Sunday 7 September 2014

ચોવીસ ગુરુનો ચેલો

જે રીતે લોકો આજકાલ સંસાર રથમાં પણ સ્પેરવ્હીલ રાખે છે. એ જ રીતે લોકો સ્પેરગુરુ  પણ રાખે છે કારણ કે મલ્ટીપરપઝ ગુરુ આજે મળતા નથી. જુદી જુદી સમસ્યાના ઉકેલની ગુરુચાવીઓ જુદા જુદા ગુરુઓ પાસે હોય છે વળી શક્તિ એવી ભક્તિના ધોરણે એકથી વધારે ગુરુ પાળવાની વાત તો પ્રાચીન કાથી ચાલી આવે છે. આજકાલ ધનવાનો અને કરોડપતિઓના ગુરુઓ જોશો તો તેમણે ગુરુ પાળ્યા હોવાની ખાતરી થઇ જશે. પ્રાચીન સમયમાં દત્તાત્રેયે ચોવીસ-ચોવીસ ગુરુ ધારણ કર્યા હતા. અમણે ચાલાકી એ વાપરી હતી કે પેલા ગુરુને ખબર પણ નહોતી પડવા દીધી કે તેમણે એમની ગુરુપદે નિમણૂક કરી છે, મનોમન ગુરુ ધાર્યા છે. જુના જમાનામાં જે રીતે કોઈ યુવતી મનોમન કોઈને વરી ચૂકતી (એ પણ સ્વયંવર કહેવાય.) તેમ તેઓ ગુરુને વર્યા હતા.
             એ જ રીત મેં પણ અપનાવી છે. ટ્રાફિકથી ધમધમતો વરાછા રોડ ક્રોસ કરવામાં મને બહુ મુશ્કેલી પડે છે. જયારે હું રોડ ક્રોસ કરું ત્યારે બીજાઓને પણ મુશ્કેલી પડે છે. કારણ કે મોટાભાગના લોકો રાજમાર્ગ પર બાપુજીનું રાજ હોય એમ વાહનો ચલાવે છે અને ચાલે છે. એજ રીતે સો વિઘાના ખેતરમાં ફરવા નીકળી હોય એમ બિન્ધાસ્તપણે કેટલીક બહેનોને શાકમાર્કેટ પાસે કાકડી ખાતા-ખાતા રોડ ક્રોસ કરતી જોઈ. મે મનોમન એમને ગુરુપદે સ્થાપી. તેમાંથી મને એ તત્વજ્ઞાન પ્રાપ્ત થયું કે રોડ ક્રોસ કરતી વખતે રસ્તા પર કોઈ જ નથી. માત્ર ને માત્ર તમે એક જ છો.એ ભૂમિકાએ પહોંચશો તો પછી રોડ ક્રોસ કરવો એ એક આનંદ બની જશે. ઉત્સવ બની જશે. વળી બહેનો તેનાથીય ઉચ્ચ ભૂમિકાએ હોય છે. કારણકે શાકમાર્કેટ અને તેની પાસે આવેલા રોડને તેઓ અબળાનું અભયારણ્ય માને છે. કોલેજમાં વકતૃત્વ સ્પર્ધા વખતે પણ અમારા સાહેબે મને એજ શિખામણ આપેલી કે સામે સાંભળનાર કોઈ જ નથી અને આપણે એકલા જ છીએ.એમ ધારીને જ બોલજે એટલે તને જરાય ગભરામણ નહિ થાય, ડર નહિ લાગે. મેં અક્ષરશ: સાહેબની સૂચનાનું પાલન કર્યું. હું પાંચ મિનીટને બદલે અડધો કલાક બોલ્યો. અંતે મારું વક્તવ્ય પૂરું થયુ ત્યારે પરિસ્થિતિ સાહેબના કહેવા પ્રમાણે જ હતી. અને સાહેબ ગભરાયેલા જ હતા. જોકે એ તો મારા ગુરુ હતા જ.
             એક જગ્યાએ જમણવારમાં ખૂબ લાંબી લાઈન હતી. લાઈન જોતા એવું લાગતું હતું કે બૂફેના કાઉન્ટર સુધી પહોંચીશ ત્યા સુધીમાં માત્ર ભુખ જ નહિ પણ ભુખાતુર ખુદ મરી જશે. પણ એટલામાં જ જેમ શાકમાર્કેટમાં રખડતો આખલો ઘુસી જાય અને બે ત્રણ સફરજન વિના મૂલ્યે આરોગી જાય એમ એક માણસ આખલા શૈલીથી સીધો જ છેક કાઉન્ટર પાસે ઘુસી ગાયો. પાછળ ઉભેલા લોકોએ હો....હો કર્યું. મને થયું કે જો બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે ભારતીયોએ આટલી જાગૃતિ દાખવી હોત તો એક પણ ઘૂસણખોર આજે આ દેશમાં ન હોત. પેલા ઘૂસણખોર આંખ આડા કાન કરી ધ્યેય સિદ્ધ કર્યું. હજુ મેં તો લાઈન માં અડધા ભાગનુંય અંતર નહોતું કાપ્યું ત્યાં તો તે જમી કારવીને સિંહ ગર્જના જેવાં ત્રણ ચાર ઓડકાર ખાઈને રવાના થઇ ગયો. મેં તરત તેને ગુરુપદે સ્થાપ્યો અને જ્ઞાન પ્રાપ્ત કર્યું કે જયારે જયારે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ખાવું હશે તો શરમ છોડવી પડશે. અને શરમ રાખીશું તો ખાવાનું છોડવું પડશે. આ જ્ઞાન મને જ્ઞાનસત્રમાંથી પ્રાપ્ત થયું. એટલે તેનું મારે મન બહુ મોટું મૂલ્ય છે.
           રાજકોટ ખાતે મારા મિત્રના પડોશમાં જ તેના જીજાજી વસે છે. મિત્ર માટે જીજાજી રાહુ સ્વરૂપે હતા. જેને મેં ગુરુપદે સ્થાપ્યા છે. જેમ દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં ઘરમાં દીપડા ઘુસી આવે છે. એમ જીજાજી ત્યારે મિત્રના ઘરમાં ઘુસી જતા. જીજાજીએ મિત્રને કલ્પવૃક્ષ માન્યો હતો જયારે મિત્રની હાલત મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી એવી હતી. તેથી જીજાજીએ કલ્પવૃક્ષપાસેથી (તેના ઘરમાંથી) ઈચ્છે તે વસ્તુ પ્રાપ્ત કરી લેતા આવા જીજાજી પ્રાપ્ત કરવા બદલ મિત્રને બહુ ખેદ હતો.મિત્ર ઘણીવાર સાહિત્યિક શબ્દોમાં પરોક્ષ પધ્ધતિથી જીજાજી સમક્ષ ખેદ વ્યક્ત કરતો પણ જીજાજી ટોટલી નિષ્ખેદ હતા. એકવાર હું મિત્રને ઘેર બેઠો હતો અને તેઓ સવારમાં ચડી આવ્યાં. મિત્ર પત્નીએ બનાયેલી બે કપ કોફીમાંથી એક કપ કોફી તેઓ પી ગયા. એટલે મિત્રે મને કહ્યું હવે એ બાકીનો કપ તું પી જા જીજાજી પી ગયા તે કપ મારો જ હતો. અમારા કરમમાં કાળમીંઢ લખ્યો હોય તેના પરિણામ તારે શા માટે ભોગવવા! એટલામાં જ જીજાજી એ પૂછ્યું, ભાઈ, આજે તમે ક્યાંય બહાર જવાના છો? મિત્રને થયું કે જો હા કહીશ તો જીજાજી ગળે પડશે અને આંખો દિવસ પોતાનાં ખર્ચે ખાશે- પીશેને રાજ કરશે. આમ વિચારી તેણે કહ્યું ના આજ તો આંખો દિવસ ઘર બહાર પગ નથી મૂકવો. આ સંભાળીને તરત જ કી સ્ટેન્ડમાંથી ચાવી ઉપાડતા જીજાજી બોલ્યા તો પછી હું તમારી કાર લઈ જાવું છું. રાત્રે મૂકી જઇશ આમ કહી તેઓ કાર લઈ વાયુવેગે પલાયન થઇ ગયા અને અમે ખરેખર આખો દિવસ ઘરે જ બેસી રહ્યા. આવા જીજાજીમાંથી મેં જ્ઞાન તારવ્યું કે સસરાના ઘરની તમામ ચીજને આપણી પોતાની જ માનવી. ઉપરાંત સસરા અને સાળાને કલ્પવૃક્ષ અને સાસુને કામધેનું માનવી. આમ જીજાજીને મેં ગુરુપદે સ્થાપ્યા.
              અમે હોસ્ટેલમાં રહીને ભણતાં ત્યારે વેચાણકળા અને વિજ્ઞાપન એ વિષય મને બહુ અઘરો લાગતો. તેથી એ વિષયની ટેક્સ્ટ બુક લઈને હોસ્ટેલની અગાશી પર એકાંતમા હું વાંચતો એ દરમ્યાન દૂર એક અગાશી પર લીમડાનો ઘેઘૂર છાંયડે એક બડકમદાર બાપુ દરરોજ ટેસથી પાઈપ (ચલમ) પિતા નજરે ચડતા. કહેવાય છે કે તેમની પાસે શહેરમાં ઘણી મિલકત હતી.છ મહિના પહેલા એમણે પોતાની જીપગાડી વેંચી દીધી અને છેલ્લા સમાચાર મુજબ તેમના જ્યાં બેસણાં છે તે મકાન પણ વેચવા કાઢ્યું હતું. આ સંભાળીને મેં એ બડકમદર બાપુને તરત ગુરૂપદે સ્થાપ્યા. કારણકે તેઓ વેચાણકાળનો પણ નહોતા જાણતા. છતાં છત પર બેસીને ચલમ પીતાંપીતા તેમણે કેટલું બધું વેચી બતાવ્યું! એમના થાકી મારા મનમાં જ્ઞાન જ્યોત પ્રગટી કે કંઈ પણ વેચવા માટે વેચાણકળા શીખવી અનિવાર્ય નથી. આમ વેચાણકળાનો હાઉ મારા મનમાંથી દૂર થયો.
                મારા એક ખાસ મિત્રના પિતાજીને પણ મેં ગુરુપદે સ્થાપ્યા છે. કારણકે ગ્રેજ્યુએટ થયા પછી મારો મિત્ર ખાનગી નોકરીમાં જોડાયો. પણ તેની લાક્ષણિકતા મુજબ તે નોકરીમાં ક્યાંય ‘મંગાળે મેશ અડવા ન દેતો’. એટલે કે ક્યાંય ટકતો નહિ. અને વારંવાર નોકરીઓ બદલતો. આવું ઘણા વર્ષા સુધી ચાલ્યું. એકવાર અમે તેના ઘેર બેઠા હતા. ત્યારે તેના પિતાજીએ મિત્રને સલાહ આપી કે તું આમ વારંવાર નોકરી બદલ્યા ન કર. કોઈ એક જ જગ્યાએ સ્થિર થઇ જા. ત્યારે મિત્રે કહ્યું કે, બાપુજી, હું ભલેને નોકરીઓ બદલ્યા કરું, આપણને અનુભવ મળેને!
              ત્યારે તેના વિલક્ષણ પિતાજી બોલ્યા આખી જીંદગી અનુભવ જ મેળવ્યા કરીએ તો પછી તે કામ ક્યારે લાગે?’
           આ ઘટનાથી મેં મિત્રના પિતાજીને ગુરુપદે સ્થાપ્યા.અને જ્ઞાન પ્રાપ્ત કર્યું કે જો પથારી કરવામાં જ સવાર  પડે તો સુવું ક્યારે?!

              આમ, જ્યાં જ્યાંથી જ્ઞાન મળે તેને ગુરુપદે સ્થાપું છું. ઓછામાં ઓછા ચોવીસ ગુરુના ટારગેટ છે. બાકી તો સ્કાય ઇઝ ધ લિમિટ!        
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...