Thursday 30 March 2017

ધોતિયું ધારણ કરવાનાં ધારા-ધોરણો



          એક સુંદર યુવતી બસમાં ચડતી હતી. બરાબર તેના પાછળના પગથિયે ધોતિયું પહેરેલા એક વડીલ પણ બસમાં ચડતા હતાં. એકાએક વડીલે બૂમ પાડી, “બહેન, હવે તમે જો એક ડગલું પણ આગળ વધશો તો ન થવાની થશે !” યુવતીએ ફરીથી પગથીયું ચડવા પગ ઉપાડ્યો. વડીલે ફરીથી બુલંદ સ્વરે બૂમ પાડી, એ જ ચેતવણી આપી. યુવતી અટકી ગઈ અને ખીજાઈને બોલી, “હું આગળ પગલું ભરું તેમાં તમને શો વાંધો છે, ક્યારના બૂમો શું પાડો છો ! હું તો આ ચાલી.”
ત્યારે વડીલે ખુલાસો કર્યો કે, “બહેન, મારું ધોતિયું તમારા સેન્ડલમાં ભરાઈ ગયું છે. હવે તમે આગળ વધશો તો હું શુકદેવજી સ્વરૂપ થઈ જઈશ .”
          ટૂંકમાં ધોતિયું પહેરનારે એ ખાસ ધ્યાન રાખવું પડે છે કે ધોતિયું ક્યાંય ભરાઈ ન જાય અથવા પોતે ક્યાંય ભેરવાઈ ન જાય. નરવસ્ત્રોની દુનિયામાં ધોતીયાએ વરસો સુધી એકચક્રી શાસન કર્યું છે. કારણ કે ધોતિયું કોઈપણ સંજોગોમાં સાનુકુળ વસ્ત્ર છે. આમ છતાં ધોતિયાની મોનોપોલી તૂટી રહી છે. આ વાત પેલા રોકડિયા ગીતોમાં પણ વ્યક્ત થાયછે કે, “મારે પેન્ટવાળાને પૈણવું’તું, ધોતિયવાળો ગમતો નથી.” જોકે, હવે એનાથી આગળ વધેલા ગીતોમાં એમ પણ ગવાય છે કે, “મારે 4G વાળાને પૈણવું’તું, 2G વાળો ગમતો નથી.” જો કે હવે તો યુવાન પાસે 3G હોય કે 4G પણ પૈણવા માટે તો દીકરીના બાપને આજીજી કરવી પડે છે.
          ખેર...આપણા દેશમાં વૈદિક યુગથી માંડીને છેકે બ્રિટીશશાસન સુધી ધોતિયાની બોલબાલા રહી છે. કારણ કે ધોતિયાને ખરીદીને ધારણ કારો ત્યાં સુધીમાં વચ્ચે ક્યાંય દરજી આવતો નથી. ધોતિયું ફેક્ટરીથી ડાયરેકટ શરીર સુધી આવી જાય છે. દિવાળી વખતે અન્ય કપડાની ખરીદી બહુ વહેલી કરવી પડે છે પણ ધોતિયું તો તમે દિવાળીની રાતે ખરીદીને પહેરી શકો છો. વળી આજ સુધીમાં રેમન્ડ, દિગ્જામ કે, ઓન્લી વિમલ જેવા બ્રાન્ડેડ ધોતિયા બજારમાં આવ્યા નથી. વળી પાર્ટીવેર ધોતિયું કે, ફોર્મલ ધોતિયું એવા કોઈ પ્રકાર નથી. આમ ધોતિયું ફોર્મલ છે અને નોર્મલ પણ છે.
          ધોતિયામાં ક્યાંય વચ્ચે દરજી ન આવતો હોવાથી જ એ પહેરવું મુશ્કેલ છે. ત્યારે જ આપણને દરજીનું મૂલ્ય સમજાય. કારણ કે, નવોદિત ધોતિય ધારકો માટે ધોતિયું પહેરવું જ નહિ પરંતુ સાચવવું પણ અઘરું છે. તેથી જ કોઈ વ્યક્તિએ જયારે પ્રસંગોપાત ધોતિયું પહેરવાનો વખત આવે છે ત્યારે જે રીતે આર્યનારી પોતાના ચારિત્ર્યનું જતન કરે છે એ રીતે ધોતિય ધારક ધોતિયાનું જતન કરે છે. નહિ તો ગમે ત્યારે ધોતિયાનું પતન થઈ શકે છે. કારણ કે, ધોતિયું પહેરો ત્યારે પરિસ્થિતિ એકદમ પ્રવાહી હોય છે. તેથી જ પ્રસંગોપાત ધોતિયું પહેરનારનો એક હાથ તો હંમેશા ધોતિયાને ધોરણસરની સ્થિતમાં રાખવામાં જ રોકાયેલો હોય છે. કારણ કે વખત આવ્યે સામી છાતીએ લડવા જવું સહેલું છે પણ ધોતિયું પહેરી સામા પવને ચાલવું બહું અઘરું છે. પવન સુસવાટા મારતો હોય અને જાતકે ધોતિયું પહેરીને સામા પવને ચાલવું જ પડે તેમ હોય ત્યારે જાતકની સ્થિતિ ‘ચૂંદડી ઓઢું ઓઢું ને ઉડી જાય’ જેવી હોય છે.
          કહેવાય છે કે ‘કફન મેં જેબ નહિ હોતી ઓર ધોતી મેં ચેઈન નહિ હોતી.’ જોકે એ જ સૌથી મોટી સમસ્યા છે. ધોતિયામાં ચેઈન નથી હોતી. કારણ કે કફન તો માણસે એક વાર જ ઓઢવાનું હોય છે. વળી ઓઢ્યા પછી પણ તેને સરખું જાળવવાની જવાબદારી ઓઢનારની નથી હોતી. પણ ધોતિયામાં તો સંપૂર્ણ જવાબદારી ધોતિયધારકની હોય છે. કહેવાય છે કે, ‘ગોર-મહારાજ લગ્ન તો કરાવી દે પણ સંસાર ન ચલાવી દે.’ એવું ધોતિયમાં છે. ગોર-મહારાજ ધોતિયું પહેરાવી દે પણ ધોતિયા પર કાબુ રાખવાની સંપૂર્ણ જવાબદારી ધોતિયાધારકની હોય છે. એમાં શાસકપક્ષ પોતાની નિષ્ફળતા વિરોધ પક્ષ પર ઢોળે એવું થઈ શકતું નથી. કેટલીક વાર સ્થિતિ એવી થાય છે કે ધોતિયા પર કાબૂ રાખવામાં જ જાતક બેકાબૂ બની જાય છે. કાયમી ધોરણે ધોતિયું પહેરતા હોવ તો વાંધો ન આવે પણ ક્યારેક પ્રસંગોપાત ધોતિયું ધારણ કરવાનું હોય છે એટલે જ બધી બબાલ થાય છે. કહેવાય છે કે ભારતમાં બાદશાહને હાથી પર બેસાડવામાં આવ્યો અને હાથીને ચલાવવા મહાવત બેઠો. મહાવતે જેવો હાથીને ચાલતો કર્યો કે તરત બાદશાહે કહ્યું કે, ”લાવ હાથીને હું જ ચલાવું.” ત્યારે મહાવતે કહ્યું, “હાથી કેમ ચલાવવો તે તમને ન આવડે, એ તો અમે મહાવત જ ચલાવી શકીએ.” આ સાંભળી બાદશાહ તરત હાથી પરથી નીચે ઉતરીને બોલ્યો., “જે પ્રાણીને હું મારી મરજી મુજબ ન ચલાવી શકાતો હોવ તેના પર હું કદાપી સવારી નહિ કરું.’ પણ ધોતિયા બાબતે આપણે એવું કહી શકતા નથી કે “જે વસ્ત્ર હું જાતે પહેરી શકતો ન હોવ તે વસ્ત્ર હું કદાપી ધારણ નહિ કરું.” પ્રસંગ આવ્યે એ તો પહેરવું જ પડે છે. કોઈ વિધિ , હોમ-હવન, યજ્ઞ, શ્રાદ્ધ કે નારાયણ બલી જેવા પ્રસંગોએ જાતકે ધોતિયું પહેરવું જ પડે છે. કેટલીક વાર તો પુરોહિત્જીના કહેવા મુજબ યજમાને જયારે પિતૃદોષનિવારણ વિધિ વખતે ધોતિયું પહેરવું પડે છે. તેમાં પિતૃઓનું ટેન્શન તો દૂર થવું હોય ત્યારે થાય પણ જ્યાં સુધી વિધિ ચાલે ત્યાં સુધી યજમાનને ધોતિયાનું ટેન્શન ભારોભાર રહે છે.
          આજ સુધી પ્રસંગોપાત ધોતિયું પહેરનાર કોઈ એવો ધોતિય ધારક તમે નહિ જોત્યો હોય કે તેને એવો ગળા સુધી વિશ્વાસ હોય કે આ ધોતિયું પહેર્યા પછી સાંજ સુધી ટકી રહેશે. જેમ અપક્ષોની ટેકે ટકેલી સરકારને સતત ટેન્શન હોય છે કે આપણી સરકાર ગમે ત્યારે ભાંગી પડશે. એ જ રીતેપ્રસંગોપાત ધોતિયું પહેરનારને સતત એ ટેન્શન રહે છે કે આ ધોતિયું ગમે ત્યારે દગો દેશે. ભલે જાતકનું ધોતિયું ઢીલું ન હોય છતાં તેનો જીવ તો ધોતિયે જ ચોંટ્યો હોય છે. જયારે ‘ધોતિયે’ ઢીલા એવા ગુરૂઓ, બાપુઓ, સ્વામીઓને ધોતિયાનું ટેન્શન લેશમાત્ર હોતું નથી. જયારે કોઈ વિધિ ઉભા ઉભા કરવાની હોય અને ગોર-મહારાજ કહે કે, “હવે તમારા બંને હાથ જોડી રાખો અને હું કહું ત્યાં સુધી જોડેલા જ રાખજો !” ત્યારે જાતક હાથ જોડતા પહેલા બંને હાથ વડે ધોતિયાની સ્થિતિ ફરી એક વાર મજબૂત કરી લે છે. જયારે જયારે તે આમ ધોતિયા પર હાથ નાખે છે. ત્યારે ત્યારે તેને “કંઈક ગરબડ થય છે એવો ભાસ થાય છે.. કેટલીક વાર ધોતિયું સ્થાનભ્રષ્ટ થઈ નીચે ઉતરી ગયું હોય એવું લાગે છે. એટલે તે ગોર-મહારાજની આજ્ઞા મુજબ હાથ જોડતા પહેલા ધોતિયાને જરા ઉપર ખેંચી મૂળ સ્થાને લાવે છે. કેટલીક વાર ધોતિયાની ગાંઠને જરા કસીને ફરીથી ટાઈટ કરી લે છે. આમ ધોતિયાનું પણ તબલા જેવું હોય છે. જેમ કોઈ કાર્યક્રમમાં એકાદ કલાક સંગીતનો કાર્યક્રમ ચાલ્યા પછી વચ્ચે થોડો રેસ્ટ આવે એટલે તરત જ તબલાવાદકને થાય છે કે તબલું જરા ઉતરી ગયું છે. એટલે તેની ચારે બાજુ ટકોરા મારીને તબલું ચડાવે- એવું જ ધોતિયાનું છે. દર અડધા કલાકે ધોતિયધારક ધોતિયાને ધોરણસરની સ્થિતિમાં રાખવાના પ્રયત્નો કરતો રહે છે.
          નવા જાતક માટે ધોતિયાનું સૌથી મોટું ભયસ્થાન છે ધોતિયાની ગાંઠ ! કેમેય કરીને તેને ધોતિયાની ગાંઠ પર શ્રધ્ધા બેસતી નથી અને જ્યાં સુધી ગાંઠ પર શ્રધ્ધા બેસતી નથી ત્યાં સુધી ભગવાનમાં પણ શ્રધ્ધા બેસતી નથી. કારણ કે તેનો જીવ ગાંઠે જ વળગેલો હોય છે. તેને થાય છે કે પ્રિયતમા સાથે બબ્બે ત્રણ ત્રણ વરસ સુધી બંધાયેલી પ્રેમની ગાંઠ પણ છૂટી જાય છે, સગા-સંબંધીઓ સાથેની વરસો સુધી સંબંધોની જૂની ગાંઠ પણ છૂટી જાય છે. તો આ ધોતિયાની ગાંઠનો શો ભરોસો! એટલે જ તે વારંવાર ગાંઠની વફાદારીને ચકાસતો રહે છે. જાતક આટલેથી જ અટકતો નથી. ધારો કે ધોતિયાધારી યજમાને અખો દિવસ હવનમાં હાજરાહજૂર રહેવાનું હોય ત્યારે તેમાં બપોરે ફરાળ માટે રીસેસ પડે અને તે ફરાળ માટે રસોડામાં જાય ત્યારે ફરી એક વાર પેલી ગાંઠને આખે આખી છોડી તેને વધુ ટાઈટ બાંધી નિર્ભય બની જાય છે. પણ આ નિર્ભયતા ઝાઝું ટકતી નથી. કેટલાક જાતકો આવા રીસેસ ટાઇમ દરમિયાન ખુદ ગોર-મહારાજને બોલાવીને ધોતિયાધારણની વિધિ ફરીથી એકડે એકથી કરાવે છે. અને ધોતિયાને પોતાની જરૂરિયાત મુજબ ઢીલું કે ટાઈટ કરાવે છે.
          પ્રસંગોપાત ધોતિયું પહેરવાનું થાય ત્યારે તેને પહેરાવનારની જરૂર પડે છે. આવો ધોતિયું પહેરાવનાર એવો હોવો જોઈએ કે જેના પર જાતકને અપાર શ્રદ્ધા હોય. વળી ધોતિયું પહેરાવનાર પોતાના કાર્ય પ્રત્યે પૂરે પૂરો ગંભીર હોવો જોઈએ નહિ તો તેના માઠા પરિણામો ધોતિયું પહેરનારે ભોગવવા પડે છે. એમ તો પ્રસંગોપાત ટાઈ પહેરવાની, કોઈ પણ પ્રસંગે સાફો બાંધવાની જરૂર પડે ત્યારે તજજ્ઞોની જરૂર પડે  છે. આપણને જાતે ટાઈ બાંધતા કે સાફો બાંધતા ફાવતું નથી. આમ છતાં તેમાં બહુ ટેન્શન હોતું નથી. ધારોકે સાફાનો કર્તા પોતાના કાર્ય પ્રત્યે પૂરેપૂરો ગંભીર ન હોય તો બહુ બહુ તો માથા પરથી સાફો પડી જાય કે ડોકમાંથી ટાઈ નીકળી જાય. તેથી લોકો કદાચ થોડું ઘણું હસે. પણ જો ધોતિયામાં આવું થાય તો ફજેતો થઈ જાય. તેથી જે કઈ પણ થોડી ઘણી આબરૂ બચી હોય તેના પણ કાંકરા થઈ જાય. જોકે ધોતિયાની દુર્ઘટનાને આબરૂ સાથે કઈ લેવા દેવા નથી. આમ છતાં લોકોએ તેને આબરૂ સાથે જોડીને તેની ગંભીરતા વધારી દીધી છે. આ દુર્ઘટના નજરો નજર નિહાળનાર લોકો કદાચ એવું બોલે કે આ સાલો પોતાનું ધોતિયું સાચવી શકતો નથી એ સંસાર કઈ રીતે સાચવશે.
          કોઈ દુકાને આપણે શાલ ખરીદવા જઈએ ત્યારે દુકાનવાળો આપણને પૂછે છે કે તમારે પોતાના માટે જોઈએ છે કે કોઈને ઓઢાડવાની છે. તેમાં પણ ટોપી જેવું છે. જેમ ટોપી પહેરવાની અને પહેરાવવાની જુદી જુદી હોય છે, એ રીતે ઓઢાડવાની શાલ ઘણી સસ્તી, આછી અને વધુ ચમકદાર હોય છે. એ જ રીતે દુકાને ધોતિયું ખરીદવા જઈએ ત્યારે દુકાનદાર પૂછે છે કે તમારે પોતાના માટે જોઈએ છે કે ગોર-મહારાજને આપવાનું છે. આપને કહીએ ગોર-મહારાજને આપવાનું છે. તો એ ધોતિયું પ્રમાણ માં સસ્તું અને કંઇક અંશે પારદર્શક હોય છે. તેથી આવું ધોતિયું પહેરી જાતકે સવાર સાંજ સૂર્યપ્રકાશમાં ઉભા રહેવું હિતાવહ નથી.
          કેટલાક વિધિ વિધાન વખતે ધોતીયાભેર નદીમાં સ્નાન કરવાનું હોય છે. ત્યારે પણ જાતકની કસોટી થાય છે. કારણ કે ધોતિયાને પાણી અને પવન સાથે બહુ બનતું નથી. જો એ વખતે પાણીમાં ઉભા રહીને બંને હાથે પૂજા કરવાની હોય અને એકય હાથ નવરો ન હોય ત્યારે ધોતિયું પોતાની નૈતિક ફરજ ચુકીને પાણીની સપાટી પર તરવા લાગે છે. અલબત તેને જાતક સાથે સાવ છુટાછેડા લીધા હોતા નથી. પણ અહી ધોતિયું રિસાઈ ને પિયર ચાલી ગયેલી પત્ની જેવી ભૂમિકામાં હોય છે. તે જાતક સાથે બંધાયેલું હોવા છતાં જાતકથી ઘણું દૂર હોય છે. આ રીતે તે દૂર રહીને જ પત્નીની જેમ પોતાનું મુલ્ય સમજાવે છે. અનુભવી લોકો પાણીમાં ઉતરતાની સાથે જ ધોતિયાને બે પગ વચ્ચે દબાવી દેતા હોય છે. એટલે થોડી વાર પછી ધોતિયું બળવો કરવાનું છોડી ને શરણે થઈ જાય છે. પણ નવોદિત જાતકો સામે ધોતિયું અચૂક બળવો પોકારે છે. અને બંને હાથ પૂજામાં રોકાયેલા હોય ત્યારે વ્યક્તિ મનોમન ‘મારી પત રાખો ગિરધારી એવું ગાવા લાગે છે.’
          બીજી બાજુ ગમે તેવો પવન ફૂંકાતો હોય છતાં ધોતિયું ધારણ કરી બંને હાથ વડે તમાકું ચોળતા-ચોળતા કોઈ કર્મકાંડી ભૂદેવ ઝડપથી ઉપરાંત મક્કમ ગતિએ પગલા ભરી રહ્યા હોય ત્યારે તે બ્રાહ્મણ પણ આપણને માન થઈ આવે છે. આમ તો પુરૂષોએ કોઈ વસ્ત્ર પહેર્યા પછી કઈ રીતે ઉઠવું, બેસવું તેની તાલીમ લેવી પડતી નથી. પણ નવોદિત ધોતિયા ધારકો માટે આવી તાલીમ જરૂરી છે. કારણ કે જાહેર જનતાના હિતમાં ધોતિયાધારકે ધોતિયું ધારણ કરવાનાં અમુક ધારા-ધોરણો પાળવા જરૂરી બને છે.
  -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com


Saturday 25 March 2017

ચહેરો: વાંચવા જેવી કિતાબ



            પેલું ગીત યાદ હશે, જબ્ભી જિ ચાહે નઈ દુનિયા બસા લેતે હૈ લોગ એક ચહેરે પે કઈ ચહેરે લગાતે હૈ લોગ. અહીં જે ચહેરાની વાત છે તે મુખવટા પહેર્યા વિનાના ચહેરાની વાત છે. માણસ પોતાનાં ચહેરા પર અનેક ભાવો લાવી શકે છે તમને ખબર જ નપડે કે તેની અંદર શું ચાલી રહ્યું છે. એટલે શું છે કે કિતાબ તો જે છપાયેલું હોય તે વંચાવે પણ ચહેરો વાંચતા શીખવું બહુ અઘરું છે ભલભલા તેમાં થાપ ખાઈ જાય. ન માનો તો આં વાચો.એમાં એવાં ન સમજાતા ચહેરા વિશે થોડી સમજ પાડવામાં આવી છે. તમે એ વાંચવું શરૂ કરો, અમે તમારો ચહેરો વાંચીશું.
       રાત્રે બે વાગ્યે મેં અને મારા મિત્ર એક માણસને તેના ઘરમાં હસતો હસતો ચા પિતા જોયો. જેવો ચા પીને બહાર નીકળ્યો ત્યારે તેનું મોઢું દર્શનીય રહ્યું ન હતું. એટલે કે ચડી ગયું હતું. એટલે બગડેલું હતું. મેં મિત્રને પૂછ્યું આમનું મોઢું બગડવાનું કારણ શું? મિત્રે કહ્યું, ચા માટે નું દૂધ બગડી ગયું હશે.
ના, એ તો હસતો હસતો ચા પીતો હતો.
તો પછી એની પત્નીએ વડચકું ભર્યું હશે.
તેની પત્ની તો ઊંઘે છે. ઊંઘતા ઊંઘતા વડચકું ભારે એવી પત્નીને ક્યાંય જોઈ નથી!
તો પછી ચા પીધા પછી મોઘવારીનો વિચાર આવ્યો હશે. અને રાત્રે બે વાગ્યે આ રીતે દૂધ, ચા, ખાંડ બગાડવા બદલ તેમાં ચહેરો બગડ્યો હશે. મિત્ર બોલ્યો.
મેં કહ્યું, એમ પણ નથી.
તો પછી છે શું? તુ બતાવ. મિત્રે મોઢું બગાડીને કહ્યું. અંતે મારે કહેવું પડ્યું કે અત્યારે તેની પાસે બીડી ખલાસ થઇ ગઈ છે.બીડી નથી અને આવડા નાનકડા ગાંમમાં રાત્રે બે વાગ્યે કોઈ દુકાન ખુલ્લી હોય નહિ. તેના માટે તો ચા અને બીડી શોભે. એ જ રીતે એકલી ચા નકામી, બીડીનો ટેકો તો જોઈએ જ. તેથી તેનું મોઢું બગડીને ડાચું થઇ ગયું છે.
તે કેવી રીતે જાણ્યું? મિત્રે પૂછ્યું.
ચહેરો વાંચીને!
ત્યારે મિત્ર આશ્ચર્યચકિત થઈને બોલ્યો, લોકોના ચહેરા વાંચવાનું તું કઈ નિશાળમાં ભણ્યો?
મનુષ્યનો ચહેરો જ એક કિતાબ છે, વાંચવા જેવી.ચહેરાથી આગળ વધીને છેક દિલ સુધી પૂછ્યા-ગાંઠ્યા વગર પહોંચી જનારા વળી દિલને જ એક કિતાબ સમજે છે અને રસપૂર્વક વાંચે છે. (બીજાની) જગજીતસિંઘે ગાયેલી ગઝલમાં પણ કંઈક આવું જ કહ્યું છે... દિલ સે બહેતર કોઈ કિતાબ નહિ. આમ ચહેરો પણ એક કિતાબ છે, પુસક છે. જો વાંચવામાં રસ પડે તો (એટલે તો પુસ્તક મેળામાં પણ કેટલાંક લોકો દિલની કિતાબ વાંચવા જોવા મળ્યા હતા.) જો ચહેરાઓ વાંચવાની કોશિશ કરશો તો તેમાંતી ગહન બાબતો જાણવા મળશે. કોઈનો ચહેરો વાંચીએ અને તે સાવ નંખાઈ ગયેલો લાગે ત્યારે આપણે વિચારીએ કે તે શા માટે ઉદાસ હશે? સૌ પ્રથમ તો એવો વિચાર આવે કે તે કોઈ ભગ્નહૃદયી આત્મા છે અને પ્રેમમાં તેનું ધોવાણ થયું લાગે છે. પણ જો ચહેરો વાંચવાનું લાંબો અનુભવ ધરાવતા હશે તો ખ્યાલ આવશે કે તેનું પ્રેમમાં નહિ પણ શેરબજારમાં ધોવાણ થયું છે. કારણ કે આપણે ત્યાં ઘણા લોકો એવાં છે કે જેમને એક માત્ર શેરબજાર જ ખુશ કે ઉદાસ બનાવી શકે છે. તેથી કેટલાંક ચહેરાઓ જ ખુદ બજાર બની ચુક્યા હોય છે. તેથી બજારમાં થતી વધઘટ સીધી જ ટીવી અને છાપાની જેમ જ તેના ચહેરા પર પણ વાંચવા મળે છે. ઘેર બાળકો અને પત્નીના ચહેરાને તે વાંચી શકતો નથી કારણ કે લાગણીની લીપી વાંચવાની તેને ક્યારેય કોશિશ કરી હોતી નથી. વળી કેટલાંક ચહેરાઓ પર કાયમી ધોરણે ઉદાસી છવાયેલી  હોય છે અને એની સાઈડ ઇફેક્ટ આજુબાજુવાળા સૌને થાય છે. આવા લોકોના ચહેરા એક કરૂણ નવલકથા જેવો હોય છે. એટલે તેને વાંચનાર પણ સરવાળે ગમગીન થઇ જાય છે. ભલભલી મોજ શોખ સભાઓને શોકસભામાં ફેરવી નાખવાની ક્ષમતા તે ધરાવે છે. તેમની ઉદાસી માટે કોઈ કારણ હોતું નથી. ઉદાસી એમના માટે ગોડ ગીફ્ટ હોય છે. અને તે ગીફ્ટ તેમના તરફથી સૌને મળે છે. કેટલાંક ચહેરાઓને દુરથી વાંચતા તે ખુશખુશાલ જણાય છે. પણ એકદમ તેમની નજીક જઈ બિલોરીદ્રષ્ટિથી વાંચીએ તો ખુશ દેખાતા ચહેરા પર ખરેખર ખુશી જણાતી નથી. આપણને પ્રશ્ન થાય કે આવું કેમ? ખુશીના ખેલ બતાવવા ચહેરા પર ખરેખર ખુશી કેમ નથી? તેનું ઊંડાણપૂર્વક અધ્યયન કરતા સમજાય છે કે ખરેખર દિલથી ખુશ થયેલો નથી. પણ પુસ્તક મેળામાંથી ખરીદેલું પુસ્તક ખુશ રહેવાના દસ સચોટ ઉપાયો. વાંચીને તેમાંના પહેલાં સચોટ ઉપાય તરીકે તે ખુશ દેખાવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આમ પુસ્તકનો નશો તેના ચહેરા પર સ્પષ્ટ રીતે વાંચી શકાય છે. આજ કાલ આવા તરત જ નશો ચડે, કીક લાગે તેવા પુસ્તકો ઘણા મળે છે અને તેના પરિણામો ચહેરા પર વાંચવા મળે છે.
        કેટલાંક ચહેરાઓ વિશેષાંકો જેવાં હોય છે. જેમાં હંમેશા કંઈક વિશેષ ભાવો વાંચવા મળે છે. પણ જેમ વિવિધ પ્રકારના વિશેષાંકોથી આકર્ષાઈને વાંચીએ તો ખબર પડે કે આમાં વિશેષ જેવું કશું નથી. પરંતુ જે શેષ બચ્યું હોય છે તે બધું એકઠું કરી તેની ભેળ બનાવી વિશેષાંક તરીકે ચહેરાઓમાં કોઈ વિશેષતા હોતી નથી. તેમની સાથે માંડીને વાત કરીએ તો પણ બધાની જેમ મોંઘવારી અને મંદીના પાટે ચડી જાય છે.
         કેટલાંક ચહેરાઓ હંમેશ ગૂંચવાયેલા, મૂંઝાયેલા લાગે છે. તેમના ચહેરા પર મૂંઝવણના ભાવો વાંચને વાચક પોતે મૂંઝાઈ જાય કે આ ભાઈને શાની મૂંઝવણ હશે? જગતમાં દુઃખ છે તો દુઃખનો ઉપાય છે એવું ભગવાન બુદ્ધે કહ્યું છે. તેથી તેની મૂંઝવણનો ઉપાય બતાવીને આપણે પણ પરમાર્થ કરવા પ્રેરાઈએ છીએ. પણ મહામહેનતે  તેનું મોં ખોલાવ્યા પછી જાણવા મળે છે કે તેની મૂંઝવણ તો સામાન્ય છ પણ હરતા ફરતાં તજજ્ઞોએ તેના જે ઉપાયો બતાવ્યા છે તેમાંથી કયો ઉપાય અજમાવવો એજ તેની સૌથી મોટી મૂંઝવણ છે. જે તેના ચહેરા પર અલગ રીતે વાંચી શકાતી નથી. આવી મૂંઝવણનો વધુ એક સચોટ ઉપાય બતાવીને આપણે તેની મૂંઝવણમાં યથાશક્તિ વધારો કરીએ છીએ.
             કેટલાંક ચહેરા પર શિયાળાની કાતિલ ઠંડીમાં પણ આપણે ઉકળાટના ભાવો વાંચી શકીએ છીએ. આવા ચહેરા જરા ખીજયેલો અને ગરમ દેખાય છે. આમ છતાં તેની નજીક રહેનારની ઠંડી તે દૂર કરી શકતો નથી. પણ તેમનો ઉકળાટ ઘરના સભ્યોને રઘવાયા કરી મૂકે છે. તેથી ઘરમાં બધા રાહ જોતા હોય છે કે તેઓશ્રી વહેલી તકે ઓફિસે કે કામધંધે જવાં માટે વિદાય લે. તો સારું ક્યારેક તેનો ઉકળાટ સામે પત્ની કકળાટ કરે છે ત્યારે ઉકળાટ ઔર વધે છે. પછી તો તેના પર ચાની તપેલી મુકો તો ચા બનવી શકાય એવો ઉકળાટ હોય છે. પણ ઉકળાટ શાંત પાડવા આઠ અનોખા ઉપાયો એવું પુસ્તક હજુ સુધી જોઅવામાં આવ્યું નથી.
        જયારે કેટલાંક ચહેરા ખૂબ ગંભીર હોય છે. ફોન કંપનીની જાહેરાતોના પાટિયાની જેમ તેમના ચહેરા પર ગમે તેટલે દુરથી અને ગમે તે સ્થળ ગંભીરતા વાંચી શકાય છે. અગાઉ પણ લખી ચુક્યો છું કે ગંભીરતા એ ચહેરા પર નહિ પણ કાર્યમાં બનાવવાની ચીજ છે. એવાં જાતકના ચહેરા પર ગંભીરતાની ગઝલો વાંચીને આપણા હૈયામાં ઉઠેલી હઝલ વરાળ બનીને ઉઠી જાય છે.તેઓ હંમે તે પ્રસંગે ગંભીરતાને અકબંધ રાખી શકે છે. તેમની ગંભીરતા અને બ્રેકેબલ હોય છે.
          તેઓ હાસ્યના કાર્યક્રમો પણ ગંભીરતાથી સાંભળે છે એમ નહિ પણ કાર્યક્રમ દરમિયાન ગંભીરતાને જાળવી રાખે છે. હાસ્ય લેખક કે કલાકાર તેનું કામ કરે છે. પોતાનાં વક્તવ્યોમાં પણ તેઓ ગંભીર બોધ કરે છે. તેમના બોધ પછી આખી સભાના ચહેરા પર ગંભીરતા વાંચવા મળે છે. પણ તેમાં કેટલાંક લોકો મૂછમાં કે હોઠમાં હસતા હોય છે. ખરેખર તો એ ભાવો વાંચવા જેવાં હોય છે. જો વાંચતા આવડે તો! અને ફિલ્મવાળા ભલામણ કરે છે કે દિલકો દેખો ચહેરા ન દેખો... આપણે શું કાંઈ એક્સ-રે મશીન છીએ!    
              -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

ગળગળા થઇ જવું !




               ગળગળા થવું એટલે શું તે અંગ્રેજોને પૂછો તો ખરેખર આવ્યા હોય તેવું મોઢું કરી પૂછનારને જ ગળે પડી પૂછે. તેમજ કહોને આ ગળગળા થવું એટલે શું? ગળગળા થવામાં એક્સપર્ટ તો આપણા લોકો જ! અમુક લોકો તો કોઇપણ વાત વગર ગળગળા થઇ જાય. કેટલાંક લોકો ગળગળા થવાના કૌશલ્ય આધારે પોતાનો બચાવ પણ કરી લે. ગળગળાના આવા કલાબાજો વચ્ચે સચેસાચ ગળગળા થનારા પણ હોય છે. શું કહેવું આ બધા વિશે? ઓહ, હમણા તમે રહેવા દો.
             ગળગળા થઇ જવાં બાબતે લોકોમાં બે પ્રકાર છે. પહેલાં પ્રકારના લોકો ધારે ત્યારે ઈચ્છે તેટલા ગળગળા થઇ જાય છે. જયારે બીજા પ્રકારના લોકો ક્યારે ગળગળા થઇ જાય કાંઈ કહેવાય નહિ. આમ છતાં ગળગળા તહી જતા આવડવું ખૂબ જરૂરી છે. પણ તેનાથીય વધારે અગત્યનું છે ગળગળા થઇ જવાં પર પુરતો કાબુ હોવો તે જ લોકો જયારે અને જેટલા પ્રમાણમાં ઈચ્છે તેટલા ગળગળા કરી શકે છે. અને એક વાર જો સામેવાળાને ગળગળા કરવાનું ફાવી ગયું તો ગળગળા થવાના સુખદ પરિણામો જાતક મેળવી શકે.
       ગુજરાતી કે જૂની હિન્દી ફિલ્મોમાં જયારે હીરો કે હિરોઈન વિલનના હુમલાઓને ન ખાળી શકે ત્યારે તેઓ ગળગળા થઇ શસ્ત્ર ઉગામતા જે મુદે કોર્ટમાં જવાનું હોય તે મુદ્દે હીરો હિરોઈન અથવા તેના ફિલ્મી માતા-પિતા સીધા જ મંદિરે જઈ છાશવારે ગળગળા થઇ જતા જોવા મળે છે. એ લોકો મંદિરમાં ગળગળા થાય એટલે ટોકીઝમાં બેઠેલા એંસી ટકા ગળગળા થઇ જાય અને તેમાંથી પચાસ ટકાના ખિસ્સામાંથી તો રૂમાલ બહાર નીકળી આવે છે. હા, ગળગળા થવું હોય ત્યારે હાથ રૂમાલ ખાસ જરૂરી છે. ટોકીઝમાં ગળગળા ન થયેલા બાકીના વીસ ટકા પણ ગળગળા થવા મચી રહ્યા હોય છે. પણ એ લોકો પૂરતો રીયાઝ કરતા હોવાથી ગળગળા થઇ શકતા નથી. જયારે કેટલાકને એજ સમજાતું નથી કે આ ગુજરાતી ફિલ્મની હિરોઈનની માતા શા માટે મંદિરમાં આવીને આટલી બધી ગળગળી થઇ ગઈ છે. પછી જયારે તેણે એ વાતની કરુણતા સમજાય છે ત્યારે જાતક બે મુદ્દે ગળગળો થઇ જાય છે. એકતો હિરોઈનની માતા ગળગળી થઇ ગઈ છે માટે એને બીજું પોતે આટલી કરૂણ વાત પણ ન સમજી શક્યો તે માટે પછી તેનું ગળગળાપ રોમેન્ટિક કે કોમેડી સીન શરૂ થાઉં જાય તો ય હટતું નથી છેવટે તે ઇન્ટરવલમાં એકાદ બીડી જલાવે કે પાન મસાલો ખાય ત્યારે પરિસ્થિતિ થાળે પડે છે.
          રસ્તામાં, બસમાં, બગીચામાં કે સેમિનારમાં ગળગળા થવા કરતા મંદિરમાં ગળગળા થઇ જવું વધારે સારું કારણ કે ત્યાં આપણે ભક્ત કે હરિના દાસ માં ગણાઈ જઈએ. પણ જો આપણને ટ્રાફિક પોલીસ રોકીને રૂપિયા સાડા સાત સો નો દંડ ફટકારે ત્યારે આપણે મંદિરમાં થયાં હતા એટલા જ કદાચ તેનાથીય વધુ ગળગળા થઇ જઈએ ભક્તમાં ગણાતા નથી અને સામેવાળો નાગરિક કેટલો ગળગળો થયો છે તેની માત્રામેળ મુજબ સપ્રમાણમાં દંડ ફટકારે છે. (જેમ ગળગળો વધુ તેમ દંડ વધુ સપ્રમાણ) હા, એ લોકો નાગરિકને સંભાળતા જ નથી એવું નથી. નાગરિક ગળગળો થઈને જે નિવેદન કરે છે તે નિવેદન પોલીસ જુદી દિશામાં મોં રાખી નાગરિકથી વિમુખ થઇ, હાથમાં પાનું વાળેલી રસીદ બુક અને પેન સાથે સાંભળે છે. નિવેદન પૂરું થાય એટલે તરત જ તેઓ નામ, નંબર નોંધી ને રસીદ પકડાવી દે છે. આ રીતે તેમની સામે નાગરિકોને ગળગળા થતા જોઈને તેમની ફરજ નિષ્ઠા ઝળહળી ઉઠે છે.
         કેટલાંક લોકો એવાં પણ છે જે ક્યારે ગળગળા થઇ જાય કાંઈ કહેવાય નહિ. હજુ બે મિનિટ પહેલાં તો તેમના ચહેરા પર ખુશીની ચમક દેખાતી હોય અને પછીની ક્ષણે વાતાવરણમાં અણધાર્યો પલટો આવી જાય અને તેઓ ગળગળા થઇ જાય. હાલમાં મોઘવારીના મુદ્દે ગળગળા થઇ જવાની અને બીજાને કરી મુકવાની મૌસમ ચાલે છે. આ રીતે ગળગળા થઈને તેઓ બોલી ઉઠે છે. શાકભાજીનું તો નામ નથી લેવાતું! ખાવું શું? આમ કહી તેઓ એટલા ગળગળા થઇ જાય છે કે આપણને શાકમાર્કેટમાંથી સીધા જ સ્મશાનમાં જતા રહેવાનું મન થાય. જોકે તેઓ તો શાકભાજીની થેલી ભરીને જ ઘરે જાય છે.
            જયારે કેટલાંક લોકોને ભગવાને ચહેરા જ એવાં આપ્યા હોય છે કે કોઇપણ પરિસ્થિતિમાં તેઓ ગળગળા થઇ ગયા હોય એવાં જ લાગે. કોઈના લગ્નમાં માંડવે તેઓ પ્રથમ હરોળમાં સ્થાન પામ્યા હોય તો પણ તેઓ ગળગળા થઈને જ બેઠા હોય છે. એટલે સામેવાળા માણસ તો તેણે જોઈને જ ગળગળો થઇ જાય. પછી તેણે ખુશીના સમાચાર આપવા હોય તો પણ માંડી વાળે. અને પેલા ગળગળા ચહેરાવાળા તરફથી કોઈ ખુશીના સમાચાર મળવાના હોય તો તે ગળગળા ફોર્મમાં જ મળે.
            કેટલાકના હૃદયમાં એવાં હોય છે કે તેઓ બાહરના ઓર્ડર પર પૂરતું ધ્યાન આપી શકે છે. એટલે કે તેઓ ઓર્ડર મુજબ ગળગળા થઇ શકે છે. આવા લોકો જાણે જરૂર પડ્યે ગળગળા થવાનો વાલ્વ ખોલે છે. અને તરત જ તેઓ ગળગળા થઇ જાય છે અને વાલ્વ બંધ કરે એટલે એકદમ સ્વસ્થ. આ પ્રકારના હૃદયો આપણા નેતાઓ ધરાવે છે. ચૂંટણી સમયે તેઓ ઘણીવાર જાહેરમાં ગળગળા થઇ જાય છે. અને ચૂંટાયા પછી ગળગળા થવાનો વારો જનતાનો હોય છે. કુશળ કથાકારો પણ આ રીતે એકના એક પ્રસંગ પર અનેક વાર ઈચ્છે ત્યારે ગળગળા તહી શકે. એવી એમના પર પ્રભુની કૃપા દ્રષ્ટિ હોય છે. કવિ હૃદયો પણ કેટલીકવાર તેનાથી ઊલટું બને છે. મૂળ વ્યક્તિ કરતા અનેકઘણો ગળગળો થઈને તેના સુરમાં સુર પુરાવે તેથી પરિસ્તિતિ એ થાય કે જેણે આશ્વાસન મેળવવાનું હતું તે આશ્વાસન આપનારની ભૂમિકામાં આવી જાય છે. કોઈના દાદા પંચમહાભૂતમાં ભળી ગયા હોય તો ત્યાં ખરેખર જનારની ફરજ એ થાય કે દાદા જેમને વિલાપ કરતા છોડી એટલું રૂદન કરે કે જેમ શાસ્ત્રીય સંગીતકાર સ્વરઘૂંટે એમ વારંવાર તાન, મુર્કી લઈને તેઓ વિલાપનો આલાપ એટલો બધો ઘૂંટે કે જેમના દાદા સ્વર્ગસ્થ થયાં છે એ લોકો આમને આશ્વાસન આપવા લાગી જાય.
              વળી જરા અજાણ્યા લોકો અને દુરના સગાઓને તો ખબર જ ન પડે કે દાદા કોના ગુજરી ગયા છે!
           એટલે આમ ગળગળા થવામાં તો કેટલીકવાર તો બંને પક્ષોની મૂળ ભૂમિકા જ બદલાય જાય છે. જયારે ગળગળા થવું જેમને સહજ છે. એવાં લોકોને વક્તાઓ કોઇપણ વિષય વગર પણ વક્તવ્ય આપી શકે છે. એજ રીતે આ લોકો  કોઇપણ જાતની વિષય વાસના વગર મનમુકીને ગળગળા થઇ શકે છે. એમણે તો બસ વિષય હો શ્રધ્ધાનો તો પુરાવાની જરૂર શી! આ લોકો વિષય મુક્ત રહીને પણ એટલા બધા ગળગળા થઇ જાય છે કે અન્ય લોકો તેણે પૂછવાનીય હિંમત નથી કરી શકતા કે ભાઈ તમે આટલા બધા ગળગળા કેમ થઇ ગયા? આ રીતે જેઓ કોઇપણ પ્રકારના વિષય વગર જ ગળગળા થઈશકે છે તેઓ લોકહૃદયમાં મૂકી ઊંચેરું સ્થાન મેળવી શકે છે.
           ગરમાગરમ:        
          કોઈ એક વ્યક્તિના દાદા સ્વર્ગસ્થ થયાં એટલે ત્યાં મોઢે આવેલ વડીલે આશ્વાસન આપતા કહ્યું, દાદા બે વરસ બેઠા હોત તો સારું હતું. પેલા ભાઈએ કહ્યું, -હા, બેઠા હોત તો આ પાંચ વિદ્યા છે એ પણ વેચાઈ જતે.
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

ખોવાયા છે નેતાશ્રી !



           નેતાઓ જબરા હોય છે તેઓ નેતા બન્યા પછી યાને સરકારી રીતે ચૂંટાયા પછી આપણી નજર સામે જ ખોવાઈ જવાનો એવો કસબ ધરાવે છે કે તમને જ્યાં સુધી બીજી ચૂંટણી ન આવે ત્યા સુધી દેખાય જ નહિ! ખરેખર મિસ્ટર ઇન્ડિયા તો આ નેતા જ કહેવાય મિસ્ટર ઇન્ડિયા તો ખરા જ. મોગામ્બો પણ તેઓ જ છે. એવા નેતાઓ ખોવાય તો શોધવા કેમ? અહીં આપેલી વિગતો પ્રમાણે જો તમે શોધી શકો જણાવજો.
           કેટલીક ચીજ ખોવાય ત્યારે લોકોને વસવસો થાય છે. તેને શોધવા પુન:પ્રાપ્ત કરવા લોકો ફાંફા મારે છે.જયારે કેટલીક ચીજો ખોવાય છે. ગુમ થઇ જાય છે ત્યારે લોકો તેની શોધાશોધ નથી કરતા. આ બધું જ જે તે ચીજની ઉપયોગીતા પર આધારિત છે. કંઈક એજ રીતે ચૂંટાયા પછી આપણા વિસ્તારમાંથી જે તે નેતા, જનતાના તારણહાર લગભગ ખોવાઈ જાય છે આમ છતાં લાખો લોકોએ ગુમાવેલી ચીજની શોધખોળ ચલાવતા નથી કદાચ લોકો ખાતર માથે દીવો કરવામાં નહિ માનતા હોય. વળી એ ચીજમાં વિશિષ્ટતા એ છે કે (જો કે એમાં તો ઘણી વિશિષ્ટતાઓ છે.) પાંચ એ આપોઆપ મળી આવે છે એટલે કે પુન: પ્રાપ્ત થાય છે અને ફરી એકવાર મંચ પરથી લોકોને કહે છે કે ....
તુમ મુઝે ભૂલ ભી જાઓ તો યે હક હૈ મેને તો મહોબ્બત કિ હૈ.
            અલબત્ત મુહોબ્બત જરૂર કરી છ, પણ મન સાથે મન સિવાય એમને કોઈ મતલબ હોતો નથી. આ રીતે લોકો તેને ઓળખી જાય છે. પણ સામે પણ ઘાટે ઘાટન પાણી પીને બેઠા હોય છે. એટલે દરવર્ષે નઈ ઉમંગે નઈ કહાની લઈને આવે છે. એ લોકોને પણ ખ્યાલ છે કે બધુજ ભૂલી જાય છે. એટલે ફરીથી નઈ કહાની કામ કરી જાય છે. એ રીતે માનો કે કોઈ ખોવાયેલા ધારાસભ્યશ્રી માટે જાહેરાત આપવામાં આવે તે કેવી હોય તે વિશે જરા... આછેરી ઝલક.
            ખોવાયા છે અમારા વિસ્તારના આમ જનતાના સેવક. પ્રજા વત્સલ નેતાશ્રી લક્ષ્મીપ્રસાદ રોકડિયા કહેતાં જોકે કેટલાંક હસવ ઉ જરા આગળના અક્ષરમાં લગાડી તેમના નામ થકિ જ તેમનો ટૂંકો પરિચય આપી દેતા. એમનામાં જરા નાંણા વગરનો નાથિયો કહેવત મુજબ ફેરફાર થયો પણ અટક તો એ જ હતી. કેટલાંક લોકો નામ જેવાં ગુણ હોય છે પણ અહીં લખુમા અટક જેવાં ગુણ વધારે હતા. આમ અટક પરથી તેમના અટકચાળાનો અણસાર આવી જ પણ ચૂંટાયા પછી તેમણે તેમનું નામ લક્ષ્મીપ્રસાદ કરી નાખ્યું. જે એકાદ ઉચિત હતું. કારણકે ત્યાર બાદ તેમને લક્ષ્મીનો પ્રસાદ લેવામાં રસ ન હતો. તેમનો વ્યવહાર આજે રોકડા ઉધાર કાલે વાળો હતો. આમ મૂળ અટક લાંધણીયા હતી.
           આ નેતાશ્રી જેઓ ચૂંટાયા પહેલા પાનાના ગલ્લે, બસ સ્ટેશને, જિલ્લા પંચાયતે અનેકવાર મળી જતા. આપણી એમને મળનારી ઈચ્છા ન હોવા છતાં ચાની લારી પર તેઓ જાતે ચાનો ઓર્ડર આપતા અને છેલ્લે પૈસા બીજો કોઈ ચૂકવતો આવા ચપળ, ચાલક,ઉત્સાહી પણ સરવાળે જડ વિચાર શક્તિ ધરાવતા નેતાશ્રી છેલ્લા ચાર-ચાર વરસથી ગાયબ છે. રૂબરૂ તો ઠીક પણ હવે તો લોકોને સ્વપ્નમાં પણ નથી દેખાતા. આમ થવાનું કારણ તેમના વચનો માનવામાં આવે છે.કારણકે અહીં પ્રાણ જાયે અરુ વચન ન જાયે મુજબ વચનો જ ગયા છે. વળી પ્રાણ ગયા છે તો તે બીજાના! તેમણે ચૂંટણી અગાઉ લોકોને એકાદ બે નહિ બહુ-વચનો આપ્યા છે. જેમાંથી ભાગ્યેજ એકાદ બે પુરા થયાં છે. અન્ય કોઈ મુદ્દા તેઓ વચન-વિવેકી દેખાતા નથી.વળી બાકી રહેલા વચનોમાંથી મોટા ભાગના તો જનતા ભૂલી ગઈ છે તેમ છતાં તેમણે એ વાત ગભરાવે છે કે આપણે ભાષણોમાં છુટતા મોંએ જે વચનોની વર્ષા કરી હતી તે વચનો પ્રજા યાદ કરશે તો  કરવું શું? ચૂંટણી પહેલા તેઓ લોકોને જુકી જુકીને સલામો કરતા આમ સલામ કરવાની તેમની આદત એટલી બધી વકરી ગયેલી કે ઉત્સાહમાં તેમણે એક રખડતા આખલાને અને બે ગધેડાને પણ સલામ કરેલી કહેવાય છે કે તેની ગધેડા પર બહુ જબરી અસર થયેલી. વળી તેઓ પોતાને પ્રજાના સેવક તરીકે ઓળખાવતા. વળી સેવક પહેલા અદનો એવું વિશેષ વાપરતા. જનતાને તેઓ ફક્ત જનતા નહિ પણ જનતા જનાર્દન કહેતાં તેમણે આપેલા વચનોથી પ્રેરાઈને એક મતદાતા છેક તેમણે મળવા પાટનગર ગયેલો અને તેમણે આપેલું વચન યાદ કરાવ્યું ત્યારે તેમણે મતદાતાને કડવા વચનો કહી તેના પર પગરખાંનો છુટ્ટો ઘા કરેલો. આવા ગુમ થયેલા નેતાશ્રીની વિશેષ વિગતો આ પ્રમાણે છે.

(૧) સ્વરૂપ, કદ અને આકાર:-    પદાર્થની દ્રષ્ટિએ જોતા તેમનું સ્વરૂપ ધન છે. પણ રાજકારણમાં તેમની પરિસ્થિતિ એકદમ પ્રવાહી છે ગમે ત્યારે દીવાલ ઠેકી જાય. તેમણે દુરથી જોતા તેમાં માનવ-આકારનો ભાસ થાય. પણ આમ જુઓ તો એકદમ નિરાકાર! એટલે કે શીંગાડે ખાંડો ને પૂછડે બાંડો (કોઈ રીતે પકડાય નહિ) શારીરિક ઊંચાઈ લગભગ છ ફૂટ પણ માનસિક ઊંચાઈ વ્યસ્ત પ્રમાણમાં, શરીર ભરાવદાર અને જાડું, ચામડી પણ જાડી, વળી શરીર અને બુદ્ધિ બંને સરખા વળી ટુંકી ગરદન, બાઠયા કાન, વાન શ્યામ રણ પ્રદેશમાં જોવા મસ્તી વનસ્પતિ જેમ માથા ઉપર છુટ્ટા છવાયા વાળ. ઉપલા જડબામાં આગળના ચાર દાંત જાહેર જનતાના લાભાર્થે મોંની બહાર દેખાય એવા લાંબા દેખાડવાના અને ચાવવાના બંને જુદા વળી, દંતપંક્તિઓ એકદમ અછાંદસ ભગવાનના પોતાના આ સર્જન પર ખુદ ભગવાનનેય ભરોસો ન બેસે એવું અદ્દભુત સર્જન.

(૨) ખાસિયતો અને લક્ષણો :  અહીં નેતાજીશ્રી ના જે લક્ષણો વર્ણવવામાં આવ્યાં છે તે એકદમ વિશિષ્ટ પ્રકારના હોવાથી તેને અપલક્ષણો તરીકે પણ નોંધી શકાયા. શારીરિક રીતે તેઓ દશમાં દેખાય એવા મોમાં પાન ચાવવાની કાયમી ટેવ. ચાવવાની ટેવ પાનથી લઈને પાન ખાયે સૈયા હમારો ગીત વાગતું હોય તો બંધ કરવું પડે. વળી સૈયા ની જગ્યાએ ભૈયા શબ્દ મુકો તો વાસ્તવિકતાની વધારે નજીક લાગે. જાહેરમાં ભાષણ કરતા કરતા વાંસો ખંજવાળવાની ટેવ અને વાંસો પીઠ ખંજવાળતી વખતે તેમની મુખમુદ્રા અમાનુષ સ્વરૂપ ધારણ કરે. ભાષણ વખતે તેમણે સમય અને વિષય બંને જણાવી દેવામાં આવ્યાં હોવા છતાં તેઓ વિસ્મુક્ત થઇ સમયની સરહદો ઓળંગી જાય છે. આ રીતે એમના ધારદાર વક્તવ્ય વળે તેમના વિરીધીઓને અને શ્રોતાઓને ઘાયલ કરી દે છે.

(૩) વ્યવસાય:  લગભગ અનિશ્ચિત ! પોતાનો મુખ્ય કે ગૌણ વ્યવસાય કયો છે તેનાથી પુરેપુરા અજાણ છે. આમ વ્યવસાય બાબતે પણ તેમની પરિસ્થિતિ એકદમ પ્રવાહી છે. હા કોઇપણ વ્યવસાયમાં તેઓ લક્ષ્મીપ્રસાદ રોકડિયા છે આ સિવાય તેમના વ્યવસાય વિશે કેટલીક ધારણાઓ બાંધી શકાય જેમ કે.....

(૪) ધારણાઓ:  સાવ નવરાશના સમયમાં ગાંધી ચિંધ્યા રહે કોઇપણ મુદ્દે ઉપવાસ આંદોલન જગાવવું અને ધરણા કરવા ગમે તેવા સુમેળ ભર્યા વાતાવરણને પણ ડહોળી નાખવું. શક્ય એટલા સન્માન સમારોહ અને ઉદગાટનોમાં હાજરી આપવી. સરકારી કામના કોન્ટ્રાક્ટ લેવાં અથવા મળતીયાઓને અપાવવા અને જો યોગ્ય વ્યક્તિને અપાયા હોય તો તે છટકાવવા અને ભવિષ્યમાં આવી પડનારા આક્ષેપો સામે અગાઉથી જ રદિયા તૈયાર કરવા.
          ઉપરોક્ત ખાસિયતો, કદ,આકાર, સ્વરૂપ અને વ્યવસાય ધરાવનારા અમારા વિસ્તારના નેતાશ્રી લક્ષ્મીપ્રસાદ રોકડિયા છેલ્લા પાંચ વર્ષથી સંપૂર્ણ પણે ગાયબ છે. ટીવી કે છાપાઓમાં ક્યારેક તેમનું નામ સંભળાય છે આમ છતાં તે ચોક્કસ પણે ક્યાં છે તે જનતા જાણી શકી નહિ આવા નેતાશ્રીને શીધવામાં રસ ધરાવનાર પાર્ટીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. વહેલો તે પહેલાના ધોરણે તેમણે શોધી કાઢવાના છે આ શોધ પણ ભવિષ્યમાં એક મહાન શોધ તરીકે સ્થાન મળી શકે એવી શક્ય છે.  


       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

        

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...