Sunday 24 February 2013

કોઈ તમારા એક ગાલે પપ્પી કરે તો બીજો ગાલ ધરજો!


(શરદ પવારને ઝીંકી દેવામાં આવેલા થપ્પડની ગૂંજ હજુ શમી નાથી. કેન્દ્ર સરકારમાં મંત્રીપદ ભોગવતા શરદ પવારને થપ્પડ મારવી એ કઈ નાનુંસૂનું કામ ન કહેવાય. પેલા થપ્પડવીરનું જાહેર સન્માન કોઈએ નાથી કર્યું પણ તેવું થઇ શકે ખરું. સામાન્ય નાગરિકને તો હાથ એ જ હથિયાર. હજુ મંત્રીઓ કોઈ કાયદો લાવ્યા નાથી, બાકી તેઓ એવો કોઈ કાયદો લાવી શકે કે મંત્રીને મળવા આવનાર સૌના હાથ પીઠ પાછળ બાંધેલા હોવા જોઈએ. વીર થપ્પડમાર વિશે વધુ અહીં વાંચો.)

        આપણા નેતાઓ ચૂંટણી પ્રચાર માટે નીકળે ત્યારે ગાંધી બાપુને યાદ કરે છે. વળી, કોઈને ખુરશી પરથી પછાડી ત્યાં ચડી બેસવા માટે કરવામાં આવતા ઉધામા કે તિકડમને ગાંધી ચીંધ્યા રહે આંદોલન એવું નામ આપે છે. બાકી જો એમનો ભૂતકાળ તપાસો તો એમણે મોટા ભાગનું દાઉદ ચીંધ્યા માર્ગે જ કર્યું હોય છે, પણ નેતાઓ ખરે ટાણે જ ગાંધીજીને ભૂલી જાય છે. ગાંધીજીએ કહ્યું છે કે કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ ધરજો પણ શરદજીએ તક ચૂકી ગયા. એટલે ગાંધી ચીંધ્યો માર્ગ ચૂકી ગયા. બાય ધ વે, ગાંધીજીના વખતના જે એક ગુલાબી મિજાજના નેતાએ કહ્યું હોત તો તે આમ હોત.... કોઈ તમારા એક ગાલે પપ્પી કરે તો બીજો ગાલ ધરજો. જો આમ કહ્યું હોત તો એ સોનેરી સુત્ર આજના યુવાનોમાં લોકપ્રિય હોત અને યુવાનો પ્રશ્ન હોત કે બંને ગાલ પતી ગયા પછી?! ખેર.... તમાચા પરથી પપ્પીની વાતોએ ચડી જવું યોગ્ય નથી. એટલે તમાચા પર આવીએ તો શરદજીને તમાચો મારનાર યુવાન સરદાર હરવિન્દરસિંઘ પોતે પણ ગાંધીજીની બીજો ગાલ ધરવા વાળી વાત ભૂલી ગયો, અને એણે યાગ્નિક કામ અધૂરું છોડી દીધું. શરદજી ત્યારે ભૂલી ગયા હોય તો સરદારજીએ તેમણે યાદ અપાવવું જોઈતું હતું. જો કે સરદારજીએ શરદજીને સાત પેઢી યાદ કરાવી જ. પણ મુખ્ય મુદ્દો ભૂલી ગયા એટલે કહેવા મુજબ પચાસ ટકા કામ થયું. કદાચ એ યુવાને બાકીનો પ્રોજેક્ટ ભવિષ્યમાં પુરો કરવાનું વિચાર્યું હોય અથવા પોતાનું અધૂરું કાર્ય બીજા યુવાને ઉપાડી લેશે એવી તેને શ્રધ્ધા હશે.

                પેલી સિંહ અને વાંદરા વાળી વાર્તા તો વાચકો જાણતા જ હશે. કહેવાય છે કે જંગલમાં કોઈ જાતની મોઘવારી નહોતી વધી, રંક પશુ-પંખીઓ ભૂખે મરતા ન હતા. છતાં વાંદરાએ (ગીનીસ બુકમાં નામ નોંધાવવાની લહાયમાં?) જંગલના રાજા સિંહને સોઈ-ઝાટકીને એક તમાચો ઠોકી દીધો, પછી ભાગ્યો, પાછળ સિંહ પડ્યો. બચવા માટે ભાગતો જતો હતો ત્યાં ક્યાંકથી તેને એક છાપુ મળી ગયું. તે મોંઢા આગળ રાખી બેસી ગયો. તરત જ ધૂઆંપૂઆં થતો સિંહ ત્યાં પહોંચ્યો અને પૂછ્યું અહીંથી કોઈ વાંદરાને દોડતો જતો જોયો?

વાંદરાએ પૂછ્યું પેલા સિંહને તમાચો મારીને ભાગ્યો તે?

           સિંહ ઝંખવાણો પડી ગયો અને બોલ્યો એટલી વારમાં છાપામાં આવી ગયું.? આમ સિંહને પોતાની આબરુના કાંકરા થઇ જતા લાગ્યા તેથી તે શરમનો માર્યો જંગલમાં અદ્રશ્ય થઇ ગયો. અહીં શરદજીના કિસ્સામાં પણ બધું છાપામાં અને ટીવીમાં આવી ગયું. આમ છતાં તેઓ સિંહની જેમ અદ્રશ્ય નહી થાય. હા, તેઓ ધારે તો બજારમાંથી ડૂંગળી અદ્રશ્ય કરી શકે અને આવા ખેલ તો જાદુ સમ્રાટ કે.લાલને પણ ન આવડે.

         તમાચાની ઘટનાથી વારંવાર ચર્ચવા માંડ્યું કે આમ આદમીની મોંઘવારી સામે ટકવાની કેટલી સહનશક્તિ બચી છે? આમ જુઓ તો લોકોમાં દયા જેવો છાંટો નથી. એમણે ક્યારેય તમાચો ખાનારની સહનશક્તિનો વિચાર કર્યો? આ મુદે જનતાએ શરદજીની પડખે રહેવું જોઈએ. કારણ કે એમણે અત્યાર સુધીમાં ફક્ત તમાચો નથી ખાધો પણ હવે શરદજી પોતે જ જનતાને પડખે રહેવા દેશે નહિ. એ કહેશે, સુરક્ષિત અંતર ઠેવા કેટલાંક વાહનોમાં લખ્યું હોય છે તમારું વાહન દશ ફૂટ દૂર રાખો આમ તો ચૂંટાયા પછી આપણા નેતાઓ જનતાથી ખાસ્સું અંતર રાખતા હોય છે.(જે કી.મી.માં માપી શકાતું નથી તેનો એકમ વોટછે.) શરદજી હવે જનતાને ઓછામાં ઓછી ચારેક ફૂટ તો દૂર રાખશે જ. અમારું માનવું છે કે જનતાના હાથ ચારેક ફૂટથી વધુ લાંબા હોતા નથી. ભલે એ આજાનબાહુ હોય. ટૂંકમાં જનતાના હાથ નેતાના હાથ જેટલા લાંબા હોતા નથી. ભગવાન શ્રીકૃષ્ણ સાંદીપની આશ્રમમાં ભણતાં ત્યારે ગુરુમાતાએ દૂધ ગરમ કરવા મુકેલું ત્યારે મોંઘવારી નહોતી એટલે દેગ ભરીને દૂધ પી શકતા અને ચૂલે તપેલીઓ નહિ દેગ મૂકાતી. જો કે એમ તો શરદજી ભયંકર મોંઘવારીમાં પણ જનતાને દૂધ પીતી તો કરી જ છે. એમાં પણ ઘણા નેતાઓનો ફાળો છે. એટલે એકલા શરદજીને જ યશ ન આપી દેવાય. આમ ચૂલે મુકેલી દેગમાંથી દૂધ ઉભરાયું એટલે બાળકૃષ્ણે છેક આશ્રમમાં અભ્યાસ કરતા હતા ત્યાંથી પોતાનાં હાથ લાંબા કરી સાણસી વગરજ ચૂલેથી દેગ ઊતારી લીધી. ગુરુમાતાએ  આ જોયું ત્યારથી જ તેને ખ્યાલ આવી ગયો કે આ કોઈ સાધારણ વિદ્યાર્થી નથી. એ જ રીતે આ નેતાઓ પણ મુંબઈમાં બેઠા બેઠા દિલ્હીવાળાને ખુરશી પરથી ઉતારી શકે એટલાં તેમના હાથ લાંબા હોય છે. આમ છતાં તેને આજાનબાહુ ગણવામાં આવતા નથી.

            જો કે જનતાને ઓછામાં ઓછી ચારેક ફૂટ દૂર રાખે તોયે જુતાવાળા પ્રશ્નો તો નડે જ. કારણ કે ભૂતકાળમાં જ્યોર્જ બુશથી માંડીને ચિદંબરમ્ સુધીનાને જૂતાનો લાભ મળી ગયો છે. આ બાબતે એ નેતાશ્રીએ કેટલુંક વિચારવું જોઈએ. જો કે તેઓ અમારા જેવાં કલમધસુઓ કરતા ઘણું વધારે અને જુદું વિચારતા હોય છે.અને શરદજી જેવાં નેતાના લોકકલ્યાણના કાર્યો જોતા તેમણે એવું પણ વિચાર્યું હોય કે જનતાના પગમાં જુતા જ ન રહે તો પછી પ્રશ્ન જ ન રહે. ન રહેગા બાસ, ન બજેગી બાંસુરી. આ રીતે કહેવાય છે કે મોંમાંથી નીકળેલા શબ્દ કમાનમાંથી છૂટેલું તીર, અને ફેંકાયેલા જોડા આપણા નથી રહેતા. એકવાર છૂટ્યા પછી કર્તા તેનો ગુલામ હોય છે. આ રીતે એક વ્યક્તિએ એક નેતા પર સનનન કરતો જોડો ફેંક્યો, પછી તે જાહેરમાં રડવા લાગ્યો. એની આજુબાજુ પત્રકારો, ફોટોગ્રાફરો ભેગા થઇ ગયા અને પૂછવા લાગ્યા ભાઈ, તુ કેમ રડે છે?

                 પેલા માણસે કહ્યું, જુઓને આ નેતાએ મારા પગમાં જૂતા પણ ન રહેવા દીધા. પણ એટલું તો કબૂલ કરવું રહ્યું કે શરદજીએ આમજનતા સાથે નિકટતા કેળવી છે. નહિ તો અત્યાર સુધી જનતાએ દુરથી જ જૂતા ફેંકીને જ લાગણીઓ વ્યક્ત કરવી પડતી. જે હૃદયસ્પર્શી બનતી નહિ માટે શરદજી જનતાની નજીક ગયા કે પછી જનતા તેમની નજીક આવી. ગમ્મે તે હોય પણ અંતર ઘટ્યું એ તો કબૂલવું જ રહ્યું. આ રીતે જો નેતા અને જનતા વચ્ચે સતત અંતર ઘટતું રહે તો મોંઘવારી જરૂર ઘટે. પણ હવે જવાબદારી જનતાના શિરે છે. નેતા બિચારો એકલો કરી કરીને કેટલું કરે?!

            કહેવાય છે કે મોંઘવારીનું ચિત્ર અત્યાર સુધીના અર્થશાસ્ત્રીઓએ દોર્યું. કાર્ટૂનિસ્ટોએ દોર્યું, પ્રધાનોએ દોર્યું, પણ અર્થશાસ્ત્રીઓ, કાર્ટૂનિસ્ટો કે પ્રધાનોએ દોરેલું ચિત્ર માત્ર પ્રજાને જ સમજાતું. જયારે સરદાર હરવિન્દરે દોરેલું ચિત્ર એટલું સ્પષ્ટ છે કે તે પ્રજાની સાથોસાથ નેતાને પણ સમજાયું. સમજાવવાની આ રીત શૈક્ષણિક ગણી શકાય નહિ કે બિનશૈક્ષણીક! ચતુર કરો વિચાર, પણ હરવિન્દરના હાથનું શું? એક માણિક પ્રામાણિક અમને કહ્યું કે એમનો દીકરો મોટો પોલીસ ઓફિસર બનવા માગે છે તે જીવનભર ઈમાનદારી જાળવી શકે તે માટે હું હરવિન્દરને કહીશ કે મારા દીકરા પર હાથ મૂકીને આશીર્વાદ આપે જેથી તે પ્રમાણિક બની રહે. એણે ભ્રષ્ટ નેતાઓ જાહેરમાં તમાચો ઠોકતા અચકાય નહિ. આમ, આજે દેશમાં હરવિન્દરના હાથ જેટલો પવિત્ર હાથ બીજો કોઈ નથી. સામાન્ય રીતે એવું હોય છે કે પવિત્ર ચીજના સ્પર્શથી જ આપણે પાવન થઈએ પણ અહીં હરવિન્દરના કિસ્સામાં વિશિષ્ટતા એ છે કે અપવિત્ર પદાર્થના સ્પર્શ થવા છતાં પણ તેનો હાથ પવિત્ર રહ્યો. કઈક અંશે મહારથી કર્ણ જેવું! જોકે પવિત્ર-અપવિત્રતાનો પ્રશ્ન હરવિન્દરના હાથને નડે એટલો શરદજીના ગાલને નહિ નડે. કારણકે કુદરતની કૃપાથી તેમનો મોટા ગાલ, મોટી ટાલ ઉપરાંત જાડી ખાલ છે. જોકે અત્યારે જાહેરમાં શરદજી એવું નહિ કહી શકતા હોય કે યે હાથ મુજે દે દો હરવિન્દર પણ એવું વિચાર્યું તો હશે જ! કારણકે નેતા આપણા કરતા વધુ વિચારી શકે છે અને એમના હાથ ઘણા લાંબા હોય છે.         



ગરમાગરમ  :

તમાચાની ઘટના જોતા જ અન્ના હજારેજીનાં મુખેથી દર્દભર્યા શબ્દો સરી પડ્યા,  ’બસ એક જ’!
(૦૪/૦૧/૨૦૧૨)
‘ગુજરાતમિત્ર, દર્પણપૂર્તિ)
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...