Saturday 1 September 2012

કોલેજકાળની ઝાંખી – નટવર પંડ્યા


એવું કહેવાય છે કે માણસ જ્યારે કોઈ પણ કાર્યમાં તલ્લીન થઈ જાય, ખોવાઈ જાય ત્યારે દેહ, કાળ, સ્થળનું ભાન ભૂલી જાય છે. જેમ કે કૃષ્ણભક્તિમાં લીન થઈ ગયેલી મીરાં પોતે એક રાજકુટુંબની કુળવધૂ છે તે ભૂલીને નાચવા લાગી. આવી રીતે અમે પણ અભ્યાસમાં ખોવાઈ જતા ત્યારે દેહ, કાળ, સ્થળ ઉપરાંત શું વાંચીએ છીએ, શા માટે વાંચીએ છીએ તે બધું જ ભૂલી જતા. છાત્રાલયમાં રહેતો આવો એક અમારો મિત્ર મયૂર (જેનું નામ એવા ગુણ કે દેખાવ નથી !) જેણે એક દિવસ સવારે પાંચ વાગ્યે વહેલા ઊઠી ગણિતનો એક દાખલો હાથ પર લીધો. જે તેણે સાત વાગ્યા સુધી ગણ્યા જ કર્યો. તે દિવસે કરતાં જાળ કંઈક કરોળિયા પડી ગયા પણ મયૂરે મચક ન આપી. તે તો દાખલાને વળગી જ રહ્યો. દાખલો અને મયૂર જેમ જીવ-શિવનું મિલન થતાં એકરૂપ થઈ જાય તેમ એકરૂપ થઈ ગયા.
મયૂરની એ ખાસિયત હતી કે તે કોઈ પણ કામ હાથમાં લે તેને પૂરું કર્યા વગર જંપતો નહીં. તે કાર્યમાં એટલો બધો ખોવાઈ જતો કે પોતે કર્યું કામ હાથ પર લીધું છે તેનો પણ ખ્યાલ ન રહેતો. આવી રીતે એક વાર તે સાઈકલ લઈને મારપછાડ ગતિએ રાજકોટનો કેસરી પુલ વટાવી ગયો. પછી જ તેને ખ્યાલ આવ્યો કે પોતે કાલાવડ રોડ પર જવાનું હતું. ટૂંકમાં કોઈ પણ કાર્ય કરવા માટે તે સ્વામી વિવેકાનંદનું સુત્ર ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મથ્યા રહો’ ને અનુસરતો. પણ તેની વિશેષતા એ હતી કે તેને મથ્યા રહેવા માટે ઘણી વાર કોઈ ધ્યેયની પણ જરૂર ન પડતી.
આ રીતે પાંચ વાગ્યામાં હાથ પર લીધેલા દાખલામાં તેને સાત વાગી ગયા. ત્યારે બીજા રૂમમાંથી મયૂરનો મિત્ર આવ્યો. તે મયૂરની ‘દાખલાદાઝ’ જોઈ અવાચક બની ગયો. પછી તે દાખલો જોવા લાગ્યો. દાખલો જોઈ મિત્રે કહ્યું, ‘મયૂર, તું દાખલો નહીં દાખલાનો જવાબ ગણી રહ્યો છે.’ આ સાંભળી મયૂરે પુસ્તક હાથમાં લઈને જોયું ત્યારે તેને ખબર પડી કે સવાલ તો બાજુ પર રહી ગયો હતો અને પોતે જવાબ સાથે જુદ્ધે ચડી ગયો હતો. જો મિત્ર ન આવ્યો હોત તો રામ જાણે આ શૈક્ષણિક યુદ્ધ ક્યારે અટકત !
આવી રીતે અભ્યાસમાં અમે એવા ઓતપ્રોત થઈ જતા કે ભાન ભૂલી જતા. પરીક્ષા સમયે એક મિત્રને અર્થશાસ્ત્રનું પેપર હતું. તેથી તેણે આગલી સાંજથી જ યુદ્ધના ધોરણે પરીક્ષાની તૈયારી આરંભી દીધી. અર્થશાસ્ત્રના એક મોટા પ્રશ્નના જવાબનો શબ્દેશબ્દ તેણે ગોખી માર્યો. પછી તેણે મને કહ્યું : ‘હવે આ પ્રશ્નનો જવાબ હું જોયા વિના બોલું છું તું ધ્યાનથી સાંભળ.’ આમ કહી મિત્ર ઉવાચ, ‘અર્થતંત્રમાં વસ્તુના વેચાણને સીમાંત તુષ્ટિગુણનો સિદ્ધાંત લાગુ પડે છે. આમ બજાર જાણ્યે-અજાણ્યે સીમાંત તુષ્ટિગુણના સિદ્ધાંતને અનુસરે છે. સીમાંત તુષ્ટિગુણના સિદ્ધાંત મુજબ તેજીના પિતાએ તેની સગાઈ પાંચા સાથે કરવાની સાફ ના પાડી દીધી. કારણ કે પાંચાનો પિતા ગરીબ હતો. પણ તેજી અને પાંચો તો સૂરજ-ચંદ્રની સાક્ષીએ એકબીજાને જીવનમરણના કોલ દઈ ચૂક્યાં હતાં. તેજીના પિતાને આ વાતની જ્યારે ખબર પડી ત્યારે બજાર ખળભળી ઊઠે છે. ગતિશીલ અર્થતંત્રમાં મૂળ ઉત્પાદન પછી તરત જ હરીફો પ્રવેશે છે. પછી ગળાકાપ હરીફાઈ સર્જાય છે. આ હરીફાઈમાં ટકી રહેવા માટે ઉત્પાદકે માત્ર ઉત્પાદનની ગુણવત્તા જ નહિ પણ માર્કેટિંગ અને માર્કેટિંગ પછીની સેવાઓ પણ વિસ્તારવી પડે છે. આવી પરિસ્થિતિમાં તેજી અને પાંચાએ વિચાર્યું કે, તક મળતાં બંનેએ ગામ છોડીને ભાગી જવું પછી પડશે તેવા દેવાશે.’
મિત્રનો આવો જવાબ સાંભળી મેં કહ્યું : ‘મિત્ર, અહીં તો અર્થશાસ્ત્રમાં તેજી અને પાંચો આંટા મારે છે.’ મારી વાત સાંભળી તે ચમક્યો. મારી વાતમાં તેને તથ્ય જણાતાં તે પોતે જે વાંચતો તો તે પાનું ફરીથી ધ્યાનથી વાંચ્યું. પછી તેને ખ્યાલ આવ્યો કે ફૂટપાથ પરથી જૂનાં પુસ્તકો વેચનાર પાસેથી તે પુસ્તક લાવ્યો હતો. તે પુસ્તકના મૂળમાલિકે અર્થશાસ્ત્રનું જે પાનું અડધું ફાટી ગયેલું ત્યાં કોઈ નવલકથાનું અડધુ પાનું ચોંટાડી દીધું હતું. એ જે કાંઈ હોય તે પણ પેલા મિત્રે તો એ બંને વચ્ચે લેશમાત્ર ભેદભાવ રાખ્યા વગર તે પાનું શબ્દશઃ ગોખી નાખેલું. હવે તે મૂંઝાયો. કાલે તો પરીક્ષા હતી. મેં કહ્યું, ‘ગભરાતો નહીં તેં જે વાચ્યું અને પાકું કર્યું છે તેમ જ લખજે. પેપર તપાસનાર કોઈ પૂરો ઉત્તર વાંચતું નથી.’ તેણે મારી સલાહ મુજબ કર્યું. તે વર્ષે તેને અર્થશાસ્ત્રમાં ઘણા સારા ગુણ આવ્યા. અમારો મયૂર પણ અર્થશાસ્ત્રમાં એક વાર એક મોટા સવાલનો જવાબ ભૂલી ગયો હતો. તેથી તેણે શરૂઆતનો અને છેલ્લો એમ બે પૅરેગ્રાફ પોતાની કલ્પનાશક્તિના સહારે અર્થશાસ્ત્રના લખ્યા અને વચ્ચે ચકા-ચકીની વાર્તા લખી દીધી. આમ થવાથી તે વર્ષે મયૂર પણ અર્થશાસ્ત્રમાં સારા ગુણથી પાસ થયો. આ રીતે અર્થશાસ્ત્રમાં સારા ગુણથી પાસ થયા પછી મયૂરને ખબર પડી કે આ અર્થશાસ્ત્રનાં પેપર્સ તો આપણી કોલેજના પ્રોફેસરોએ જ તપાસેલાં છે. અર્થશાસ્ત્રના પ્રોફેસરો આમ પણ ખૂબ ગંભીર હોય છે. કેટલાકને તો હસવાનાં સોફટવેર જ નથી હોતાં. આવા એક સૉફટવેર વગરના સાહેબને મયૂરે કહ્યું, ‘સાહેબ, આ વખતે મેં અર્થશાસ્ત્રના પેપરમાં બજારતંત્રના પ્રશ્નમાં ચકા-ચકીની વાર્તા લખી હતી.’ ત્યારે સાહેબે ગંભીરાવસ્થામાં જ કહ્યું, ‘હા, પક્ષીઓ પણ બજારતંત્રને ઘણી ગંભીર અસર કરે છે. આપણા દેશમાં ઉત્પાદિત અનાજના કુલ જથ્થાના દશ ટકા અનાજ તો પક્ષીઓ જ ખાઈ જાય છે. આ હિસ્સો નાનો સૂનો ન ગણાય.’ આ સાંભળી મયૂરનું મગજ ચકરાવે ચડી ગયેલું.
આવી રીતે અમારી કૉલેજના પ્રિન્સિપાલ સાહેબ પોતે અમને અર્થશાસ્ત્રનું એક પ્રકરણ ભણાવતા. આંતરરાષ્ટ્રીય વ્યાપાર. અઠવાડિયામાં તેમનો ફક્ત એક જ પિરિયડ આવતો. તેમનું અર્થશાસ્ત્ર ભણવાની ખૂબ મજા આવતી. સાહેબ અર્થશાસ્ત્રમાં બીજાં ઘણાં શાસ્ત્રો ઉમેરી અર્થશાસ્ત્રને રસાળ બનાવતા. જેને રીમિક્સ ઈકોનોમિક્સ પણ કહી શકાય. તેમનું ભણાવવાનું ખૂબ પ્રગતિશીલ હતું. તેમની શૈલી પ્રવાહી હતી. જે રીતે પ્રેમાનંદ પોતાની કથામાં શ્રોતાઓને એક રસમાંથી બીજા રસમાં સરળતાથી લઈ જઈ શકતા. એ જ રીતે અમારા સાહેબ પણ એક વિષયમાંથી બીજા વિષયમાં અને તેમાંથી ત્રીજા, ચોથા, પાંચમા વિષયમાં ખૂબ સરળતાથી પ્રવેશ કરી શકતા. તેમની પ્રવાહી શૈલીને કારણે કેટલીક વાર તેમને ખુદને ખબર ન રહેતી કે પોતે શરૂઆત ક્યાંથી કરી છે. ટૂંકમાં…..
ગમે ત્યાં હું ડૂબું ગમે ત્યાં હું નીકળું,
છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે…..
આ રીતે તેઓ સ્વૈરવિહારી હતા. આ રીતે ફરીથી એક વાર તેમણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સમજાવવાની શરૂઆત કરી. આંતરરાષ્ટ્રીય વ્યાપારની મજબૂત ભૂમિકા બાંધ્યા પછી તેમણે તરત જ કહેલું, ‘અર્થશાસ્ત્ર જેવો સહેલો વિષય બીજો એક પણ નથી; જો અર્જુનની જેમ ફક્ત ચકલીની આંખ દેખાય તો ! આટલું કહી તેમણે એક નવા આવેલા કદાવર વિદ્યાર્થીને ઊભો કરીને પૂછ્યું, બોલ ચકલીની આંખ દેખાય છે ? તે કોલેજમાં નવો હોવાથી ગભરાયો. સાહેબે ફરીથી પૂછ્યું, બોલ ! બોલે તેના બોર વેચાય અને ન બોલે તેના રસગુલ્લાય ન વેચાય. પેલો ગભરાતાં-ગભરાતાં ચારે બાજુ ચકળ-વકળ જોતાં-જોતાં ચકલી શોધવા લાગ્યો. ફરી સાહેબે ઉઘરાણી કરી એટલે પેલાએ કહ્યું, સાહેબ મને તો ક્યાંય ચકલી પણ દેખાતી નથી. ચકલી ભલે ન દેખાય ચકલીની આંખ દેખાય છે ?! સાહેબે ફરીથી કોયડો કર્યો. સાહેબની ગૂઢ વાણી સમજી શક્યો નહિ. તેણે કહ્યું, ‘સાહેબ, કશું નથી દેખાતું.’ સાહેબ બોલ્યા, ‘બસ ! એ જ સમસ્યા છે. જ્યાં સુધી ચકલીની આંખ ન દેખાય ત્યાં સુધી અર્થશાસ્ત્ર અઘરું જ લાગે !’ આટલું કહી બુલંદ સ્વરે બોલ્યા, ‘અર્જુને તીર ચડાવ્યું, નિશાન તાક્યું. ત્યાં જ ગુરુદ્રોણે તેને અટકાવ્યો ! થોભી જા અર્જુન, થોભી જા. ચકલીની આંખ દેખાય છે ? જી હા. અર્જુનને આંખ દેખાણી અને લક્ષ્યવેધ થઈને જ રહ્યો. પણ આપણે…….!!!’ આટલું કહી તેઓ ખામોશ થઈ ગયા. તેથી અમે પણ ખામોશ થઈ ગયા. આ રીતે તેઓ ઈતિહાસના પાટા પર અર્થશાસ્ત્રની ગાડી ચલાવી રહ્યા હતા. તેમાંથી ફરીથી અર્થશાસ્ત્રમાં ઊતરી આવીને બોલ્યા, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં આપણા દેશને કેટલીક મૂળભૂત સમસ્યાઓ નડે છે. આપણા દેશની ઘણી મૂળભૂત સમસ્યાઓ વણઉકેલ છે. જે ઉકેલવી જ રહી. પણ…. (અહીંથી ફરી અવાજ તાર સપ્તકમાં ગયો.) મૂળભૂત સમસ્યાઓ એટલે શું ? ફરી ખામોશી. સન્નાટો. થોડી વાર પછી તેઓ જ બોલ્યા, દા…ત, રાજકોટની મૂળભૂત સમસ્યા છે રખડતી ગાયો. નવા આવેલા વિદ્યાર્થીઓ મૂંઝાયા કે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ગાયો અને ગુરુદ્રોણ ક્યાંથી આવ્યા ? અમે તો જૂના હોવાથી ટેવાઈ ગયા હતા. પણ નવા આવેલાઓને આ રીમિક્સ ઈકોનોમિક્સ સમજાતું નહોતું. આમ અમે ચકલીની આંખ શોધતા રહેતા અને પિરિયડ પૂરો થઈ જતો. નેક્સ્ટ પિરિયડમાં સાહેબ આવે અને આંતરરાષ્ટ્રીય વ્યાપારની પૂર્વભૂમિકા મજબૂત રીતે બાંધે. પછી તરત જ અન્ય વિષયના વહેણમાં તણાઈ જાય. આમ આખા વરસમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારની ભૂમિકા અનેક વાર બંધાતી પણ વ્યાપાર શરૂ થતો નહીં. આંતરરાષ્ટ્રીય વ્યાપાર આડે આ પણ એક મૂળભૂત સમસ્યા હતી.
સાહેબની ભણાવવાની જ નહીં પણ કોઈને માર્ગદર્શન આપવાની રીત પણ અનોખી હતી. એ અરસામાં અમારી કૉલેજ મઘમઘતો બગીચો ગણાતી. તેથી હું બારમા ધોરણમાં ભણતો ત્યારથી જ તે કૉલેજમાં દાખલ થવું એવો નિર્ધાર કરેલો. તેથી બારમું ધોરણ પાસ કરી વહેલા તે પહેલાના ધોરણે કૉલેજમાં એડમિશન મેળવી લીધું. કૉલેજના પહેલા જ દિવસે હું ત્રણ વાર દાઢીને હાથ મારી, પૉલિશ કરેલા ફર્નિચર જેવો થઈ કૉલેજ પહોંચી ગયો. મારા વર્ગખંડમાં સ્થાન લીધું. આજુબાજુ નજર કરી પણ ઉપવનમાં ક્યાંય પુષ્પો દેખાયાં નહીં. ચારે બાજુ બાવળ જ દેખાતા હતા. મને થયું કે કદાચ આજે પહેલો દિવસ છે એટલે ! કાલે તો કન્યાઓ જરૂર પધારશે. કન્યા વગરની કોલેજ હોઈ શકે ખરી ? આ રીતે બીજો દિવસ થયો. બીજે દિવસે પણ અમારી આશાનું કિરણ દેખાયું નહીં. વર્ગખંડમાં બધા જ વિદ્યાર્થીઓ એકબીજાના મોં પર પ્રશ્નાર્થભાવ નિહાળી રહ્યા હતા. તે દિવસની એક-એક પળ યુગ જેવડી લાગી. તે દિવસ પૂરો થયો પણ હજુ આશા છૂટી નહોતી. આમને આમ ત્રણ-ચાર દિવસો નીકળી ગયા. પણ કોઈને ઝાંઝરનો ઝણકાર કે રૂપાની ઘંટડી જેવો મધુર સ્વર ક્યાંય સંભળાયો નહિ. અંતે સૌની ધીરજ ખૂટી. વિદ્યાર્થીઓએ હૃદય પરનો કાબૂ ગુમાવ્યો. હવે તેઓ દરેક પિરિયડમાં હો-હા કરવા લાગ્યા. અધ્યાપન કાર્ય ચાલુ હોય તે દરમિયાન બિલાડાં અને કૂકડાં બોલાવી પોતાની લાગણીઓ વ્યક્ત કરવા લાગ્યા. આવું બનશે જ ની ખાતરી સાથે પ્રિન્સિપાલ સાહેબ તો તૈયાર બેઠા હતા. અમારે અઠવાડિયામાં એક પિરિયડ પ્રિન્સિપાલ સાહેબનો ઈકોનોમિક્સનો હતો. આજે તેમનો પિરિયડ હોવાથી વિદ્યાર્થીઓએ પોતાની લાગણીઓ ખુલ્લા દિલે વ્યક્ત કરતાં બોર્ડ પર મોટા અક્ષરે લખ્યું…… ‘ગોળ વિના મોળો કંસાર, કન્યા વિના સૂનો સંસાર…..’
પ્રિન્સિપાલ સાહેબ પધાર્યા. સૌ પ્રથમ તેમણે અમારી સામે જોયું. પછી બ્લેકબોર્ડ સામે ફર્યા. ભગ્નહૃદયની ભાષા વાંચીને થોડી વાર તો સ્થગિત થઈ ગયા. પછી અમારી સન્મુખ થઈ ઉદાસ ચહેરે બે હાથ જોડીને કહ્યું, ‘હું કહેતાં ખૂબ જ દિલગીરી અનુભવું છું તથા તમારું દિલ દુભાવવા બદલ તમામ પ્રકારનાં પાપ અને શાપની જવાબદારી સ્વીકારતાં હું જણાવું છું કે આ વર્ષે આપણે કૉલેજમાં કન્યાઓને એડમિશન આપ્યું નથી. ઓન્લી બોયઝ.’ રામે સીતાજીને ફરીથી જંગલમાં મૂકી આવવાની લક્ષ્મણને આજ્ઞા કર્યા પછી રામસભામાં જે ખામોશી છવાઈ ગઈ એવી જ ખામોશી અમારા વર્ગખંડમાં છવાઈ ગઈ. ખીલેલાં ગુલાબ જેવા અમારા ચહેરા પર ગમગીનીનાં વાદળો છવાઈ ગયાં. વર્ગમાં સૌ ખામોશ હતા. સંભળાતા હતા ફક્ત અમારા હૃદયના ધબકાર અને બળબળતા ઉચ્છવાસ. મને તો ધરતી મારગ દે તો સમાઈ જવાનું મન થઈ આવ્યું. જોકે સીતામાતા પછી ધરતીએ કોઈને મારગ આપ્યો નથી કારણ કે ધરતીને તો આ રોજનું થયું.
થોડી વાર પછી એક વિદ્યાર્થીએ કહ્યું : ‘પણ સાહેબ….’
સાહેબે તેને ત્યાંથી જ ઝડપી લેતાં કહ્યું, ‘છેલ્લાં ત્રણેક વરસમાં આ કૉલેજમાં એટલા બધાં પ્રણયનાં પુષ્પો ખીલ્યાં કે પ્રણય જ મુખ્ય વિષય બની ગયો. વિદ્યાર્થીઓ પ્રણયના પાઠ શીખવામાં એટલા મશગૂલ રહેતા કે તેમને અભ્યાસક્રમના પાઠ શીખવાનો સમય મળતો નહીં. તેથી વિદ્યાર્થીહિતમાં અમારે આવું કઠોર પગલું ભરવું પડ્યું છે. માટે માફ કરશો, સહકાર આપશો અને ચિત્ત અભ્યાસમાં એકાગ્ર કરશો.’ આટલું કહી તેમણે ભારે હૃદયે વિદાય લીધી.

No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...