Monday 14 June 2021

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

 

# ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ #

હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.
        ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્યકલાકાર.)

મનુષ્ય સામાજિક પ્રાણી હોવાથી ઘણીવાર
'તે પ્રાણી જેવી હરકતો કરે છે. તેમાંની એક
છે, ‘જાહેરમાં શિવામ્બ વિસર્જન કરવું તે.”
               જાહેર સ્થળે સરાજાહે૨, શિવામ્બુધારા
વહેવડાવનારને તમે ટપારશો કે, ‘અલ્યા ! અહીં
‘આ’ કરાય ?!” તો તે સામો ચોંટશે કે, ‘તો ક્યાં
કરાય?’ ‘ફૂલ પ્રેશરથી લાગી હોય તો શું કરવું?”
આવી ઘણી બધી દલીલો થાય એટલે આપણને
પણ વિચાર આવે કે જાતકના જવાબમાં કડવું
સત્ય પણ છે જ ! જેમ બારે મેઘ ખાંગા થયા હોય
એવી સ્થિતિ હોય અને ગમે ત્યારે મામલો બીચકે
તેમ હોય તથા નજીકમાં ક્યાંય સુલભ શૌચાલય
ન હોય તો શું કરવું ?! એમ તો દરેક માણસમાં
આપણે એટલી શ્રદ્ધા તો રાખી જ શકીએ કે
એણેય રોકાય ત્યાં સુધી તો રોક્યું જ હશે, જીવ
પર આવી જઈને ય તેણે એ ધસમસતા પ્રવાહને
ખાળવાની કોશિશ તો કરી જ હશે. પણ હવે
જ્યારે વાત અંતિમ તબક્કાએ પહોંચી ચૂકી હોય,
અંદરના શિવામ્બુ સંચયે ભયજનક સપાટી વટાવી દીધી હોય, પરિસ્થિતિ એકદમ પ્રવાહી હોય તથા ગમે ત્યારે ગમે તે થઈ શકે તેમ હોય ત્યારે જાતકે જે તે સ્થળનો સદુપયોગ કરી લેવો પડતો હોય છે કારણ કે ચિક્કાર લાગી હોય અને બાજી સંપૂર્ણપણે ઉપરવાળાના હાથમાં હોય છતાં ઉત્સર્જનકેન્દ્ર નજરે ન ચડે ત્યારે પામર માનવી બિચારો શું કરે ? તેથી જ અમારું માનવું છે કે શહેરોમાં અમુક અમુક જગ્યાએ
સ્થળોનું દિશાસૂચન કરતાં બૉર્ડ હોય છે. તેમાં ઉત્સર્જનકેન્દ્ર કઈ દિશામાંઅને કેટલા અંતરે છે તે પણ અચૂક દર્શાવવું જોઈએ.
              જોકે હવે એવા મોબાઇલ આવી ગયા છે કે તમે જે તે સ્થળે ઊભાહો ત્યાંથી યૂરિનલ સર્ચ કરી શકો અને મોબાઇલ ચીંધ્યા માર્ગે તમે મંજિલ સુધી પહોંચી શકો. આવા સમયે આપણને ભલે એક-એક કદમ સો સો ગાઉનું લાગે છતાં એ સઘળું કષ્ટ ઉઠાવીને આપણે છેક મંજિલની સાવ
નજીક પહોંચીએ અને ત્યાં આજુબાજુમાં ચહેરા પર અસીમ શાંતિ ધારણ કરીને બેઠેલા મનુષ્યને ટચલી આંગલી ઊંચી કરીને પૂછીએ કે પેલું ક્યાંછે ? સામેવાળો તરત સમજી જાય કે ભારત દેશના પ્રબુદ્ધ નાગરિક શાંતિનો રાહ ઝંખે છે. આવા સમયે જ આપણને વિચાર આવે કે ભગવાને આપણને
ટચલી આંગળી ન આપી હોત તો ?! બાણવિદ્યામાં જેટલું મહત્ત્વ અંગૂઠાનું છે એનાથીય અદકેરું મહત્ત્વ અત્રે ટચલી આંગળીનું છે. આવું પૂછતી વખતે આપણી ટચલી આંગળી પણ ‘ટચલી આંગળીએ વા’લે ગોવર્ધન તોળ્યો”ના જેટલું કષ્ટ ઉઠાવે છે. કારણ કે હવે પછીની એક-એક ક્ષણ અમૂલ્ય
હોય છે. હવે બધું જ ટચલી આંગળીના ટેરવે તોળાઈ રહ્યું હોય છે. પરિસ્થિતિ એટલી બધી વિસ્ફોટક હોય છે કે આપણે સામેવાળાને શાબ્દિક અને સાંકેતિક એમ બંને રીતે ભારપૂર્વક પૂછીએ છીએ કે પેલું ક્યાં છે ?’ એટલે સામેવાળો સમજી જાય છે કે મુસાફર મરણિયો બનીને જાત સાથે જુદ્ધ ખેલી રહ્યો છે. પછી તરત જ તે કહે છે કે મુતરડી તો સામે પેલા ખૂણામાં જ હતી. પણ હવે અહીં ઓવરબ્રિજ બનવાનો છે એટલે અઠવાડિયા પહેલાં જ મ્યુનિસિપાલિટીએ તેને તોડી પાડી છે. આ સાંભળીને જાતકને જબરો આધાત લાગે છે અને તેની આશાનું છેલ્લું કિરણ પણ આથમી જાય છે.કરણ કે મોબાઇલવાળા માહિતી અપડેટ કરતા નથી તેથી અણીના સમયે નાગરિકે કેટકેટલું સહન કરવું પડે છે ! આ મુદે મ્યુનિસિપાલિટી પર દીવાની દાવો પણ માંડી શકાય.
હવે, જાતકની પરિસ્થિતિ મૈ ઇધર જાઉં યા ઉધર
જાઉં'ની હોય છે. આવા સમયે જાતકનો આત્મા પોકારી ઊઠે છે કે તોડનારાએ મુતરડી નથી તોડી પણ વ્યથિત મનુષ્યનો વિસામો તોડ્યો છે.તોડનારો સાત સાત ભવ સુધી પ્રોસ્ટેટની પીડા ભોગવશે. કારણ કે હવેદબાણનું દમન કરવું એ બાલકૃષ્ણએ નાગદમન કર્યું હતું તેનાથીય કપરું હોય
છે.
              મહાન પુરુષો જે રીતે મૃત્યુ પછી પણ અમર થઈ જાય છે એ જ રીતે આવા ઉત્સર્જનકેન્દ્ર તૂટ્યા પછી પણ અમર થઈ જાય છે. કારણ કે તૂટેલાંઉત્સર્જનકેન્દ્રની જગ્યાએ લોકો "મૂળ પ્રવૃત્તિ" ચાલુ રાખે છે. આમ તૂટેલાં
ઉત્સર્જનકેન્દ્રની દીવાલની સમાંતરે આ સ્વહિતની પ્રવૃત્તિ ચાલતી રહે છે.તેથી ‘મુતરડી તો તૂટી ગઈ” એવું કહ્યા પછી જાતકને ઘોર નિરાશામાં ડૂબેલો જોઈને પેલા ભાઈ કહે છે ‘અરે, એમાં મૂંઝાવ છો શું કામ ? સામે જઈ
આવો તમતમારે ! ત્યાં બધા જાય છે.” આવા પ્રેરક  પરિબળોને કારણે ઉત્સર્જનકેન્દ્રનું મૂળસ્થાન લોકહૃદયમાં સચવાઈ રહે છે. કારણ કે મુતરડી તૂટી છે પણ તે સ્થળ પરની લોકોની શ્રદ્ધા હજુ તૂટી નથી. વીર વિક્રમની
પેલી વાર્તા છે ને કે એક દાનવીરના દટાયેલા સિંહાસનવાળી જગ્યા પર પગ મૂકતાં જ પેલો લોભી માણસ દાનવીર બની જતો. એવો જ પ્રભાવ કદાચ આ તોડી પાડવામાં આવેલી મુતરડીની જગ્યાનો હોય છે. અહીં પગ મૂકતાં જ ઘણા આળસુ મનુષ્યોમાં પણ શિવામ્બુનો સંચાર થાય છે. કેટલાક
લોકો વીર વિક્રમની વાર્તાના પાત્રો જેવા હોય છે. તેમને ખરેખર અંદરથી આદેશ થયો હોતો નથી પણ ઉત્સર્જનકેન્દ્રના કવરેજ ક્ષેત્રમાં આવતાં જ
તેમને અલૌકિક પ્રેરણા થાય છે અને તેઓ ભાવવિભોર થઈ જાય છે કે ચાલોને જઈ આવીએ ! "આજનો લ્હાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે.” અંતે પ્રેરણાદાયી વિચારોનો વિજય થાય છે. પછી તરત જ પ્રેરણાનું ઝરણું
પ્રગટ થાય છે. જેમ કેટલાક મનુષ્યો મંદિર સામેથી પસાર થતી વખતે અચૂક નમસ્કાર કરીને જે તે દેવસ્થાનને આદર આપે છે એ રીતે જ કેટલાક લોકો મુતરડી પાસેથી પસાર થતી વખતે ત્યાં ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી'ના
ધોરણે યથાશક્તિ ફાળો અર્પી સ્થળને માન આપે છે. એકવાર એક નાટ્યકારને આ રીતે વારંવાર જતા જોઈને મેં એક મિત્ર સમક્ષ ચિંતા વ્યક્ત કરી તો તેમણે કહ્યું કે એ તો રિહર્સલ કરે છે. કેટલાકને આવી ઘટનાનું વારંવાર પુનરાવર્તન કરતાં જોઈને આપણને થાય કે તેમનામાં હજુ શ્વાનનો
આત્મા ભટકી રહ્યો છે.
          કેટલાક બૌદ્ધિકો એવો સવાલ ઉઠાવે છે કે ઉત્સર્જનકેન્દ્ર હોય એટલે લાગે જ એવું શક્ય નથી. એ તો બધું કુદરતના હાથમાં છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએતેઓ સાચાં છે પણ અહીં ફક્ત બુદ્ધિથી જ નહીં પણ હૃદયથી કામ લેવાનુંછે. બાકી અહીં તો જેવી જેની શ્રદ્ધા ! એટલેસ્તો કહ્યું છે ને ‘શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ સુધી મને.’ આમાં તો એકવાર માણસ શ્રદ્ધા મૂકે એટલે શ્રદ્ધા ફળે છે અને સમય જતાં આખું ઉત્સર્જનતંત્ર એ રીતે કેળવાઈ જાયછે. પછી તો ઉત્સર્જનકેન્દ્ર જોતાં જ જાતકને બત્રીસ કોઠે દીવા થઈ જાય છે.
         કેટલાક લોકો પોતાની જાતમાં જ શ્રદ્ધા ધરાવતા નથી. આત્મવિશ્વાસવગરના લોકોનો આ સાવ અનોખો વર્ગ છે. જેમ કેટલાક આરોપીઓઆગોતરા જામીન મેળવી લે છે, એ જ રીતે કેટલાક લોકો બહાર જતાંપહેલાં આગોતરું ઉત્સર્જન કરી નાખે છે. આ રીતે તેઓ ઉદ્દવેગમુક્ત થઈ
જાય છે. આવા લોકોને સતત એવો ભય હોય છે કે બસમાં બેસીશું ને લાગશેતો ?’ ‘કથામાં જઈશું ને લાગશે તો ?’ ‘આધારકાર્ડની લાંબી લાઇનમાંનિરાધાર બનીને ઊભા હોઈશું ને લાગશે તો ?’ ‘વક્તવ્ય આપવા ઊભાથઈશું ને લાગશે તો ?’ વરરાજાને થાય કે “મંગળફેરા શરૂ થશે ને લાગશે
તો ?’ આવા અજ્ઞાત ભયને કારણે તેઓ લાગી ન હોય તો પણ લગાડે છેઅને જઈ આવે છે. કાળક્રમેતેમનુંઉત્સર્જનતંત્ર કહ્યાગરું બની જાય છે. તેમના ઉત્સર્જનતંત્રના સ્વયંવર્ણી સ્નાયુઓ પણ સમય જતાં ઇચ્છાવર્તી સ્નાયુઓ બની જાય છે. જો કે આવા લોકો સમાજને ખૂબ જ ઉપયોગી હોય છે. જેમ ખાણી-પીણીના શોખીનોને શહેરમાં ક્યા કયા સ્થળે, શું શું સારું ખાવાનું મળે છે તેના સરનામાં જીભને ટેરવે હોય છે, એ જ રીતે આવા ભીરુ મનુષ્યોને કોઈ પણ મંદિર, કથા, સ્થળ, ઑફિસ, ચોક, બસસ્ટોપ, હૉટેલ કે પોલીસ સ્ટેશનની નજીકમાં યુરિનલ કયાં ઉપલબ્ધ છે તેના પાક્કા સરનામાં તેમના કાળજે કોતરાઈ ગયા હોય છે. આ ઉપરાંત યૂરિનલની અવેજીમાં કયા કયા સ્થળે કચરાપેટી, મકાનનો ખાંચો, અવાવરુ ડેલો,સરકારી દીવાલ કે ઝાડી-ઝાંખરા જેવા મજબૂત વિકલ્પો ઉપલબ્ધ છે તેની વિગતો પણ જીભને ટેરવે હોય છે.
              કેટલાક લોકો ઘરની બહાર નીકળ્યા પછી એકી-પાણી જવાના મુદે આજીવન મૂંઝાતા રહે છે. તેનાથી સાવ બીજે છેડે રહેલો એક વિશિષ્ટ વર્ગ છે. આ લોકો ઉત્સર્જનના મુદ્દે લેશમાત્ર મૂંઝાતા નથી. તેઓ ઘર બહાર
નીકળ્યા પછી ક્યારેય યૂરિનલના અસ્તિત્વ વિશે ચિંતા કરતાં નથી. આ લોકો અન્યને મૂંઝવનારાના વર્ગમાં આવે છે. તેથી તેમને જ્યારે લાગે છે.ત્યારે તેઓ ‘સબ ભૂમિ ગોપાલ કી' ના ધોરણે પતાવે છે. તેઓ માને છે કે//
5
કંઈ પણ સર્જન કરવા માટે વિચાર કરવાનો હોય, વિસર્જન માટે વિચારની શી જરૂર ! તેથી તેમને લાગે ત્યારે તેઓ ઉત્સર્જનકેન્દ્ર શોધવા જતાં નથી,પણ જ્યાં લાગે તે સ્થળને જ ઉત્સર્જનકેન્દ્ર બનાવી દે છે. એમને તો ‘ચરણ
રુકે ત્યાં કાશી !' અને ભોજન જમાડે તે માસી" આનાથી એક ડગલું આગળ વધીને કેટલાક શખ્સો તો કોઈ પણ સ્થળે આ કાર્યક્રમની સીટી વગાડતા વગાડતાં સંગીતમય રજૂઆત
કરે છે. તેમને જાહેરમાં આગવી શૈલીથી આ રીતે કાર્યક્રમ પેશ કરતાં જોઈને લોકો બે રીતે મૂંઝાય છે. એક તો જે લોકો સહપરિવાર બહાર નીકળ્યા હોય છે તેઓ કહે છે કે આ સાલાને શરમ જેવી જાત નથી ! આવાની તો
કિડનીઓ કાઢીને કાળાબજારમાં વેચી નાખવી જોઈએ.
           એમને જોઈને મૂંઝાનારો બીજો વર્ગ જુદા પ્રકારનો છે. જે હંમેશાં અફસોસ કરે છે કે આપણે પણ પેલાની જેમ જ કોઈ પણ જાતની આશંકા રાખ્યા વગર ગમે ત્યાં લઘુશંકા કરી શકીએ એવો આત્મવિશ્વાસ ધરાવતા
હોત તો કેવું સારું ! કટોકટીની પળે નગરી-નગરી દ્વારે-ધારે ભટકવું તો ન પડત. વળી, તીવ્ર તરસ લાગી હોય તો કદાચ કોઈનું બારણું ખખડાવીને કહી શકાય કે બહેન, જરા એક ગ્લાસ પાણી આપો ને ! પણ આ મુદે કોઈના બારણા ખખડાવી ‘મંગલ મંદિર ખોલો દયામય’ એવું કહી શકાતું
નથી. અમારી હાજરીમાં અમારા એક વડીલે કટોકટીની પળોમાં આવો પ્રયોગ કરેલો ત્યારે બારણું ખોલનારા બહેને બેધડક ‘ના’ પાડી દીધેલી.તેથી વડીલ મોટા નિસાસા સાથે બોલેલા કે ‘હળાહળ કળિયુગ આવી ગયો! માણહમાં દયા જેવો છાંટો નથી રહ્યો !' તેથી જ અમારું માનવું છે કે
ઉનાળામાં જેટલી જરૂર પાણીની પરબોની છે એટલી જ જરૂર શિયાળામાં આવા ‘શાંતિ-પરબો'ની છે. અમારું માનવું છે કે સતયુગમાં પણ આ મુદે કળિયુગ જેવી જ પરિસ્થિતિ હતી. સતયુગમાં અજાણ્યાને રોટલો ખવડાવવા
માટે દરેક ઘરના દરવાજા ખુલ્લા રહેતા. પણ આ મુદે સતયુગમાં કોઈએ જાહેર જનતાના લાભાર્થે પોતાના દ્વાર ખુલ્લા મૂક્યાના દાખલા નથી.આતિથ્ય ભાવનામાં ઉમદા ગણાતું કાઠિયાવાડ પણ આ મુદે કહેતું નથી કે
‘કાઠિયાવાડમાં કો'ક દી, તું ભૂલો પડ ભગવાન.”
            આ બાબતે કેટલાક લોકો આજીવન પ્રેરકકર્તા હોય છે. તેઓ વારંવાર પોતાના મિત્રો, સગાસંબંધીઓ અને કેટલીકવાર તો અજાણ્યાઓને પણ ભારપૂર્વક સલાહ આપતા હોય છે કે, ‘લાગી હોય તો જઈ આવજો, મૂંઝાતા
નહીં.’ વળી, આવા કુદરતી આવેગને રોકવાથી શરીરને કેટકેટલું નુકસાનથઈ શકે છે તે સદૃષ્ટાંત સમજાવે છે. ધીમે ધીમે તેમની સલાહ આગ્રહમાં ફેરવાઈ જાય છે અને જાતક પર તેની એટલી ઊંડી અસર થાય છે કે છેવટે
જાતકને એવું લાગવા માંડે છે કે હવે નહીં જઈએ તો પેલા મુરબ્બીશ્રીને માઠું લાગશે. એટલે તેમના આત્માની શાંતિને ખાતર પણ તેમણે જવું પડે છે. ટૂંકમાં, ફળની આશા રાખ્યા વગર કર્મ કરવું પડે છે. વળી, વડીલની સલાહ માનીને જાતકના જઈ આવ્યા પછી જાતકના ચહેરા કરતાંય પેલા
વડીલના ચહેરા પર વધુ શાંતિ જોવા મળે છે. કારણ કે તેઓ માને છે કે તેમણે આંગળી ચીંધ્યાનું પુણ્ય કર્યું છે. વળી, તેમની સલાહનો તેમની નજર સામે જ અમલ થયાનો તેમને વિશેષ આનંદ હોય છે. કેટલાક વડીલો આમાંય શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવે છે. તેઓ સલાહ સ્વરૂપે
શરૂઆત કરે છે, છતાં જાતક જ્યારે જરાય સળવળતો નથી ત્યારે જાતકને રીતસર ડરાવે છે કે ‘જઈ આવો, પછી રસ્તામાં ક્યાંય નહીં આવે.’ તેથી કેટલાકને આવા ‘ભયને કારણે લાગે છે.‘ભયને અને ‘લાગવાને’ સીધો સંબંધ છે.
             અહીં વર્ણવ્યા તે તમામ લોકો કરતાં બાળકો તદ્દન જુદા પડે છે. તેને મમ્મી-પપ્પા સહિત ગમે તેટલા લોકો સલાહ આપે, આગ્રહ કરે, ડરાવે છતાં પણ જતાં નથી. પણ જ્યારે બધું જ દુર્લભ હોય અને જવા માટેનો લેશમાત્ર આવકાશ નથી હોતો ત્યારે જ તેઓ કહે છે “મમ્મી, મારે પી.પી.જવું છે, બહુ ફાસ્ટ લાગી છે.' આ મુદે બાળકો હંમેશાં મમ્મી-પપ્પાની અગ્નિપરીક્ષા કરતાં હોય છે અને તેમને પાકો અહેસાસ કરાવે છે કે મા-બાપ બનવું સહેલું નથી. આવી જટિલ પરિસ્થિતિમાં કેટલીક ધીરજવિહોણી મમ્મીઓ બાળકને બે-ચાર વાર જેવું-તેવું સમજાવ્યા પછી ગુસ્સે થઈને
બાળહઠને ઊગતી જ ડામી દેવાનો પ્રયત્ન કરે છે. સામાપક્ષે એટલા જ જોરથી બાળક પોતાનું રટણ ચાલુ રાખે છે. તેથી વધુ ગુસ્સે થયેલી મમ્મી બાળકને ચૂપ કરવા એક-બે ધબ્બા વળગાડે છે અને એ ધબ્બાઓને કારણે જ ‘ઘેરબેઠાં ગંગા’ થઈ જાય છે. અંતે મમ્મીના કર્યા મમ્મીએ જ ભોગવવા
પડે છે. માટે મમ્મીઓએ કટોકટીની પળે મગજ પરથી કાબૂ ગુમાવવો નહીં.બાકી તો આ મુદે આબાલવૃદ્ધ સૌએ ઈશ્વર પર શ્રદ્ધા રાખવી કે ભગવાનસૌ સારા વાના કરશે.
    [‘સાહિત્ય સંસદ' (મુંબઈ) આયોજિત હાસ્યલેખન સ્પર્ધામાં
ગુજરાત લેવલે પ્રથમ નંબરે વિજેતા લેખ ]
                   ---નટવર પંડયા.
                        (હાસ્યલેખક-હાસ્ય કલાકાર)
                        મોબા નં.8530669907
                             Blog:-natavarpandya.blogspot.in

Friday 11 June 2021

હાસ્યલેખ...જમાવટ થઈ જાય એવી જીવન ઝરમર.

 હાસ્યલેખ...જમાવટ થઈ જાય એવી 'જીવન ઝરમર.'

                      ---- નટવર પંડયા

                      (હસસ્યલેખક, હાસ્ય કલાકાર)

                        મોબા.ન.8530669907


(સ્વર્ગવાસી થયેલાનું જીવન વૃતાંત છાપામાં "જીવન ઝરમર"રૂપે છાપવામાં આવે છે..તે વિશે  હાસ્યલેખ)


બપોર ના દોઢ વાગ્યે ડોર બેલ વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે ચાળીસેક  વર્ષના સાહિત્યિક સજજન  આ મંદીમાં પણ મંદ મંદ મુસ્કુરાતા ઉભા હતા.મેં એમને આવકાર્યા. તેમણે તીર જેવો સવાલ કર્યો,  "તમારા દાદા એટલે કે પ્રાણજીવન દાદા બીમાર છે ને?" 

 મેં કહ્યું,  "હા બીમાર છે અને સિરિયસ પણ છે! પણ તમે કોણ?" 

 "હું જીવન ઝરમર વાળો!"

 મેં કહ્યું , "દાદા ને અત્યારે ડો.રામબાણ ની દવા ચાલે છે એટલે અત્યારે એમના પર બીજી કોઈ ઔષધીનો અખતરો કરવો જોખમી છે"

  સજ્જને કહ્યું,  "હું ઔષધ વાળો નહીં પણ છાપાની "જીવન ઝરમરવાળો" અમરકાન્ત!  કોઈપણ વ્યક્તિને મૃત્યુ પછી પણ અમર બનાવવા એ અમારું કામ. અમે સ્વર્ગસ્થની જીવન ઝરમર ને એવી આકર્ષક અને રસપ્રદ રીતે તૈયાર કરીને છાપામાં છપાવી આપીએ છીએ કે વાંચનારને ય બે ઘડી મરવાનું મન થઇ આવે"

   મેં કહ્યું,  "તો પછી દાદા દેવ થઈ જાય પછી આવજો."

   " દેવ તો વહેલા મોડા થવાના જ છે આવ્યા એ તો જવાના જ છે માટે આપણે અત્યારથી જ જીવન ઝરમર તૈયાર કરી નાખીએ તો!?"

   "પણ આપણે જીવન ઝરમર તૈયાર કરી નાખીએ  અને દાદા 'તૈયાર' ન થાય તો!?"

    "તો  પણ નો પ્રોબ્લેમ! અમે એવી જીવનઝરમર તૈયાર કરીએ છીએ કે ગમે ત્યારે કામ લાગે. તેને સમયના બંધન નથી નડતા. અમે સર્વગ્રાહી જીવન ઝરમર તૈયાર કરીએ છીએ. તેમાં નામ,ઉંમર, સ્વર્ગવાસ ની તારીખ, સ્થળ જેવી જગ્યાઓ ખાલી રાખીએ છીએ. તેથી તમારા ઘરમાંથી જેવા પ્રાણજીવન દાદા જગ્યા ખાલી કરે કે તરત જ તમારે જીવન ઝરમરની ખાલી જગ્યાઓ પૂરી દેવાની અને અમને આપી દેવાની અમે તરત જ તે છાપામાં પ્રગટ કરીશું.વળી અત્યારથી જીવન ઝરમર તૈયાર કરી નાખી હોય તો તમે દાદા ને વંચાવી પણ શકો અને દાદાને આડકતરો સંકેત પણ આપી શકો કે પૂજ્ય દાદા આપની જીવન ઝરમર તૈયાર થઈ ગઈ છે તો તે વહેલી તકે છાપામાં છપાય એવું કંઈક કરો. અમેં તૈયાર કરેલી  જીવન ઝરમર વાંચીને દાદા ખુશ થઇ જશે.વળી અમારી જીવન ઝરમરની વિશેષતા એ છે કે દાદાના ગયા પછી દાદીમા માટે પણ કામ લાગે અને ત્યારબાદ તમારા.....!!"

 "હે...હેં..હેં..એ..એ.. શું..શુ..!" હું ગભરાયો.

 "એટલે  કે બધાને કામ લાગે એવી પરફેક્ટ! મતલબ કે પૈસા વસૂલ. તમારા રોકાણનું અનેક ગણું વળતર."આમ કહી તેણે લગ્નના આલ્બમ જેવી આકર્ષક ફાઈલ ખોલી તેમાંથી જીવન ઝરમરના આકર્ષક નમૂનાઓ અને ફરમાઓ બતાવ્યા અને કહ્યું,  "જુઓ આ  બે હજારવાળી જીવન ઝરમર. આ પાંચ હજારવાળી, આ  આઠ હજારવાળી અને આ સૌથી બેસ્ટ પિસ્તાળીસ હજારવાળી."

  મેં ખચકાટ સાથે કહ્યું,   "પણ જીવન ઝરમરમાં ય જુદા જુદા ભાવ!"

   "હોય જ ને સાહેબ એકવાર વસ્તુ જુઓ, વાંચો નિરાંતે. જુઓ એમાં એવું છે કે આ બે હજારવાળી જીવન ઝરમરથી લોકોને લાગે કે સામાન્ય માણસ સ્વર્ગસ્થ થયો છે પણ જો પિસ્તાળીસ હજાર વાળી પસંદ કરો અને છપાવો તો તે વાંચીને તમે કલ્પના પણ ન કરી હોય એવા મોટા મોટા માણસો, કરોડપતિઓ દાદાના ખરખરે આવે,બેસણામાં આવે. તેમાંથી બે-પાંચ સાથે તમારે સારો કોન્ટેક્ટ થઈ જાય તો તમારો હાર્ડવેર નો ધંધો  જામી જાય.  આમાં તો એક પંથ દો કાજ છે દાદાનો આત્મા ય ખુશ થાય અને આપણે ય ખુશ! આ પિસ્તાળીસ હજારવાળી જીવનઝરમર વાંચ્યા પછી વાંચનારને ખરેખર એમ થાય કે "એમના જવાથી ખરેખર કદી ન પૂરી શકાય એવી ખોટ પડી છે." જો કે કદી ન પૂરી શકાય એવી ખોટ તો જેમના લેણા બાકી રહી ગયા હોય તેને પડી હોય છે આવું હું મનોમન બોલી ગયો.

    મેં કહ્યું,   "પણ દાદાના જીવનમાં એવું કાંઈ ઉલ્લેખનીય ન હોય તો જીવન ઝરમર ક્યાંથી જામેં?"

    અમરકાંતે કહ્યું,   "એ અમારા પર છોડી દો. અહીં તો જાતક પાસે "જીવન" છે તો અમારી પાસે 'ઝરમર' છે બંનેનું કુશળતાપૂર્વક કોમ્બિનેશન કરીએ એટલે પછી એવી ફર્સ્ટ ક્લાસ જીવન ઝરમર બને કે લોકો વાંચતા ન ધરાય. અમે એવી અફલાતૂન અને તર્કબદ્ધ જીવન ઝરમર તૈયાર કરીએ કે જમાવટ થઈ જાય.  'જમાનો જમાવટ કરવાનો છે કોઈપણ રીતે જમાવટ કરતાં આવડે તે જામી જાય' હવે તો જેવા તેવા ની ય જીવન ઝરમર છપાય છે તો આપણા પ્રાણજીવન દાદા કંઈ જેવાતેવા નથી. જુઓને પાંચ પાંચ વર્ષથી યમરાજા સાથે પકડદાવ રમે છે. યમરાજાએ અનેક અખતરા કર્યા તો ય એની કારી ફાવવા દીધી નથી. તો પછી આવા વિરાટ સ્વરૂપની જીવન ઝરમર તો છાપામાં છપાવી જોઈએ ને! વળી આખી જીવન ઝરમર લખીએ તેમાં તમારા ધંધા-બિઝનેસનો કુશળતાપૂર્વક ઉલ્લેખ કરી દઈએ. આવી સરસ જીવન ઝરમર વાંચીને ઓછામાં ઓછા પચીસ-પચાસ જણ તો તમને પૂછવા આવશે કે આ જીવન ઝરમર તમે કોની પાસે તૈયાર કરાવી.પછી તમારા રેફરન્સથી જેટલા અમારી પાસે જીવન ઝરમર માટે આવશે તેમાં વગર કહીએ તમારા 10% લાગી જશે. ચેક તમારે ઘેર આવી જશે.અમારો નિયમ છે. લોકો ભલે કહે કે જીવન ઝરમર એ તો ખાતર માથે દીવો છે પણ જીવનઝરમરને કારણે દાદા જીવતા લાખના ને મર્યા પછી સવા લાખના! બોલો કરવી છે ને!" 

    હું પિસ્તાળીસ હજારવાળી માટે હા કહેવાનો હતો ત્યાં સમાચાર આવ્યા કે દાદાની તબિયત તો ધાર્યા બહાર સુધરી ગઈ છે અને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે અને તેઓ લાકડીના ટેકા વગર સ્વબળે ચાલી ને ઘેર આવવા રવાના થઇ ગયા છે આ સમાચાર સાંભળીને "દાદાએ દગો દીધો" એવું બબડતો બબડતો જીવન ઝરમરવાળો રવાના થઈ ગયો!

                                  ----નટવર પંડયા.

હાસ્યલેખ..રોટલીમાં ભમરો અને ભાગ્યમાં ભમરો.

 હાસ્યલેખ:- રોટલીમાં ભમરો અને ભાગ્યમાં ભમરો 


    પ્રકૃતિની ગોદમાં કણ્વ ઋષિનો આશ્રમ આવેલો છે. ચારે બાજુ વસંત સોળેકળાએ પૂરબહારમાં ખીલી છે. વાતાવરણ મદહોશ બની ગયું છે. તે સમયે કણ્વ ઋષિના આશ્રમમાં સૌંદર્યસામ્રાજ્ઞિ શકુંતલા ને એક ભમરો પરેશાન કરી રહ્યો છે. ભમરો વારંવાર ઉડી અને શકુંતલા પાસે આવે છે અને  શકુંતલા પર મંડરાય છે. શકુંતલા એ ભમરાને ઉડાડી મુકવા માટે પ્રયત્નો કરી રહી છે. બરાબર એ જ સમયે આશ્રમમાં દુષ્યંત પ્રવેશે છે અને શકુંતલાને ભમરો ઉડાડતી જુએ છે.કદાચ ભમરો  શકુન્તલાને ફૂલ સમજી બેઠો હશે. મહાકવિ કાલિદાસ રચિત 'અભિજ્ઞાન શાકુંતલ' માં આવું વર્ણન છે ભમરો અહીંથી લાઈમલાઈટમાં આવ્યો હોય એવું લાગે છે. ભમરો એ  કંઈક અંશે પુરુષનું પ્રતીક છે.  જો કે  'પુરુષ ભમરા જેવો છે કે પુરુષને ભમરો છે'  તે હજુ સુધી આપણને સમજાયું નથી. હા, કુંવારી કન્યાને ભમરા જેવો પ્રિયતમ ગમે છે જે કન્યા રૂપી પુષ્પ પર મંડરાતો રહે,ગીત ગાતો રહે અને કીધું કરે.આમ કોડીલી કન્યાઓને ભમરા જેવો  પ્રિયતમ ગમે પણ ભમરા જેવો  પતિ ન ગમે. એટલે લગ્ન પહેલા કોડીલી કન્યા (અરે ભાઈ!  દરેક કન્યા કોડીલી જ હોય છે!) પુષ્પ પર મંડરાતો ભમરો જુએ તો  પ્રસન્ન થાય. 

     આવું બધું અમારી વક્ર દૃષ્ટિ થી જોયા પછી દિવસો સુધીના  ગહન મનોમંથનને પરિણામે અમને ભમરાના ચાર સ્વરૂપ પ્રાપ્ત થયા છે. નંબર એક-' પુષ્પ પરનો ભમરો'    નંબર બે-' રોટલી માં ભમરો'    નંબર ત્રણ-'ભાગ્યમાં ભમરો' અને       'ભમરો નંબર ચાર'  જે વિશિષ્ટ પ્રકારનો છે.

     યુવાનને પણ લગ્ન પહેલા પુષ્પ પરનો ભમરો દેખાય છે. પોતે ફુલ ફટાક થઈને બહાર નીકળ્યો હોય અને પુષ્પ પર બેઠેલા ભમરાને જુએ એટલે જ્યાં તેના શરીરને પહોંચવું જોખમી હોય ત્યાં તેનું મન પહોંચી જાય છે. પણ જો યુવાન 'ફૂલ' થઈને ( પોટલી નાખીને) બહાર નિકળ્યો હોય તો તેને અપુષ્પ વનસ્પતિ પર  ચડેલા કાળા મંકોડા પણ  ભમરા સ્વરૂપ ભાસે છે. આમ લગ્ન પહેલા તેને પુષ્પો પર ભમરો દેખાય છે એવા સમયે તેને દુષ્યંતની જેમ  કોઈ પુરબહારમાં પાંગરતી પુષ્પા નજરે ચડે તો  પોતે જ ભમરો બની જાય છે. પુષ્પ જેવી પુષ્પાને જોઈને પાગલ બનેલો ભમરો જે ગરમાગરમ ગઝલો કે ગીતો  રચે છે તેને  'ભ્રમરગીત 'કહેવાય છે લગ્ન પછી 'ભ્રમર' કે 'ગીત' બેમાંથી એકેય ગોત્યા જડતા નથી. 

         આવો ભ્રમર ગીતો રચીને ફક્ત પુષ્પાને  જ મોકલતો હોય તો વાંધો નહીં પણ મિત્રો ને ય મોકલે. પુષ્પા આવા ભ્રમરગીત વાંચીને ખીલી ઊઠે છે પણ આવા ભ્રમર ગીતો થી ત્રણ પ્રકારના લોકો વધુ ઘાયલ થાય છે. એક તો જે  'ઘરભંગ' થયો હોય તે. બીજું 'જેનું ઘર બંધાયું નથી' તે. અને ત્રીજા 'સાહિત્યની ઊંડી સૂઝ અને સમજ ધરાવતા હોય' તે.

  ભમરો આટલેથી અટકી જાય તો વાંધો નહીં પણ જો ભમરો એ જ પુષ્પા સાથે લગ્ન કરે તો છ મહિનામાં ઘૂમરી ખાઈ જાય.  પછી પુષ્પાને  પ્રિયતમમાં ભમરો દેખાતો નથી અને ભમરને  પુષ્પામાં પુષ્પ દેખાતું નથી. લગ્ન પછી ભમરાને પુષ્પા 'મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી' એવી લાગે છે.  પુષ્પામાં પાનખર દેખાવા લાગે છે.  જેમ કોરોનામા એંસી ટકા ફેફસામાં કફ જામી જાય પછી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે અને ઓક્સિજન પર રાખવો પડે એવું જ પ્રેમરોગના સંક્રમણમાં થાય છે એનું ઇન્ફેક્શન ફેફસાને બદલે સીધુ જ હૃદયમાં લાગે છે અને તેનું હૃદય પ્રેમરોગથી એકસો દશ ટકા સંક્રમિત થઈ ગયું હોય છે ત્યારે તેને મોજના તોરા છૂટે છે. ચારે બાજુ વસંત ખીલી હોય એવું લાગે છે. પણ જો એ જ પુષ્પાના લગ્ન અન્ય કોઇ નર સાથે થઈ જાય તો પ્રેમરોગ થી પૂર્ણપણે સંક્રમિત થયેલો ભમરો ઓક્સિજન પર આવી જાય છે. લગ્નની સિઝનમાં આવા ઘણા ઓક્સિજન પર આવી જાય છે. પછી પ્રેમરોગની સાઇડ ઇફેક્ટ રૂપે તેના હૃદયમાંથી ગીત પ્રગટે છે………

     "ભમરેને ખિલાયા ફુલ, ફુલ કો લે ગયા રાજકુંવર"            

              અલ્યા રાજકુંવર લઈ ગયો તે બલા ટળી. તું સુખી થઇ ગયો. લગ્ન પહેલા કાંટા વગરના લાગતા  કોમળ પુષ્પમાં લગ્ન પછી કાંટા અનુભવાય છે. જે પછી  પ્રેમરોગથી સંક્રમિત થયેલા ભમરાના  હૃદયમાં ભોંકાય છે વળી ફિલ્મોમાં તો એવું ગીત છે...ભંવરા બડા નાદાન હૈ...પણ એમ કાઈ ભમરો નાદાન હોતો નથી.અને કદરદાન પણ હોતો નથી. તો વળી ગુજરાતીના  મહાકવિ  શ્રી હરીન્દ્ર દવે લખે છે કે...ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં,માધવ ક્યાંય નથી મધુવનમાં...પણ લગ્ન પછી આ ગીત કંઈક આવી રીતે ગવાતું હોય છે….....ફૂલ કહે નવરાને નવરો વાત વહે મૂંઝવણમાં, આનંદ ક્યાંય નથી જીવનમાં….મરાઠીમાં  'નવરો' એટલે 'પતિ' એવો અર્થ થાય છે.જ્યારે ઘણા પતિઓને જોયા પછી ગુજરાતીમાં પણ આ અર્થ ઘણો અર્થસભર લાગે છે.


     આમ લગ્ન પહેલા જે પુષ્પાની આજુબાજુ ભમરો થઈને ભમતો હોય  અને પોતાની જાતને ભાગ્યશાળી  માનતો હોય એ જ ભમરાને લગ્ન પછી રોટલીમાં ભમરા દેખાવા માંડે છે. પુષ્પાને કડક સૂચના આપવાની ઈચ્છા હોય છતાં ઈચ્છા પર કાબૂ રાખીને ( રાખવો જ પડે) તે પ્રેમાળ સ્વરે પૂછે,  'પુશું ડાર્લિંગ, તે કુકિંગ ક્લાસ ન કર્યા હોવા છતાં પણ રોટલીમાં આવા સરસ ભમરા કેવી રીતે પડે છે'.  પુષ્પા પરબારુ વડકું નાખે,  "હવે બડબડ કર્યા વિના ખાઈ લો ને છાનામાના"  એટલે એ પાછો છાનોમાનો ય થઈ જાય.બા રોટલી બનાવતી ત્યારે રોટલી સહેજ પણ દાઝે તો ભમરો તરત  દાઝે ભરાતો. એ જ ભયંકર ભમરો લગ્ન પછી નિત નવા ભમરાવાળી રોટલી પ્રેમથી પુરણપોળીની જેમ આરોગી જતો હોય છે. ધીમે ધીમે એનું મન સ્વીકારવા માંડે કે જેમ "પુષ્પ હોય ત્યાં ભમરો હોય"  એ જ રીતે "જ્યાં રોટલી હોય ત્યાં પણ ભમરો હોય" પુષ્પાની રસોઈકળાની ખૂબી એ હોય છે કે તે રોટલી બનાવતી વખતે મોબાઇલમગ્ન ન હોવા છતાં રોટલીમાં ભમરા પાડી શકે છે. પુષ્પ પરથી તો ભમરો થોડીવાર પછી ઉડી જાય છે પણ રોટલી નો ભમરો ક્યારેય ઉડતો નથી.આવી પરિસ્થિતિમાં આ સાખી યાદ આવે...

" હંસા પ્રીતિ કાય કી,વિપત પડે ઉડી જાય.

 સાચી પ્રીત શેવાળ કી, જો જલ સંગ સુખ જાય.

    એવુ જ કઈક બંધન રોટલી અને ભમરાનું છે. રોટલી ના છેલ્લા ટુકડા સુધી તે રોટલીને છોડતો નથી. જ્યારે રોટલીનું અસ્તિત્વ મટે છે ત્યારે જ તે ભમરા નું અસ્તિત્વ મટે છે. આમ રોટલીના ભમરાની વફાદારી લાજવાબ હોય છે. અને ભમરવાળી રોટલી બનાવનાર પણ લાજવાબ હોય છે.

     આ રીતે ભમરા વાળી રોટલી ખાઈ ખાઈને પરણિત પુરુષો નો સ્વભાવ ભમરા જેવો થઈ જાય છે પછી તે ઊડીને બીજાના બગીચામાં ઘૂસી જાય છે. માટે પરિણીત બહેનોએ રોટલીમાં ભમરો ન પડે એનું ખાસ ધ્યાન રાખવું. પતિ ઘણીવાર કહેતો હોય કે રોટલીમાં ભમરો ન પડે તેનું ધ્યાન રાખ. છતાં ભમરાનો નાશ થતો નથી. આ રીતે સતત પુનરાવર્તિત થતો ભમરો છેવટે પતિના હ્રદય માં એક એવી લાગણી પેદા કરે છે અને પતિ માનવા લાગે કે આપણા ભાગ્યમાં જ ભમરો છે ત્યાં રોટલીના ભમરાની  ક્યાં કરવી. વળી ભમરા બાબતે પતિ વારંવાર પુષ્પાને ટોકતો હોવાથી પત્નીને પણ એવું  જ ફિલ થાય કે મારા ભાગ્યમાં જ ભમરો છે તો ભોગવવાનું જ રહ્યું.આમ લગ્ન પહેલા "પુષ્પના ભમરા" જેવો લાગતો પતિ લગ્ન પછી "ભાગ્યમાં ભમરો" હોય એવો લાગવા માંડે છે. ઘણા લોકો આવી લાગણીઓ જાહેરમાં વ્યક્ત કરી નાખે છે જ્યારે કેટલાક સંયમી નર-નારીઓ બોલતા નથી પણ અનુભવ તો એમનો પણ એ જ હોય છે. ભાગ્યમાં ભમરો છે એવો વસવસો પરણેલા વ્યક્ત કરે એ તો ઠીક પણ વાંઢા ય વિલાપ કરતા હોય છે. કારણકે તેઓશ્રી જ્યાં કન્યા જોવા જાય ત્યાં કાં તો સામેથી ના આવે, કાં તો કોઈને કોઈ અડચણ ઊભી થાય એટલે વાંઢાની નજર સામે ઘોડો હોવા છતાં તેને ઘોડે ચડવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું નથી. ત્યારે તે પણ વામ્ભ એકનો નિસાસો નાખીને બોલે કે આપના  ભાગ્યમાં જ ભમરો છે બાકી ગામમાં ઉઘાડા પગે આંટા મારનારા ય ડાળે વળગી ગ્યા છે. અને આપણે હજુ બાવનમેં વર્ષે  ય  ઠેકાણું શોધીએ છીએ.

      ભાગ્યમાં કોઈ ગ્રહો અવરોધરૂપ હોય તો  તે ગ્રહના જપ કરી કરાવીને  'એકસો એકાવન  ટકા ગેરંટીવાળા જ્યોતિષીઓ'  તેનું નિવારણ કરી આપે છે પણ ભાગ્યમાં ભમરો હોય તો તેના નિવારણનો કોઈ ઉપાય  કોઈ જ્યોતિષી પાસે હોતો નથી. વળી જાતકની કુંડળીમાં કયા કયા ગ્રહો છે તે જોઈ શકાય છે પણ તેની કુંડળીમાં ભમરો છે કે નહીં તે ક્યાંય જોવા મળતું નથી. જેમ કોરોનાનો વાયરસ ઘણીવાર સીટી સ્કેન કરાવવા છતાં દેખાતો નથી  તેમ ભાગ્યનો ભમરો ખેરખાં જ્યોતિષીઓની કુંડળીમાં પણ  દેખાતો નથી. છતાં હેરાન તો કરે જ. 

       આ બધામાં 'ચોથા પ્રકારનો ભમરો' એકદમ વિશિષ્ટ છે તે જાતકમાં હોવા છતાં તેને દેખાતો નથી. જ્યારે બીજા લોકો કહેતા હોય કે "ફલાણાને ભમરો છે!" વળી  તે લોકો ભમરાનું સરનામું પણ આપતાં હોય છે. છતાં  ફલાણાને તે ભમરો દેખાતો નથી. આમ "ભાગ્યનો ભમરો"  અને "ચોથા પ્રકારનો ભમરો"  બંને હોવા છતાં દેખાતા નથી. દેખાતો ભમરો સારો પણ આ  અદ્રશ્ય ભમરો વસમો.


ગરમ ગરમ:- એક કથામાંથી સાંભળેલુ "કમળ" નું દ્રષ્ટાંત….. "કમળ" માંથી પોતાને સુખ મળશે, આનંદ મળશે એવા વિચારે ભમરો 'કમળ' ના મોહમાંને મોહમાં કમળની અંદર જઈને બેસી રહે છે. સાંજ પડતાં કમળ ની પાંદડીઓ બીડાવા લાગે છે. છતાં ભમરો કમળ પ્રત્યે મોહાંધ બની તેને છોડતો નથી. અંતે 'કમળ 'ની પાંદડીઓ બંધ થઈ જાય છે ભમરો કમળમાં કેદ થઇ જાય છે. અને છેવટે તે ગૂંગળાઈને "કમળ" માં જ મૃત્યુ પામે છે.(બોધ:- કોઈનો અતિશય મોહ ન રાખવો. અમુક હદ પછી તેને છોડતા પણ શીખવું જોઈએ.)

                   --- નટવર પંડયા.

મોબા નં. 8530669907

(હાસ્યલેખ દર્પણ પૂર્તિ, ગુજરાત મિત્ર. )

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...