લોકમુખે સાચી પણ રસ્તાઓ પર ખોટી છે. આજ સુધી રસ્તા પર કુશળ આર્ટિસ્ટના મુક્ત હસ્ત ચિત્ર સમાન ખાડાઓ રચનાર કલાકાર કે તંત્રનો કર્મયોગી ક્યારેય ખાડામાં પડ્યાનું જાણ્યું નથી. હા, ખાડાઓ જોઈને ‘આખું તંત્ર ખાડે ગયું છે’ એવું વારંવાર સાંભળવા મળે છે. ધીમે ધીમે કર્ણપ્રિય બનતું જાય છે. કેટલાક ખાડાઓ ખોદીને પૂરી દેવા છતાં ખાડો ખાડો જ રહે છે. આવા અદ્દભુત ખાડાઓની રચના કરવાનું કૌશલ્ય લાગતાવળગતા તંત્રના લોકોને સહજ છે. ઉનાળામાં દેખાતો બૃહદ ખાડો પૂરાઈ જાય ને રસ્તો સપાટ થઈ જાય ત્યારે કાયમી ધોરણે ત્યાંથી ભાર ખટારો લઈને પસાર થતો ડ્રાઈવર જરા નિરાશ થઈને બોલે….
રોડની વચ્ચોવચ્ચ હતો એક ખાડો,
એ ક્યાં ગયો, ક્યાં ગયો કોઈ કહેતું નથી.
પણ જ્યારે ચોમાસું આવે અને તે જ જગ્યાએથી ટ્રક પસાર થાય ત્યારે પહેલે ખોળે જન્મેલ દીકરાને માતા જેટલા વહાલથી ગોદમાં લે એટલા જ વહાલથી ખાડો ટ્રકને પોતાની ગોદમાં લે છે. ત્યારે ડ્રાઈવરને સમજાય છે કે સૂર્ય સામે ધૂળ ઉડાડવાથી સૂર્ય ઝાંખો થતો નથી. એ જ રીતે ખાડામાં ગમે તેટલી ધૂળ ભરવાથી ખાડો અ-ખાડો થતો નથી. ભક્તને ભગવાન અચાનક દર્શન દે એમ ચોમાસામાં ખાડો રાહદારીને દર્શન દે છે, ભેટે છે. આ પ્રકારના ખાડાને ‘નિરાકાર ખાડા’ કહેવાય છે. જે ઈશ્વરની જેમ દેખાતો નથી છતાં છે તેથી રાહદારીએ જ્યાં ખાડો નથી ત્યાં પણ છે એમ ધારીને જ કદમ ઉઠાવવું.
ખાડા તો બારમાસી ફૂલ જેવા છે. બારેમાસ તેઓ ફૂલતા-ખીલતા રહે છે. પણ ચોમાસું એ ખાડાઓની વસંત છે. વરસાદ પડતાંની સાથે જ વનસ્પતિ અને ફૂલો ખીલે છે, મ્હોરે છે. તેની સાથોસાથ ખાડાઓ પણ ખીલે છે. ચોમાસું તો બધા દેશોમાં આવે છે પણ ચોમાસાનું આવું આગવું સૌંદર્ય તો ભારતમાં જ માણી શકાય છે. એટલે જ કહ્યું છે ને ‘મેરા ભારત મહાન.’ પ્રકૃતિપ્રેમીઓનું આ દિશામાં ક્યારેય ધ્યાન ગયું જ નથી. નહીં તો ખાડો પણ પ્રકૃતિનું જ એક અંગ છે. ખાડા તો વર્ષારાણીએ રસ્તા પર પાડેલાં પગલાં છે. માટે જ વર્ષાઋતુમાં ગરમાગરમ ભજિયાં કે દાળવડાં ખાઈને વિરહની કવિતાઓ કરતા કવિઓએ ખાડાઓને પોતાનાં કાવ્યોમાં વણી લેવા જોઈએ. ભારતીય સંસ્કૃતિની જેમ ખાડાઓમાં પણ વિવિધતામાં એકતા જોવા મળે છે. ચોમાસામાં વિવિધ પ્રકારના નયનરમ્ય ખાડાઓ જોવા મળે છે. જેમાં કોઈ ખાડો ગોળ, કોઈ લંબગોળ, કોઈ ત્રિકોણ, અષ્ટકોણ, કોઈ લાંબો, કોઈ ટૂંકો, કોઈ છીછરો, કોઈ ઊંડો ! છીછરો-ઊંડો એ તો દષ્ટિભ્રમ છે. સાચી ઊંડાઈ તો અંદર ખાબકો ત્યારે જ ખબર પડે. આજકાલ વિકાસની પ્રક્રિયા જોતાં ખાડાઓના પ્રકારમાં ‘વાયબ્રન્ટ ખાડો’ અને ‘ઈ-ખાડો’ પણ ઉમેરી શકાય. તેથી જ ખાડાનો તાગ આજ સુધી કોઈ પામી શકતું નથી. આવા પ્રથમ નજરે જોઈ શકાય તેવા ખાડાઓને ‘સાકાર ખાડા’ કહેવાય.
વળી શિયાળા-ઉનાળામાં જે ખાડાઓ સ્થિર આકાર ધારણ કરીને બેઠા હોય તે ચોમાસું આવતાં જ આકાર બદલે છે. જેમ કૉલેજકાળમાં આપણી સાથે ભણતી સ્લિમસ્વીટી (ગુજરાતી ફિલ્મોની ભાષામાં ‘પાતળી પદમણી’) વીસ વર્ષ પછી મળે ત્યારે અનિયમિત કદ વિસ્તરણને કારણે ગંજાવર ગૃહિણી બની ચૂકી હોય છે. ટૂંકમાં કોલેજકાળમાં તે ‘મસ્ત’ હોય છે, પછી કાળક્રમે ‘અલમસ્ત’ બની જાય છે. (પુરુષો પણ આમાંથી બાકાત નથી.) એ જ રીતે ચોમાસામાં આજે જોયેલો ‘બાળ ખાડો’ થોડા જ દિવસોમાં યુવાન થઈને ‘કાળ ખાડો’ બની જાય છે. તેથી જ કહી શકાય કે આજનો ખાડો આવતી કાલનું સરોવર છે અથવા સ્વિમિંગ પૂલ છે. આવો દરેક ખાડો જોઈને પેલી ઉક્તિ યાદ આવી જાય કે ‘દાને દાને પે લિખ્ખા હૈ ખાને વાલે કા નામ’ એ જ રીતે ‘ખાડે ખાડે પે લિખ્ખા હૈ ગિરનેવાલે કા નામ’ તેથી રસ્તા પર જતા દરેક રાહદારીનું ખાડો જાણે હસીને સ્વાગત કરતો હોય એવું લાગે. જે ખાડામાં માણસ પડે તેને જ ખરા અર્થમાં ખાડો કહેવાય. જેમાં કોઈ પડે જ નહીં અથવા પડ્યું જ ન હોય તે તો વાંઝિયો ખાડો કહેવાય. ખાડાઓ પણ એકબીજાને ખાનગી ધોરણે પૂછી લેતા હોય છે ‘શું સ્કોર થયો ?’
ક્યારેક તંત્રવાળા એક ખાડો ખોદે છે. તેને કારણે બીજા બે-ત્રણ ખાડાઓ રચાય છે. આવા ખાડાઓને ‘સ્વયંભૂ ખાડા’ કહેવાય છે. જેમ પ્રૌઢ શિક્ષણનું સરકારી સૂત્ર હતું, ‘દીવે દીવો પ્રકટાવીને અભણને ભણાવીએ’ એ જ રીતે ‘ખાડે ખાડો રચાવીએ અજાણ્યાને ગબડાવીએ’ એ તંત્ર-સૂત્ર છે. વળી જ્યાં એકપણ ખાડો ન હોય તે રસ્તોય શું કામનો ! ખાડા વગરનો રસ્તો કુદરતી ન ગણાય. ખાડા વગરનો રસ્તો તો પાંદડાં વિનાની ડાળી જેવો ગણાય. જેમાં ગુણ-દોષ હોય તે જ માનવી કહેવાય. જેમાં એકપણ દોષ ન હોય તે તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કહેવાય. એ જ રીતે રસ્તા પર ખાડાખબડા હોય તેને જ રસ્તો કહેવાય. જ્યાં એકપણ ખાડો ન હોય એ તો જળમાર્ગ કે હવાઈ માર્ગ કહેવાય. ત્યાં મુસાફરીનો સાચો આનંદ માણી ન શકાય. ખાડાવાળા રસ્તે જતી બસમાં તમે બેસો અને જો ભૌતિક વિજ્ઞાનમાં રસ ધરાવતા હો તો બેઠાં-બેઠાં વેગ-પ્રવેગના અને ઊભા રહો તો ગુરુત્વમધ્યબિંદુનો ઉપરાંત લોલકના સિદ્ધાંતો પણ સરળતાથી સમજાય. લેશમાત્ર ખાડા વગરના રસ્તે જતી બસમાં તો માણસ આળસુ બની જાય. થોડી વારમાં ઊંઘી જાય. જ્યારે ખાડાવાળા રસ્તે ખાડે ગયેલા એસ.ટી. તંત્રની ખખડધજ બસ જતી હોય ત્યારે ક્ષણે-ક્ષણે આપણને ચેતનાનો અનુભવ થાય. આવી બસમાં ચર્ચાઓ ચાલુ રહે, ઓળખાણો થાય. એકબીજાને ઘેર આવવાનાં આમંત્રણો અપાય. વળી મદદની ભાવના પણ વિકસે અને વિસ્તરે જેના ભાગરૂપે પડતાંને પકડી લેવાય તો કોઈને પાડી પણ દેવાય – આ બધું ખાડાઓને આભારી છે. બસ તો નિમિત્તમાત્ર છે.
ખાડા તો સર્વવ્યાપી છે. સામાજિક, આર્થિક, ધાર્મિક અને રાજકીય એમ તમામ ક્ષેત્રે ખાડા જોવા મળે છે. જેમની સામે આપણા ઋષિઓ પણ રાંક લાગે (દેખાવે) એવા સુગરીના માળા જેવી દાઢી-જટાધારી ગુરુ, બાપુ સ્વરૂપ બાવાઓના જીવનમાં ઝાંકીને જુઓ તો તમને કેટલાય ખાડાઓ જોવા મળશે. એથીય મોટા ખાડા તેમણે બીજાના જીવનમાં પાડ્યા હોય છે. આ પ્રકારના અધાર્મિક ખાડાઓને તેઓ દાઢી, જટા, ગળામાં માળાઓ, કપાળમાં કેસર-ચંદનનાં તિલક અને ભગવાં કપડાં જેવા ધાર્મિક યુનિફોર્મ વડે પૂરવા મથે છે. અમદાવાદમાં ચોમાસુ ખાડાઓને ‘ભૂવા પડ્યા’ એમ કહે છે. જોકે ભૂવાઓ મોટે ભાગે પડતા નથી પણ બીજાને પાડે છે. તાજેતરમાં પેલા ભૂવામાંથી ભગવાન સુધીની ભવ્ય યાત્રા કરનારનો દાખલો આપણી સામે છે. તેમણે ભૂવા બનીને કેટલાય ભક્તોનાં બેન્ક બેલેન્સમાં ભૂવા પાડ્યા છે.
આર્થિક ખાડાઓની વાત કરીએ તો જે રીતે રસ્તા પર ખાડો ખોદનાર આજ સુધી તેમાં પડ્યો નથી એ જ રીતે આર્થિક ખાડો ખોદનાર પણ આજ સુધી તેમાં પડ્યો નથી. યાદ કરો શેરબજારમાં રાષ્ટ્રીય ખાડો ખોદનાર મહાસાંઢ મહેતા હર્ષદને ! બીજા કેટલાય તેમાં એવા ઊંધે કાંધ પડ્યા છે કે તેમને આજ સુધી કળ વળી નથી. હજુ સુધી તેઓ ગાયા કરે છે, ‘મદદ કરો સંતોષી માતા.’ અમેરિકાએ વળી મહેતાજીની ઉપરવટ જઈને વૈશ્વિક ખાડો ખોદ્યો. જેમાં આખ્ખે-આખ્ખાં શેરબજાર ગરક થઈ ગયાં. અને શેરબજારના સાંઢ સીધા શેર-શાયરી પર ઊતરી આવ્યા. આને કહેવાય આમૂલ પરિવર્તન ! આ રીતે ઘણી વાર પિતાએ ખોદેલ ખાડામાં પુત્ર પડે છે. તો કેટલી વાર કમાઉ દીકરાઓ એવા ખાડા ખોદે છે કે તેમાં તેમના પરમપૂજ્ય પિતાશ્રી આખે-આખા સમાધિ લઈ લે તો પણ એ ખાડો પુરાય નહિ. આ રીતે આપણા દેશમાં ખાડો એક પરંપરા છે, જીવનશૈલી છે. તેથી જ ભારત દેશમાં ખાડાઓની ભવ્ય ભાતીગળ સંસ્કૃતિ જોવા મળે છે. આ જોઈને કેટલાક લોકો પુણ્યપ્રકોપ ઠાલવતાં કહે છે કે આખો દેશ ખાડે ગયો છે.
પૃથ્વી પરના મહાસાગરો પણ આમ જુઓ તો ખાડાઓ જ છે. પણ તેઓ બહુમતીમાં હોવાથી તેમણે ‘મહાસાગરો’નાં બિરુદ ધારણ કરી લીધાં છે. ભૂગોળના આ ચાર મહાસાગરો ઉપરાંત ભૂગોળ બહારનો પાંચમો મહાસાગર પણ છે જે ક્યાંય નકશામાં જોવા મળતો નથી. જે માનવીએ રચેલો સાંસ્કૃતિક ખાડો છે. આમ છતાં યુવાપેઢી તેનાથી વિમુખ ન થઈ જાય તે માટે તેને ‘સંસાર સાગર’ એવું રૂડું નામ આપવામાં આવ્યું છે. આવા લપસણા ઉપનામથી આકર્ષાઈને ઘણાં યુવક-યુવતીઓ આ સંસાર સાગરમાં સજોડે બોટિંગ કરવા ઊતરી પડે છે. પછી જ તેને વાસ્તવિકતા સમજાય છે. તેથી જ નાઝીરસાહેબે કહ્યું છે :
નથી આ સાગરની વાતો,
આ તો ભવસાગરની વાતો છે,
અવરને તારનારા તું સ્વયં, એને તરી તો જો.
આ રીતે બ્રહ્માંડમાં પણ બ્લેક હોલ નામનો જબરજસ્ત ખાડો છે એવું વૈજ્ઞાનિકો કહે છે. ચંદ્ર અને ગ્રહો પર પણ ખાડાઓ છે તેથી તારાઓમાં પણ ખાડા તો હશે જ. ‘હમ જહાં કદમ રખતે હૈ વહાં રાસ્તા હો જાતા હૈ’ એવું ઘણા ગર્વિષ્ઠો કહે છે. ખાડો તેમને પડકારે છે. આમ તો ખાડો એ રસ્તાના ગાલ પર પડેલું ખંજન છે. આવાં ખંજન જ માનવીઓના ગર્વનું ખંડન કરે છે. આમ છતાં જેમ લોકગીતો, લોકવાર્તાનો કર્તા મળતો નથી એમ ખાડાનો કર્તા પણ હંમેશાં ઈશ્વરની માફક અદશ્ય રહે છે. જેમના કારણે આખો દેશ ખાડે ગયો છે એવા કોઈ રાજકીય નેતાએ આજ સુધી ખાડાનું ઉદ્દઘાટન કર્યું નથી. સરવાળે ખાડો અનાથ છે. પણ જો આવા કોઈ ખાડામાંથી કાચું સોનું મળી આવશે તો તેવા ખાડાને ખોળે બેસાડવા કંઈક અખાડા કરવામાં આવશે.
ખાડાઓને આપણે નકારાત્મક દષ્ટિથી જ જોયા છે. બાકી ખાડા તો ઘણા ઉપયોગી છે. મહાસાગરો રૂપી મહાખાડાઓને કારણે જ આપણને વરસાદ મળે છે. કૂવા રૂપી ખાડામાંથી પીવાનું પાણી મળે છે. વળી હાડકાના ડૉકટરને તો ખાડો ખાસ ઉપયોગી છે. આવા ખાડાઓએ જ તેમના ખાડા પૂર્યા છે તેથી એ પણ સ્વીકારવું પડે કે ખાડાથી જ ખાડો પૂરી શકાય છે. ……….પણ એક ખાડો એવો છે જેને માટે માણસ જિંદગીભર મથે છે છતાં પૂરી શકાતો નથી ! તે છે ‘ગરીબોના પેટનો ખાડો.’
        -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

જ્ઞાનની ગરબડ


‘સફળતાના શિખરે છલાંગ મારીને કેવી રીતે ચઢી જવું…’ તે મુદ્દે પ્રવચનોના પૂર વહાવતા અમારા એક સાહેબ પોતાના વક્તવ્યમાં વારંવાર કહેતા, ‘જો તમે દશ વરસ સુધી દરરોજ એક-એક કલાક વાંચશો તો તમે નોલેજ સેન્ટર બની જશો, જ્ઞાની બની જશો.’ આ સાંભળીને અમારા ચંદનમામાએ ‘જ્ઞાની’ બનવાના ગરમાગરમ ઉત્સાહમાં દરરોજ કલાકને બદલે દોઢ કલાક વાંચવાનું શરૂ કર્યું. આ રીતે સતત દશ વર્ષ વાંચ્યા પછી તેમને એટલું જ્ઞાન થયું કે ‘પુસ્તકિયું જ્ઞાન કશું કામ આવતું નથી…’ શ્રીમદ ભગવદગીતાના ‘કરેલું કર્મ નિષ્ફળ જતું નથી’ એ સિદ્ધાંત મુજબ જ્ઞાનમાર્ગે એકધારી તપશ્ચર્યા કરવાથી ભલે કદાચ તમે ધાર્યું હોય તે નહિ તો અણધાર્યું જ્ઞાન તો મળે જ ! એ જ્ઞાન એવું સચોટ હોય કે તમે ભૂલવા ધારો તોય ન ભૂલી શકો.
જ્ઞાન તો ઘણા પાસે હોય છે પણ ‘જ્ઞાન વિશે પણ જ્ઞાન’ હોવું જરૂરી છે, જે ઘણા ઓછા પાસે હોય છે. મારા મિત્ર ઉલ્લુએ (જેનું નામ ‘ઉલ્હાસ’ છે પણ તેની પત્ની તેને વહાલથી ‘ઉલ્લુ’ કહે છે.) બી.એ.ના પ્રથમ વર્ષ સુધી આકસ્મિક અભ્યાસ કર્યો હોવાથી તેના જ્ઞાનની ક્ષિતિજો છાપાની પૂર્તિઓના વાંચન સુધી વિસ્તરી છે. તેમાંથી તે જે કાંઈ જ્ઞાન મેળવે છે તે કોઈપણ જાતના ફેરફાર વિના હોલસેલના ધોરણે સીધું જ તેના પાંચમું ધોરણ ભણતા પુત્રને આપે છે. એક દિવસ ઉલ્લુએ તેના પુત્ર વિશે મને ફરિયાદ કરતાં કહ્યું :
‘સાહેબ, આના નસીબમાં જ નથી….’
મેં પૂછ્યું : ‘શું ?’
તેણે કહ્યું : ‘જ્ઞાન.’
આમ કહીને વિશેષમાં જણાવ્યું કે હું તેને દરરોજ ટાંકણીથી માંડીને હવાઈજહાજ સુધીનું જ્ઞાન આપું છું. પણ આ મૂર્ખ મગજમાં ઊતારતો જ નથી. ત્યારે મારે ન છૂટકે કહેવું પડ્યું, ‘ભાઈ ઉલ્લુ, પાંચમું ભણનારને ટાંકણીથી માંડીને તવેથા સુધીનું જ જ્ઞાન અપાય. સીધો જ હવાઈજહાજે પહોંચાડે તો ક્રેશ થાય !’ આમ જ્ઞાન આપવા વિશેનું જ્ઞાન ન હોવાથી પિતા-પુત્ર વચ્ચે કાયમ સંઘર્ષ થયા કરતો. જો જ્ઞાન વિશેનું પ્રમાણભાન, વિવેકભાન હોય તો તે મુક્તિ અપાવે, નહિ તો માથાકૂટ થાય !
જ્ઞાન વિશે સૌથી મોટો ભ્રમ છે આપવાનો ! ખરેખર જ્ઞાન કોઈને આપી શકાતું નથી. એ તો મેળવવાનું હોય છે. જો જ્ઞાનના પડીકા બાંધીને આ રીતે આપી શકાતા હોત તો જ્ઞાનના ગોડાઉન સમાન પરમપૂજ્ય કે અપૂજ્ય બાપુ, ગુરુ, સ્વામીઓ પોતાના સ્વજનોને, શિષ્યાઓને જ જ્ઞાન આપત. લોકોમાં વહેંચત નહિ. પણ આવું શક્ય નથી એટલે તો તે જ્ઞાનવીર ભામાશાઓ ગમે તેના ચરણે જ્ઞાનના કોથળા ઠાલવવા ઉત્સુક હોય છે. આવી જ્ઞાનની હરતી-ફરતી યુનિવર્સિટીઓની હડફેટે ચડેલો પામર માનવી તેની જ્ઞાનગંગામાં ડૂબીને ગૂંગળાઈ મરે છે. જોકે આ બાબતથી યુનિવર્સિટીઓ પોતે અજાણ હોય છે. એ તો ‘રામબાણ વાગ્યા હોય એ જાણે…’. આમ હિરોશીમા અને નાગાસાકી પર ઝીંકાયેલા અણુબોંબના વિસ્ફોટો કરતાં જ્ઞાનના વિસ્ફોટોએ લોકોને વધુ ઘાયલ કર્યા છે. અણુબોંબનો વિસ્ફોટ તો એક જ વાર થયો, પણ જ્ઞાનના વિસ્ફોટ તો ગમે ત્યારે થયા કરે છે. જ્ઞાનનું કામ છે મનુષ્યને ભાન કરાવવાનું, પણ અતિજ્ઞાન (જે અર્ધજ્ઞાન પણ હોઈ શકે) જ્યારે ભાન ભૂલાવી દે ત્યારે ભારે ખતરનાક નીવડે છે. અલબત્ત, સામેવાળા માટે જ !
અમારા ગામમાં એક મંદિર બાંધવા માટે જ્યારે ગ્રામજનો એકઠાં થયા ત્યારે મંદિર બાંધવા બાબતે જેને પોતાના વિચારો રજૂ કરવા હોય તેને દશમિનિટ આપવામાં આવી. ઘણા લોકોએ પાંચ-સાત મિનિટમાં ઘણું કહી દીધું જે મોટાભાગે ઓછું ભણેલા હતા. ત્યારબાદ સંસ્કૃતના એક વિદ્વાન પ્રાધ્યાપક ઊભા થયા. ‘ગામ એટલે શું ?’ તે વિશે તેમણે વૈદિક યુગથી શરૂ કર્યું. ત્યાંથી ઉત્તરવેદકાલીન યુગ સુધી પહોંચતાં તેમણે પંદર મિનિટ લીધી. તેમના વક્તવ્યની જ્ઞાનસભર છણાવટ અને જમાવટ જોતાં અમને જ્ઞાન થયું કે તેમને છેક મંદિરે પહોંચતાં લગભગ પોણો કલાક તો લાગશે જ ! તેથી ન છૂટકે તેમના બહુમૂલ્ય વિચારોને વિરામ આપવા વિનંતી કરવી પડી. તેમને વારંવાર આ સમસ્યા નડતી. તેથી કોઈપણ સ્થળે તેઓ પોતાના વક્તવ્યની જ્ઞાનસભર મજબૂત પૂર્વભૂમિકા રચી હજુ તો વિષયને સ્પર્શે ત્યાં જ સમયમર્યાદા પૂરી થઈ જતી અને તેમણે વિરમી જવું પડતું. આ તો વરરાજા મધુરજની વખતે હજુ નવવધૂને સ્પર્શે ત્યાં જ કોઈ ગુરુ તેને આજીવન બ્રહ્મચર્યની કઠોર પ્રતિજ્ઞા લેવડાવે તેવી કરુણ બાબત હતી. આમ અહીં જ્ઞાન હતું પણ તેને રજૂ કરવા વિશેના જ્ઞાનનો અભાવ હતો. જ્ઞાનીઓ માને છે કે જ્ઞાનને કોઈ બંધન નથી, તેથી પોતાના વક્તવ્યોમાં તેઓ સમયના બંધનને ફગાવી દે છે અને જ્ઞાનનો ધોધ વહાવે છે – જે સરવાળે સભાનું ધોવાણ કરે છે. પરિણામે શ્રોતાજનોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાય છે. આમ જ્ઞાનનું પરિણામ નજર સમક્ષ હોવા છતાં જ્ઞાનીજનોને ભાન થતું નથી. જો કે ‘ક્યાંથી શરૂ કરવું’ તેનું જ્ઞાન તો તેમની પાસે જરૂર કરતાં સવાયું હોય છે. પણ સવાલ અટકવાનો છે. જેના કારણે આખેઆખી સભાઓ બરખાસ્ત થઈ જાય છે.
જ્ઞાનને અને વિચારને સીધો સંબંધ હોવાથી જ્ઞાની પુરુષો ઘણું વિચારતા હોય છે. આવા એક ગહન જ્ઞાની પુરુષનો પરિચય કરાવતા મારા મિત્રે કહ્યું કે, ‘આ વિવેકપ્રસાદજી છે, તે ખૂબ જ્ઞાની છે અને કોઈપણ બાબતમાં ડીપ થિંકિંગ કરે છે, ઘણું ઊંડું વિચારે છે….’ વિચારશીલ વ્યક્તિઓમાં મને રસ પડે છે તેથી તેમનો વિશેષ પરિચય મેળવવા મેં મિત્રને ખાનગી ધોરણે પૂછ્યું, ‘પ્રસાદજી પોતે શું કરે છે ?’ મિત્રે કહ્યું, ‘તે એટલું બધું વિચારે છે કે વિચારવા સિવાય કશું જ કરી શકતા નથી !’ આમ એકધારા જ્ઞાનના ચિંતનને કારણે કર્મના બંધન એટલી હદે તૂટી જાય છે કે પછી જાતક કોઈ કર્મ કરવા ધારે તોય કરી શકતો નથી. (જો કે વિચારવું એ પણ એક કર્મ જ છે.) આ રીતે સાહિત્યક્ષેત્રે પણ જ્ઞાન વિશે વિસ્મયકારક ઘટનાઓ બનતી રહે છે. ક્યારેક કોઈ વિદ્વાન લેખકને ચંદ્રક ઘણો મોડો અપાય છે ત્યારે તેઓ અફસોસ વ્યક્ત કરતાં હોય છે. ઉપરાંત તેમના વાચકો-ચાહકો પણ નારાજગી વ્યક્ત કરતાં કહે છે કે તેઓશ્રીને લખવાનું બંધ કરી દીધા પછી ચંદ્રક મળ્યો, ઘણો મોડો મળ્યો. પણ ઘણીવાર ‘તેથી જ’ મળ્યો હોય છે. તેનું જ્ઞાન ખુદ લેખકને કે તેના વાચકો-ચાહકોને હોતું નથી. કવિશ્રી નિરંજન ભગતને 1970માં રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવાની જાહેરાત થઈ. રઘુવીર ચૌધરીએ સંદેશમાં પોતાની કોલમ ‘વૈશાખીનંદનની ડાયરી’માં આ અંગે રમૂજ કરી, ‘કહે છે કે છેલ્લા બાર-બાર વર્ષથી એમણે એકપણ કવિતા લખી નથી. આ રીતે તેમણે એક તપ પૂરું કર્યું છે. તેમના આ સંયમને ધ્યાનમાં રાખીને ગુજરાતી સાહિત્ય સભાએ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવાનો નિર્ણય લીધો છે. (‘વિશ્વના શ્રેષ્ઠ હાસ્યપ્રસંગોમાંથી’ – પ્રકાશ વેગડ) પણ હવે સમય બદલાયો છે. આજકાલ લેખકો પાસે લખવાનું જ સારું જ્ઞાન હોય તે અધૂરું ગણાય છે. હવે તો શ્રેષ્ઠ લેખક એ ગણાય છે જે લખતા પહેલા તેને વખાણનાર વર્ગનું સર્જન કરી શકે. વળી એક મોટા ગજાના લેખકે તો પોતાના જ્ઞાન વિશે ઘણી નિખાલસતાથી જણાવ્યું છે કે ‘મારામાં લેખનશક્તિ નથી તેનું જ્ઞાન થતાં મને પંદર વર્ષ લાગ્યા. પણ પછી હું લખવાનું પડતું મૂકી શકું તેમ નહોતો કારણ કે હું અતિવિખ્યાત થઈ ચૂક્યો હતો.’ તો વળી પેલા સોક્રેટીસે જીવનભર થોકબંધ પુસ્તકો વાંચ્યા પછી પોતે મેળવેલા જ્ઞાન વિશે જણાવ્યું કે ‘હું કશું જ જાણતો નથી.’ સોક્રેટીસનું કહેવું-વાંચીને કેટલાક લેખકોએ તો વાંચવાનું જ બંધ કરી દીધું છે. અલબત્ત, લખવાનું ચાલુ છે ! વળી સાહિત્યકારો વિશે આપણે એવું જ્ઞાન ધરાવીએ છીએ કે જ્યારે બે સાહિત્યકારો મળતા હશે ત્યારે મોટા ભાગે સાહિત્યસર્જનની ચર્ચા કરતાં હશે. પણ વાસ્તવિકતા સાવ જુદી છે. તેઓ મોટે ભાગે પુરસ્કારની ચર્ચા કરતાં હોય છે. અને સારો પુરસ્કાર એ શ્રેષ્ઠ સાહિત્ય સર્જન માટેનું સૌથી મોટું પ્રેરક પરિબળ છે. જો કે પુરસ્કાર વિશેનું જ્ઞાન હજુ માલિકો અને પ્રકાશકોને પૂરતાં પ્રમાણમાં થયું નથી. તેથી ઘણી જગ્યાએ આજે પણ લેખકોને પુરસ્કાર આપવાનો કુરિવાજ નથી.
પ્રકાશકો પાસે પુસ્તકો પ્રગટ કરવાથી માંડીને વેચાણકળાનું વિશાળ જ્ઞાન હોય છે. છતાં કેટલુંક અગત્યનું જ્ઞાન ખૂટે છે. એક પ્રકાશકે એક ચિંતનાત્મક પુસ્તક પ્રગટ કર્યા પછી પોતાના સાહિત્યકારમિત્રને વિનામૂલ્યે વાંચવા આપ્યું. મિત્ર તે દળદાર પુસ્તક વાંચ્યા પછી પરત કરવા આવ્યા ત્યારે પ્રકાશકે પૂછ્યું, ‘આ પુસ્તકમાં તમને એવી કઈ બાબત લાગી જે વાચકને વિચારતો કરી દે ?’ મિત્રે પૂરી ગંભીરતાથી જવાબ આપ્યો, ‘પુસ્તકની કિંમત.’ આ જવાબ સાંભળી પ્રકાશકના જ્ઞાનમાં તે જ ક્ષણે વધારો થયો. તેથી જ કોઈ ચિંતકે કહ્યું છે કે, ‘જે પુસ્તકે પ્રકાશકને વધુમાં વધુ ખોટ કરાવી હોય તેમાંથી જ તેને ભરપૂર જ્ઞાન મળે છે.’ વિશેષમાં એમ પણ કહ્યું છે કે ‘શ્રેષ્ઠ વાંચન કોને કહેવાય તેની પ્રકાશકને ખબર ન પડે ત્યાં સુધી તે સફળ રહે છે.’
આ રીતે પ્રકાશિત થતાં સામાયિકોમાંથી જ્ઞાનીજનો, વાંચકો વિવિધ પ્રકારના લેખો વાંચે છે. પછી લેખ વિશે પોતાના અભિપ્રાયો લખી મોકલે છે જેમાં શબ્દે-શબ્દે જ્ઞાન છલકાતું હોય છે. છતાં અભિપ્રાય લખી મોકલનાર કેટલાક વાચકોમાં એક અગત્યનું જ્ઞાન એ ખૂટે છે કે, ‘લેખ કરતાં અભિપ્રાય લાંબો ન હોવો જોઈએ.’ આમ જુઓ તો અંધકાર, અજ્ઞાન અને ઈશ્વર સર્વવ્યાપી છે. તેમાં ઈશ્વર તો ઠીક પણ અજ્ઞાનના ચમકારા આપણને ડગલે ને પગલે જોવા મળે છે. તેથી જ જ્ઞાનીઓ અને વિદ્વાનોના પ્રવચનો કરતાં મને અર્ધજ્ઞાનીઓના વક્તવ્યો માણવા ખૂબ ગમે છે. છાતી ઠોકીને મારું માનવું છે કે ચર્ચા કે ભાષણો માટે અજ્ઞાન કે અર્ધજ્ઞાન ઉત્તમ છે, તેનાથી ચર્ચા કે ભાષણો રોચક અને જીવંત બને છે. કવિ ગંગ લખે છે કે ‘તારા કી તેજમેં ચંદ્ર છૂપે નહિ, સૂર્ય છૂપે નહિ બાદલ છાયો, રણે ચડ્યો રજપૂત છૂપે નહિ, દાતાર છૂપે ના ઘર માંગન આયો.’ આ રીતે અજ્ઞાન પણ છૂપું રહી શકતું નથી. જ્ઞાનીઓની જાણ બહાર તે વ્યક્ત થતું રહે છે, જેને શ્રોતાઓ પામી જાય છે. આમ દરેક મનુષ્યની અંદર અજ્ઞાનનો એક મહાસાગર છૂપાયેલો હોય છે. તેમાંથી જ સાચા મોતી મળી આવે છે. તેથી જ કોઈ ચિંતકે કહ્યું છે કે, ‘જીવનમાં સફળ થવા માટે અજ્ઞાન સાથેનો આત્મવિશ્વાસ જરૂરી છે.’
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

લેખક બનવાની લમણાઝીક !


[‘અખંડ આનંદ’ ફેબ્રુઆરી-2007 માંથી સાભાર. લેખક સંપર્ક : +91 9375852493]
ઘણુ બધું વિચાર્યા પછી અંતે લેખક થવાનું નક્કી કર્યું. (વાંચ્યા વગર – માત્ર વિચારીને જ !) ‘નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન’ ના ધોરણે મૂળભૂત ધ્યેય તો ફિલ્મોમાં નાયક બનવાનું જ હતું. પણ ચલચિત્રનાં તમામ ક્ષેત્રોમાં હું નાયકને બદલે ના-લાયક ઠર્યો. તેથી સમય જતાં ધ્યેય પણ બદલાયું. (ન છૂટકે) ઘણાં બધાં ધ્યેયોમાંથી લેખક બનવાનું ધ્યેય સ્વીકાર્યું. પહેલેથી જ જીવનમાં કંઈક અસાધારણ બનવા-કરવાની તમન્ના ખરી. તેથી ઘણાં મનોમંથનને અંતે મારા અંતરાત્માએ સ્વીકાર્યું કે લેખક પણ અસાધારણ વ્યક્તિ જ ગણાય. (સાધારણ કરતાં ઘણું નબળું હોય તેને પણ અસાધારણ કહી શકાય.) તેથી લેખક બનવાનું ધ્યેય નક્કી થયું.
લેખક બનવા માટે શું શું કરવું એ વિશે કેટલાક મિત્રોની સલાહ લેતાં તેમણે લખવાનો મહાવરો કરવાની સલાહ આપી. મને પણ તે યોગ્ય લાગ્યું. કારણકે ‘લખતા લહિયો થાય’ એવું મેં અભ્યાસકાળ દરમિયાન વાંચેલું. લખવાનો વધારેમાં વધારે મહાવરો ક્યાં થઈ શકે એવું વિચારતા છેવટે જુદી જુદી પેઢીઓનાં નામાં લખવાનું નક્કી કર્યું. નામું લખવામાં બે ફાયદા હતા. એક તો લખવાનો ભરપૂર મહાવરો થાય. સાથોસાથ થોડી ઘણી કમાણી પણ થાય. આમ ઘણા દિવસ લખવાના મહાવરારૂપે નામું લખ્યું. વખત જતાં એક વડીલે સલાહ આપી કે નામું લખવાથી મહેતાજી બની શકાય, લેખક નહિ. જો તમારે લેખક બનવું હોય તો વિવિધ પ્રકારનું લખવું પડે, તો જ કલમ પર કાબૂ મેળવી શકાય. એ વાત પણ મારા ગળે ઊતરી ગઈ. કારણ કે સિદ્ધહસ્ત લેખક બનવા માટે એ જરૂરી હતું. તે સમયમાં સંતોષીમાના પત્રો આવતા. આવો પત્ર જેને ત્યાં આવે તે બહેને એકાવન, એકવીસ કે અગિયાર પત્રો સંતોષીમાના લખવા એવું તેમાં ભારપૂર્વક જણાવવામાં આવતું. સંતોષીમાના પત્રો લખવાથી ભક્તોને કેવા કેવા તોતિંગ લાભ થયા તે પણ દર્શાવાતું. તેથી બહેનો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક સંતોષીમાતાના પત્રો લખતી લખાવતી. (પ્રૌઢશિક્ષણમાં આ પત્રોનો ઘણો ફાળો છે.)
મારા આડોશપાડોશમાં ઘણી બહેનો એવી હતી કે જે લેખનક્ષમતા ધરાવતી નહોતી. તેમાંની લગભગ બધી જ બહેનો સંતોષીમાતાના પત્રો લખવા માટે મને બોલાવતી. મને લખવાનો મહાવરો થયો તે માટે હું બધાને સંતોષીમાતાના પત્રો લખી આપતો. આ ભક્તિચક્ર ઘણો સમય ચાલ્યું. તેમાં પણ બે ફાયદા હતા. એક તો લખવાનો મહાવરો થાય અને બીજો સંતોષીમા પ્રસન્ન થાય તો આપણે રાતોરાત મૂર્ધન્ય લેખક બની શકીએ. તે સમયમાં કોઈ ડોહાં-ડગરાં ઊકલી ગયાં હોય ત્યારે પોસ્ટકાર્ડના પાછળના ભાગે ‘અશુભ’ લખેલા અધૂરા પત્રો લખવામાં આવતા. જેને ‘મેલો’ કહેવામાં આવતો. આવા મેલા લખવા પણ પડોશીઓ મને બોલાવી જતા. ‘મેલો’ લખવાના મહાવરાથી હું અડોશ-પડોશમાં જાણીતો થયો. ધીમે ધીમે ‘મેલા-માસ્ટર’ બની ગયો. મેલા લખવામાં મેં એવું પ્રભુત્વ જમાવ્યું કે જીવતાં હોય તેના પણ મેલા લખી શકતો. મારા લેખનકૌશલ્યથી પ્રભાવિત થઈને પાડોશીઓ મને લગ્ન-કંકોતરીઓ લખવા પણ બોલાવવા લાગ્યા. તે કાર્ય ખૂબ જ ખંતથી કર્યું. આમ લેખક બનવા માટે વિવિધ પ્રકારનાં લખાણોનો ભરપૂર મહાવરો કર્યો.
આટલું કર્યા પછી એક દિવસ ટૂંકી વાર્તા લખી બાજુમાં રહેતા ગુજરાતીના પ્રાધ્યાપકને બતાવી. પ્રધ્યાપકે વાર્તા વાંચી, પછી છીંકણી સૂંઘીને સોનેરી સલાહ આપી કે માત્ર નામાં કે મેલા લખવાથી લેખક ન બની શકાય. તમારે વિવિધ વિષયોનું ભરપૂર વાંચન કરવું જોઈએ. વાત સો ટચના સોના જેવી હતી. તેથી ત્વરિત અમલ કર્યો અને વાંચન તરફ વળ્યો.
વાચનની શુભ શરૂઆત વિધ્નહર્તા દેવ ગણપતિદાદાના વાંચનથી જ કરવી એવું નક્કી કર્યું. પણ ગણપતિદાદાની પરાક્રમગાથાનાં કોઈ ખાસ પુસ્તકો કે પરચા કે ગણપતિપુરાણ કે ગણપતિગીતો જેવું કશું ગ્રંથસ્થ થયેલું નહોતું. તેથી દૈવી વાંચનથી શરૂઆત કરી. ત્યારે ‘મા બૂટ-ભવાનીના પરચા’ એ પુસ્તિકા ઘરમાં ઉપલબ્ધ હતી. જે એક જ બેઠકે વાંચી કાઢી. ત્યારબાદ બહેન પાસે હતી તે સંતોષીમાની વાર્તા, સોલ સોમવાર, સાકરિયા-ભાખરિયાની વ્રતકથા, પુરુષોત્તમ મહાત્મય, વૈભવલક્ષ્મીમાતાની વ્રતકથા વગેરેનું ખૂબ શ્રદ્ધાપૂર્વક વાંચન કર્યું. આ વાંચનથી મનમાં એટલી તો ચોક્કસ ખાતરી થઈ કે જરૂર કોઈ દેવી-દેવતા તેમની પાસે પડેલા આશીર્વાદના સ્ટોકમાંથી એકાદ આશીર્વાદ આપણને ફાળવશે અને આપણે સફળ લેખક બની શકીશું. લેખક બનવાની ઝુંબેશના ભાગરૂપે સત્યનારાયણ ભગવાનની કથા તો એટલી વાર વાંચી કે જેથી આખી કથા મોઢે થઈ ગઈ. તેમાંથી આડફાયદો એ થયો કે બે-ચાર ઠેકાણે સસ્તામાં કથા-કરવાના ઓર્ડર પણ મળ્યા. આમ લેખક બનતાં પહેલા હું ભગવાન સત્યનારાયણની કૃપાથી ‘વાચક’ બની ગયો. તદુપરાંત મારી શ્રદ્ધા એટલી મજબૂત બની કે ભગવાન સત્યનારાયણ જરૂર આપણું વહાણ તારશે.
આ પ્રમાણે લેખક બનવાના ઉત્કૃષ્ટ ધ્યેયનો લેખન અને વાંચનના એકધારા મહાવરાથી મજબૂત પાયો નાખ્યો. તે દરમિયાન અખબારમાં ચર્ચાપત્રોનો સતત મારો ચલાવતા એક ચર્ચાપત્રી કે જેમને હું ધુરંધર લેખક માનતો હતો. તેમને મેં બે-ચાર લાંબી-ટૂંકી વાર્તાઓ લખીને બતાવી. વાર્તાઓ વાંચીને કશી જ ચર્ચા કર્યા વગર મને વિના-મૂલ્યે અમૂલ્ય સલાહ આપી, ‘જો લેખક જ બનવું હોય તો અખબારોનું વાંચન અનિવાર્ય છે.’ તેમની વાત સાંભળી મને થયું કે ખરેખર આજ સુધી હું અંધારામાં જ હતો. મેં અખબારોનાં વાંચન પર તો ધ્યાન જ નહોતું આપ્યું. તેમણે મને એક નવી દિશા આપી અને તરત જ મેં એમની સલાહ અમલમાં મૂકી. (અક્કલ મઠ્ઠાઓનું એક મુખ્ય લક્ષણ એ છે કે તે સલાહનો તરત જ અમલ કરે છે.)
ઘરમાં અખબાર નહોતું તેથી પડોશીને ત્યાંથી લાવ્યો. તેમણે ગઈકાલનું આપ્યું, છતાં પણ વાંચન શરૂ કર્યું. તે સમયે પ્રથમ પાને અખબારના નામની ડાબી અને જમણી બંને બાજુએ એરોપ્લેન હિંગ તથા હરણ સાબુની જાહેરાતો મૂકવામાં આવતી. ત્યાંથી જ વાંચનની સઘન શરૂઆત કરી. અખબારના નામ નીચે રહેલ તંત્રી મુદ્રક અને પ્રકાશકનું નામ, તારીખ, તિથિ, વાર, અખબારનું પ્રકાશન સ્થળ, અખબારના બહોળા ફેલાવાની સંખ્યા વગેરે બધું જ વાંચ્યું. ત્યાર પછી પ્રથમ પાનાના તમામ સમાચાર, કાર્ટૂન અને રત્નકણિકા વગેરે વાંચ્યું. પછી પાનાં ફેરવતો ગયો અને એરંડાના બજારભાવ, ઊંઝાના જીરૂના ભાવ, રાજકોટ-ગોંડલ-અમરેલીના માર્કેટિંગ યાર્ડના ભાવ, કાળે ઉનાળે શૅરબજારમાં થતા કડાકા, રૂમાં આગ ઝરતી તેજી, આ બધું તલ્લીન થઈને વાંચ્યું, ત્યારે જ ખરેખર ખ્યાલ આવ્યો કે આજ સુધી હું કેટલો અજ્ઞાની હતો. શૅરબજારમાં થતા ભયંકર કડાકા મને આજ સુધી સંભળાયા નહોતા. શૅરબજાર વિશે વાંચ્યા પછી જ ખ્યાલ આવ્યો કે અહીં માણસોને સૌથી વાલી (વહાલી) લેવાલી છે. આમ માત્ર પહેલા જ દિવસે અખબારનું ધ્યાનથી અધ્યયન કરતાં હું જ્ઞાનના મહાસાગરમાં ડૂબી ગયો. આમ છતાં મારા માટે માત્ર આટલું જ પૂરતું નહોતું. મારે તો હજુ ઘણી લાંબી મજલ કાપવાની હતી. મારે લેખક બનવું હતું. તેથી અખબારનો દાણેદાણો ચણી જવો જરૂરી હતો.
તેથી હું મારા વાંચનધ્યેયમાં આગળ વધ્યો. ત્યારબાદ ‘ટેન્ડર નોટિસ’, ‘જાહેર નિવિદા’, ‘અમારો કુપુત્ર (સૉરી ! સુપુત્ર ) કહ્યામાં નથી’, ‘વીજળીકાપની જી.ઈ.બીની જાહેરાત’, ‘એસ.ટીનો ભંગાર વેચવાની જાહેરાત’, ‘ લગ્નગ્રંથિથી જોડાયાં છીએ.’, ‘અમે અટક બદલી છે.’ વગેરે બાબતોનો ઝીણી નજરે અભ્યાસ કર્યો. ત્યારે જ ખબર પડી કે આ દુનિયામાં રોજ-રોજ, કેટકેટલું નવું અને ન બનવાનું બની રહ્યું છે. સરકારી જાહેરાતોને અંગે સચિવોનાં નામ નીચે કૌંસમાં લખેલા ‘આઈ.એ.એસ.’ વાંચ્યા પછી જ ‘આઈ.એ.એસ’ અને ‘આઈ.એસ.આઈ.’ વચ્ચેનો ભેદ સમજાયો કે આઈ.એ.એસ એ સજીવની પરીક્ષાનું સર્ટિફિકેટ છે. જ્યારે આઈ.એસ.આઈ નિર્જીવની પરીક્ષાનું સર્ટિફિકેટ છે. ત્યાંથી આગળ વધીને વાચકોના પત્રો વાંચ્યા. ‘આપની આજ’, ‘શહેરની હલચલ’, ‘ભજનના કાર્યક્રમો’, ‘રેલ્વે આરક્ષણની વિગતો’, ‘દૂરદર્શનના કાર્યક્રમો’, વગેરે વાંચ્યું. છાપામાં છપાયેલા ફોટોગ્રાફ્સ, તેની વિગતો, ફોટોગ્રાફરોનાં નામ વગેરે રસપૂર્વક વાંચ્યાં. છેલ્લે પાને શ્રદ્ધાંજલિ, બેસણા અને ઊઠમણાની જાહેરાતો વાંચી. જેમાંથી ‘જીવન એવું જીવી ગયા…’ જેવી પ્રેરણાત્મક કાવ્યકણિકાઓ પ્રાપ્ત થઈ.
આવી રીતે જ્ઞાનસમૃદ્ધ થઈ, હું મારી વાર્તાઓ લઈ મારા મિત્રના એક નવલકથાકાર મિત્ર કે જેમણે દશેક નવલકથાઓ લખી હતી, પણ તેમાંથી હજુ સુધી એક પણ પ્રગટ થઈ શકી નહોતી, તેમને મારી ટૂંકી વાર્તાઓ બતાવી. તેમણે વાંચ્યા વગર જ મોં ચડાવીને કહ્યું : ‘ટૂંકી વાર્તાઓ તો તોર-તુક્કા છે. કંઈક નવલકથા જેવું લખો તો લેખકમાં ગણાશો, નહિ તો પરચૂરણમાં ખપી જશો.’ વાંચન વિશે મેં એમની સલાહ માગી. એમની સલાહ કોઈએ માગી હોય તેવો તેમનો જીવનમાં કદાચ પહેલો પ્રસંગ હતો. તેથી તેઓ ખૂબ પ્રસન્ન થયા. મને આગ્રહ કરીને ચા પીવડાવી ને પછી મુખવાસ રૂપે સલાહ આપી કે લેખક બનવા માટે અખબારોનું વાંચન તદ્દન નિરર્થક છે. તમારે અખબારો સિવાયનું ઈતર વાંચન કરવું જોઈએ. અખબારના વાંચન વિશેનો તેમનો અભિપ્રાય સાંભળી મને થોડી નિરાશા થઈ છતાં ‘ડગલું ભર્યું કે ના હઠવું….’ ને જીવનમંત્ર બનાવી ઈતર વાચન તરફ વળ્યો.
હવે ફિલૉસૉફરોએ ઝાટકેલી, કશું ન સમજાય તેવી ફિલસૂફીનાં પુસ્તકો વાંચવા લાગ્યો. આમ અખબારી મહાસાગરમાંથી નીકળીને પુસ્તકોના પાટે ચડ્યો. ઉપદેશના પુસ્તકો, જીવનચરિત્રો ઉપરાંત ‘ગૃહિણીના ગૃહઉદ્યોગો’, ‘હાર્મોનિયમ માસ્ટર બનો’, ‘મંત્ર, તંત્ર અને ચમત્કારને પડકાર’, ‘પરણ્યા પહેલા અને પરણ્યા પછી’ , ‘નહાવાનો સાબુ ઘેર બેઠાં બનાવો.’ ઉપરાંત ‘સઘળાં દર્દોનો ઈલાજ શિવામ્બુ ચિકિત્સા’ વગેરે પુસ્તકોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. તે દરમિયાન જ અમારા પાડોશમાં રહેતા કુશળ કર્મકાંડી શ્રી મહાશંકર શાસ્ત્રીજી મળ્યા. તેમણે ‘શું ચાલે છે ?’ એવો પ્રશ્ન પૂછતાં મેં મારી વાંચનપ્રવૃત્તિ વિષે જણાવ્યું. મારું લેખક બનવાનું ધ્યેય પણ સ્પષ્ટ કર્યું. મારી વાત સાંભળીને તેમણે મને છલોછલ આત્મવિશ્વાસથી માર્ગદર્શન આપ્યું. બસ ‘શ્રવણ કરો’. આજે આપણી આજુબાજુ અનેક સ્થળોએ કથારૂપી જ્ઞાનગંગોત્રીઓ વહી રહી છે. તેમનું પરિક્ષિત માફક શ્રવણ કરો. માતા સરસ્વતી આપોઆપ કૃપા કરશે.
એમની વાત સાંભળી હું વિસ્મય પામ્યો. કારણકે શ્રવણનું તો સાવ વિસ્મરણ થઈ ગયું હતું. તત્કાળ મુગ્ધ શ્રોતા બની જુદા જુદા જ્ઞાન-રસનું પાન કરવું એવો નિર્ધાર કર્યો. ‘કથાની સિઝન’ હોવાથી ઘણી જગ્યાએ રામાયણનું પારાયણ અને શ્રીમદ ભાગવતની સપ્તાહ ચાલતી હતી. ચિત્રવિચિત્ર સત્સંગ સાંભળ્યા. નેતાઓના ભાષણો પણ સાંભળ્યાં. કેટલીક કુમારી સાધ્વીઓના મુખેથી કથળેલા ઘરસંસાર રિપૅરિંગના પ્રેરક પ્રવચનો સાંભળ્યાં.
આમ આ જગતમાં લેખન, વાંચન અને શ્રવણ દ્વારા જ્યાંથી જ્યારે અને જેટલું મળે તેટલું વધુમાં વધુ જ્ઞાન મેળવી, લેખન-વાંચનનો મજબૂત મહાવરો કરી, ફરીથી પાંચ-સાંત ટૂંકી વાર્તાઓ લખી. હવે હું પરિક્ષિતની માફક જ્ઞાનથી પરિપક્વ બન્યો છું. એવું મને લાગ્યું. તેથી વાર્તાઓ સીધી જ એક સામાયિકના તંત્રીને મોકલી. તેમણે મારી ટૂંકી વાર્તાઓ વાંચી. પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, ‘તમારી વાર્તાઓ વાંચીને મને ખરેખર ખૂબ હસવું આવ્યું. તમારી હાસ્યકથાઓ સારી છે. હમણાં અમારા એક નિયમિત હાસ્યલેખક બીમાર છે તેથી એક-બે અંકમાં તેઓ લખી શકશે નહિ. તેથી તેમના હાસ્યલેખોના સ્થાને તમારી હાસ્યવાર્તાઓ પસંદ કરી છે.’ પ્રત્યુત્તર વાંચીને હું ગંભીરાતિગંભીર થઈ ગયો. હાસ્ય વિશેનું કશું જ વાચ્યું-લખ્યું ન હોવા છતાં હાસ્યરસ ક્યાંથી પ્રગટ્યો ? આ ઉકેલ શોધવા હું ઘણું મથ્યો છતાં ભેદ પામી શક્યો નથી. આમ છતાં ટૂંકી વાર્તાઓનું લેખનકાર્ય ચાલુ છે. તેમાંથી ક્યો રસ પ્રગટશે એ તો ભગવાન જાણે !

અમારી ભોજનચર્યા


અમે બોર્ડિંગમાં રહીને ભણતા (?) એ વખતની આ ભોજનકથા છે. પણ એ જમાનાની બોર્ડિંગ એટલે શું એ જાણવું જરૂરી છે. તો જ ભોજનચર્યાનો સાચો આસ્વાદ માણી શકાય. તે વખતે અમારી બોર્ડિંગમાં છ માસ રહેવા જમવા માટે ફકત અઢીસો રૂપિયા જ લેવામાં આવતા. વિદ્યાર્થીઓમાંથી કોઈના પિતાજીને ઘેર કાર નહોતી. અમારામાંથી મોટા ભાગના પ્રાથમિક શાળાના માસ્તરના કે એવી પાતળી આવક ધરાવનારા પિતાનાં સંતાનો હતાં. ઘરેથી દરેકને હાથખર્ચ માટે પચાસ સાઠ, કોઈકને વળી સો રૂપિયા જેવી બાંધી રકમ વાપરવા માટે મળતી, જે બાપાઓને ખૂબ મોટી અને અમને ખૂબ ઓછી લાગતી. તેમાં વધારો મંજૂર કરાવવો તે લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. તેથી જ કડકાઈ સાથે અમારે કાયમી નાતો હતો. અડધી ચા પીવા માટે પણ ઉછી-ઉધારા કરવા પડતા. એ બોર્ડિંગ કે હૉસ્ટેલ એટલે આજના જેવી સંપૂર્ણ સગવડોવાળી નહિ પણ લગભગ સંપૂર્ણ અગવડોવાળી બોર્ડિંગ.
આ બોર્ડિંગમાં દિનચર્યામાં કેન્દ્રસ્થાને ભોજન રહેતું. વચ્ચે એક આડવાત – એક વખત એક વિદ્યાર્થીના પિતાજી આવ્યા. તે આયુર્વેદના જાણકાર. તેથી અમો બધા બેઠા ને તેમણે અમને ‘ભૂખ કઈ રીતે જગાડવી’, ‘હોજરી કઈ રીતે પ્રદીપ્ત કરવી’ એવી વાતો વિગતે સમજાવી. પણ અમારી સમસ્યા સાવ જુદી જ હતી. તેથી વાતને અંતે હું જ બોલ્યો કે હોજરી તો પ્રદીપ્ત થાય, પણ પછી ખાવું શું ? અમારે તો જઠરાગ્નિ પ્રદીપ્ત કરવાની નહિ, બુઝાવવાના ઉપાયની જરૂર હતી. જો કોઈ સારું ખાવાનું (ખાધેબલ) આપે તો હોજરીની તો ગમે ત્યારે ‘હા’ જ હતી. હોજરી તો ચોવીસ કલાક પ્રદીપ્ત રહેતી ને જઠરાગ્નિ તો કોઈ અવધૂત જોગીના ધૂણાની જેમ દિવસ-રાત ભડકે બળતો. મહંમદ બેગડાની જેમ દિવસ-રાતના કોઈ પણ સમયે ખાઈ લેવા માટે અમે તૈયાર અને શક્તિમાન હતા. ‘ખાધું પ્રભુ પચાવે છે.’ એ ભક્તિસૂત્રમાં મને એકસોને દશ ટકા દઢ વિશ્વાસ હતો. ‘અપચો’ શબ્દ અમારા શબ્દકોશમાં જ નહોતો.
અમારી ભોજનચર્યા કંઈક આવી હતી. સવારે ઊઠીને નાહીધોઈ લીધા પછી સાત વાગ્યે અમને ચા આપવામાં આવતી. અમારી એ ચા ખરેખર ‘ચા-પાણી’ હતી જેમ પૃથ્વી પર લગભગ એકોતર ટકા વિસ્તારમાં પાણી છે એવું જ અમારી ચામાં હતું. ચામાં ‘ચા’ (ચાની ભૂકી) જ ઓછી પડતી. તેથી ચાનો રંગ લોહીના ટકા ઘટી ગયેલા મનુષ્ય જેવો ફિક્કો રહેતો. આ ચાને ‘ચા’નું સ્વરૂપ આપવા માટે ત્રણ-ચાર મિત્રો સાથે મળી જૂથ બનાવી, ભાગીદારીમાં ચા-ખાંડ ખરીદી લાવતા. પછી પોતાના હિસ્સે આવેલી ચામાં ઘરની ચા અને ખાંડ ઉમેરી સગડી પર ફરીથી ગરમ કરી કડક ચા બનાવતા. જેને અમે ‘અમીરી ચા’ કહેતા. આ ચાની સાથે ખાવા માટે ભાખરી મળતી, પણ સાંજની. જે ભાખરી સાંજે ગરમાગરમ બની હોય ત્યારે પણ ખાઈ ન શકાય એવા મજબૂત બંધારણ વાળી ભાખરીને અમે છેક બીજે દિવસે સવારે પણ શેકીને ચા સાથે ખાઈ જતા. તે વખતે અમારી બોર્ડિંગમાં રસોડું નીચે જ હતું. ઘણી વાર બોર્ડિંગનો મુખ્ય દરવાજો ખુલ્લો હોય ત્યારે બકરાં કે કૂતરાં ઘૂસી જતાં. ઘણી વાર રસોડું પણ ખુલ્લું હોય પણ ક્યારેય કોઈ બકરું કે કૂતરું અમારી ભાખરી ઉપાડી ગયાનો દાખલો નથી, જો કોઈ નવું કે અજાણ્યું કૂતરું-બકરું હોય તો સાહસ કરે ખરું. આવું કોઈ કૂતરું-બકરું ભાખરી લઈને ભાગી જતું હોય તો અમે તેના મુખમાંથી ભાખરી છોડાવવાનો પ્રયત્ન ન કરતા. સૌ કહેતા કે ‘નવું લાગે છે. અજાણ્યું લાગે છે.’ જો ભૂલેચૂકે તે પ્રાણી અમારી ભાખરી ખાઈ ગયું તો ફરી દેખાતું નહિ. માત્ર અમે જ એવા હતા કે એ જ કઠોર ભાખરીઓ ખાઈને પણ સાજા-તાજા રહેતા.
હવે સીધા જ બપોરના ભોજન પર આવીએ તો અમારું બપોરનું મેનું હતું. ‘દાળ, ભાત, શાક, રોટલી, છાશ.’ એમ તો અમારી ભોજનશાળાની બહારની દીવાલ પર દૈનિક ભોજનની સવાર-સાંજની વાનગી દર્શાવતું મોટું ઝળહળતું બોર્ડ મારેલું હતું. જો કોઈ અજાણ્યો માનવી આ વાનગીઓ વાંચે તો ભોજન બાબતે તો અમને ભાગ્યશાળી જ સમજે એવું સાડીના સેલના બોર્ડ જેવું લોભામણું બોર્ડ હતું. બપોરે અમે જમવા બેસીએ ને તવા પરથી જે ગરમાગરમ રોટલી ઊતરે તે ઊતર્યા પછીની વધુમાં વધુ પાંચ મિનિટમાં ખાઈ જવી પડતી. જો રોટલી ઠંડી થઈ જાય, ઠરી જાય તો અનબ્રેકેબલ બની જતી. તેથી જ ગરમાગરમ રોટલી માટે બૂમાબૂમ થતી. અમારી રોટલી, ભાખરી કે પૂરીના મજબૂત બંધારણનો એક કિસ્સો – એક વાર સાંજે ભોજનમાં પૂરી બનાવવામાં આવી. તે પૂરી મોડી રાત્રે નાસ્તો કરવામાં ખપ લાગે તે માટે અમે ચોરી લીધેલી. રાત્રે બે વાગ્યે તે ચોરેલી પૂરીઓનો ચા અને નાસ્તો પણ કરેલો. પણ કોઈક અવળચંડાએ વધેલી એકાદ પૂરી બારીએથી બહાર ગલીમાં ફેંકી દીધી. બરાબર બીજે દિવસે સવારે આઠ વાગ્યે અમારી બોર્ડિંગના સંચાલક મંડળના પ્રમુખ જે પોતે પણ આ બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા, તે નીકળ્યા. તેમની નજરે પૂરી ચડી. તરત જ તેમણે સ્કૂટર થોભાવી તે પૂરી લીધી. પૂરી બે હાથે ખેંચી, તાણી પણ તૂટી નહિ તેથી તેને ખાતરી થઈ ગઈ કે આ પૂરી બોર્ડિંગની જ છે અને ઉપરની આઠ નંબરની રૂમની બારીએથી જ ફેંકાણી છે. આ મુદ્દે તેમણે ‘રો’ ના જાસૂસની જેમ ઈન્વેસ્ટિગેશન કરી, પૂરી ચોરીનો આખો કેસ પ્રકાશમાં લાવ્યા. પૂરી ચોરવાના મુદ્દે અમને કડક નોટિસો મળી. નોટિસોમાં એવું લખાણ હતું કે, ‘આ રીતે પડેલી પૂરી કોઈ જુએ તો (કદાચ તોડે તો) બોર્ડિંગની પ્રતિષ્ઠા શું ? જેના જવાબમાં અમે ફુલસ્કેપનાં બબ્બે પાનાં ભરાય એવાં માફીપત્રો લખી આપેલ.
રસોઈયા પણ વારંવાર બદલાતા રહેતા. કારણ કે તેઓ જાતે ટિફિન ભરીને ટિફિનમાં જરૂર કરતાંય ઘણી વધારે રોટલી ઘરે લઈ જતા. પણ ઘરે જઈને તેઓ રોટલી ખાઈ શકતા નહિ. તેથી નોકરી છોડી દેતા. કારણ કે માત્ર લોટ અને પાણી જેવા નિર્દોષ પદાર્થોમાંથી જ અમારી રોટલીનો દેહ ઘડાતો. મોણને એમાં ક્યાંય સ્થાન નહોતું. મોણ વળી શું ? રોટલી કે ભાખરીમાં મોણ નાખવું પડે તેની ખબર તો અમને વરસો વીત્યાં પછી પડી. ભોજનમાં દાળ પણ દરરોજ બનતી પણ દાળમાં નાખેલા સ્વાદવર્ધક પદાર્થો વિરોધ પક્ષની જેમ નોખા તરી વળતા ને ધીમે-ધીમે છેક તળિયે બેસી જતા. પછી દાળ સ્વરૂપે માત્ર આછી પાતળી કલરવાળી મરચાની ભૂકીને કારણે સહેજ લાલાશ પડતી દેખાતી. પ્રવાહી જ તપેલામાં તરતું. તેથી દાળ પીરસનારાએ મહાસાગરના તળિયેથી મરજીવાઓ જેમ સાચાં મોતી કાઢવાનો પ્રયત્ન કરે તેમ ડોયો વારંવાર તળિયા સુધી લંબાવી દાળને ગોળ ગોળ ફેરવી, તળિયે પડેલા સ્વાદવર્ધક પદાર્થોને ડોયામાં પકડવાનો પ્રયત્ન કરવો પડતો. પણ ચાળીસ વિદ્યાર્થીઓ માટે બનેલી દાળના મહાસાગરમાંથી અતિ લઘુમતી સ્વરૂપે રહેલા આ ચંચળ પદાર્થો પકડી શકતા નહિ. આમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ ઠંડી થઈ ગયેલી આ દાળને પોતાની ખાનગી તપેલીમાં ભરી, રસોડામાં ભઠ્ઠા પર ગરમ કરી, બબ્બે તપેલી દાળ પી જતા. આજે પણ અમારા મિત્રોમાં કહેવાય છે કે જેટલા જેટલાએ આ દાળ પીધી તે તમામને રાજ્ય સરકારમાં ઉચ્ચ હોદા પર ઑફિસર તરીકે બિરાજે છે. શાક લગભગ બાફેલું જ રહેતું. તેમાં પણ તેલ-મસાલા જેવા તામસિક પદાર્થોને કોઈ સ્થાન નહોતું. ટૂંકમાં અમારું ભોજન સંતો જેવું (પહેલાન) હતું. તેથી અમને અસંતોષ રહેતો.
દર રવિવારે જ્યારે અમારા બોર્ડિંગ સંચાલકોની મીટિંગ થતી અને તેલમસાલા વગરના માત્ર બાફેલા શાક વિશે અમે ફરિયાદ કરતા ત્યારે તેઓ વિસ્તારપૂર્વક બાફેલું ખાવાના ફાયદા વૈજ્ઞાનિક ધોરણે સમજાવી તેમાં શિખામણનો છંટકાવ કરી અમને ટાળી દેતા. અમારી ફરિયાદોમાં દાળમાંથી વંદો નીકળવો, રોટલી ન તૂટવી, ભાત સિમેન્ટના ચોસલા જેવા હોય વગેરે રહેતી. ત્યારે અમારા એક બુદ્ધિજીવી ગણાતા ટ્રસ્ટી અમારી ફરિયાદને મનોવૈજ્ઞાનિક ઢબે ટાળવા શાંત સ્વરે કહેતા કે, ‘ભગો, જુઓ આજે મારે ઘરે પણ દાળમાંથી વાળ નીકળ્યો હતો બોલો ?’ ત્યારે અમારા એક આખાબોલાએ કીધેલું કે, ‘તો પછી તમેય અહીં આવતા રહો ત્યાં શું કામ પડ્યા છો.’ તે આખાબોલાને શિસ્તભંગની નોટિસ મળેલી પણ પેલા બુદ્ધિજીવીએ ત્યાર પછી પોતાના મનોવૈજ્ઞાનિક મંત્રનો ત્યાગ કરેલો. ભાત સિમેન્ટના ચોસલાની જેમ જામેલા અને કાયમ કાચા રહેતા. આ ચોસલું થાળીમાં લઈ તેના પર દાળ નાખતા ત્યારે ‘પથ્થર પર પાણી’ જેવી હાલત થતી. આ દાળ અને ભાતને યુગોથી બાપે માર્યાં વેર હોય એવું લાગતું. ટૂંકમાં ભાતને પલાળીને પોચા બનાવી દેવાની દાળની દાળ ગળતી નહિ. તેઓ મિક્સ થવા માગતા નહિ ને અમે તેને મિક્સ કર્યા વગર છોડતા નહિ. ટૂંકમાં અમારાં દાળભાતને ભેગાં કરવાં એ ભાજપ અને ડાબેરીઓને ભેગા કરીને સરકાર રચવા જેવું અઘરું કામ હતું.
અમે એક હાથેથી સામે છેડેથી થાળીને ઊંચી પકડી રાખતા ને નીચાણવાળા ભાગમાં દાળ સ્વરૂપે એકઠાં થયેલા પ્રવાહીમાં પરાણે ભાતને ચાર આંગળા વડે નિર્દયપણે છૂંદીને મિક્સ કરતા. એમાં પણ થોડી મરચાની ભૂકી છાંટતા. જેથી તીખાશ પકડે. અમને દાળભાતમાં નાખવા માટે લીંબુ કે દહીં એવું કશું મળતું નહિ. ત્યારે કોઈક વિદ્યાર્થી પોતાના ખર્ચે લીંબુ લાવતો ત્યારે બીજા પણ કહેતા કે થોડું મને દે જે, બે ટીપાં પડે એટલું મને દેજે. આમ, એક લીંબુનું અડધું ફાડિયું ચાર-પાંચ જણ નિચોવતા, લીંબુનું છોતરું એકના હાથમાંથી બીજાના હાથમાં જાય ત્યારે દર વખતે તે જોતાં એવું લાગતું કે હવે આમાંથી કાંઈ નીકળશે નહિ. પણ એ નિચોવાયેલા લીંબુને સ્વીકારનારા દરેક વિદ્યાર્થી ‘જોર લગા કે હેઈસા’ કરીને તેમાંથી બબ્બે ટીપાં રસને તો કાઢતો જ. ‘ચિચોડો’ કહેવાતા અમારા એક મિત્રને તો લીંબુનું છોતરું છેલ્લે જ આપવામાં આવતું. આ ‘ચિચોડો’ ઉપનામધારી મિત્રને કુદરતે એવી શક્તિ આપી હતી કે તે પથ્થર નિચોવે તો પણ તેમાંથી રસ કાઢી શકે. ચિચોડો ‘બજરંગબલી કી જય’ બોલીને ગોઠણભેર થઈને, દાંત કચકચાવીને મકરધ્વજની જેમ લીંબુ પર એવું ભયંકર દબાણ કરતો કે ખલ્લાસ થઈ ગયેલા છોતરામાંથી આઠ-દશ ટીપાં રસ નીકળતો. પછી કોઈની તાકાત નહોતી કે તેમાંથી એક ટીપું પણ કાઢી શકે. આ મિત્રના હાથમાંથી લીંબુ નીકળી ગયા પછી સૌ કહેતા બસ હવે ચિચોડામાં આવી ગયું. હવે એમાં કાંઈ ન હોય. આમ ચિચોડાના હાથમાંથી પસાર થયા પછી લીંબુ ખરેખર છોતરું બની જતું.
સાંજના ભોજનમાં ભાખરી, ખીચડી, કઢી અને શાક રહેતાં. આમાં જે દિવસે સેવ-ટામેટાનું શાક બનતું તે દિવસે રંગ રહી જતો. એનો અર્થ એવો નથી કે સેવટામેટાનું શાક ખૂબ સ્વાદિષ્ટ બનતું. સેવટામેટાનું શાક એટલે ખરેખર તો સેવટામેટાની દાળ જ જોઈ લ્યો. ચાળીસ જણ માટે તપેલું ભરીને બનેલા શાકમાં જેમ પેસિફિક મહાસાગરમાં પચાસેક માછલીઓ તરતી હોય તેમ ટામેટાના સાત-આઠ ટુકડા તરતા હોય. રડી-ખડી સેવ તરતી હોય. કારણ કે શાક માટે સેવ પચાસ ગ્રામ જ મંગાવવામાં આવતી. શાકમાં સેવ અને ટામેટા અતિ અલ્પ માત્રામાં હોવા છતાં તે શાકનું નામ ‘સેવટામેટાનું શાક’ કહેવાતું. પીરસતી વખતે કોઈ કોઈના વાટકામાં તો માત્ર સેવટામેટાનો ગરમાગરમ સૂપ જ આવતો. સેવ કે ટામેટું તો આવતું જ નહિ. આવી ઘટના બનવાથી એક વિદ્યાર્થી સેવટામેટાના શાકથી છલ્લોછલ્લ ભરેલો કટોરો લઈ ગૃહપતિ સાહેબની ઑફિસમાં ગયો. અમે પણ ભોજન પડતું મૂકી મનોરંજન ખાતર તેની પાછળ ગયા. તેણે સાહેબના ટેબલ પર વાટકો મૂકી પુણ્યપ્રકોપ ઠાલવતા કહ્યું : ‘સાહેબ આમાં માત્ર એક ટમેટું તો બતાવો, એક ટુકડો તો બતાવો.’ સાહેબ ગુસ્સે થયા. પેલાને દોષિત ઠરાવવા કટોરામાં ચમચી ફેરવવા લાગ્યા. પાંચસાત મિનિટ હલાવતા છતાં ન જોવા મળ્યું ટમેટું કે ન જોવા મળી સેવ ! છતાં સાહેબ ગર્જયા. ‘આ બધું કરવાનું કારણ ?’ પેલાએ કહ્યું, ‘આપણા બોર્ડના દૈનિક ટાઈમટેબલ મુજબ આને સેવટામેટાનું શાક કહેવામાં આવે છે. જેમાં સેવ કે ટામેટા શોધ્યાં જડતાં નથી.’ ત્યારે સાહેબે ફરી પેલા વિદ્યાર્થીને તતડાવતા કહ્યું, તને શું ખબર પડે, આપણે શાક માટે ખૂબ સારી ગુણવત્તાવાળાં પાકેલાં ટમેટાં લાવીએ છીએ. આ ટમેટાં ગરમ થતાં, બફાતાં પાણી સાથે એકરસ થઈ જાય છે. ઓગળી જાય છે. હવે પેલા પાસે કોઈ જવાબ નહોતો. આ વિદ્યાર્થીને પણ ‘સેવટામેટાના શાકના મુદ્દે વિદ્યાર્થીઓની ઉશ્કેરણી’ એવી ગંભીર નોટિસ આપવામાં આવી.
આમ છતાં ભગવાન બુદ્ધે કહ્યું છે કે, ‘દુ:ખ છે તો દુ:ખનો ઉપાય પણ છે.’ આવી રીતે માત્ર પ્રવાહી સ્વરૂપે જ્યારે સેવટામેટાનું શાક આપવામાં આવતું ત્યારે અમે એક સાથે ચાર-પાંચ ભાખરી લઈ અને તે ગરમ હોય ત્યાં જ એનો ભૂકો કરી, ચૂરમું બનાવી આ ભાખરિયા ભૂકામાં ટમેટાની અસરથી ખાટા થઈ ગયેલા પાણીમાં મરચાની ભૂકી નાખી, તીખાશ ઉમેરીતે પ્રવાહીને ભૂકામાં રેડી, તેમાં ભાખરી ચોળીને ચાર-પાંચ ભાખરી ખાઈ જતા. ભાખરીના ભૂકા અને ખાટા-તીખા પાણીથી બનેલી આ ખાટસવાદિયા છાપ નવી જ વાનગી અમે આરોગતા. એનો સ્વાદ સ્પષ્ટપણે કહી શકાય એમ નથી. કારણ કે તે વાનગીની તુલના થઈ શકે એવી જગતમાં બીજી કોઈ વાનગી જ નથી. તેની તો અનુભૂતિ જ કરવી પડે, શબ્દોથી વર્ણવી શકાય નહિ. આમ જેને સેવટામેટાનું શાક જ ન કહી શકાય એવા શાકમાં પણ અમે ભરપેટ જમી લેતા. પેલા બબ્બે તપેલી દાળ પીનારા તો દશ-દશ ભાખરી ચોળીને ખાઈ જતા. પછી ગીરના સાવજ ડણકતા હોય એમ કાચા-પોચાના તો હાંજા ગગડી જાય એવા રજવાડી ઓડકાર ખાતા. અમારા ઓડકાર ધ્વનિ (જેનું મહત્વ ત્યારે ‘ૐકાર’થી પણ વિશેષ હતું.) સાંભળનાર ને ભારોભાર ઈર્ષ્યા થાય કે આ આવા ઓડકાર ખાય છે તો તેમનું ભોજન કેવું સ્વાદિષ્ટ હશે ?’ આમ ઓડકાર એ અમારી ભોજનચર્યાની ખૂબી હતી. અમને ભલે કાંઈ ન મળતું પણ ઓડકાર તો બીજાને ઈર્ષ્યા થાય તેવા જ ખાતા. પેલા શ્રદ્ધાસૂત્રમાં અમે ઉમેરો કર્યો હતો કે, ખાધું પ્રભુ પચાવે છે એટલું જ નહિ, ‘કાચું પણ પ્રભુ પચાવે છે.’
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

હોસ્ટેલમાં ખાતા-યોજના


[‘નવનીત સમર્પણ’ દીપોત્સવી વિશેષાંકમાંથી આ હળવો હાસ્યલેખ સાભાર.]
હોસ્ટેલના પ્રાંગણમાં એક નાનકડું રામેશ્વર મહાદેવનું મંદિર હતું. છેવટે ક્યાંયથી ચાનાં નાણાંનો મેળ ન ખાય ત્યારે પ્રભાત રામેશ્વરદાદાનું શરણ લેતો. મંદિરના બારણા પર બહારની બાજુએ નાનકડી દાનપેટી હતી. તેમાં લોકો પાવલી, પચાસ પૈસા, રૂપિયો વગેરે દાન સ્વરૂપે નાખતા. રામેશ્વર દાદાના પરમભક્ત એવા પ્રભાત નામના વિદ્યાર્થીએ દાનપેટીના તાળાની ડુપ્લિકેટ ચાવી બનાવડાવી લીધી હતી. એટલે પ્રભાતને જ્યારે ચાની તલપ લાગે ત્યારે મંદિરે જઈ શિવજીનું ધ્યાન ધરતો ને આજુબાજુ કોઈ છે કે નહિ તેનું પણ ધ્યાન રાખતો. આમ ધ્યાનાવસ્થા દરમિયાન જ તેને ખ્યાલ આવે કે હવે આજુબાજુ કોઈ નથી, મેદાન સાફ છે ત્યારે હૃદય પર પાષાણ મૂકી ભારે હૃદયે અને હળવા હાથે પ્રભુનું સ્મરણ કરતાં કરતાં દાનપેટીનું તાળું ખોલી દિવસ દરમિયાન એકઠા થયેલા દાનનો ‘ઉપાડ’ કરતો. તેની આવી વિશિષ્ટ ધાર્મિક વૃત્તિને કારણે તે એવું માનતો કે આ રીતે ઉપાડ કરેલા ધનથી એકલા-એકલા ચા ન જ પિવાય. એટલે એકાદ-બે મિત્રોને સાથે લઈ જતો. વળી તે રામેશ્વર દાદાની સાક્ષીએ અમને સોગંદ ખવડાવતો કે આ વાત કોઈને કહેવી નહિ. આ રીતે દાન લેવા માટેની તેની ફિલોસોફી અલગ હતી. તે કહેતો, ‘ભગવાનને પૈસાની શી જરૂર ? એ પૈસા તો બાવો-પૂજારી લઈ જશે. તેનો ક્યાં અને કેવો ઉપયોગ કરશે તેની શી ખાતરી ? તેના કરતાં આપણે જ પ્રભુને પ્રાર્થના કરી એ નાણાંનો સદુપયોગ કરીએ તો ગરમાગરમ ચાથી આપણા હૈયા ઠરે એથી રૂડું બીજું શું ?
વળી પૈસાનો ‘ઉપાડ’ કરતાં પહેલાં પ્રભુને હૃદયથી પ્રાર્થના કરતો કે હે ભોળાનાથ, તમે તો પરમપિતા છો, અમે નાના બાળ છીએ. તો પિતાના પૈસા પુત્ર વાપરે તો પિતા હંમેશાં પ્રસન્ન જ થાય, ક્યારેય નારાજ ન થાય. તેમ તમે પણ અમારા પર સદાય પ્રસન્ન રહેજો. વિશેષમાં કહેતો કે હે ચંદ્રમૌલેશ્વર ! હું ભલે નાણાંનો ઉપાડ ચૌર્ય પદ્ધતિથી કરું છતાં આને ચોરી નહિ, લાંબા ગાળાની લોન ગણજો. તમારી કૃપાથી ભણી-ગણીને સારા નોકરી-ધંધે લાગશું પછી આનાથી પાંચ ગણાં નાણાં ભરપાઈ કરી દઈશું. પણ અત્યારે તો આ કડકાઈમાં નછૂટકે… અને ખરેખર ભોળાનાથે એની પ્રાર્થના સાંભળી પણ ખરી. સાંભળ્યું છે કે આજે તે ખૂબ સુખી છે ને સારું કમાય છે. લોન ભરપાઈ કરી કે નહિ તે જાણવા મળ્યું નથી.

આ પ્રભાતને ફક્ત ચાથી જ ન ચાલતું. તેને તો સવારમાં ગરમાગરમ ફાફડા પણ જોઈતા. વધારામાં તેને તેના જેવો ચા અને ફાફડાનો શોખીન જ્ઞાનેશ મળ્યો. જ્ઞાનેશ ઘણો વાચાળ હતો. જ્ઞાનેશ ગમે ત્યાંથી અને ગમે તેની પાસેથી ચા પી લેવામાં પાવરધો હતો. જ્યારે મંદિરની દાનપેટીની ડુપ્લિકેટ ચાવીની શોધ નહોતી થઈ ત્યારે પણ પ્રભાત અને જ્ઞાનેશને ચા અને ફાફડા જોઈતાં જ. ઘરેથી દર મહિને પિતાજી નિશ્ચિત રકમ હાથખર્ચ માટે મોકલતા રહેતા. પણ એ તો ઉછીના લીધા હોય તેની ભરપાઈ કરવામાં જ પૂરી થઈ જતી. ઘટતી પણ ખરી. તેથી જ્ઞાનેશનાં બેંકમાં નહિ પણ ચા-નાસ્તાવાળાને ત્યાં તો ખાતાં હતાં જ. પણ જ્ઞાનેશે એક જગ્યાએ ખોલાવેલું ખાતું બે-ત્રણ મહિના ચાલે ત્યાં દુકાનદારને જ્ઞાન થઈ જતું કે જો આ રીતે ખાતાં ચાલુ રાખશું તો નજીકના ભવિષ્યમાં ફાફડાની સાથે-સાથે જાળા, તવી-તવેથા, કડછા પણ વેચાશે. એટલે પેલો દુકાનદાર નાણાંની કડક ઉઘરાણી કરતો. આમ છતાં વેપારીને તો નાણાંને બદલે કારણો જ મળતાં. પણ જ્ઞાનેશમાં એવી કળા હતી કે ગમે તેવા ગરમ થયેલાને કોઈ પણ જાતનું ઠંડું પાયા વગર ઠંડો પાડી શકતો. તેને ઠંડો પાડવા માટે તે વાણીનાં તમામ કૌશલ્યોનો ઉપયોગ કરતો ઉપરાંત બ્રાહ્મણત્વ પણ આગળ ધરતો. યજ્ઞોપવીત બતાવી પેલાને એવો સધિયારો આપતો કે ‘ધારો કે કદાચ અમે ખાતું ન ભર્યું તોય બ્રાહ્મણના દીકરાએ ખાધું છે ને ! ઢોળાયું તોય ખીચડીમાં ઘી છે ને ! અમે પૈસા ચૂકવીએ કે ન ચૂકવીએ અમને ખવડાવ્યાનું પુણ્ય તો તમારે ખાતે જમા થઈ જ ગયું છે. આ રીતે જ્ઞાનેશે જ્યાં જ્યાં ખાતાં ખોલાવ્યાં તે બધાએ ‘ઢોળાયું તોય ખીચડીમાં ઘી છે ને !’ એમ માનીને જ સંતોષ લેવો પડ્યો હતો.
હા, ત્રણચાર મહિના જ્ઞાનેશ અને પ્રભાતને રસ્તો બદલાવીને ચાલવું પડતું. પણ એમાં શું વાંધો ! એ રસ્તો બદલાવીને ચાલે ત્યાં નવા રસ્તે પણ ક્યાંક ને ક્યાંક રેસ્ટોરાં કે ચા-નાસ્તાની લારી તો હોય જ. આ રીતે હોસ્ટેલની નજીકમાં જ એક શરૂ થઈ. અહીં હોટેલ એટલે ચા-નાસ્તા માટેનું રેસ્ટોરાં જ. પણ રાજકોટમાં તેને હોટેલ જેવો રજવાડી મોભો આપવામાં આવતો. આ હોટેલ શરૂ થવાની છે તેની જ્ઞાનેશને અગાઉથી જ ખબર હતી. એટલે જ અમને તે વહેલી તકે બંધ થવાની છે તેનીય ખબર હતી. જ્ઞાનેશે અગાઉથી જ શેઠ સાથે સારા સંબંધો કેળવી લીધા હતા. હોટેલ શરૂ થવાના આગલા દિવસે જ્ઞાનેશ ત્યાં થોડાં-ઘણાં કામકાજમાં પણ મદદરૂપ થયો. પછી જે દિવસે હોટેલ ખૂલી તે દિવસે જ જ્ઞાનેશનું ખાતું પણ ખૂલ્યું ને ડાયરી રાખી. પછી તો દરરોજ હાઈવે પરના પંજાબી ઢાબામાં ખાટલા પર જેમ સરદારજી પગ પર પગ ચડાવીને જમતા હોય તેમ જ્ઞાનેશ અને પ્રભાત પલાંઠીવાળીને બબ્બે ચા ને પાંચસો-પાંચસો ગ્રામ ફાફડા ખાઈ આવતા. પહેલા અઠવાડિયે તો જે કાંઈ બાકી હતું તે તરત જ બંનેએ પૂરેપૂરું ચૂકવી દીધું. એટલે શેઠને વિશ્વાસ દઢ થયો. આમને પણ એ જ કામ હતું. પછી તો તેઓ બપોર પછી પાંચ વાગ્યે પણ નાસ્તો કરવા પહોંચી જતા. આવીને એવા ભરપૂર ઓડકાર ખાતા કે ઈર્ષ્યાથી અમારો જીવ બળીને રાખ થઈ જતો. ક્યારેક અમને પણ સાથે નાસ્તો કરવા લઈ જતા. (કોના બાપની દિવાળી !) આવું સતત બે મહિના ચાલ્યું. બે મહિના પછી દિવાળી આવી. અને દિવાળી પછી હોટેલ બંધ થઈ તે થઈ. કંઈકેટલીય દિવાળીઓ આવી ને ગઈ, પણ હોટેલ ન ખૂલી. ટૂંકમાં ખાતું ખુલ્લું રહ્યું ને હોટેલ બંધ થઈ ગઈ. અમને પારવાર અફસોસ થયો કે કાશ ! અમે પણ ખાતું ખોલાવ્યું હોત તો. હોટેલ આમ પણ બંધ થવાની છે તેની તો પહેલેથી જ ખબર હતી.
આ ઘટનામાંથી પ્રેરણા લઈ મેં અને મારા મિત્ર છેલશંકર એટલે કે છેલ્લાએ ખાતું ખોલાવવા ‘ખાતા-યોજના’ (વેલેસ્લીની સહાયકારી યોજના જેવી !) અમલમાં મૂકી. આ યોજનાને નક્કરરૂપ આપવા આપણને અને ચા-નાસ્તાવાળાને બેય પક્ષે અનુકૂળ આવે તેવો સજ્જ્ન શોધવા અમે સર્વે કરવા નીકળ્યા. અહીં ‘સજ્જ્ન’ એટલે ‘અમને ઉધાર આપે તે’ એટલી ટૂંકી વ્યાખ્યા જ ધ્યાનમાં લેવી. જોકે અનુકૂળતાનો તો સામેવાળાએ જ વિચાર કરવાનો હતો. અમારા પક્ષે તો બધી જ સાનુકૂળતા હતી. ચાલતાં-ચાલતાં એક ચાની લારીવાળો અમને પ્રથમ દ્રષ્ટિએ જ કંઈક અંશે સજ્જન લાગ્યો. એટલે ત્યાં ખાતા-યોજનાની દરખાસ્ત રજૂ કરવાનું વિચાર્યું. ત્યાં ચા-પીવા ગયા. અમે બંનેએ અડધી-અડધી ચા પીધી પછી ચાવાળા સાથે તે વખતનો ભારતીય રાજકારણનો રાષ્ટ્રીય મુદ્દો ચર્ચાની એરણ પર લીધો. એમ કરતાં કરતાં હજુ વાતને ખાતું ખોલવા તરફ વળાંક આપવા મથતા’તા ત્યાં જ બીજા એક ભાઈએ ચા પીને વિદાય લેતી વખતે કહ્યું : ‘પૈસા કાલે આપી દઈશ.’ આ એક જ વાક્યથી પેલા સજ્જનનું દુર્જનમાં રૂપાંતર થઈ ગયું. તેણે કહ્યું : ‘બાકી બાકી નહિ હોં, પૈસા કાઢ. બાકી તો હું સગા બાપનેય નથી આપતો.’ માત્ર આ નાનકડી ઘટનામાંથી જ બોધ લઈ અમે ત્યાં ખાતા-યોજના રજૂ કરવાનું માંડી વાળ્યું.
ત્યાર બાદ બીજી બે-ત્રણ જગ્યાએ સર્વે કર્યો. તેમાંથી એક ચાવાળો જ્ઞાતિબંધુ જ હતો. એટલે અમને થયું કે આપણી ખાતા-યોજનાનો સૌથી પહેલો લાભ જ્ઞાતિબંધુને જ મળવો જોઈએ. આવા જ્ઞાતિગૌરવથી પ્રેરાઈને તેની સાથે જાત-જાતની ઓળખાણો કાઢી. હવે કદાચ અહીં ખાતું ખૂલી શકશે તેવી આશા બંધાણી. પણ આખી વારતા પૂરી થયા પછી તેણે કહ્યું મારો તો એક પાકો સિદ્ધાંત છે કે સગાસંબંધી કે જ્ઞાતિનું ખાતું રાખવું જ નહિ ને બાકી આપવું જ નહિ, કારણ કે એમાં મનદુ:ખ થાય. બીજો કોઈ હોય તો આપણે તેનો કોલર પકડી શકીએ. પણ આ સગાંસંબંધી કે ન્યાતને શું કરી લેવું ? તેના કરતાં બે ચા મફત ભલે પી જાય, આપણે ગયા ખાતે ગણી લઈએ. જોકે તેણે આવું કહ્યું પણ અમને અડધી ચા પણ નિ:શુલ્ક પીવડાવી નહિ. અહીં માંડ જ્યાં આશા જાગી હતી ત્યાં તે વળી આવો સિદ્ધાંતવાદી નીકળ્યો એટલે તેના સિદ્ધાંત સામે ખાતા-યોજના સફળ ન થઈ. જોકે તે આજ સુધી ટકી રહ્યો તેનું કારણ પણ આ સિદ્ધાંત હતો. બાકી ન્યાયે તો નરસિંહ મહેતાનેય ક્યાં સુખ લેવા દીધું’તું !
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

ગજબની ગંભીરતા !


‘ગંભીરતા ચહેરા પર નહિ પણ કાર્યમાં બતાવવાની ચીજ છે.’ ગંભીરતા વિશેની આ અતિ ગંભીર બાબત ઘણા મહાનુભાવો સમજી શક્યા નથી. તેથી આપણે જ્યાં નથી ઈચ્છતા ત્યાં ભરપૂર ગંભીરતા જોવા મળે છે. અને જ્યાં ઈચ્છીએ છીએ ત્યાં જરાય જોવા મળતી નથી. વળી ગંભીરને ‘જ્ઞાની’ માની લેવો તે આપણું અજ્ઞાન છે. આપણું આવું અજ્ઞાન જ ઘણાને મહાન બનાવી દેતું હોય છે. સમાજમાં જ્ઞાની તરીકે પ્રસ્થાપિત થવા માટે તમે જ્ઞાની હો તેના કરતાં તમે સાંભળનાર – અનુસરનારા અજ્ઞાની હશો તો તમે ‘જ્ઞાની’ તરીકે જલદી ગોઠવાઈ જશો. આવા મહાનુભાવો ગંભીરતાને જ સફળતાની ગુરુચાવી ગણે છે. પણ ‘દરેક તાળામાં એક જ ચાવી લાગુ પડતી નથી.’ એ સીધી સાદી વાત તેઓ સદંતર ભૂલી જાય છે. એટલે જ કવિ કાગે લખ્યું છે કે, ‘અભણ કેવું યાદ રાખે, ભણેલાં ભૂલી જાય.’
ગંભીરતાને તન અને મનથી વરી ચૂકેલા એવા અમારા એક સાહેબ વિદ્યાર્થીઓને ગંભીર બનવા વિશે વારંવાર વ્યાખ્યાનો આપતા. તેમના એક વ્યાખ્યાનમાં તેમણે ગંભીરતાનું મહત્વ સમજાવતાં જણાવેલું કે, ‘મિત્રો, સરદાર એટલા બધા ગંભીર હતા કે જીવનમાં એક વાર પણ હસ્યા નહોતા.’ આ સાંભળીને મને બહુ હસવું આવેલું. જ્યારે બીજા ગંભીર થઈ ગયેલા. વળી આવું વિધાન બેધડક જાહેરમાં કરી શકવા બદલ મેં તેમના વાણીસ્વાતંત્ર્યની મનોમન પ્રશંસા કરેલી. આ રીતે તેઓ બારમા ધોરણના વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાર્થીઓને (આપણે ત્યાં મોટા ભાગના પરીક્ષાર્થીઓ જ હોય છે – વિદ્યાર્થી તો ભાગ્યે જ કોઈ હોય છે !) પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવવા માટે ગંભીર બનવા વિશે તેઓ પ્રચંડ પ્રવચનો આપતા. તેમનાં આવાં પ્રવચનોથી પ્રેરાઈને અતિ ગંભીરતાથી અભ્યાસ કરીને કેટલાક પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપેલી. જેનાં પરિણામ પણ એટલાં જ ગંભીર આવેલાં. એ જ રીતે સાડીઓના શો રૂમમાં સેલ્સમેનની નોકરી કરતો સન્ની પણ સાહેબના ‘જીવનમાં ગંભીર બનવા વિશે’નાં પ્રવચનો સાંભળી ગંભીર બન્યો. પરિણામે તેણે એક મહિનામાં નોકરીથી હાથ ધોઈ નાખવા પડ્યા. ત્યાર પછી નવરાશની પળોમાં આત્મચિંતન દ્વારા જ તેને ખ્યાલ આવ્યો કે નોકરી દરમિયાન ચહેરા પર સતત સ્મિત ફરકાવતા રહેવું એ સેલ્સમેનની ગંભીર જવાબદારી છે. પણ અહીં જુદી લાઈનના એન્જિન સાથે જુદો ડબ્બો જોડાઈ ગયો. પરિણામે રસ્તામાં અણધાર્યું સ્ટેશન આવી ગયું.
‘જીવો અને જીવવા દો’ જેવું જ બીજું સૂત્ર છે ‘હસો અને હસવા દો’, પણ કેટલાકના ચહેરાઓની ગંભીરતા સામેવાળાના હાસ્યને ગળી જાય છે. આવા ગંભીર સિંહોથી (જે હાસ્યનો શિકાર કરે છે !) ભૂલેચૂકે હસાઈ જાય તો તેઓ મનોમન અપરાધભાવ અનુભવે છે. તેઓ ન હસવાની પ્રતિજ્ઞા લઈને બેઠા હોય છે. ગંભીરતા કાજે તેમણે અવતાર ધારણ કર્યો હોય છે. તેથી ‘તેમના જવાથી’ નહીં પણ ‘સભામાં આવવાથી’ વાતાવરણ ગંભીર થઈ જાય છે. શ્રોતાના હોઠના કોઈ ખૂણે ફરકતા સ્મિત પર તેમની ગંભીરતાનું બુલડોઝર નિર્દયતાથી ફરી વળે છે અને સભાઓમાં ધાર્યા બહારની ગંભીરતા છવાઈ જાય છે. તેમના પ્રમુખસ્થાને ગમે તેવી સભાઓ પણ શોકસભામાં ફેરવાઈ જાય છે. તેમના ચહેરાઓ ગંભીરતાનું કાયમી સરનામું છે. ગંભીરતા તેમના ચહેરા પરનું ભૂષણ છે. તેથી તેમણે ચોવીસ કલાક ગંભીરતા ધારણ કરેલી હોય છે. આવા ગંભીરમુખાઓના ચહેરા જોઈને આપણે વિચારવા માંડીએ કે તેઓ શું વિચારતા હશે. પણ ખરેખર તેઓ કશું જ વિચારતા હોતા નથી. છતાં આપણને તેમના ચહેરા પર વિચારોનો જાદુ છવાયો હોવાનો અહેસાસ થાય છે. સ્વપ્નમાં પણ તેઓ હસતા નથી. તેમની ગંભીરતા એટલી ગહન હોય છે કે તેમની પત્ની સાથે સજોડે ફોટો પડાવવા ગયા હોય તો ફોટોગ્રાફર પણ તેમને ‘સ્માઈલ પ્લીઝ’ કહેવાની હિંમત કરી શકતો નથી. તેથી ‘પરિસ્થિતિ તંગ છતાં કાબૂ હેઠળ’ હોય એવી મુખમુદ્રામાં જ તેમના ફોટા ખેંચી લે છે. કારણ કે ફોટોગ્રાફર જાણતો હોય છે કે તાડના ઝાડ પર ફૂલોની અપેક્ષા ન રાખી શકાય. વળી તેઓ પત્ની સાથે પીઝા ખાવા નીકળ્યા હોય છતાં કોઈના બેસણામાં જતા હોય એવો માહોલ રચાય છે. તેથી રસ્તામાં અચાનક મળેલા સગાંસંબંધી પરિસ્થિતિની ગંભીરતા પારખીને પૂછી બેસે છે : ‘કેમ, બાપુજીને સારું ન થયું ?’ ત્યારે પત્નીએ જ ખુલાસો કરવો પડે છે કે અમે ‘પીઝા હટ’માં જઈ રહ્યા છીએ બાપુજી તો હજુ અકબંધ છે.
સરોવરના શાંત જળમાં એકાદ નાની કાંકરી ફેંકો તો તરત જ વમળો સર્જાય. પણ ગંભીરતાને વરેલા મહાનુભાવોને હસાવવા ગમે તેટલા પ્રયત્નોનાં પુષ્પો ફેંકો છતાં તેમના ચહેરા પર હાસ્યની એક રેખા પણ અંકાતી નથી. સામાન્ય રીતે તેઓ કોઈની રમૂજ પર હસતા નથી. ભૂલેચૂકે હાથ પડેલો હાસ્યલેખ પણ ‘મેલો’ વાંચતા હોય એમ વાંચી કાઢે છે. તેના કારણે છેલ્લે સુધી તેને ખબર નથી પડતી કે હમણાં પોતે જ વાંચી કાઢ્યો તે હાસ્યલેખ હતો. એ તો આગળના કોઈ લેખ સાથે સાંધો થઈ ગયો હોય એટલે વંચાઈ ગયો હોય છે. પાછળથી ખબર પડે ત્યારે કહે પણ ખરા કે આમાં હસવા જેવું તો કાંઈ હતું નહીં. પણ હાસ્ય બાબતે સીધો સાદો સિદ્ધાંત એ છે કે ‘તે તમારી અંદર હોય તો જ તમને બહાર દેખાય.’ અહીં સવાલ સૉફ્ટવેરનો છે. અમુકના મગજરૂપી કમ્પ્યૂટરમાં હાસ્યનું સૉફટવેર જ નથી હોતું. આમ છતાં તેમણે હસવું પડે તેવો અણધાર્યો પ્રસંગ આવી ચડે (જે તેમના માટે આપત્તિ ગણાય) ત્યારે જૂના થેલાની જામ થઈ ગયેલી ચેઈન માંડ-માંડ ખૂલે એમ તેનું મોં ખૂલે છે. પણ મહાવરાના અભાવે જે હાસ્ય મુદ્રા કરે છે ત્યારે નજરે જોનારા એવું ધારી લે છે કે જરૂર તેઓ કોઈ હઠીલા દર્દથી પીડાઈ રહ્યા છે. આમ ને આમ આખા કાર્યક્રમની આભારવિધિ થઈ જાય ત્યારે આપણને ખબર પડે કે તેઓ હસવાનો મરણિયો પ્રયાસ કરી રહ્યા હતા. ‘એક મરણિયો સોને ભારે’ તે મુજબ તેમનું હાસ્ય ઘણાને ભારે પડી જાય છે. તેમને ક્યારેય હસતા ન જોયા હોય એવા માનવીઓ તો ‘મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.’ એવું આઘાતજનક આશ્ચર્ય અનુભવે છે.
તેથી જ કહ્યું છે કે ‘હસે તેનું ઘર વસે’ એટલું જ નહીં પણ વસાવેલા ઘરને ટકાવવા માટેય હસવું પડે છે. અલબત્ત ઘરવાળી સામે જ ! નહીં તો હસવાને કારણે ઘર ભાંગેય ખરું. છતાં ઘરવાળીના શબ્દપ્રહારોનો સામનો કરવાનું શ્રેષ્ઠ હથિયાર છે હાસ્ય. અમારા એક મિત્રની એવી ફરિયાદ હતી કે જીજાજી સદા બિન આર્થિક પ્રવૃત્તિમાં જ રચ્યાપચ્યા રહે છે. અર્થોપાર્જન બાબતે જરા પણ ગંભીર નથી. પણ જ્યારે મિત્રની સાથે જ તેના જીજાજીને રૂબરૂ મળવાનું થયું ત્યારે તેના જીજાજીએ કામ અને ફરજ વિશે વાત કરતાં કહ્યું કે ‘સવારના આઠથી રાતના નવ વાગ્યા સુધી બૈરી, છોકરાં, મિત્રો, સગાં-સંબંધી, હરવું-ફરવું, ખાવું-પીવું બધું જ ભૂલી જવાનું. યાદ રાખવાનું એકમાત્ર કામ-ડ્યૂટી. બાકીની હીરોગીરી બધી સાંજના નવ પછી. આપણે તો આ એક જ સિદ્ધાંત !’ જીજાજીને સાંભળ્યા પછી મેં મિત્રને ખાનગીમાં કહ્યું, ‘તારી વાતમાં વજૂદ નથી. તારા જીજાજી તો ફરજનિષ્ઠ માણસ છે. કામ પ્રત્યે પૂરેપૂરા ગંભીર છે.’ ત્યારે મિત્રે આક્રોશથી કહ્યું, ‘એ તો વાતડાહ્યો છે, વાતડાહ્યો ! ક્યાંય મંગાળે મેશ અડવા દેતો નથી. યાદ રાખજે, અઠવાડિયા પછી અહીં નહીં હોય.’ – અને મિત્ર લેશમાત્ર જ્યોતિષ ન જાણતો હોવા છતાં તેની ભવિષ્યવાણી સો ટકા સાચી પડી હતી. આ દુર્ઘટના પરથી કહી શકાય કે ગંભીર દેખાવું અને ગંભીર હોવું એ બે સાવ અલગ બાબતો છે. તે બંને વચ્ચે પાતળી નહીં બહુ જાડી ભેદરેખા છે.
આમ ગંભીરતાને રજૂ કરવી સહેલી અને સસ્તી છે. મોં તંબૂરાછાપ કરીને બેસો એટલે ચહેરા પર આપોઆપ ગંભીરતાનો ગઢ રચાઈ જાય છે. આમાં ખાસ કશું કરવાનું હોતું નથી, બીજાને બોર કરવા સિવાય. આમ કશું જ કર્યા વગર મળે એવી સસ્તી તક મહાનુભાવો તરત ઝડપી લે છે. જ્યારે તમારા શબ્દો સાંભળીને કોઈ ખુશ થાય, મુસ્કુરાય એવું બોલવા માટે ઉચ્ચકક્ષાના બુદ્ધિચાતુર્યની જરૂર પડે છે. એટલે તો હાજરજવાબી માણસો બહુ ઓછા હોય છે. જ્યારે હાજરજવાબી હાથ નાખો ત્યાં મળી આવે છે. હસમુખા હાથવગા હોતા નથી અને ગંભીરમુખાને ગોતવા (શોધવા) જવા પડતા નથી. ગમે ત્યાંથી મળી આવે છે.
એટલે જ બીરબલ, મુલ્લા નસરુદ્દીન, તેનાલીરામ વગેરે પાત્રો અમર થઈ ગયાં છે. જો કે આજકાલ કારણ વગર દાંત કાઢવાની (હસવાની) કલબો શરૂ થઈ ચૂકી છે. જેમાં લોકો અડધો કલાકમાં આખા દિવસનું એકસામટું હસી આવે છે. પછી આખો દિવસ ચિંતા નહીં. જેમ આપણને અમુક જગ્યાએ નથી ફાવતું તેમ હાસ્યને પણ અમુક ચહેરાઓ પર નથી ફાવતું. જે ચહેરા પર હકડેઠઠ્ઠ ગંભીરતા છવાયેલી હોય ત્યાં હાસ્ય ગૂંગળામણ અનુભવે છે. જો ભૂલથી આવી ચડે તો ઝાઝું ટકતું નથી. તરત જ ભાગી છૂટે છે. સામાન્ય માણસોના ચહેરાઓ પર પરિસ્થિતિ પ્રમાણે ભાવ બદલાય છે, પણ ગંભીરસિંહોના ચહેરા પર તો ફિક્સ્ડ રેટની દુકાનની જેમ ‘એક જ ભાવ’ જોવા મળે છે.
ટૂંકમાં ગંભીરતાનો ભાર ગંભીરતાધારક કરતાં બીજાને વધારે લાગે છે. ગંભીરતા ભલે તમારા ચહેરાનું ભૂષણ હોય પણ બીજા માટે પ્રદૂષણ છે. (વિજ્ઞાનની દષ્ટિ હજુ આ પ્રદુષણ સુધી પહોંચી નથી.) તેથી જીવદયા ખાતર મહાત્મા ગાંધીજીએ આવું કંઈક કહ્યું છે કે : ‘તમારા હાસ્યમાં ગંભીરતા હોવી જોઈએ અને ગંભીરતામાં હળવાશ હોવી જોઈએ.’ તેથી જ અતિ ગંભીરતાથી આપેલા ઉપદેશો – શિખામણો લગભગ નિષ્ફળ જાય છે. જ્યારે હસતાં-હસતાં કહેલી ગંભીર વાતો સહેલાઈથી હૃદયમાં ઊતરી જાય છે. તેથી જાહેર જનતાના લાભાર્થે ફરી એક વાર યાદ કરી લઈએ કે ‘ગંભીરતા એ ચહેરા પર નહિ પણ કાર્યમાં બતાવવાની ચીજ છે.’

છાત્રાલયનું પ્રવેશ ફોર્મ


[ શ્રી જનક નાયક દ્વારા સંપાદિત ‘સંવેદન’ સામાયિકમાંથી હાસ્યલેખ સાભાર.]
પ્રવેશફોર્મ પૂરું વાંચ્યું ને હાંજા ગગડી ગયા. મારે તે વર્ષે શહેરના છાત્રાલયમાં ભણવા જવાનું હતું. તેનું ફોર્મ હતું. મૂળભૂત રીતે શહેરમાં રખડવાનો ખૂબ ઉત્સાહ હતો. જેને હું ભણવાના ઉત્સાહરૂપે પ્રગટ કરતો હતો. તેથી હું પ્રવેશફોર્મની કાગડોળે રાહ જોતો હતો. ફોર્મ આવી ગયું. આખું વાંચ્યા પછી બળબળતા વૈશાખમાં ધરતી પર ઢોળાયેલું પાણી વરાળ બનીને ઊડી જાય એવું જ ઉત્સાહનું થયું. ફોર્મના છેલ્લા બે પાનાં ભરીને દર્શાવેલાં ‘બત્રીસ ફરજિયાત નિયમો’એ મારા ઉત્સાહની વરાળ કરી દીધી. હવે તો હું ના પાડું તોય જવાનું જ હતું. કારણ કે ગામમાં તો નવ ધોરણ સુધી ભણતરની સગવડ હતી. એક બાજુ આ રાક્ષસની બત્રીસી જેવા બત્રીસ નિયમો ને બીજી બાજુ હું સાવ કુમળો કિશોર. આજ સુધી કોઈ ફોર્મ કાગળિયા પર આટલી ભયંકર શરતો વાંચેલી નહિ. તેથી પરસેવો વળી ગયો. જે ફોર્મની હું ‘લગ્નની કંકોતરી’ જેવી કલ્પના કરતો હતો તે મારા માટે ‘મેલો’ સાબિત થયું. બત્રીસે બત્રીસ નિયમો તો આજે યાદ નથી. પણ ઘણા બધા યાદ છે.
પ્રથમ નિયમ એવો હતો કે જે વિદ્યાર્થીના ગામમાં વધારે અભ્યાસની સગવડ નહિ હોય તેને જ પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ બેગ, બિસ્તરાં પોતાના લાવવાના રહેશે. આવા નિયમોનો તો કોઈ વાંધો નહોતો પણ સીધા જ હૃદયને સ્પર્શી જાય એવા નહિ, બલ્કે હૃદયને હડદોલો મારી જાય ને ધબકારા વધી જાય એવા નિયમો ઘણા હતા.
તેમાંનો એક નિયમ એ હતો કે વિદ્યાર્થીએ કોઈ પણ ઋતુમાં સવારમાં પાંચ વાગ્યે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના જાગી જવું પડશે. બીજા એકત્રીસને છોડો. હું તો આ એક નિયમ સામે પણ ટકી શકું એમ નહોતો. મહારથી કર્ણની સામે વિદુરજીને લડવા મોકલો તો કેટલું ટકી શકે ? મારી આવી સ્થિતિ હતી. કારણ કે પાંચ વાગ્યે એટલે પાંચ વાગ્યે જ ઊઠી જવાનું હતું. આપણે તો આજ સુધી કલાકોની ગણતરી કરી નહોતી જ્યારે અહીં તો ક્ષણે-ક્ષણની કિંમત હતી. સવારમાં ઊઠવા માટે કોઈ ઋતુબાધ નહોતો. પાંચ એટલે પાંચ જ ! ક્ષણવાર માટે પલાયનવાદ સ્વીકારી ફોર્મ મૂકી દેવાનું કર્યું. ત્યાં નીચે પડકાર ફેંકતો બીજો નિયમ મારી સામે આવીને ઊભો રહ્યો : ‘ઊઠીને દાતણ કર્યા પછી તુરત જ શૌચકર્મ પતાવીને સ્નાન કરવું ફરજિયાત રહેશે.’ આ નિયમથી પણ હું ધ્રુજી ઊઠ્યો. મને થયું કે ધારો કે ઊઠીને દાતણ કર્યા પછી તુરત જ શૌચકર્મ ન પતે તો ? ધારો કે આ ક્રમ આડો-અવળો થઈ જાય તો ! છાત્રાલયમાંથી પ્રવેશ રદ તો ન થાય ને ?
આ બાબતે પત્ર લખીને છાત્રાલયના સંચાલકોને પૂછી જોવાની ઈચ્છા થઈ પણ કદાચ પત્ર લખું ને પ્રવેશ આપનાર સાહેબને થાય કે આ સાલો તો હજુ આવ્યા પહેલા તો નિયમોની સમીક્ષા કરવા માંડ્યો છે, તો પ્રવેશ જ ન આપે. તેથી પૂછવાની હિંમત ન ચાલી. આ નિયમ પર અટકીને કુદરતના ક્રમ વિશે વિચારતો હતો ત્યાં નીચે ત્રીજો નિયમ હતો : ‘સ્નાન પછી એકાગ્રચિત્તે સમૂહ પ્રાર્થના કરવાની રહેશે. આ રીતે પ્રાર્થના કરશે તેને જ સવારનો નાસ્તો આપવામાં આવશે.’ ફરી મુંઝાયો. કારણ કે ઘરે તો સવારમાં સમૂહ પ્રાર્થનાની નહિ પણ સમૂહ નાસ્તાની જ ટેવ હતી. એટલે ઘરે તો જેવું મોંમાંથી દાતણ નીકળે કે નાસ્તો પ્રવેશી જતો. પછી કંઈક ચિત્ત એકાગ્ર થતું. જ્યારે અહીં તો ભૂખ્યા પેટે ચિત્ત એકાગ્ર કરવાનું હતું. વળી પ્રાર્થના કેટલી લાંબી હોય તે કોને ખબર ? એટલો સમય ચિત્ત કઈ રીતે એકાગ્ર કરવું ? મનને કઈ રીતે મારવું ? તેની વિમાસણમાં પડ્યો. યુગો સુધી તપશ્ચર્યા કરનારા ઋષિ-મુનિઓ પણ ચિત્તને એકાગ્ર નથી કરી શક્યા એવા ચંચળ ચિત્તને ઊઠતાંવેત ખીલે બાંધી દેવું તે કાંઈ ખાવાના ખેલ નહોતા. આમ છતાં જો ચિત્ત એકાગ્ર કરવામાં નિષ્ફળ ગયા તો સવારનો નાસ્તો પણ ન મળે. તેથી ચિત્તની એકાગ્રતા વિશે એકાગ્ર ચિત્તે વિચારવા માંડ્યો. ગંગાસતીના ભજનોમાં ‘ચિત્તની વૃત્તિ’ વિશે કંઈક સાંભળેલું તેમાંથી કંઈક માર્ગદર્શન મેળવી લેવા અંગે વિચાર્યું.
ત્યાં તો નાસ્તા પછી સૌથી કઠોર એવો વાંચનનો નિયમ આવીને ઊભો રહ્યો. જે આ પ્રમાણે હતો : ‘નાસ્તા પછી દરરોજ આઠથી દશ ફરજિયાત વાંચનમાં દરેક વિદ્યાર્થીએ ફરજિયાત હાજર રહેવું પડશે.’ આ નિયમમાં ‘ફરજિયાત વાંચન’ એવું સ્પષ્ટ દર્શાવી દીધું હોવા છતાં ‘ફરજિયાત’ ને ફરજિયાત સાબિત કરવા માટે બીજી વાર ફરજિયાત વાપર્યું હતું. આમ તો ઉપર જ મોટા અને કાળા અક્ષરને કુહાડો મારવાનું મન થાય એ રીતે ‘ફરજિયાત નિયમો’ એવું લખ્યું હતું. ઉપર આટલું ભારપૂર્વક ફરજિયાત લખ્યું હોવા છતાં બત્રીસ નિયમોમાં મેં ગણી જોયું કે સડસઠ વાર ફરજિયાત શબ્દનો ઉપયોગ કર્યો હતો. જો કે આ આપણા રાષ્ટ્રની પ્રકૃતિ છે. અહીં ‘ફરજિયાત’ એ ખરેખર ફરજિયાત જ છે એવું દર્શાવવા ફરજિયાત શબ્દને અનેકવાર વાપરવો પડે છે. આમ છતાં પણ ઘણી સરકારી ઑફિસોમાં કે જાહેર સ્થળોએ ફરજિયાત બિચારું રાંક બની બેઠું હોય છે ને લોકો મરજિયાતની મોજ માણતાં હોય છે ! અહીં સંચાલકો ફરજિયાતને જરા પણ મોળું પડવા દેવા માગતા નહોતા. ‘ફરજિયાત વાંચન’ બાબતે ફરી પ્રશ્ન થયો કે ‘ત્યારે લેખન કરવું હોય તો થઈ શકે ખરું ?’ મારા માટે તો બધા જ નિયમો યક્ષપ્રશ્નો હતા. પણ પૂછવા કોને ?
વળી વાંચન વિશે એક વિશેષ નિયમ હતો : ‘એક સાદા આસન પર, દિવાલથી દોઢ ફૂટ દૂર કોઈ પણ પ્રકારનો ટેકો કે આધાર લીધા વિના ટટ્ટાર બેસીને, પલાઠી વાળીને વાંચન કરવું. વાંચતી વખતે સૂવું નહિ કે પગ લાંબા કરવા નહિ.’ લ્યો બોલો ! આપણા જ પગને આપણે લાંબા ય નહિ કરવાના (ટૂંકા કરવાના ?). માત્ર આટલા પરથી આખું તત્વજ્ઞાન થઈ ગયું કે આ છાત્રાલયમાં ‘આપણે’ ખુદ આપણે નથી. ત્યાં આપણે આપણું અસ્તિત્વ નિયમોના ઘૂઘવતા પ્રવાહમાં ઓગાળી નાખવાનું હતું. અસ્તિત્વ મિટાવી નિયમબદ્ધ બનવાનું હતું. ફરી વિચારોના વમળો સર્જાયા કે મકાનોના ટેકા માટે જ દિવાલો બનાવવામાં આવી છે. આમ દિવાલો ટેકા માટે જ બની છે છતાં આપણે તેનો ટેકો નહિ લેવાનો ? જેસલ જાડેજાના ‘હૈડાં હાલોને અંજાર મુંઝાં બેલીડા’વાળા ભજનમાં જાડેજાને કોઈ કહે છે કે ‘ત્રાટા નહિ ઝીલે ભાર મુંઝા બેલીડાં, એવી ભીતું રે હશે તો ભાર ઝીલશે’ આ ભજન અનેકવાર સાંભળેલું. તો શું આ ભજનવાણી મિથ્યા છે ? ટટ્ટાર થવા માટે પણ ઘણીવાર ટેકાની જરૂર પડતી હોય છે. વાડ વિના તો વેલોય ચડતો નથી. આપણે ત્યાં તો આખે આખી સરકાર ટેકે ચાલે છે. જે દેશની સરકાર ટેકે ચાલતી હોય તે દેશ પણ ટેકે ચાલે છે એમ કહી શકાય. તો આપણે કલાક પૂરતો ટેકો શા માટે ન લઈ શકીએ ?
આ રીતે ટેકા અંગે ગડમથલ ચાલતી હતી ત્યાં વધુ એક નિયમ નજરે ચડ્યો, ‘છેક ઉપરની અગાશી પર ચડવું નહિ. પાઈપ પકડીને ઊતરવું નહિ. તથા બારીમાંથી જ્યાં ત્યાં ડોકાં કાઢવા નહિ.’ અહીં સંચાલકો એક સનાતન સત્યને ભૂલી ગયા કે બારી અને ડોકાને આદિઅનાદી કાળથી સંબંધ છે. આજ સુધી જેટલાં ડોકાં કઢાયાં છે તે બારીઓમાંથી જ કઢાયા છે, દિવાલોમાંથી નહિ. ડોકું કાઢવાની જરૂરેય આપણે જ્યાં ત્યાં જોવું હોય ત્યારે જ પડે છે. બાકી સામાન્ય રીતે બારીમાંથી દરરોજ જે દેખાતું હોય તે જ દેખાય છે. તેના માટે ડોકને તકલીફ આપવી પડતી નથી. જૂના રાજરજવાડાના ગઢમાં તો ‘ડોકાબારી’ નામે સ્પેશ્યલ બારીઓ પણ હતી. (‘ચોર દરવાજા’ અને ‘ધક્કાબારી’ઓ પણ હતી.) બસ કે ટ્રેનમાં પણ લોકો બારીએ બેસવા માટે સંઘર્ષ કરે છે. તેનું કારણ એ જ કે જરૂર પડ્યે બારીએથી ડોકિયું કરી શકાય. (સરકારી બસોમાં તો સંકટ સમયની બારી હોય છે જે ઘણીવાર સંકટ સમયે નથી ખૂલતી !) જે બારીમાંથી ડોકાં કાઢવાની મનાઈ ફરમાવવી એ તો 180 અંશ ફરી શકતી ડોક જેવી કુદરતી રચનાનું એટલે કે ખુદ કુદરતનું અપમાન કરવા બરાબર છે. જો ડોક નહિ ફરે તો મનુષ્ય આખો ફરશે… ખેર !
હૉસ્ટેલમાં તો બંને ટાઈમ સમૂહભોજન જ હોય. છતાં ‘જમતી વખતે વાતો ન કરવી’ એવો નિયમ હતો. જો કે આ નિયમ યોગ્ય હતો તે હૉસ્ટેલમાં ગયા પછી ખાતરી થઈ. છાત્રાલયમાં તો જમવાનું બધાને સાથે જ હોય એટલે બધા ભેગા થાય તેથી ત્યારે જ વધારે વાતો થાય. પણ અમારી હૉસ્ટેલની રસોઈ એવી હતી કે જમતી વખતે તમામ શક્તિ ભાખરી, રોટલી, રોટલા કે પૂરી તોડવા અને ચાવવામાં જ લગાડવી પડતી અને ખૂબ ચાવીએ તો જ ગળે ઊતરતી, તેથી વાતોને કોઈ અવકાશ જ નહોતો. ભોજન અને વાતો બંને સાથે થઈ શકે એવું અમારું ભોજન સરળ નહોતું.
આવા તો કંઈ કેટલાય નિયમો હતા. જેમ કે ‘કપડાં દરરોજ ધોઈ નાખવા. વાળ વધારવા નહિ (આપણે વધારીએ છીએ ?) હૉસ્ટેલના ચોગાનમાં લૂંગી કે ગંજી પહેરીને ફરવું નહિ. માથા પર રૂમાલ કે પટ્ટી બાંધવી નહિ. ઊંચા અવાજે બોલવું, હસવું કે બૂમો પાડવી નહિ. ચા, પાન, માવો, બીડી, તમાકુ આદિ વ્યસનો પર સખ્ત પ્રતિબંધ છે. જો કોઈ આવું વ્યસન કરશે તો તેનો તાત્કાલિક અસરથી પ્રવેશ રદ કરવામાં આવશે. ગૃહપતિ સાહેબની રજા સિવાય બહાર જવું નહિ. ગયા હો તો આવવું નહિ.’ આ બધામાં એક અતિ કઠોર નિયમ એ હતો કે ‘વિદ્યાર્થીઓએ એકબીજાને પૈસા ઉછીના આપવા કે લેવા નહિ.’ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આજ સુધી કોઈ માનવી એવો નહિ હોય જેણે જીવનભર કોઈની પાસેથી ઉછીનું ન લીધું હોય. જીવનમાં એક પણ પાપ ન કર્યું હોય તેવો માણસ શોધવો અશક્ય છે. એ જ રીતે આવો માણસ શોધવો પણ અશક્ય છે. અહીં તો પૈસા ઉછીના આપવા તો ઠીક લેવા પર પણ પ્રતિબંધ હતો. નાણા ઉછીના લેવાની જે અદ્દભુત કળા છે તેનું ગળું આ નિયમથી ટૂંપી દેવામાં આવ્યું હતું. ધારો કે હાલમાં નહિ પણ ભવિષ્યમાં ક્યારેક કડકાઈ આવી ગઈ અને પૈસા ઉછીના લેવાની જરૂર પડી ત્યારે જો પૈસા ઉછીના લેવાનો મહાવરો જ ન હોય તો પરિસ્થિતિ શું થાય ? પૈસાદારોએ પણ આ કળા તો શીખવી જ જોઈએ. આ બુનિયાદી તાલીમમાં નિપુણ થવાનો અહીં જ પૂરેપૂરો અવકાશ હતો. તેને ઊગતી જ ડામી દેવામાં આવી હતી. સંચાલકોને અનુભવ નહિ હોય કે માત્ર ઉછીના પૈસા પર જ આખું જીવન ગુજારી શકાય છે, જો આવડત હોય તો ! અહીં જો આ કળાને ભોંમાં ભંડારી દેવામાં આવશે તો ભવિષ્યમાં વિદ્યાર્થી એટલો નમાલો બનશે કે તેના સસરા પાસેથી પણ પૈસા ઉછીના નહિ લઈ શકે. પછી આ દેશનું ભવિષ્ય કેવું હશે ?
વળી આ નિયમમાં પેટા કલમ એવી હતી કે કોઈ દુકાનેથી ઉધાર લેવું નહિ. ચા-નાસ્તાની હોટલે કે પાનના ગલ્લે ખાતા રાખવા નહિ. આ નિયમ તો વિદ્યાર્થીઓ પર વજ્રઘાત સમાન હતો. જે હૉટેલ કે પાનના ગલ્લે પણ ખાતું નહિ ખોલાવી શકે તે બેંકમાં લોન ખાતું કઈ રીતે ખોલાવશે ? આપણા વિદ્યાર્થીઓનું સ્વિસ બેંકમાં ખાતું હોય એવું ઉચ્ચ ધ્યેય હોવું જોઈએ. તેનો એકડો અહીં લારી-ગલ્લા પર ઘૂંટી શકાય એમ હતો. કોઈ પણ લારીગલ્લે ખાતું રખાવવા માટે માણસમાં કેટલી આવડત જોઈએ. ગલ્લાવાળાને આપણે શકમંદ નહિ સદ્ધર લાગવા જોઈએ. આપણા પર વિશ્વાસ મૂકે એવું વાતાવરણ સર્જવું જોઈએ. એકાદ-બે મહિના સુધી તેનું ખાતું નિયમિત ભરપાઈ કરવું જોઈએ. સરવાળે તેને એમ લાગવું જોઈએ કે આવા ગ્રાહકો થકી જ આપણું ભવિષ્ય ઊજળું છે. આ રીતે વિશ્વાસ સંપાદન કર્યા પછી તે જ લારી ગલ્લાવાળાને જામીન રાખી તેની ભલામણથી બીજે પણ ખાતાં ખોલાવી શકાય. આવી રીતે વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્ણ વાતાવરણ પૂરું પાડવામાં આવે તો કેટકેટલી આંતરિક ચેતનાઓનો વિકાસ થઈ શકે તેમ હતો. પણ અહીં તો નિયમો વિદ્યાર્થીઓની ખીલતી શક્તિ સામે કાળમીંઢ ખડકની જેમ ઊભા હતા. વિશેષમાં એવો પણ વિચાર આવ્યો કે જો હું ગૃહપતિ હોઉં તો દર મહિને વિદ્યાર્થીઓને અમુક અમુક વ્યક્તિ પાસેથી પૈસા ઉધાર લાવવાનું, લારી-ગલ્લા પર ખાતાં રાખવાનું એસાઈનમેન્ટ આપત. માત્ર પુસ્તકિયું જ્ઞાન શા કામનું ? અહીંથી બહાર નીકળેલો વિદ્યાર્થી ક્યાંય મુંઝાવો ન જોઈએ. બીજાને મુંઝવણમાં મૂકી દે તેવો હોવો જોઈએ. પણ જીવનમાં જે બાબતો આવશ્યક હતી તેની સંચાલકોએ હળાહળ અવગણના કરી હતી.
આ બધા નિયમો કરતા એક નિયમ જરા જુદો પડતો હતો. જે મને પસંદ પડ્યો. નિયમ હતો : ‘છાત્રાલયમાં રહેતાં વિદ્યાર્થીએ નોકરી કરવી નહિ.’ શરૂઆતમાં તો પ્રશ્ન થયો કે વિદ્યાર્થીઓ નોકરી માટે તો ભણવા આવે છે. તો પણ ‘નોકરી પર પ્રતિબંધ’ પણ આ નિયમ પાછળનું હકારાત્મક પાસું મને ધ્યાનમાં આવ્યું કે કદાચ સંચાલકો હૉસ્ટેલમાં ભણ્યા હશે ત્યારે તેમને સમજાયું હશે કે જો વિદ્યાર્થીઓ અડધો દિવસ ભણશે ને અડધો દિવસ નોકરી કરશે તો અહીં તેનામાં જે ગુણોનો વિકાસ થવો જોઈએ તે થશે નહિ. વિદ્યાર્થી નવરો નહિ પડે તો પછી તેનામાં શહેરના રોડ માપવા, બીજાના પૈસે ફિલ્મ જોવી, રાત્રે મોડે સુધી રખડવું, મોડેથી હૉસ્ટેલનો બંધ દરવાજો કૂદીને અંદર આવવું, ગૃહપતિની નજરથી બચીને મોડું ઉઠવાની વિવિધ કરામતો સર્જવી, શિયાળાની સવારમાં નાહ્યા ન હોવા છતાં નાહ્યા હોય તેવા દેખાવું, અગિયાર વાગ્યાનો સમય હોવા છતાં ચૂપચાપ વહેલાં જમી લેવું, વાંચનના સમય દરમિયાન પલાંઠી વાળીને જ સમ્રાટ નેપોલિયનની જેમ બેઠાં બેઠાં જ ઊંઘ કરી લેવી, પ્રાર્થનામાં બીજાની હાજરી જુદો સ્વર કાઢીને પુરાવવી, ચા-પીવા માટે કોઈની પાછળ લટકી જવું, બીજાના ડબ્બા ખોલીને ચૂપચાપ નાસ્તા કરી લેવા વગેરે કૌશલ્યોનો વિદ્યાર્થી નોકરી કરે તો વિકાસ ન થઈ શકે. તેથી વિદ્યાર્થી જો પૂર્ણ સમય હૉસ્ટેલમાં વિતાવે તો જ આ ગુણોનો વિકાસ થઈ શકે તેમ હતો. તેથી કદાચ પ્રતિબંધ હશે. આ નિયમ મને ખૂબ ગમ્યો. જો આવા નિયમો ન હોય તો ભારત અને અમેરિકામાં ફરક શું ? આપણી સંસ્કૃતિની ઓળખાણ શું ? અહીં તો એકટાણાં કરવાનો વખત આવે તોય નોકરી ન કરવાના દ્રઢ નિશ્ચયને વળગી રહેનારા છે. આ નિયમને કારણે જ આજે હૉસ્ટેલ ખૂબ યાદ આવે છે.
નિયમો આમ તો પૂરા બત્રીસ હતા. દરેક નિયમ વાંચીને મને જે વિચારો આવ્યા તે ગ્રંથસ્થ કરવામાં આવે તો બત્રીસ દળદાર ગ્રંથો તૈયાર થઈ શકે. આવા નિયમોની નાગચૂડમાં ભેરવાઈને પણ હૉસ્ટેલમાં જવાનું તો હતું જ. તેથી ‘ડગલું ભર્યું કે ના હટવું ના હટવું’ (પિતાજી પણ હટવા દે તેમ નહોતા.) તેથી આગળ વધવું જ રહ્યું. તેથી અમારા ઘરમાં આજ સુધી ન થયું હોય તેવા મહાન કાર્યનો જાણે પ્રારંભ થયો. મારી હૉસ્ટેલ-ગમનની તૈયારીઓ થવા લાગી.

ફાળાનો ફૂંફાડો


અમારા સમાજનું વિકાસ મંડળ દર વર્ષે શરદપૂનમના દિવસે સમાજના સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરતું. જેમાં ભોજન સમારંભ, તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ જેવા કાર્યક્રમો રાખવામાં આવતા. સમાજનો વિકાસ થાય, લોકો એકબીજાથી પરિચિત થાય એવા ઉદ્દેશથી વિકાસ મંડળ ચલાવતા. આ રીતે સમાજનું ઋણ અદા કરવાનો અમારો નમ્ર પ્રયાસ હતો. આ રીતે કાર્યક્રમનાં આમંત્રણ કાર્ડ આપવા અમે વિકાસ મંડળના કાર્યકરો પાંચ-સાતના જૂથમાં શરદપૂનમના પંદર દિવસ પહેલાં નીકળતા. સમાજનાં ઘેર ઘેર જઈ રૂબરૂ નિમંત્રણ પાઠવતા. આ કાર્યમાં મને પણ સામેલ કરવામાં આવતો.
આવી રીતે ગયા વર્ષે અમે આમંત્રણ કાર્ડ આપવા એક ફ્લેટમાં ગયા. જેવા અમે ફલેટના બેઠકખંડમાં પ્રવેશ્યા કે તરત જ ઘરના મોવડીભાઈએ અમને આવો… આવો… કહીને ઉષ્માભર્યો આવકાર આપ્યો. ઊભા થઈ પાંચે-પાંચ સાથે હાથ મિલાવ્યા. હું જરા વધુ હસ્યો તેથી મને તો રીતસર ભેટી પડ્યા. કાગબાપુએ ‘એ જી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે’માં જે કંઈ વર્ણવ્યું છે તે અહીં સાક્ષાત્ અનુભવ્યું. અમે ધન્ય થઈ ગયા. ભાઈનો આટલો બધો ભાવ જોઈ કાંઈ ગેરસમજ તો નથી થતી ને ! એવી આશંકાથી મેં કહ્યું : ‘ઓળખાણ પડીને ? અમે વિકાસ મંડળવાળા.’ ત્યાં તો ભાઈ બમણા ભાવવધારા સાથે બોલી ઊઠ્યા, ‘હા, ભાઈ હા ! ઓળખાણ કેમ ન પડે ? આ મુકેશભાઈ, પેલા રક્ષિતભાઈ અને તમે પંડ્યાભાઈ.’ અમને આનંદ થયો.
તેમણે રસોડામાં તેમનાં ધર્મપત્નીને ચા માટે હુકમ કર્યો. અમે ભારપૂર્વક ‘ના’ કહી. તેમણે અમારી ‘ના’નો સવિનય અસ્વીકાર કરતાં કહ્યું, ‘તમે બધા ભાઈઓ અમારે આંગણે ક્યાંથી ! ચા તો પીવી જ પડે’ આટલું કહી તેઓ ‘સમ’ (સોગન) પર આવી ગયા અને ગળું પકડી લીધું (પોતાનું જ). અમે તેમને કાર્યક્રમની વિગત જણાવી આમંત્રણ કાર્ડ આપ્યું અને કહ્યું : ‘શરદપૂનમના સ્નેહમિલનમાં ભૂલ્યા વગર વાડીમાં આવી જજો.’ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરતાં તેમણે કહ્યું : ‘સ્નેહમિલનમાં તો આવવું જ પડેને. આપણી ફરજમાં આવે. તમે બધા સમાજ માટે આટલી દોડા-દોડી કરો છો તો અમારી કોઈ ફરજ ખરી કે નહિ ? નહિ તો અત્યારે કોને ટાઈમ છે આ લમણાઝીંક કરવાનો.’ આ સાંભળી અમારો ઉત્સાહ બેવડાયો નહિ બલકે સીધો જ ચોવડાયો. અમે કહ્યું, ‘હા ભાઈ, થાય એટલું કરીએ બીજું શું ?’ ત્યારે તે બોલ્યા, ‘થાય એટલું એટલે ? આ શું ઓછું છે ? સેવામાં તો લોહી-પાણી એક કરવાં પડે ભાઈ ! આ કાંઈ સહેલું નથી. બાકી પૈસા તો સૌ કમાય છે. પણ સમાજ માટે ઘસાય એ જ સાચા.’ તેમની વાતમાં તેમનાં પત્ની પણ મલકતા મુખે સ્વર પુરાવતાં હતાં. સામે બારીએ બેઠેલા દાદાજી પણ લીલીછમ્મ બીડીની ટેસથી ફૂંક લેતાં લેતાં માથું હલાવી વાતને ટેકો જાહેર કરી રહ્યા હતા. આમ, સમાજસેવાની ભાવના ચરમસીમાએ પહોંચી હતી. વાતાવરણ જીવંત બની ગયું હતું.
પછી અમે વિશેષ વિગતો જણાવતાં કહ્યું : ‘આ સ્નેહમિલન માટે જે કાંઈ ફાળો લખાવવો હોય તે પણ અત્યારે જ…!!’ ‘શું…..ઉ, ફાળો….ઓ !’ ભાઈને 9.8 રિક્ટર સ્કેલનો આંચકો લાગ્યો. ત્યાં તો અમારા ખજાના વગરના ખજાનચીએ તેમના તરફ ફાળાનો ચોપડો લંબાવ્યો. ચોપડાને બદલે ફણીધર નાગ લંબાવ્યો હોય તેમ તે ભાઈ સંકોચાયા. સ્નેહમિલનવાળા અમે બધા હવે તેમને ‘સ્નેહવિલન’ દેખાવા લાગ્યા. બે ઘડી તેમને ધ્રૂજ વછૂટી ગઈ. પછી થોડી વારે કંઈક સ્વસ્થ થયા. ઉત્સાહ તો સાતમે પાતાળ જતો રહ્યો અને બીમાર સ્વરે બોલ્યા, ‘ફાળો તો ત્યાં લખાવી દઈશું.’ મેં કહ્યું, ‘અમારે ખર્ચ પેટે અમુક રકમ એડવાન્સ આપવાની હોય છે એટલે અગાઉથી થોડોક રોકડફાળો થઈ જાય તો સારું પડે.’ ઓરડાના બારણા આડેથી દાદીમા મુંબઈની ટ્રેનનો મુસાફર ખિસ્સાકાતરુને જુએ એમ અમારી સામે જોવા લાગ્યાં. અમે ફાળો લેવા નહિ પણ પ્રાણ લેવા આવ્યા હોઈએ તેવા લાગ્યા. શનિ જેમ જાતક પર વક્ર દષ્ટિ કરે એમ દાદા અમારા પર વક્ર દષ્ટિ કરવા લાગ્યા. આઘાતનાં મોજાં છેક રસોડા સુધી પહોંચ્યાં. મહેમાન આવતાં જ ચૂલે લાપસીનાં આંધણ મુકાય એવા ઉત્સાહથી બહેને ચૂલે ચાની તપેલી ચડાવી હતી તેમાં આંધણ ઊકળતું જ રહ્યું. પણ ચા કે દૂધ ન ભળ્યાં. બહેન રસોડામાંથી પતિદેવ સામે ત્રાટક કરવા લાગ્યાં. તેમને ચિંતા હતી કે પતિદેવ હમણાં જ ફાળામાં બસ્સો રૂપિયાનું આંધણ કરી નાખશે (જો કે અમને તો ખાતરી હતી કે કાગડો રામ નહિ કહે.)
સત્યનારાયણની કથામાં સાધુવાણિયાનું વહાણ ડૂબવાથી લીલાવતી-કલાવતીની જે દશા થાય છે એવી દશા મા-દીકરીની થઈ. તેઓ રસોડું રઝળતું મૂકી બચાવ અર્થે બેઠકખંડમાં ધસી આવ્યાં. ફાળાની ચર્ચા સાંભળીને દાદાના મોઢામાં બીડી એમ ને એમ ઠરી ગઈ ને ઉધરસ ઊપડી. દાદીમાએ ચપટો ભર્યા વગર જ છીંકણીની ડબ્બી બંધ કરી દીધી. આવી નાજુક પરિસ્થિતિ વચ્ચે મેં હિંમત એકઠી કરીને હસતાં મુખે કહ્યું : ‘વડીલ શક્ય હોય તો ફાળો અત્યારે જ લખાવો તો સારું.’ અહીં અમારાં મુખ હસતાં હતાં પણ પ્રયત્ન મરણિયા હતા. ફાળાથી બચવા ભાઈએ અમારી સાથે મોંઘવારી, મકાનભાડા, દવાખાના જેવા કરુણ વિષયોની ચર્ચા આદરી. ચર્ચા કર્યા વગર તો છૂટકો જ નહોતો, છતાં દર ચાર-પાંચ મિનિટે અમે કાર્યકરો એકબીજાને ‘ખો’ આપીને વાતને ફાળા પર લાવતા હતા. પણ હવે તેઓ કોઈ રીતે ‘સમ’ પર આવતા નહોતા. આમ વિષય અને વિષયાંતરની સંતાકૂકડી સતત ચાલુ રહી. ઘડીભર પહેલાં તેમનાં પત્નીએ અમારી સાથે અનેક સગપણો કાઢ્યાં, ઓળખાણો કાઢી તેમના કુટુંબનો એક-એક સભ્ય અમને ક્યાંક ને ક્યાંક સગો થાય છે એવું સાબિત કર્યું હતું. તે પળવારમાં સાવ અજાણ્યાં થઈ ગયાં. હવે પોતે જ ઓળખાણરૂપી ખાણમાંથી બહાર નીકળવા મથવા લાગ્યાં.
ફરીથી અમારા ખજાનચીએ વધુ એક મરણિયો પ્રયાસ કરતાં ફાળાની યાદી બહેનને બતાવી. બહેન જરા ઉસ્તાદ નીકળ્યાં. તેમણે કહ્યું : ‘શરદપૂનમના દિવસે તો અમે બધાં લગભગ બહારગામ જવાનાં છીએ.’ બહેનના જવાબમાં પ્રશ્ન ખડો કરતાં મેં કહ્યું, ‘ભલેને બહારગામ જવાના હો, ફાળો તો સમાજસેવામાં વપરાશે માટે વડીલ જે કોઈ તમારી ઈચ્છા હોય તે….’ જોકે વડીલની એમ જ ઈચ્છા હતી કે અમે ત્યાંથી વહેલી તકે વિદાય લઈએ. પણ લાગણી વ્યક્ત કરી શકતા નહોતા. હવે ચર્ચા માટે અન્ય કોઈ વિષયો બચ્યા નહોતા. એટલે છેલ્લે તો ફાળાનો કરુણ મુદ્દો જ ચર્ચાને એરણે ચડ્યો. તેથી છેલ્લા સંવાદોએ તો ‘જીવને ને જમને વાદ હાલતો હોય’ એવું કરુણ સ્વરૂપ ધારણ કર્યું. પરિસ્થિતિ શેરબજારમાં કડાકા બોલી ગયા હોય એવી થઈ ગઈ. આખું ઘર લગભગ અવાચક થઈ ગયું. અમે તેમના માટે માઠા સમાચાર લઈને આવ્યા હોઈએ તેવા સાબિત થયા. જે આમંત્રણ કાર્ડનો તેમણે લગ્ન કંકોતરીની જેમ સ્વીકાર કર્યો હતો તે તેમને ‘મેલો’ લાગવા માંડ્યું. છેવટે અમારે ભારે હૃદય ને હળવા હાથે વિદાય લેવી પડી. ત્યારે અમને ખ્યાલ આવ્યો કે વિદાયની વેળા કેટલી વસમી હોય છે જે તેમના માટે એટલી જ આનંદદાયક હતી. સમાજનું ઋણ ચૂકવવાનો અમે આ સૌથી કરુણ માર્ગ પસંદ કર્યો છે તેનું અમને ત્યારે ભાન થયું.
આવા કાર્યમાં કાર્યકરો મારો ખાસ આગ્રહ રાખતા તેથી હું મારા વાકચાતુર્ય વિશે ગૌરવ અનુભવતો. પાછળથી અમારા એક અગ્રણીએ જણાવ્યું કે તમને જોઈને લોકોને તરત કંઈક આપવાની ભાવના જાગે છે તેથી સાથે લઈ જઈએ છીએ. આ સાંભળીને હળવો આઘાત લાગ્યો પણ પછી સ્વસ્થ થતાં વિચાર્યું કે ‘જેવી હરિની મરજી. ઈશ્વર આ રીતે આપણી પાસે સમાજસેવા કરાવવા ઈચ્છતો હશે.’ આ રીતે ચોપડો, પેન અને કાર્ડ સાથે અમે બહુરૂપીની જેમ બીજા ઘેર ગયા. તે ઘરવાળા તો અનુભવી હતા. અમને ઓળખતા હતા (જે રીતે ન ઓળખવા જોઈએ એ રીતે.) તેથી જેવા અમે ઘરમાં પ્રવેશ્યા કે બહેન એકલાં જ ! ભાઈ વિશે પૂછતાં જણાવ્યું કે તેઓ બહાર ગયા છે તેથી બહેનને આમંત્રણ કાર્ડ આપ્યું. પછી ફાળા વિશે ચર્ચા કરી. ત્યાં રસોડામાંથી એક વાસણ પડવાનો અવાજ આવ્યો. અમે રસોડા તરફ નજર ખેંચી કે તરત જ બહેન બોલ્યાં, ‘એ તો મીંદડો છે મીંદડો (બિલાડો). હમણાં બહુ હરાડો થઈ ગયો છે.’ પણ અમારો એક બાજનજર કાર્યકર દરેક ઘેર જાય ત્યારે આખા રસોડાનું દર્શન થઈ શકે એવા ‘કિચન પોઈન્ટ’ પર જ બેસે. અહીં તે રહસ્ય પામી ગયેલો. ફરી અમને આંચકો લાગ્યો કે વર્ષમાં એક વાર ફાળાનું નામ પડે ત્યાં માણસ મરીને મીંદડા થઈ જાય તે સમાજનાં વિકાસ મંડળો વિકાસ કેવી રીતે કરી શકે ? ગાયો વગરના ગાયો માટે ફાળો ઊઘરાવી જાય છે. પણ અમારે એવું નહોતું. અહીં તો મંડળ ફાળો કરી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરતું. ઉપરાંત આખા કુટુંબને ભોજનની તક આપતું. જેથી રખેને કોઈને એમ થાય કે ફાળામાં વધુ પૈસા અપાઈ ગયા છે તો વસૂલ કરવાની તક હાથવગી રહેતી.
આમ ઘણી જગ્યાએ અમે કાર્ડ આપીને ‘ફાળો’ શબ્દ ઉચ્ચારીએ કે ઘરધણી છાપું વાંચવા માંડે. ગઈ કાલનું હોય તોય ! પછી છાપામાં મોં રાખીને સ્વબચાવમાં ‘શક્તિ એવી ભક્તિ’ સૂત્ર ફટકારે. પછી ‘એકસો એક’ લખાવે. તે એકસો એકમાં કુલ અગિયાર જણ જમવા આવે. ભોજન સમારંભ વખતે બુફેની લાઈનમાં શાક માર્કેટમાં ખૂંટિયો (આખલો) ઘૂસી જાય એમ વચ્ચે ઘૂસી જાય. વળી માથાદીઠ સાત સાત લાડવાની ‘શક્તિ’ ધરાવતા હોય છતાં તેના પ્રમાણમાં ‘ભક્તિ’ ન હોય. આવી ભક્તિને કારણે અમારા વિકાસ મંડળને ઘણી વાર અશક્તિ આવી જાય છે. અમને થાય કે જો આ રીતે જ ‘શક્તિ એવી ભક્તિ’ ચાલુ રહેશે તો નજીકના ભવિષ્યમાં જ વિકાસ મંડળનો વિનાશ થશે. આમ સરવાળે પરિસ્થિતિ એ આવીને ઊભી રહેતી કે જમણવારનો ખર્ચ કાઢવા માટે મરણિયા પ્રયાસ કરીએ ત્યારે માંડ મંડપ સર્વિસ જોગા થાય.
જ્યારે આ બધાથી વિરુદ્ધ કેટલાકને કાર્ડ આપતાં જ બોલી ઊઠે, ‘લખો આપણા પાંચસો એક !’ આવા ઉત્સાહથી ફાટફાટ થતા દાતા સન્મુખ અમારા એક કટુબોલા કાર્યકરે કહેલું, ‘તમ-તમારે લખાવોને પાંચ હજાર એક, પાંચસોમાં શું ! તમારે તો લખાવવા જ છેને !’ કાર્યકરનાં આવાં સાચાં વચનોથી તે ‘લખાવ દાતા’ને ખોટું લાગેલું. તેમણે સમાજમાં બળાપો વ્યકત કરતાં કહેલું, ‘જે લખાવશે તે ક્યારેક આપશે. લખ્યું વંચાય.’ આમ કેટલાક એવા ઉત્સાહી હોય છે કે જેમની પાસે ઉત્સાહ સિવાય બીજું કાંઈ હોતું નથી. એવા એક ઉત્સાહીએ કહ્યું, ‘લખો અમારા પાંચ હજાર એક.’ જેની સાથેના વહેવારમાં હંમેશાં સામેવાળાએ જ મૂંઝાવું પડે તે મુજબ અમે મૂંઝાયા ને કહ્યું, ‘પણ તમારા પાંચ હજાર એક…..?!’ ઉત્સાહીએ કહ્યું, ‘લખો તમતમારે. રામના નામે પથરા તરે, શું ? આ ફાળો તમારે મોટાઓને બતાવવા થાય કે જુઓ આવા નાના માણસો પાંચ-પાંચ હજાર લખાવે છે માટે તમારે તો પાંચથી ઓછા ચાલે જ નહિ.’ આવી રીતે કેટલાક સમાજ માટે ‘માત્ર ઉદાહરણરૂપ’ બનવા તૈયાર હોય છે. આવાં ઉદાહરણો જૂના ચોપડામાં પણ જોવા મળે છે. તેમાંથી કેટલાક પ્રેરણા લે છે. અમે એક નવી યોજના વિચારેલી જે અમે કાર્ડ આપતા ત્યારે કહેતા કે જો પાંચસો કુટુંબો સમાજ માટે દરરોજ એક રૂપિયો આપે તો વિકાસ મંડળ હજુ વધુ સારાં કાર્યો કરી શકે. આ વાત સાંભળી વડીલો ફાળાનો ચોપડો હળવેથી એક બાજુ હડસેલી એક રૂપિયાવાળી યોજના વિશે ઘણી બધી સલાહ આપતા. અંતે કહેતા, ‘દશેક વર્ષ પહેલાં આવી યોજના શરૂ થઈ હતી જે બંધ થઈ ગઈ.’ ત્યારે અમારો આત્મા બોલી ઊઠતો, ‘બંધ જ થઈ જાયને. ત્યારે પણ એક રૂપિયાને બદલે સલાહો જ મળતી. ભરપૂર પ્રોત્સાહન મળતું પણ જે રૂપિયો જોઈતો હોય તે કોઈ રીતે ન મળતો. આમ મોટા ભાગનાં ઘરો સ્નેહમિલન માટે (-કે જેમાં ભોજન સમારંભ પણ હોય છે) ઉત્સાહ દાખવતાં. પણ ‘ફાળો’ શબ્દ સાંભળીને ફફડાટ વ્યાપી જતો તેથી આવી પરિસ્થિતિમાં દર વર્ષે અમે ‘સ્નેહમિલનનો આ છેલ્લો કાર્યક્રમ છે’ એવું ધારીને નીકળતા- છતાં અમારું વિકાસ મંડળ છેલ્લાં દસ વર્ષથી ભારત સરકારની જેમ ટેકે ટકી રહ્યું છે. એ જ મોટું આશ્ચર્ય છે. તેથી જ પેલો દુહો યાદ આવી જાય છે કે….
કોઈને ખેતર વાડીઓ, કોઈને ગામ ગરાસ;
આકાશી રોજી ઊતરે, નકળંક દેવી દાસ.
આમ, અમારું વિકાસ મંડળ આ રીતે ચાલે છે. ‘ચાલે છે’ એ મહત્વનું છે તેથી જ અમે કારણો શોધવાની કડાકૂટ કરતા નથી.

આઠ આને કિલો આત્મજ્ઞાન


અજ્ઞાનીઓની ચર્ચાનો વિષય ઘણી વાર ‘જ્ઞાન’ હોય છે, કારણ કે પોતે જ્ઞાની છે એવું અજ્ઞાન ઘણા ધરાવે છે. પણ પોતે અલ્પજ્ઞાની અથવા અજ્ઞાની છે એવું જ્ઞાન બહુ ઓછાને હોય છે. આવું જ્ઞાન હોવું તે મારી દષ્ટિએ આત્મજ્ઞાન છે. મારી દષ્ટિ પણ અલગ છે તેથી મારું આત્મજ્ઞાન પણ અલગ હોય તે સ્વાભાવિક છે. આમ જ્ઞાની કરતાં અજ્ઞાની પાસેનું જ્ઞાન સત્યની વધુ નજીક હોય છે. ‘જ્ઞાન જ માનવીને પોતે કેટલો અજ્ઞાની છે તે બતાવી શકે છે.’ આવું કોઈ ચિંતક ક્યાંકથી વાંચીને લખી ગયા છે. આ રીતે જ્ઞાન ક્યારે બોલવું તેના કરતાં ક્યારે ન બોલવું તે બાબત વધુ સારી રીતે શીખવે છે. અજ્ઞાની માણસ વધુ બોલે છે. (અથવા લખે છે. દાખલો તમારી નજર સામે છે.)
જો કે આ તો ફક્ત જ્ઞાનની વાત થઈ, મારું ધ્યેય તો જ્ઞાનથી એક ડગલું આગળ વધીને આત્મજ્ઞાનનું છે. ઉપર જણાવ્યું તેવા અમારા એક જ્ઞાનીસાહેબ વારંવાર કહેતા કે ધ્યેય હંમેશાં ઊંચું રાખો. તેથી ઘણા એટલું ઊંચું ધ્યેય રાખે છે કે તેમને ખુદને જ દેખાતું નથી. સાહેબ કહેતા કે ચંદ્ર પર પહોંચવાનું ધ્યેય રાખો તો તમે અવકાશમાં સહેલાઈથી પહોંચી શકશો, તેથી મેં પણ ઊંચું ‘ચંદ્ર’નું ધ્યેય રાખેલું. રખાય ! ઊંચાં ધ્યેયનાં ક્યાં ભાડાં ભરવા પડે છે ! ચંદ્રનું ધ્યેય રાખ્યું હોવાથી હું અમારા મકાનની દાદર વગરની અગાસી પર જરૂર પહોંચી શક્યો પણ પછી ઊતરી ન શક્યો. કારણ કે નીચા ધ્યેયનો તો વિચાર જ નહોતો કરેલો. તેથી એટલું જ્ઞાન થયું કે ‘જ્ઞાનથી કાર્યો થતાં નથી, પણ કાર્યોથી જ્ઞાન થાય છે.’ આવી રીતે મેં ધ્યેય આત્મજ્ઞાનનું રાખ્યું તેથી હું થોડોઘણો સામાન્ય જ્ઞાનની નજીક પહોંચી શક્યો.
જ્ઞાનની પગદંડી છોડીને સીધા જ આત્મજ્ઞાનના રાષ્ટ્રીય ઘોરી માર્ગ પર ચડી જવાનું કારણ માત્ર એટલું જ કે આજકાલ મારી આજુબાજુ આડત્રીસ આત્મજ્ઞાનીઓ વસે છે. તેઓ ઋષિયુગના નહિ પણ હાલના બાપુયુગના છે, કારણ કે થોડા સમય પહેલાં એક પવિત્ર સ્થળે આત્મજ્ઞાનનું ‘સેલ’ લાગેલું. (જેને શિબિર પણ કહી શકાય.) તેમાં અઠવાડિયા સુધી દરરોજ એક કલાક જાઓ અને મનફાવે તેટલું આત્મજ્ઞાન મેળવો તેવું આયોજન હતું. જો અઠવાડિયું ન જઈ શકો તો છેલ્લા દિવસે એક જ કલાક જાઓ અને આત્મજ્ઞાનનું પડીકું બાંધીને લેતા આવો. જો તમે અઠવાડિયે એક કલાક પણ ન જઈ શકો તો આત્મજ્ઞાનની સાડાસત્તર રૂપિયાવાળી સી.ડી. લઈ આવો અને મુગ્ધશ્રોતા બની આત્મજ્ઞાન મેળવો અને તમારા અણુઅણુમાં આત્મજ્ઞાનની જ્યોત ઝળહળાવો. વિચાર તો કરો ! આત્મજ્ઞાન મેળવવાની કેટકેટલી બારીઓ આજે ખૂલી ગઈ છે. છતાં મારા જેવા મૂઢ અજ્ઞાની જ રહ્યા છે. જો સાડાસત્તર રૂપિયાવાળી સી.ડી. પાંત્રીસ જણ સહિયારા ખર્ચે ખરીદે તો દરેકને આઠ આના (પચાસ પૈસા) ખર્ચ પેટે ભાગમાં આવે. આમ આજકાલ આઠ આને કિલો આત્મજ્ઞાન અવેલેબલ છે. આ બધું જોઈ-સાંભળીને મને આપણા ઋષિમુનિઓ પર ખરેખર ગુસ્સો આવ્યો. તેઓ આજ સુધી આપણને ડરાવતા-ગભરાવતા રહ્યા કે યુગોના યુગો વીતી જાય, અનેક જન્મોના ફેરા થાય તોય આત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. આવું કહેનારામાંથી આજે એકપણ હયાત નથી – નહિ તો મારા ખર્ચે રિક્ષા કરીને લઈ જાત ને બતાવત કે ‘આ જુઓ એક કલાકમાં આત્મજ્ઞાન ! ખાલી ખોટા ડરાવ્યા શું કરો છો પામર માનવીઓને.’
આમ તો જ્ઞાન કે આત્મજ્ઞાન સાથે મારે કમળપત્રને પાણી સાથે હોય તેવો ગાઢ સંબંધ છે. એટલે હું ગોતાખોરની માફક જ્ઞાનના મહાસાગરમાં ડૂબકી મારતો નથી, કારણ કે તેમાં ઘણી વાર ગોથું ખાઈ ગયો છું. પણ પેલા આડત્રીસ આત્મજ્ઞાનીઓ સાડાસત્તર રૂપિયાવાળી આત્મજ્ઞાનથી ઊભરાતી સી.ડી. લાવેલા તે મેં પણ સાંભળી. તેમાં આત્મજ્ઞાની બાપુ – એક વાક્ય ઘણું ભારપૂર્વક બોલેલા કે ‘આમાં તમારે કશું જ કરવાની જરૂર નથી.’ (નિષ્કામ કર્મયોગ). બસ, આ શબ્દો ક્યાંય અટક્યા વગર સીધા જ મારા હૃદયમાં ઊતરી ગયા. જેમાં ‘કશું જ કરવાની જરૂર ન હોય’ એવી પ્રવૃત્તિ હું છેલ્લાં પંદર વર્ષોથી શોધું છું. મારા ચાર-પાંચ મિત્રો પણ આવું શોધે છે. ‘નિવૃત્તિમાં જ પ્રવૃત્તિ’ના સિદ્ધાંતમાં મને પહેલેથી જ શ્રદ્ધા છે. વળી એવું પણ સાંભળ્યું કે આત્મજ્ઞાન કર્મનાં બંધનોમાંથી મુક્તિ અપાવે છે. તેથી હું પરબારો જ આત્મજ્ઞાન તરફ આકર્ષાયો. તેમાંથી ‘કર્મસંન્યાસયોગ’ વિશે પણ જાણવા મળ્યું. જીવનમાં આત્મસાત કરવા જેવો મને તે એક જ યોગ જણાયો. યુવાન વયે જ મેં કર્મમાંથી સંન્યાસ લેવાના પ્રયત્નો આદરી દીધા હતા. તે મારા જીવનનું અંતિમ ધ્યેય હતું. મારા મિત્રો પણ આ દિશામાં સક્રિય છે. અમે બધા વરસેદહાડે મળીએ ત્યારે તરત જ એકબીજાને પૂછી લઈએ કે : ‘મળ્યું કાંઈ કર્મસંન્યાસ યોગ જેવું !’ ભણતો ત્યારે મને એટલું ભાન થયેલું કે આ ભણતર બે ટંકના રોટલા પણ અપાવી શકે તેમ નથી. તેથી ત્યારથી જ હું અજ્ઞાતપણે કર્મસંન્યાસયોગ તરફ વળી ગયેલો. અને વિષયમુક્ત થયેલો. એટલો બધો વિષયમુક્ત થયેલો કે ભણવામાં કેટલા વિષયો આવે છે તેનાં નામ પણ ભૂલી ગયો. જેમ ગુજરાતી ફિલ્મો સો ટકા કરમુક્ત હોય છે તેમ હું સો ટકા કર્મમુક્ત થવાની અભિલાષા સેવું છું.
આડત્રીસ આત્મજ્ઞાનીઓ વચ્ચે વસતો હોવા છતાં હું સાવ કોરોધાકોર રહ્યો. મને આત્મજ્ઞાન તો શું જરૂરી સામાન્ય જ્ઞાન પણ પ્રાપ્ત ન થયું. જો થોડુંઘણું સામાન્ય જ્ઞાન હોત તો જેમાં જ્ઞાનની ખાસ કોઈ જરૂર પડતી નથી એવી સરકારી નોકરી મેળવી શક્યો હોત. હું કોલેજના પ્રથમ વર્ષમાં હતો ત્યારે તલાટી-કમ-મંત્રીની સામાન્ય જ્ઞાનની લેખિત પરીક્ષામાં પાસ થયેલો. પછી મૌખિક ઈન્ટરવ્યુ માટે બોલાવ્યો ત્યારે મારો આત્મવિશ્વાસ બુલંદ હતો કે હું તો સહેલાઈથી પાસ થઈ જઈશ. ઈન્ટરવ્યુ સારો રહ્યો છતાં મને નાપસંદ કરવામાં આવ્યો. ત્યાર પછી મને એટલું આત્મજ્ઞાન થયું કે મૌખિક ઈન્ટરવ્યુ પહેલાં જો આર્થિક આયોજન સારી રીતે કરવામાં આવે તો ‘વહાલે ઉગાર્યો ભક્ત પ્રહલાદ’ એમ ઈન્ટરવ્યુકાર આપણને નિષ્ફળતામાંથી ઉગારી લે છે. આમ સફળતા કરતાં નિષ્ફળતામાંથી આપણને ઉત્તમ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી આવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ કેટલાક વારંવાર સાક્ષીભાવે નિષ્ફળતા સ્વીકારતા રહે છે. (કેવી નિષ્ઠા ! નિષ્ફળતા પણ અનાથ નથી હોતી.) મારી જેમ જ કર્મસંન્યાસયોગના હિમાયતી એવા મારા મિત્રે આવી રીતે સારું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. બન્યું એવું કે અનુસ્નાતક થયા પછી તે એક ખાનગી નોકરીમાં જોડાયો. પછી વારંવાર નોકરીઓ બદલાતી જ રહી. વારંવાર નોકરી બદલવી તે કાંઈ અણઆવડત નથી. તેમાં ઊંડા ઊતરીએ તો ખ્યાલ આવે કે ‘આ માણસ શા માટે વિવિધ પ્રકારની નોકરીઓ કરી રહ્યો છે.’ પણ આપણે તો ઉપરછલ્લું જોઈને સિક્કો મારી દઈએ કે ‘આ સાલો ક્યાંય ટકતો નથી.’ આખરે મિત્રના પૂજ્ય પિતાશ્રીએ તેને ઠપકો આપતાં કહ્યું કે ‘તું આવી રીતે વારંવાર નોકરીઓ ક્યાં સુધી બદલ્યા કરીશ ?’ ત્યારે તેણે પિતાશ્રીને સમજાવતાં કહ્યું, ‘ભલેને બદલું. આપણને અનુભવ તો મળે ને.’ ત્યારે છૂપા આત્મજ્ઞાની એવા તેના પિતાશ્રીએ કોયડો કર્યો કે આખી જિંદગી અનુભવ જ મેળવીએ તો તે કામ ક્યારે લાગે ? (એક અર્ધસત્ય દુર્ઘટના પરથી) આમ આત્મજ્ઞાની પિતાશ્રીનાં વચનોમાંથી તેને જીવનમાં પ્રથમ વાર આત્મજ્ઞાન પ્રાપ્ત થયું કે ‘સાલી વાત તો સાચી છે – જો પથારી કરવામાં જ સવાર પડે તો સૂવું ક્યારે ?’
આત્મજ્ઞાન મેળવવું જેટલું મુશ્કેલ છે તેના કરતાંય આડત્રીસ-આડત્રીસ આત્મજ્ઞાની વચ્ચે વસવું કઠિન છે. આ તો અનુભૂતિનો વિષય છે. વાતોથી ન સમજાય. એ તો ‘રામબાણ વાગ્યાં હોય તે જ જાણે.’, કારણ કે સેલ (શિબિર) દ્વારા આત્મજ્ઞાની થયેલાઓનું જમા પાસું એ છે કે તેઓ જ્ઞાનને બંધિયાર બનવા દેતા નથી, સતત વહેતું રાખે છે. તેઓ સ્થળ, કાળની પરવા કર્યા વિના ગમે તેને, ગમે ત્યારે આત્મજ્ઞાન આપતા જાય છે. આપણા સદભાગ્યે (?) આડત્રીસમાંથી એકાદ તો ગમે ત્યાં ભેટી જાય ને તરત જ આત્મજ્ઞાનનું માવઠું (કમોસમી વરસાદ) થઈ જાય છે. (જો કે તેને તો અનરાધાર વરસવાની ઈચ્છા હોય છે.) આમ વારંવાર આત્મજ્ઞાનના માવઠામાં ભીંજાઈને આપણે વહેલી તકે ‘જ્ઞાનવૃદ્ધ’ (અથવા ‘અકાળે વૃદ્ધ’) થઈ જઈએ છીએ. વારંવાર ભીંજાવાથી કેટલાકને તો આત્મજ્ઞાનનો ન્યુમોનિયા થઈ જાય છે. આવી રીતે આત્મજ્ઞાની નંબર એકવીસ એટલે કે અમારી સોસાયટીની બાજુમાં ‘કેશકર્તન કલામંદિર’ ધરાવનાર રોમશત્રુ (વાળંદ) પણ આત્મજ્ઞાનથી ભરપૂર બન્યો છે તેથી તે વાળવિસર્જનના કાર્યની સમાંતરે શિર ઝુકાવીને બેઠેલા ગ્રાહકોના મસ્તક પર અનરાધાર આત્મજ્ઞાન વરસાવતો રહે છે. બિચારો ગ્રાહક અધૂરા કાર્યે મેદાન છોડી શકતો નથી, કારણ કે ‘પલાળ્યું’ એટલે મૂંડાવવું તો પડે જ !’ આમ તેને ત્યાં બાલદાઢી કરાવનારને અજાણપણે આત્મજ્ઞાન ફ્રી એવી સ્કીમ અમલમાં મુકાઈ ગઈ છે. તે આત્મજ્ઞાની નહોતો ત્યારે સાંજ સુધીમાં ત્રીસ જણને પતાવતો. પણ આત્મજ્ઞાની થયા પછી ફક્ત વીસ જણને જ પતાવે છે, કારણ કે જેમ કુરુક્ષેત્રમાં અર્જુનના હાથમાં શસ્ત્રો થંભી ગયાં હતાં તેમ ઘણી વાર કેશકર્તન શરૂ કરતાં પહેલાં જ આત્મજ્ઞાનવૃદ્ધિ કરતી વખતે તેના હાથમાં શસ્ત્રો થંભી જાય છે અને જીભ સક્રિય બને છે. તેની બાજુમાં જ આવેલ દરજી (આત્મજ્ઞાની નંબર બાવીસ) એ લેંઘો સીવતાં સીવતાં અજાણપણે આત્મજ્ઞાનના અગાધ મહાસાગરમાં લપસી પડતાં સમાધિ અવસ્થામાં જ લેંઘાને બદલે ચડ્ડી સીવી નાખી. આ બાબતનું જ્ઞાન પણ તેને ગ્રાહક લેંઘો લેવા આવ્યો ત્યારે થયું. આમ અડાબીડ આત્મજ્ઞાનીઓ વચ્ચે વસવું અઘરું છે.
જ્યારે આત્મજ્ઞાનનાં ‘સેલ’ ન થતાં ત્યારે લોકો અનુભવમાંથી જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરતા. આવી રીતે અમારો એક મિત્ર ભણ્યા પછી રાબેતા મુજબ બેકાર હતો. તેથી તેણે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા અને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરવા જ્યોતિષીઓનું શરણ ગ્રહણ કર્યું. અનેક જ્યોતિષીઓ પાસે તેણે ભવિષ્ય જોવડાવ્યું. તેના જીવનમાં ભવિષ્યમાં આર્થિક સધ્ધરતાના ખૂબ સારા યોગ છે એવું જ્યોતિષીઓએ જણાવ્યું. તે યોગ સિદ્ધ કરવા તેને નંગ પહેરાવ્યાં. મેં કહ્યું : ‘નંગ’ ને વળી નંગની શી જરૂર ?! છતાં તેણે પહેર્યાં. તેની સાત આંગળીઓ નંગદાર અંગૂઠીઓથી ભરચક્ક થઈ ગઈ. ઉપરાંત વીજળી કે ખનીજતેલથી નહિ પણ જ્યોતિષીઓના મંત્રોથી ચાલતાં યંત્રો પણ ખરીદ્યાં. આ બધાને કારણે તેના વર્તમાનની જે થોડીઘણી આર્થિક સધ્ધરતા હતી તે તળિયે ગઈ. આમ ભવિષ્ય ઉજ્જવળ બનાવવા જતાં તેનો વર્તમાન વિકટ બન્યો. પછી તેના મનમાં દિવસરાત પોતાની કુંડળી, ગ્રહોનું ઉચ્ચ-નીચ થવું, વક્રદષ્ટિ, ભાગ્યોદય વગેરેના વિચારો જ રમવા લાગ્યા. પેલું ભમરી અને ઈયળના દષ્ટાંત મુજબ જેમ ભમરીનું સ્મરણ કરતાં કરતાં ઈયળ ખુદ ભમરી બની જાય છે તેમ જ્યોતિષીઓના આર્થિક ડંખ સહન કરવાથી અને તેમણે ભાખેલા ભવિષ્યનું સતત સ્મરણ કરવાથી મિત્રનું એક બેરોજગાર અનુસ્નાતકમાંથી જ્યોતિષાચાર્યમાં રૂપાંતર થઈ ગયું. ‘આ જ ઉત્તમ વ્યવસાય છે.’ તેવું તેને આત્મજ્ઞાન થતાં તે પોતાની અનુભવસિદ્ધ જ્યોતિષવિદ્યાથી લોકોનાં ભવિષ્ય ઉજ્જવળ (ઉતાવળમાં ‘ઉજ્જડ’ ન વાંચશો.) કરી રહ્યો છે. હમણાં છેલ્લા સમાચાર મુજબ જેમ સમ્રાટ અશોકે ગાદીએ બેઠા પછી ‘દેવનામ પ્રિય’ એવું ઉપનામ જાતે ધારણ કરેલું (સેલ્ફસર્વિસ) તેમ તેણે ‘શાસ્ત્રીજી’નું બિરુદ ધારણ કર્યું છે. આ બિરુદ ધારણ કરવા વિશે પૂછતાં તેણે આત્મજ્ઞાનમાં તત્વજ્ઞાનનું ફલેવર્ડ ઉમેરતાં કહ્યું, ‘જેમ બુફે ડિનરમાં જે જોઈએ તે જાતે લઈ લેવાનું હોય, કોઈ પીરસે તેની રાહ જોવાની ન હોય’ તેવી રીતે આચાર્ય, જ્યોતિષાચાર્ય, શાસ્ત્રીજી, પંડિતજી જેવી પદવીઓ સ્વયં ધારણ કરી લેવાની હોય છે. તેના માટે પદવીદાન સમારોહની રાહ ન જોવાય. વિશેષમાં જણાવ્યું કે યુનિવર્સિટીઓ શું આપણને પદવીઓનું ‘દાન’ કરે છે ? એ તો આપણે જાતમહેનતથી મેળવીએ છીએ. છતાં ‘પદવીદાન સમારોહ ?’ દાનમાં તો ડી. લીટ. પણ મળે. પણ હું તો ડિગ્રીઓનાં દાન સ્વીકારતો નથી. આ તેનું અનુભવસિદ્ધ આત્મજ્ઞાન હતું.
જ્ઞાન વિશે વિજ્ઞાન કહે છે કે આપણા મસ્તકમાં જ્ઞાનતંતુઓ આવેલા હોય છે. તેના દ્વારા આપણને જ્ઞાન થાય છે. પણ આત્મજ્ઞાનતંતુઓ હોતા નથી. ભલે આપણા મસ્તકમાં ન હોય પણ આત્મજ્ઞાનની એજન્સી ધરાવનાર ગુરુના મગજમાં જરૂર ગુચ્છાદાર આત્મજ્ઞાનતંતુઓ હોવા જોઈએ. જિજ્ઞાસુઓએ આ વિષયમાં સંશોધન અર્થે મચી પડવા જેવું છે. જોકે મને તો કોઈ જાતનું જ્ઞાન જલદી ચડતું નથી તેથી મારા મનમાં જરૂર અજ્ઞાનતંતુઓ હોવા જોઈએ. આવા અજ્ઞાનતંતુઓને કારણે હું એવું માનતો કે જ્ઞાન અને દાઢીને ગાઢ સંબંધ છે. પરંતુ બહુ મોડે-મોડે સમજાયું કે તે સૌથી મોટું અજ્ઞાન છે, કારણ કે દાઢીની જેમ જ્ઞાન બારેમાસ આપોઆપ વધતું નથી.
આવા આત્મજ્ઞાનને સર્વવ્યાપી બનાવવા માટે આત્મજ્ઞાનના વિતરકોએ ‘હોમ ડિલિવરી’ અથવા ‘ડોર ટુ ડોર’ સર્વિસ શરૂ કરવી જોઈએ. સવારમાં જેમ દૂધવાળો દૂધ આપી જાય તેમ આત્મજ્ઞાનનું ચોસલું આપી જવાનું. ઉપરાંત ‘આત્મજ્ઞાન હેલ્પલાઈન’ પણ શરૂ કરવી જોઈએ જેથી કટોકટીની પળે મનુષ્યને આત્મજ્ઞાનની આવશ્યકતા જણાય તો તે ફોન કરીને ઊભાં ઊભાં આત્મજ્ઞાન મેળવી શકે. જનકલ્યાણ અર્થે ‘આત્મજ્ઞાનબૂથ’ કે ‘પોઈન્ટ’ શરૂ કરવાં જોઈએ જેથી રસ્તે નીકળેલા મનુષ્યને અચાનક જો આત્મજ્ઞાનની ભૂખ જાગે તો બૂથવાળા તરત જ તેને આત્મજ્ઞાનનો ગરમાગરમ ઘાણવો ઉતારી આપે. આ રીતે જ્યારે આત્મજ્ઞાનનું વિતરણ શરૂ થશે ત્યારે જગતનું કલ્યાણ થશે. આ દિવસો બહુ દૂર નથી. હું તો આ બાબતે પૂરેપૂરો આશાવાદી છું. આવા ઈન્સ્ટન્ટ આત્મજ્ઞાન દ્વારા જ આપણી તમામ સમસ્યાઓનો ઉકેલ આવી શકશે.

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...