Monday 14 June 2021

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

 

# ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ #

હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.
        ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્યકલાકાર.)

મનુષ્ય સામાજિક પ્રાણી હોવાથી ઘણીવાર
'તે પ્રાણી જેવી હરકતો કરે છે. તેમાંની એક
છે, ‘જાહેરમાં શિવામ્બ વિસર્જન કરવું તે.”
               જાહેર સ્થળે સરાજાહે૨, શિવામ્બુધારા
વહેવડાવનારને તમે ટપારશો કે, ‘અલ્યા ! અહીં
‘આ’ કરાય ?!” તો તે સામો ચોંટશે કે, ‘તો ક્યાં
કરાય?’ ‘ફૂલ પ્રેશરથી લાગી હોય તો શું કરવું?”
આવી ઘણી બધી દલીલો થાય એટલે આપણને
પણ વિચાર આવે કે જાતકના જવાબમાં કડવું
સત્ય પણ છે જ ! જેમ બારે મેઘ ખાંગા થયા હોય
એવી સ્થિતિ હોય અને ગમે ત્યારે મામલો બીચકે
તેમ હોય તથા નજીકમાં ક્યાંય સુલભ શૌચાલય
ન હોય તો શું કરવું ?! એમ તો દરેક માણસમાં
આપણે એટલી શ્રદ્ધા તો રાખી જ શકીએ કે
એણેય રોકાય ત્યાં સુધી તો રોક્યું જ હશે, જીવ
પર આવી જઈને ય તેણે એ ધસમસતા પ્રવાહને
ખાળવાની કોશિશ તો કરી જ હશે. પણ હવે
જ્યારે વાત અંતિમ તબક્કાએ પહોંચી ચૂકી હોય,
અંદરના શિવામ્બુ સંચયે ભયજનક સપાટી વટાવી દીધી હોય, પરિસ્થિતિ એકદમ પ્રવાહી હોય તથા ગમે ત્યારે ગમે તે થઈ શકે તેમ હોય ત્યારે જાતકે જે તે સ્થળનો સદુપયોગ કરી લેવો પડતો હોય છે કારણ કે ચિક્કાર લાગી હોય અને બાજી સંપૂર્ણપણે ઉપરવાળાના હાથમાં હોય છતાં ઉત્સર્જનકેન્દ્ર નજરે ન ચડે ત્યારે પામર માનવી બિચારો શું કરે ? તેથી જ અમારું માનવું છે કે શહેરોમાં અમુક અમુક જગ્યાએ
સ્થળોનું દિશાસૂચન કરતાં બૉર્ડ હોય છે. તેમાં ઉત્સર્જનકેન્દ્ર કઈ દિશામાંઅને કેટલા અંતરે છે તે પણ અચૂક દર્શાવવું જોઈએ.
              જોકે હવે એવા મોબાઇલ આવી ગયા છે કે તમે જે તે સ્થળે ઊભાહો ત્યાંથી યૂરિનલ સર્ચ કરી શકો અને મોબાઇલ ચીંધ્યા માર્ગે તમે મંજિલ સુધી પહોંચી શકો. આવા સમયે આપણને ભલે એક-એક કદમ સો સો ગાઉનું લાગે છતાં એ સઘળું કષ્ટ ઉઠાવીને આપણે છેક મંજિલની સાવ
નજીક પહોંચીએ અને ત્યાં આજુબાજુમાં ચહેરા પર અસીમ શાંતિ ધારણ કરીને બેઠેલા મનુષ્યને ટચલી આંગલી ઊંચી કરીને પૂછીએ કે પેલું ક્યાંછે ? સામેવાળો તરત સમજી જાય કે ભારત દેશના પ્રબુદ્ધ નાગરિક શાંતિનો રાહ ઝંખે છે. આવા સમયે જ આપણને વિચાર આવે કે ભગવાને આપણને
ટચલી આંગળી ન આપી હોત તો ?! બાણવિદ્યામાં જેટલું મહત્ત્વ અંગૂઠાનું છે એનાથીય અદકેરું મહત્ત્વ અત્રે ટચલી આંગળીનું છે. આવું પૂછતી વખતે આપણી ટચલી આંગળી પણ ‘ટચલી આંગળીએ વા’લે ગોવર્ધન તોળ્યો”ના જેટલું કષ્ટ ઉઠાવે છે. કારણ કે હવે પછીની એક-એક ક્ષણ અમૂલ્ય
હોય છે. હવે બધું જ ટચલી આંગળીના ટેરવે તોળાઈ રહ્યું હોય છે. પરિસ્થિતિ એટલી બધી વિસ્ફોટક હોય છે કે આપણે સામેવાળાને શાબ્દિક અને સાંકેતિક એમ બંને રીતે ભારપૂર્વક પૂછીએ છીએ કે પેલું ક્યાં છે ?’ એટલે સામેવાળો સમજી જાય છે કે મુસાફર મરણિયો બનીને જાત સાથે જુદ્ધ ખેલી રહ્યો છે. પછી તરત જ તે કહે છે કે મુતરડી તો સામે પેલા ખૂણામાં જ હતી. પણ હવે અહીં ઓવરબ્રિજ બનવાનો છે એટલે અઠવાડિયા પહેલાં જ મ્યુનિસિપાલિટીએ તેને તોડી પાડી છે. આ સાંભળીને જાતકને જબરો આધાત લાગે છે અને તેની આશાનું છેલ્લું કિરણ પણ આથમી જાય છે.કરણ કે મોબાઇલવાળા માહિતી અપડેટ કરતા નથી તેથી અણીના સમયે નાગરિકે કેટકેટલું સહન કરવું પડે છે ! આ મુદે મ્યુનિસિપાલિટી પર દીવાની દાવો પણ માંડી શકાય.
હવે, જાતકની પરિસ્થિતિ મૈ ઇધર જાઉં યા ઉધર
જાઉં'ની હોય છે. આવા સમયે જાતકનો આત્મા પોકારી ઊઠે છે કે તોડનારાએ મુતરડી નથી તોડી પણ વ્યથિત મનુષ્યનો વિસામો તોડ્યો છે.તોડનારો સાત સાત ભવ સુધી પ્રોસ્ટેટની પીડા ભોગવશે. કારણ કે હવેદબાણનું દમન કરવું એ બાલકૃષ્ણએ નાગદમન કર્યું હતું તેનાથીય કપરું હોય
છે.
              મહાન પુરુષો જે રીતે મૃત્યુ પછી પણ અમર થઈ જાય છે એ જ રીતે આવા ઉત્સર્જનકેન્દ્ર તૂટ્યા પછી પણ અમર થઈ જાય છે. કારણ કે તૂટેલાંઉત્સર્જનકેન્દ્રની જગ્યાએ લોકો "મૂળ પ્રવૃત્તિ" ચાલુ રાખે છે. આમ તૂટેલાં
ઉત્સર્જનકેન્દ્રની દીવાલની સમાંતરે આ સ્વહિતની પ્રવૃત્તિ ચાલતી રહે છે.તેથી ‘મુતરડી તો તૂટી ગઈ” એવું કહ્યા પછી જાતકને ઘોર નિરાશામાં ડૂબેલો જોઈને પેલા ભાઈ કહે છે ‘અરે, એમાં મૂંઝાવ છો શું કામ ? સામે જઈ
આવો તમતમારે ! ત્યાં બધા જાય છે.” આવા પ્રેરક  પરિબળોને કારણે ઉત્સર્જનકેન્દ્રનું મૂળસ્થાન લોકહૃદયમાં સચવાઈ રહે છે. કારણ કે મુતરડી તૂટી છે પણ તે સ્થળ પરની લોકોની શ્રદ્ધા હજુ તૂટી નથી. વીર વિક્રમની
પેલી વાર્તા છે ને કે એક દાનવીરના દટાયેલા સિંહાસનવાળી જગ્યા પર પગ મૂકતાં જ પેલો લોભી માણસ દાનવીર બની જતો. એવો જ પ્રભાવ કદાચ આ તોડી પાડવામાં આવેલી મુતરડીની જગ્યાનો હોય છે. અહીં પગ મૂકતાં જ ઘણા આળસુ મનુષ્યોમાં પણ શિવામ્બુનો સંચાર થાય છે. કેટલાક
લોકો વીર વિક્રમની વાર્તાના પાત્રો જેવા હોય છે. તેમને ખરેખર અંદરથી આદેશ થયો હોતો નથી પણ ઉત્સર્જનકેન્દ્રના કવરેજ ક્ષેત્રમાં આવતાં જ
તેમને અલૌકિક પ્રેરણા થાય છે અને તેઓ ભાવવિભોર થઈ જાય છે કે ચાલોને જઈ આવીએ ! "આજનો લ્હાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે.” અંતે પ્રેરણાદાયી વિચારોનો વિજય થાય છે. પછી તરત જ પ્રેરણાનું ઝરણું
પ્રગટ થાય છે. જેમ કેટલાક મનુષ્યો મંદિર સામેથી પસાર થતી વખતે અચૂક નમસ્કાર કરીને જે તે દેવસ્થાનને આદર આપે છે એ રીતે જ કેટલાક લોકો મુતરડી પાસેથી પસાર થતી વખતે ત્યાં ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી'ના
ધોરણે યથાશક્તિ ફાળો અર્પી સ્થળને માન આપે છે. એકવાર એક નાટ્યકારને આ રીતે વારંવાર જતા જોઈને મેં એક મિત્ર સમક્ષ ચિંતા વ્યક્ત કરી તો તેમણે કહ્યું કે એ તો રિહર્સલ કરે છે. કેટલાકને આવી ઘટનાનું વારંવાર પુનરાવર્તન કરતાં જોઈને આપણને થાય કે તેમનામાં હજુ શ્વાનનો
આત્મા ભટકી રહ્યો છે.
          કેટલાક બૌદ્ધિકો એવો સવાલ ઉઠાવે છે કે ઉત્સર્જનકેન્દ્ર હોય એટલે લાગે જ એવું શક્ય નથી. એ તો બધું કુદરતના હાથમાં છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએતેઓ સાચાં છે પણ અહીં ફક્ત બુદ્ધિથી જ નહીં પણ હૃદયથી કામ લેવાનુંછે. બાકી અહીં તો જેવી જેની શ્રદ્ધા ! એટલેસ્તો કહ્યું છે ને ‘શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ સુધી મને.’ આમાં તો એકવાર માણસ શ્રદ્ધા મૂકે એટલે શ્રદ્ધા ફળે છે અને સમય જતાં આખું ઉત્સર્જનતંત્ર એ રીતે કેળવાઈ જાયછે. પછી તો ઉત્સર્જનકેન્દ્ર જોતાં જ જાતકને બત્રીસ કોઠે દીવા થઈ જાય છે.
         કેટલાક લોકો પોતાની જાતમાં જ શ્રદ્ધા ધરાવતા નથી. આત્મવિશ્વાસવગરના લોકોનો આ સાવ અનોખો વર્ગ છે. જેમ કેટલાક આરોપીઓઆગોતરા જામીન મેળવી લે છે, એ જ રીતે કેટલાક લોકો બહાર જતાંપહેલાં આગોતરું ઉત્સર્જન કરી નાખે છે. આ રીતે તેઓ ઉદ્દવેગમુક્ત થઈ
જાય છે. આવા લોકોને સતત એવો ભય હોય છે કે બસમાં બેસીશું ને લાગશેતો ?’ ‘કથામાં જઈશું ને લાગશે તો ?’ ‘આધારકાર્ડની લાંબી લાઇનમાંનિરાધાર બનીને ઊભા હોઈશું ને લાગશે તો ?’ ‘વક્તવ્ય આપવા ઊભાથઈશું ને લાગશે તો ?’ વરરાજાને થાય કે “મંગળફેરા શરૂ થશે ને લાગશે
તો ?’ આવા અજ્ઞાત ભયને કારણે તેઓ લાગી ન હોય તો પણ લગાડે છેઅને જઈ આવે છે. કાળક્રમેતેમનુંઉત્સર્જનતંત્ર કહ્યાગરું બની જાય છે. તેમના ઉત્સર્જનતંત્રના સ્વયંવર્ણી સ્નાયુઓ પણ સમય જતાં ઇચ્છાવર્તી સ્નાયુઓ બની જાય છે. જો કે આવા લોકો સમાજને ખૂબ જ ઉપયોગી હોય છે. જેમ ખાણી-પીણીના શોખીનોને શહેરમાં ક્યા કયા સ્થળે, શું શું સારું ખાવાનું મળે છે તેના સરનામાં જીભને ટેરવે હોય છે, એ જ રીતે આવા ભીરુ મનુષ્યોને કોઈ પણ મંદિર, કથા, સ્થળ, ઑફિસ, ચોક, બસસ્ટોપ, હૉટેલ કે પોલીસ સ્ટેશનની નજીકમાં યુરિનલ કયાં ઉપલબ્ધ છે તેના પાક્કા સરનામાં તેમના કાળજે કોતરાઈ ગયા હોય છે. આ ઉપરાંત યૂરિનલની અવેજીમાં કયા કયા સ્થળે કચરાપેટી, મકાનનો ખાંચો, અવાવરુ ડેલો,સરકારી દીવાલ કે ઝાડી-ઝાંખરા જેવા મજબૂત વિકલ્પો ઉપલબ્ધ છે તેની વિગતો પણ જીભને ટેરવે હોય છે.
              કેટલાક લોકો ઘરની બહાર નીકળ્યા પછી એકી-પાણી જવાના મુદે આજીવન મૂંઝાતા રહે છે. તેનાથી સાવ બીજે છેડે રહેલો એક વિશિષ્ટ વર્ગ છે. આ લોકો ઉત્સર્જનના મુદ્દે લેશમાત્ર મૂંઝાતા નથી. તેઓ ઘર બહાર
નીકળ્યા પછી ક્યારેય યૂરિનલના અસ્તિત્વ વિશે ચિંતા કરતાં નથી. આ લોકો અન્યને મૂંઝવનારાના વર્ગમાં આવે છે. તેથી તેમને જ્યારે લાગે છે.ત્યારે તેઓ ‘સબ ભૂમિ ગોપાલ કી' ના ધોરણે પતાવે છે. તેઓ માને છે કે//
5
કંઈ પણ સર્જન કરવા માટે વિચાર કરવાનો હોય, વિસર્જન માટે વિચારની શી જરૂર ! તેથી તેમને લાગે ત્યારે તેઓ ઉત્સર્જનકેન્દ્ર શોધવા જતાં નથી,પણ જ્યાં લાગે તે સ્થળને જ ઉત્સર્જનકેન્દ્ર બનાવી દે છે. એમને તો ‘ચરણ
રુકે ત્યાં કાશી !' અને ભોજન જમાડે તે માસી" આનાથી એક ડગલું આગળ વધીને કેટલાક શખ્સો તો કોઈ પણ સ્થળે આ કાર્યક્રમની સીટી વગાડતા વગાડતાં સંગીતમય રજૂઆત
કરે છે. તેમને જાહેરમાં આગવી શૈલીથી આ રીતે કાર્યક્રમ પેશ કરતાં જોઈને લોકો બે રીતે મૂંઝાય છે. એક તો જે લોકો સહપરિવાર બહાર નીકળ્યા હોય છે તેઓ કહે છે કે આ સાલાને શરમ જેવી જાત નથી ! આવાની તો
કિડનીઓ કાઢીને કાળાબજારમાં વેચી નાખવી જોઈએ.
           એમને જોઈને મૂંઝાનારો બીજો વર્ગ જુદા પ્રકારનો છે. જે હંમેશાં અફસોસ કરે છે કે આપણે પણ પેલાની જેમ જ કોઈ પણ જાતની આશંકા રાખ્યા વગર ગમે ત્યાં લઘુશંકા કરી શકીએ એવો આત્મવિશ્વાસ ધરાવતા
હોત તો કેવું સારું ! કટોકટીની પળે નગરી-નગરી દ્વારે-ધારે ભટકવું તો ન પડત. વળી, તીવ્ર તરસ લાગી હોય તો કદાચ કોઈનું બારણું ખખડાવીને કહી શકાય કે બહેન, જરા એક ગ્લાસ પાણી આપો ને ! પણ આ મુદે કોઈના બારણા ખખડાવી ‘મંગલ મંદિર ખોલો દયામય’ એવું કહી શકાતું
નથી. અમારી હાજરીમાં અમારા એક વડીલે કટોકટીની પળોમાં આવો પ્રયોગ કરેલો ત્યારે બારણું ખોલનારા બહેને બેધડક ‘ના’ પાડી દીધેલી.તેથી વડીલ મોટા નિસાસા સાથે બોલેલા કે ‘હળાહળ કળિયુગ આવી ગયો! માણહમાં દયા જેવો છાંટો નથી રહ્યો !' તેથી જ અમારું માનવું છે કે
ઉનાળામાં જેટલી જરૂર પાણીની પરબોની છે એટલી જ જરૂર શિયાળામાં આવા ‘શાંતિ-પરબો'ની છે. અમારું માનવું છે કે સતયુગમાં પણ આ મુદે કળિયુગ જેવી જ પરિસ્થિતિ હતી. સતયુગમાં અજાણ્યાને રોટલો ખવડાવવા
માટે દરેક ઘરના દરવાજા ખુલ્લા રહેતા. પણ આ મુદે સતયુગમાં કોઈએ જાહેર જનતાના લાભાર્થે પોતાના દ્વાર ખુલ્લા મૂક્યાના દાખલા નથી.આતિથ્ય ભાવનામાં ઉમદા ગણાતું કાઠિયાવાડ પણ આ મુદે કહેતું નથી કે
‘કાઠિયાવાડમાં કો'ક દી, તું ભૂલો પડ ભગવાન.”
            આ બાબતે કેટલાક લોકો આજીવન પ્રેરકકર્તા હોય છે. તેઓ વારંવાર પોતાના મિત્રો, સગાસંબંધીઓ અને કેટલીકવાર તો અજાણ્યાઓને પણ ભારપૂર્વક સલાહ આપતા હોય છે કે, ‘લાગી હોય તો જઈ આવજો, મૂંઝાતા
નહીં.’ વળી, આવા કુદરતી આવેગને રોકવાથી શરીરને કેટકેટલું નુકસાનથઈ શકે છે તે સદૃષ્ટાંત સમજાવે છે. ધીમે ધીમે તેમની સલાહ આગ્રહમાં ફેરવાઈ જાય છે અને જાતક પર તેની એટલી ઊંડી અસર થાય છે કે છેવટે
જાતકને એવું લાગવા માંડે છે કે હવે નહીં જઈએ તો પેલા મુરબ્બીશ્રીને માઠું લાગશે. એટલે તેમના આત્માની શાંતિને ખાતર પણ તેમણે જવું પડે છે. ટૂંકમાં, ફળની આશા રાખ્યા વગર કર્મ કરવું પડે છે. વળી, વડીલની સલાહ માનીને જાતકના જઈ આવ્યા પછી જાતકના ચહેરા કરતાંય પેલા
વડીલના ચહેરા પર વધુ શાંતિ જોવા મળે છે. કારણ કે તેઓ માને છે કે તેમણે આંગળી ચીંધ્યાનું પુણ્ય કર્યું છે. વળી, તેમની સલાહનો તેમની નજર સામે જ અમલ થયાનો તેમને વિશેષ આનંદ હોય છે. કેટલાક વડીલો આમાંય શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવે છે. તેઓ સલાહ સ્વરૂપે
શરૂઆત કરે છે, છતાં જાતક જ્યારે જરાય સળવળતો નથી ત્યારે જાતકને રીતસર ડરાવે છે કે ‘જઈ આવો, પછી રસ્તામાં ક્યાંય નહીં આવે.’ તેથી કેટલાકને આવા ‘ભયને કારણે લાગે છે.‘ભયને અને ‘લાગવાને’ સીધો સંબંધ છે.
             અહીં વર્ણવ્યા તે તમામ લોકો કરતાં બાળકો તદ્દન જુદા પડે છે. તેને મમ્મી-પપ્પા સહિત ગમે તેટલા લોકો સલાહ આપે, આગ્રહ કરે, ડરાવે છતાં પણ જતાં નથી. પણ જ્યારે બધું જ દુર્લભ હોય અને જવા માટેનો લેશમાત્ર આવકાશ નથી હોતો ત્યારે જ તેઓ કહે છે “મમ્મી, મારે પી.પી.જવું છે, બહુ ફાસ્ટ લાગી છે.' આ મુદે બાળકો હંમેશાં મમ્મી-પપ્પાની અગ્નિપરીક્ષા કરતાં હોય છે અને તેમને પાકો અહેસાસ કરાવે છે કે મા-બાપ બનવું સહેલું નથી. આવી જટિલ પરિસ્થિતિમાં કેટલીક ધીરજવિહોણી મમ્મીઓ બાળકને બે-ચાર વાર જેવું-તેવું સમજાવ્યા પછી ગુસ્સે થઈને
બાળહઠને ઊગતી જ ડામી દેવાનો પ્રયત્ન કરે છે. સામાપક્ષે એટલા જ જોરથી બાળક પોતાનું રટણ ચાલુ રાખે છે. તેથી વધુ ગુસ્સે થયેલી મમ્મી બાળકને ચૂપ કરવા એક-બે ધબ્બા વળગાડે છે અને એ ધબ્બાઓને કારણે જ ‘ઘેરબેઠાં ગંગા’ થઈ જાય છે. અંતે મમ્મીના કર્યા મમ્મીએ જ ભોગવવા
પડે છે. માટે મમ્મીઓએ કટોકટીની પળે મગજ પરથી કાબૂ ગુમાવવો નહીં.બાકી તો આ મુદે આબાલવૃદ્ધ સૌએ ઈશ્વર પર શ્રદ્ધા રાખવી કે ભગવાનસૌ સારા વાના કરશે.
    [‘સાહિત્ય સંસદ' (મુંબઈ) આયોજિત હાસ્યલેખન સ્પર્ધામાં
ગુજરાત લેવલે પ્રથમ નંબરે વિજેતા લેખ ]
                   ---નટવર પંડયા.
                        (હાસ્યલેખક-હાસ્ય કલાકાર)
                        મોબા નં.8530669907
                             Blog:-natavarpandya.blogspot.in

No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...