Monday 23 June 2014

આ તે ‘કસુંબીનો રંગ’ કે મોસંબીનો રસ !

કંઈક પાંચેક વર્ષ પહેલાં કોઈ એક ગુજરાતી સાહિત્ય વર્તુળના એક મોટા કાર્યક્રમમાં મેઘાણી સાહેબનું હો રાજ માને લાગ્યો કસુંબીનો રંગ સાંભળ્યું ત્યારે રુંવાડા ખડા થવાને બદલે ખરી પડવાની અણી પર આવી ગયા. કારણ કે કંઠ અને કલાકાર બંને બેજોડ હતા.
            તે દિવસે સવારના નવથી બપોરના સાડા અગિયાર સુધી મૂર્ધન્ય સાહિત્યકારોએ વિવિધ વિષય પર પ્રવચનોનો ધોધ વહાવ્યો. પછી અડધો કલાક વધ્યો. કારણકે સાડા અગિયારે તો દીવાલ કુદીને રસોડામાં ખાબકીએ તો પણ બાર વાગ્યા પહેલાં જમવાનું મળે તેમ નહોતું. આમ તો જો કે સાહિત્યના કાર્યક્રમોમાં ક્યારેય સમય વધતો નથી પણ વક્તાઓ વધે છે. અહીં અડધો કલાકમાં પણ એવું જ હતું. કારણ કે જેમને અગાઉથી કહેવામાં આવ્યું નથી એવાં કોઇપણ સાહિત્યકારને જો અડધા કલાકનું દાન કરવામાં આવે તો આખા સાહિત્યવર્તુળમાં ખળભળાટ મચી જાય. તેની લમણાઝીક લગભગ અડધો વરસ ચાલે. અને સાહિત્યસર્જન આડા માર્ગે ફંટાઈ જાય એ અડધો કલાક માટે સાહિત્યકારો કલાકોની મહેનત કરી સાહીત્યિક મેગેઝીનોમાં અનેકાનેક લેખો લખે. એ લેખો સામે વળતો પ્રહાર થાય. અલબત લેખો સ્વરૂપે જ. લેખો સામે લાકડીઓ વાપરવાની પરંપરા હજુ સાહિત્યિક વર્તુળોમાં શરૂ થઇ નથી. જો ખરેખર એમ થાય તો જ કંઈક નક્કર પરિણામો સાંપડે. પણ મૂર્ધન્ય સાહિત્યકારો સાહિત્યને નવી જ દિશા આપનારું વાતાવરણ સર્જવા ઈચ્છાતા નથી. તેથી સાહિત્યમાં લાગણીઓ વ્યક્ત કરવા હજુ સુધી લાકડીઓ અજમાવવામાં આવી નથી. તેથી કોઈને મન દુઃખ ન થાય એ માટે તેમણે શ્રોતાઓને કસુંબીનો રંગ પાવાનું નક્કી કર્યુ. એમ તો આનો વિકલ્પ પણ ખુલ્લો જ હતો. પણ અત્યારે કોઈ ચા પીશે નહિ એવી અનુભવી સાહિત્યકારોને ખાતરી હતી. કારણ કે ચા પીવાથી ભૂખ ભાગી જાય અને બાસુંદીને ધાર્યો ન્યાય ન આપી શકાય બાસુંદી પહેલાં કસુંબી પાવાનું નક્કી થયું.
             પ્રવચનનો છેલ્લો પ્રહાર પતિ ગયા પછી પ્રવક્તાએ કહ્યું કે હવે ફલાણાભાઈ તેમના અષાઢી મેઘ જેવાં કંઠે મેઘાણી સાહેબની હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ કૃતિ રજૂ કરશે. અષાઢી મેઘ જેવો કંઠ’ શબ્દો સાંભળીને અમે ખુરશીમાં જરા ટટ્ટાર થયાં. એટલામાં જ જેમ રેલવે સ્ટેશન પર મુસાફર હાથમાં બેગ લઈને ટાઈમ કરતા એક કલાક વહેલો આવે એવી નિરાંતથી ગાયક હાર્મોનિયમની પેટી લઈને નિરાંતે પ્રવેશ્યો. અષાઢી મેઘની વાત કરી હતી એટલે અમે ધાર્યું કે ગાયક પણ અષાઢી મોર જેવો જ થનગનતો હશે. પણ એ તો પ્રાણીસંગ્રહાલયમાં પૂરેલા મોર જેવો જણાયો. શ્રોતાઓના ચહેરા પર ભલે ભોજન વિષાદ યોગ છવાઈ ગયો હોય પણ મંચસ્થ થનાર વ્યક્તિએ તો તેની સામે તો હસવું જ પડે. તેથી જેમ તાજા વિવાહ કરેલા યુવાન જેમ તેના બ્રાન્ડ ન્યુ સસરા સામે હસે તેમ મર્યાદા પુરુષોત્તમ જેવું મંદ મંદ હસીને સૌને નમસ્કાર કર્યા. તેના મંદ મંદ હાસ્યથી અમને તેના મંદવાડનો અણસાર આવ્યો. જાણે એવું લાગતું હતું કે કોઈ લાંબી બીમારીમાંથી બેઠો થયો હોય.
             ઉસ્તાદ સિતારવાદકો જે રીતે ક્લાસિકલ પલાંઠી મારે છે. એવી પલાંઠી વાળીને પોતાનાં દેહના જમણા હિસ્સા તરફ જે રીતે પુરુષોત્તમ ઉપાધ્યાય (ના, દુધની ડેરીવાળા નહિ) અને ગુલામઅલી હાર્મોનિયમ ગોઠવે છે એ રીતે હાર્મોનિયમ ગોઠવી જરા કડક થયો. પછી તેમણે ગળું સાફ કરવાં કે પછી માઈક સાફ કરવા બે-ચાર સાહિત્યિક ખોંખારા ખાધા અને એકાદ બે ફૂંક મારી જેની શ્રોતાઓ પર ધારી અસર થઇ. બધા એક કાન થયાં શ્રોતાઓ સ્વરોત્સુક છે તે જાણી ગાયક ખુશ થયો એ તો પછી ખ્યાલ આવ્યો કે ભોજનાલય તરફ થાળીઓના ખખડાટનો મધુર અને ઉત્તેજક ધ્વની શ્રોતાઓના કાને પડ્યો હતો. તેથી બધા બાસુંદીનું આકંઠ પાન કરવા ઉત્સુક હતા. આમ શ્રોતાઓ સ્વરોત્સુક નહિ પણ સ્વાદોત્સુક હતા. ભૂખ્યાઓને તો સ્વાદમાંજ સાતે સાત સ્વર સંભળાય. આમ પેલી બાજુ થાળીઓનો કર્ણપ્રિય ખખડાટ અને આ બાજુ હાર્મોનિયમના સ્વરો હવામાં ગુંજવા લાગ્યા. આમ કેટલીકવાર વાસણ ખખડે તો ય તેમાં મધુર સ્વર સંભળાય. પછી ગાયકે હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ શ્રોતાઓ પર વહેતું મૂક્યું. આમ તો આ રચનાને ન્યાય આપવા માટે પહાડી સ્વર જોઈએ પણ અહી પીપૂડી જેવો સ્વર હતો. તેથી તે ગાતો હતો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ અને લાગતું હતું. પંખીડાને આ પીંજરું જૂનું લાગે અહીં શબ્દો અને સ્વર વચ્ચે અણબનાવ હોય એવું  લાગતું હતું પણ સ્વરમાં ધ્રુજારી જો તલત મહેમૂદ ના સ્વર જેવી હોય તો ગમે પણ અહીં તો મલેરિયાના દર્દીને ટાઢ ચડી હોય એવી હતી. બાકી તો મેઘાણી સાહેબ રચિત શિવાજીનું હાલરડું અને કસુંબીનો રંગ તો એવી રીતે રજૂ થવા જોઈએ  કે જે શ્રોતા મ્યુઝીયમમાં તલવાર જોતા ડરતો હોય તે પણ હાથમાં તલવાર લઈને લડવા ઊભો થઇ જાય.
         શરૂઆતની એકાદ પંક્તિ પછી તેને લાગ્યું કે જોઈએ તેવી જમાવટ થઇ નથી. તેથી જરા તે વધુ ઊંચો થયો. અને સ્વરને ઉંચે ચડાવવાની કોશિશ કરી. ગાયકના આવા કંઠના કામણથી શ્રોતાઓના ચહેરા પર જે શૌર્યની ચમક દેખાવી જોઈએ ત્યાં કરુણાના ભાવ જાગ્યા. જો કે તેમાં બે કારણો હતા. એક તો ગીતની દર્દભરી રજૂઆત અને બીજું મધ્યાહન ભોજન. કારણ કે હાજરા-હજુર શ્રોતાઓમાંથી એંસી ટકા શ્રોતાઓનો આત્મા ભોજનાલયમાં અને ફક્ત ખોળિયા અહીં હતા. આપણે સૌ જાણીએ છીએ કે એકવાર શરીરમાંથી નીકળી ગયેલા આત્માને પાછો લાવવો શક્ય નથી. પછી ભલે તે જીવ શિવમાં મળી ગયો હોય કે શ્રીખંડમાં. ત્યાંથી પાછો ન આવે. એટલે બાકીના જે વીસ ટકા રસિકજનો હતા. તેમાંથી પાંચ ટકાનો જઠરાગ્ની તો બુઝાઈને રાખ થઇ ગયો હતો. તેથી તેઓ ભોજન પ્રત્યે ભારોભાર ઉદાસ હતા. વળી ભોજન પ્રત્યે ઉદાસ હોય તે ભજન પ્રત્યે ઉત્સાહી હોય જ એવું બનતું નથી. તેથી બાકી રહેલા પંદર ટકાનું અવલોકન કરી ગાયકે તારણ કાઢવાનું હતું કે હવે બીજીવાર આ પ્રકારના શ્રોતાઓ સામે કસુંબીનો રંગ રજૂ કરવો કે ભણે શિવાનંદ સ્વામી વાળી આરતી!
         હવે ગાયક લગભગ અડધી મજલ કાપી ચૂક્યો હતો. ત્યાંજ તેને અટકાવી વચ્ચે એક જાહેરાત કરવામાં આવી કે આજના ભોજનનો સમય બારને બદલે સાડા બાર વાગ્યાનો રાખવામાં આવ્યો છે. આ સાંભળી ગાયકને થયું કે ચાલો પુરતો સમય મળ્યો છે તો મેઘાણી સાહેબની એકાદ કૃતિ વધારે રજૂ કરી શકાશે. પણ શ્રોતાઓના અંતરાત્માઓ ભોજનને વિક્ષેપ કરતી જાહેરાત સાંખી શક્યા નહિ. તેથી તેઓ બાસુંદી માટે લગભગ બળવા ની અણી પર આવી ગયા અને હો...હા મચાવી દીધી. ગાયકે એ ઘોંઘાટને ખાળવા સ્વરને બુલંદ બનાવ્યો પણ સ્વર હવામાં જ ઓગળી ગયો. અને ત્યાર પછીની થોડી જ ક્ષણોમાં ગાયક પોતે પણ હવામાં ઓગળી ગયો. આ બાજુ શ્રોતાઓ પોણા બાર વાગ્યે જ ઘટના સ્થળ છોડી ભોજન નામની ઘટનાને આકાર આપવા ધસી ગયા.
         મારી બાજુમાં જ બેઠેલા મિત્રે મને પૂછ્યું કસુંબીનો રંગ કેવો લાગ્યો? મેં પ્રતિ પ્રશ્ન કર્યો, આ તે કસુંબીનો રંગ કે મોસંબીનો રસ?         
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com



હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...