Saturday 1 September 2012

માર્ગદર્શન


માનવીને મૂંઝવણ જેટલો મૂંઝવી નથી શકી તેનાથી અનેકગણો માર્ગદર્શને મૂંઝવ્યો છે. જેને કશું જ માર્ગદર્શન નથી મળ્યું તેના કરતાં જેને ખૂબ જ માર્ગદર્શન મળ્યું છે, તે વધારે મૂંઝાય છે. ‘મૈં ઈધર જાઉં યા ઉધર જાઉં’ આમ મૂંઝવણના ઉકેલ માટે માર્ગદર્શન આપવામાં આવે છે. અને તેમાંથી જ પાછી મૂંઝવણ ઊભી થાય છે. આ આજના માર્ગદર્શનની ખૂબી છે. ટૂંકમાં, મૂંઝવણ અને માર્ગદર્શન એક સિક્કાની બે બાજુ છે કે બે સિક્કાની એક બાજુ ! તે ખબર નથી પડતી.
અગાઉ મૂંઝવણોના પ્રમાણમાં માર્ગદર્શન ઓછાં હતાં. જ્યારે આજે માર્ગદર્શનના પ્રમાણમાં મૂંઝવણો ઓછી છે. તેથી જ લોકો મૂંઝવણ અનુભવે છે. મૂંઝવણ અને માર્ગદર્શનને આદિ-અનાદિ કાળથી સંબંધ છે. પણ પહેલાના જમાનામાં અને આજના યુગમાં તફાવત એ છે કે પહેલાં તમારે માર્ગદર્શન મેળવવા જવું પડતું જ્યારે આજે માર્ગદર્શન આપવા માટે નિષ્ણાતો તમારો દરવાજો ખખડાવી રહ્યા છે. ટૂંકમાં માર્ગદર્શન તમારા દરવાજે ટકોરા મારી રહ્યું છે. (ક્યારેક બપોરે પણ.)
ખરી રામાયણ અહીંથી જ શરૂ થાય છે. માર્ગદર્શન આપવાનો વ્યવસાય આજે એટલો બધો પૂરબહારમાં ખીલ્યો છે કે જેને કોઈ મૂંઝવણ નથી તેને અગાઉથી પોલિયોની રસીની માફક માર્ગદર્શન આપવામાં આવે છે. પેલો કહે કે ભાઈ મને કોઈ તકલીફ નથી, મૂંઝવણ નથી. ત્યારે માર્ગદર્શક કહેશે, ‘કોઈ વાંધો નહીં. પહેલાં માર્ગદર્શન મેળવી લો. એટલે મૂંઝવણ આપોઆપ ઊભી થશે.’ (અથવા અમે ઊભી કરી આપીશું.) કેટલાક લોકોને ખબર જ નથી હોતી કે પોતાની સમસ્યા શું છે, મૂંઝવણ શું છે. વળી જે સમસ્યાથી તદ્દન બેખબર છે તેનું કોઈ શું બગાડી લેવાનું છે. પણ માર્ગદર્શનવાળા તેમને તેમની સમસ્યાઓ શોધી-શોધીને બતાવે છે કે જુઓ સાહેબ, તમારા જીવનમાં આટ-આટલી સમસ્યાઓ છે. તેની સામે અમારી પાસે સચોટ માર્ગદર્શન છે. તમારી તમામ મૂંઝવણના ઉકેલનો થેલો ભરીને આવ્યા છીએ. અમારી કંપનીની નવી સ્કીમ છે, ‘મૂંઝવણ એક, ઉકેલ અનેક !’
ઘણાને અનુભવ થઈ ચૂક્યો હશે અને ન થયા હોય તો કરી જોજો. માત્ર એટલું જ કહેજો, ‘સાહેબ, હું આઠ ધોરણ ભણેલો છું, મારો પુત્ર બાર સાયન્સમાં પંચોતેર ટકા સાથે પાસ થયેલો છે. તો તેને શું કરાવવું ?’ માત્ર ‘બારમા ધોરણ પછી શું ?’ માટે તમને બારસો પ્રકારનાં માર્ગદર્શન મળશે. વળી દરેક માર્ગદર્શક એવું કહેશે કે હું કહું છું તે જ કરાવો, આજકાલ તેનો જ જમાનો છે. બાકીના અગિયારસો નવ્વાણુંને નાખો ગટરમાં ! અંતે તમે એવા મૂંઝાશો કે આ માર્ગદર્શનો માટે માર્ગદર્શન મેળવવા જવું પડશે. માર્ગદર્શનનો વ્યવસાય દિન-પ્રતિદિન પ્રગતિ કરી રહ્યો છે, તેનું રહસ્ય અહીં છુપાયેલું છે.
સંજીવની લેવા ગયેલા હનુમાનજી મૂંઝાયા તો તેમણે આખો પર્વત ઉપાડીને વૈધરાજ સામે મૂકી દીધો. ટૂંકમાં આખો મેડિકલ સ્ટોર ઉપાડી લાવ્યા તેમ કહેવાય. કંઈક આ રીતે જ જાતક સામે માર્ગદર્શનનો આખો પહાડ મૂકી દેવામાં આવે છે. અને કહે છે, આમાંથી જોઈએ તે લઈ લો. ખરી મૂંઝવણ અહીંથી જ શરૂ થાય છે. માર્ગદર્શકો ભારપૂર્વક કહે છે, ‘ચકલીની આંખ જ દેખાવી જોઈએ.’ પણ તેઓ ઝાડ પર અનેક ચકલીઓ બેસાડે છે. આવા માર્ગદર્શનનું ક્ષેત્ર શાકભાજીથી માંડીને શિક્ષણ સુધી અને મૅનેજમેન્ટથી માંડીને મગજ ‘મૅડ’ સુધી વિસ્તર્યું છે. (‘વિસ્તરવું’ અને ‘વિકસવું’ બંને વચ્ચે પાતળી નહીં, બહુ જાડી ભેદરેખા છે.) આજે માસ્ટરથી માંડીને માસ્તર સુધીના નિષ્ણાતો (!?) માર્ગદર્શન આપી રહ્યા છે. આવા માર્ગદર્શનના મહાસાગરમાં આપણા મૌલિક વિચારો પર પાણી ફરી વળે છે. આજકાલ માર્ગદર્શન શાકભાજીની માફક વેચી શકાય છે. જોકે શાક વેચવા માટે શાક લેવા જવું પડે છે. જ્યારે માર્ગદર્શન વેચવા માટે માર્ગદર્શન લેવા જવું પડતું નથી. માર્ગદર્શન આપવાની સૌને કુદરતી બક્ષિસ છે. મૂળભૂત, રીતે મનુષ્ય માર્ગદર્શક છે. તે બીજાને માર્ગનું દર્શન કરાવી શકે છે. પણ પોતાના માર્ગનું દર્શન કરી શકતો નથી. તેથી તેને માર્ગદર્શનની જરૂર પડે છે. આમ એક બાજુ માણસ મૂંઝવણ અનુભવે છે તો બીજી બાજુ તે માર્ગદર્શન પણ આપી શકે છે. આ રીતે તે બેવડી ભૂમિકા અદા કરે છે. જીવનમાં એક વાર પણ માર્ગદર્શન મેળવ્યું ન હોય કે આપ્યું ન હોય તેવો માનવી મળવો મુશ્કેલ છે.
અમારો મિત્ર મોહન કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમયે, કોઈ પણ બાબતે માર્ગદર્શન આપવામાં માહિર છે. સામેવાળાને જરૂર હોય કે ન હોય, તે માર્ગદર્શન આપીને જ જંપે ! તેનો જીવનમંત્ર છે, ‘બને ત્યાં સુધી આપવું, લેવું નહીં.’ એક દિવસ હું તેના ઘેર બેઠો હતો. મોહન પોતે કંઈક નવો જ બિઝનેસ કરવાનું વિચારી રહ્યો હતો. એ બાબતે તે મારી સાથે ચર્ચા કરતો હતો. એટલામાં જ કુદરતી આફતની માફક તેના બાપુજી આવ્યા અને ચાલતી ગાડીએ ચડી ગયા, તક ઝડપી લીધી અને નવા બિઝનેસ બાબતે બાપુજીએ મોહનને એટલું બધું માર્ગદર્શન આપ્યું કે છેવટે મોહને બિઝનેસ કરવાનો વિચાર જ માંડી વાળ્યો. ત્યારે મને સમજાયું કે માર્ગદર્શનના મુદ્દે તો મોહનના બાપુજી ખરેખર તેના ‘બાપ’ છે. મેં આ વાત અમારા એક અન્ય મિત્રને કરી તો તેણે કહ્યું : ‘મોહનના બાપુજી તમામ અર્થમાં તેના ‘બાપ’ છે.’
આજકાલ ધર્મ અને શિક્ષણ એ માર્ગદર્શન માટેનાં બહુ મોટાં ક્ષેત્રો છે. તેમાં સૌ કોઈ ‘લાગે તો તીર નહીં તો તુક્કો’ના ધોરણે ઝંપલાવે છે. કારણ કે તેમાં જે કોઈ હાનિ થાય તે સામા પક્ષે જ થાય તેમ છે. આપણા હિંદુ ધર્મમાં આજકાલ બાવા, રેલવે સાધુ તથા પૂજ્ય કે અપૂજ્ય ગુરુઓ દ્વારા ધર્મ વિશેનું ધમધોકાર માર્ગદર્શન આપવામાં આવતું હોવાને કારણે જ આપણે ધર્મનો સાચો મર્મ જાણી શક્યા નથી. ગીતામાં પણ સરવાળે એ જ થયું ને ! કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને પ્રચૂરમાત્રામાં તાત્વિક માર્ગદર્શન આપ્યા પછી અંતે ભગવાને કહ્યું : ‘હવે તારે જે કરવું હોય તે કર.’ અંતે પુન: અર્જુન મૂંઝાઈ ગયો અને તેણે યુદ્ધ કરવાનો નિર્ણય લઈ લીધો. વળી માર્ગદર્શન વિના કે વિચાર્યા વગર કાંઈ કરીએ તો પણ મુશ્કેલી ! તેથી જ કહ્યું છે ને ‘વગર વિચાર્યું જે કરે પાછળથી પસ્તાય.’ એ જ રીતે ગહનાતિગહન વિચારણા કરીને જે કાંઈ કરે તે પણ પાછળથી પસ્તાય છે. કારણ કે ભરપૂર માર્ગદર્શનને કારણે કેટલીક વાર એટલો બધો વિચાર-વિસ્તાર થાય છે કે માણસ વિચારવા સિવાય કશું જ કરી શકતો નથી. માર્ગદર્શનના મુદ્દે મોટા ભાગે સૌ સફળ થયેલા મહાનુભાવોનું માર્ગદર્શન મેળવે છે. પણ જીવનમાં સફળ થયેલા કરતાં નિષ્ફળ ગયેલા મહાનુભાવોનું માર્ગદર્શન વધારે મૂલ્યવાન હોય છે. કારણ કે સફળ થયેલાને તો માત્ર ‘શું કરવું’ તેનો જ ખ્યાલ હોય છે. જ્યારે નિષ્ફળ ગયેલા મહાનુભાવોને તો ‘શું કરવું’ ઉપરાંત ‘શું શું ન કરવું’ તેનો પણ બહોળો અનુભવ હોય છે. તેમનું માર્ગદર્શન વાસ્તવિકતાની વધુ નજીક હોય છે. તેથી જ જેમ સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, તેમ નિષ્ફળતા પણ નથી હોતી. એ તો દરેક માણસે જાત-મહેનતથી પ્રાપ્ત કરી હોય છે.
માર્ગદર્શન બાબતે અમારો એક મિત્ર તેના સસરાની પ્રશંસા કરતાં કહેતો, ‘મારા સસરાનું નૉલેજ બહુ પાવરફુલ ! જાણે જ્ઞાનની હરતીફરતી યુનિવર્સિટી જોઈ લો ! ગમ્મે તે વિષયમાં રાત્રે બે વાગ્યે ઊઠીને પણ તમને માર્ગદર્શન આપી શકે.’ (આવી દુર્ઘટનાઓ ઘણી વાર બનેલી છે.) પછી મને ખબર પડી કે મિત્રના ત્રણ સાળારત્નમાંથી એક પણ સાળો સ્નાતકની ઉપાધિ મેળવી શક્યો નથી. તેનું એકમાત્ર કારણ પેલી જ્ઞાનની હરતી-ફરતી યુનિવર્સિટી !
વિવિધ પ્રકારની સ્કીમ (કારસો) કાઢનારા કહે છે કે તકને આગળ ચોટલી અને પાછળ તાલ હોય છે. માટે તકને આગળથી જ પકડો. પણ આપણને જ્યારે માર્ગદર્શન આપવાની તક મળે છે, ત્યારે આપણે તેને સીધી બોચીએથી જ પકડીએ છીએ. પછી મૂંઝાયેલો પામર માનવી આપણી સામે નતમસ્તકે બેઠો હોય અને આપણે પરમહંસની અદાથી તેને બોધ કરી રહ્યા હોઈએ. આપણો એક-એક શબ્દ તે ચાતકની પ્યાસથી પી જતો લાગે ત્યારે આપણે માનીએ છીએ કે આપણો શબ્દેશબ્દ તેના જીવનરાહને પગલે-પગલે દીપક બની પ્રજ્વલિત કરશે. કોઈ ઋષિયુગનું દશ્ય હોય એવું લાગે. રસોડામાં બટાટા છોલતી પત્ની આ દશ્ય જુએ તો તેને પણ પોતાની પસંદગી પર માન ઊપજે. (આ ધારણા છે.) પણ અફસોસ કે લોકો જેનું માર્ગદર્શન મેળવવા દૂર-દૂરથી આવે છે, તેનાં ઘરવાળાં તેનું દર્શન કરવાય તૈયાર નથી. આવું બોધકાર્ય સંપન્ન થયા પછી તમામ મૂંઝવણના ઉકેલની ગુરુચાવીઓના ઝૂડા સાથે જાતક હસતા મુખે વિદાય લેશે અને થોડે દૂર ઊભેલા પોતાના મિત્રને બધી વાત કરશે. જે સાંભળવાનો પ્રયત્ન કદાપિ ન કરવો. કંઈક આવી જ રીતે અમારા પાડોશી ચંદુમામાને માર્ગદર્શન આપવાની તક કોઈએ ઝડપી લીધી. વાત જાણે એમ હતી કે ચંદુમામાને માથે અકાળે ટાલ પડી ગઈ. તેથી તેમને કોઈએ માર્ગદર્શન આપ્યું કે દ્રુતલયમાં મંજિરા વગાડતા હોય એ રીતે સતત બંને હાથના નખ ઘસવાથી વાળ ઊગે છે, વધે છે, વિસ્તરે છે અને ઘેઘૂર બને છે. ચંદુમામાએ છ માસ સુધી આ પ્રયોગ નિષ્ઠાપૂર્વક સતત ચાલુ રાખ્યો. પણ પરિણામ અણધાર્યું આવ્યું. વાળ તો ન ઊગ્યા પણ નખ જતા રહ્યા. હવે આ બાબતે ચંદુમામા બીજાને માર્ગદર્શન આપતા થઈ ગયા છે.
કેટલીક વાર તમે માર્ગદર્શક કરતાં ઘણું વધારે જાણતા હો છો. આ બાબત માર્ગદર્શકો પણ સારી રીતે જાણતા હોય છે. તેથી તેઓ સૌ પ્રથમ ‘તમારી પાસે જે માલ છે તે ઓરિજીનલ નથી. અસલના ઉત્પાદક, હોલસેલર, રીટેઈલર, ફેરિયાઓ બધું જ અમે છીએ. અમે પરમાર્થ કાજે દેહ ધારણ કર્યો છે’ એવું પ્લમ્બર નળ ફિટ કરે એ રીતે આપણા મગજમાં ફિટ કરે છે. અને કહે છે, ‘તમને સાચી ખબર નથી, તમારી જાણકારી અધૂરી છે, માટે સાચી ખબર મેળવીને ખબરદાર થઈ જાઓ. ખબર હશે તો ખપ લાગશે.’ આજકાલના મેનેજમેન્ટ ગુરુ, લાઈફગુરુ, યોગાગુરુ, માઈન્ડ પાવરગુરુ જેવી કલીનશેવ ગુરુઓની જમાત આવા સફળ પ્રયોગો કરી રહી છે. અગાઉ જે કામ દાઢીવાળાઓ કરતા તે કામ આજે દાઢી વગરના કરી રહ્યા છે. આમ પૂરતા પ્રમાણમાં નાણાં ખંખેરી લોકોને શાસ્ત્રીય પદ્ધતિથી માર્ગદર્શન આપવામાં આવે તેને ‘કાઉન્સેલિંગ’ કહેવાય. સરવાળે આવા કાઉન્સેલિંગ કરતાં કોઠાસૂઝ વધુ ઉપયોગી નીવડે છે. કોઠાસૂઝનું કાઉન્સેલિંગ ન થઈ શકે. આમ છતાં પૈસા ખર્ચીને ઉલ્લુ બનવાનો પણ એક અનેરો આનંદ હોય છે.
અમારો એક મિત્ર ધંધો કરવા બાબતે મૂંઝાયેલો હતો. કારણ કે તેણે આજ સુધી ‘ધંધા’ કર્યા હતા. છેવટે તેણે ધંધો કરવા માટે જુદા જુદા અનેક કન્સલટન્ટસની મોંઘી સલાહ ખરીદી. જે સરવાળે તેને કશી કામ ન લાગી. આવી ખરીદેલી સલાહને આપણે ખપ ન લાગે તો આપણે ઓછું-અદકું લઈને બીજાને બઝાડી શકતા નથી. પણ આ બધી સલાહોના અર્કરૂપે તેને એટલું માર્ગદર્શન જરૂર મળ્યું કે, ‘આ જ ઉત્તમ વ્યવસાય છે.’ તેથી તે બીજું બધું જ છોડીને માર્ગદર્શક બની ગયો. ત્યાર પછી તેણે કદી પાછું વાળીને જોયું નથી. આમ જીવનમાં માર્ગદર્શન મેળવતાં-મેળવતાં જ મનુષ્ય ક્યારે માર્ગદર્શક બની જાય છે તેની તેને ખુદને ખબર પડતી નથી. જેમ નિષ્ફળ ક્રિકેટર કોચ બની જાય છે, નિષ્ફળ લેખક વિવેચક બની જાય છે, નિષ્ફળ નાયક દિગ્દર્શક બની જાય છે, એ જ રીતે જીવનભર જેમને કોઈ દિશા સૂઝી નથી તેઓ દિશાદર્શક બની જાય છે. સૌનો ભગવાન હોય ને ! તેથી જ આ દોહામાં કંઈક આવું જ કહ્યું છે :
‘લાલી મેરે લાલ કી, જિત દેખું તિત લાલ;
લાલી દેખન મૈં ગઈ, મૈં ભી હો ગઈ લાલ.’

No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...