Thursday 23 March 2017

ઊંચા ગજાનો લેખક!



            લેખક થવાની ઈચ્છા કરવી ખોટી નથી પણ જેઓ ઊંચા ગજાના લેખક જ થવા યા ગણાવવા પ્રયત્ન કરે તો તે બધા માટે શક્ય નથી (ગજવા અને ગજા બંને જુદા જુદા શબ્દો છે) પ્રતિભા એક એવી ચીજ છે જે રોજ મોટા મોટા શબ્દકોશ બદામના દૂધ સાથે ગળી  જવાથી ય પ્રાપ્ત થતી નથી. હવે આ સ્થિતિ હોય તો ઊંચા ગજાના લેખક થવું કઈ રીતે? અહીં કેટલાંક નુસખા બતાવ્યા છે. ચાહો તો અપનાવી શકો અને ન ચાહો તો હસી શકો. આ તો શક્ય વિકલ્પોની વાત છે. જસ્ટ હસવા માટે.
            ઊંચા ગજાના લેખક બનવા માટે ઘણી ઊંચી મથામણ કરવી પડે છે. અને એમાં જ કેટલીકવાર મથામણ ઘણી ઊંચી જાય છે. અને લેખક નીચે જ રહી જાય છે. કેટલાંક લેખકો માને છે કે લેખકે લખતા પહેલાં ખુબજ વિચારવું પડે છે એજ મથામણ. પણ ના....ના...ના....અહીં જ મોટી થાય ખાય જાય છે. લેખકશ્રી લખતા પહેલાં ખુબજ વિચારનાર ક્યારેય ઊંચા ગજાના લેખક બની શકતો નથી. મારી સામે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. મારો એક મિત્ર પ્રોફેસર છે તેમાં લેખક બનવાનો ઘણો સળવળાટ જોવા મળે છે. પણ લખતા પહેલાં તે એટલું બધું વિચારે છે કે હજુ સુધી કશું જ લખી શક્યો નથી. આ તો તેને સંગીતનો પણ એવો જ શોખ છે. વાયોલીન વગાડતા શીખવા બાબતે તેને ઘણું વિચાર્યું, લગભગ ત્રણેક વરસ વિચાર્યું, પછી વાયોલીન પર હાથ નાખ્યો. આ રીતે હાથ નાખ્યો કહેવાય હાથ અજમાવ્યો નહિ. ત્યાંજ તેની બીજા શહેરમાં બદલી થઇ ગઈ. ત્યાં પણ તેને ઘણું વિચારીને વાયોલીન હાથમાં લીધું. અને એક અઠવાડિયામાં જ તેની બદલી થઇ ગઈ. અને હવે જ્યાં છે ત્યાંથી બદલી કરાવવા તેને ઘણા પ્રયત્નો કર્યા છે. પણ બદલી થઇ નહિ. એટલે તેને નક્કી કર્યુ કે વાયોલીન શીખવાનું શરુ કરે એટલે બદલી આપોઆપ થઇ જશે. વળી બીજા જો કોઈ બદલી કરવા ઈચ્છે છે તેને વાયોલીન શીખવાની સલાહ આપે છે.
          આમ લેખક પહેલાં ઘણું વિચારે તે ઊંચા ગજાનો તો ઠીક પણ ક્યારેય કામચલાઉ લેખક પણ બની શકતો નથી. ઊંચા ગજાનો લેખક તો પહેલાં પુષ્કળ લખી નાખે અને પછી વિચારે એજ બની શકે છે. ----------------------અહીંથી બાકી ---------------


વળી ઊંચા ગજાના લેખક થવા માટે ની મથામણ ફક્ત લખતા પહેલાં વિચારોની મથામણ પુરતી જ સીમિત નથી. તેમાં તો લેખક લખતા પહેલાં પત્ની સાથે બાખડવાથી માંડીને છેક પુસ્તક છપાવવા સુધીની મથામણનો સમાવેશ થાય છે. ઊંચા ગજાના લેખક માટે પ્રથમ પગથીયું જ છે પત્ની સાથે સંઘર્ષ. જે લેખકને લખતા પહેલાં પત્ની સાથે સંઘર્ષ થતો નથી તેના લેખોમાં ક્યારેય મૌલિકતા આવતી નથી. પત્ની સાથે નિયમિત ધોરણે બાખડીને લખનારા લેખકોના લેખો સાહિત્ય જગતમાં સાવ જુદી જ ભાત પાડે છે. તે વાચકને શરૂઆતથી જ અંત સુધી જકડી રાખે છે. અને જયારે વાંચો ત્યારે એકદમ તાજા જ લાગે છે. જયારે પત્ની સામે લેશમાત્ર સંઘર્ષ કર્યા વિના રૂપાની ઘંટડી જેવાં અવાજવાળી પત્નીના મધુર વચનો સાંભળતા સાંભળતા જે લેખક લખે છે તેના લેખોમાંથી કોઈ અનેરો ધ્વની પ્રગટતો નથી. તે અનુકરણ જેવો લાગે છે. પત્ની સાથેના સંઘર્ષમાં છોકરાઓને ડરાવવાના મુદ્દાનો આપોઆપ સમાવેશ થાય છે કારણ કે જે લેખક પત્ની અને છોકરા પર કાબુ મેળવી શકે છે તે સમય જતા આપોઆપ કલમ પર કાબુ મેળવી શકે છે. અને ઊંચા ગજાનો લેખક બની શકે છે.
             ઊંચા ગજાના લેખક માટે પ્રતિભાનો પ્રશ્ન પણ રહે છે સાધારણ લેખક બનવા માટે કોઈ પ્રતિભાની જરૂર નથી એ વાતની ખાતરી તો લેખકને રૂબરૂ જોયા પછી દરેક વાચકને થઇ જ હશે.. પણ ઊંચા ગજાના લેખક થવા માટે પ્રતિભા અનિવાર્ય છે. જેમકે તેનામાં મૂળભૂત પ્રતિભા હોય અને તેથી જ ઊંચા ગજાનો લેખક બની શક્યો હોય અથવા તે ------------------અહીંથી બાકી-------------------
કેટલાંક અલ્પમતિ મનુષ્યો એવી અપેક્ષા રાખે છે કે ઊંચા ગજાના લેખક ઊંચો, ખડતલ, તંદુરસ્ત અને દેખાવડો હોવો જરૂરી છે. ટૂંકમાં તેની પાસે સારું શરીર સૌષ્ઠવ હોવું જોઈએ. પણ આ લખનારે આજ સુધીમાં જોયેલા ઊંચા ગજાના લેખકોમાં આનાથી ઉલટી પરિસ્થિતિ જોવા મળી છે. તેથી અમારું તારણ છે કે ઊ.ગ.લે. થવા માટે શરીર જ પૂરતું છે. સૌષ્ઠવ જરૂરી નથી. રક્તમાં હિમોગ્લોબીન કાયમી ધોરણે ઘટતું હોવાથી પથારીમાં પડ્યા પડ્યા યુધ્ધકથાઓ લખી શકે એજ ઊંચા ગજાનો લેખક કહેવાય.
                વળી ઊંચા ગજાનો લેખક ક્યારેય અટકતો નથી. તેને અટકાવવો પડે છે. એટલે તો કોઈ કવિએ ઊંચા ગજાના કવિએ કહ્યું છે કે- આગળ ડગલું માંડો, મર્દો આગળ ડગલું માંડો, ક્યાંય ન અટકો, ક્યાંય ન છટકો, જીતી લો બ્રહ્માંડોમર્દો આગળ ડગલું માંડો.
           આ કાવ્ય પંક્તિ જુઓ એજ બતાવે છે કે તેના રચનાર કેટલા ઊંચા ગજાના કવિ છે. જુઓ તેઓ પૃથ્વી પરના કોઈ સ્ટેશન પર ક્યાંય અટક્યા નથી અને સીધી જ બ્રહ્માંડ જીતી લેવાની પ્રેરણા આપી છે. ભારતને ચંદ્ર પર ચંદ્રયાન મોકલતા અનેક વર્ષો વીતી ગયા. જયારે બીજી બાજુ ટ્રેનોને પાસ કાઢવી જેમ લોકો અપડાઉન કરતા રહે છે એમ આપણા કવિ-લેખકો ચંદ્ર અને બ્રહ્માંડ પર અપડાઉન કરતા રહે છે. અને એ પણ પાસ વિના જ! તેથી તો ઊ.ગ.લે. આપણને એક બાબત કોમન જોવા મળશે કે તેમણે ક્યાંથી શરુ કરવું એ ખબર હોય છે પણ ક્યાં અટકવું એ ખબર હોતી નથી. ક્યાં અટકવું એની પણ લેખકને ખબર હોય છે એવું કહીને વિવેચકો ભલે તેમના પર વારી જતા. પણ ક્યાં અટકવું તેની ખબર ન હોવાને કારણે જ જે તે લખકો પાસેથી આપણને વિપુલ સર્જન સાંપડ્યું છે. જો એમ ન હોત તો આપણી પાસે છે તે પચ્ચીસ ટકા સાહિત્ય પણ આજે ન હોત. તેથી જ ઊંચા ગજાના લેખક અટકતો નથી. ઉપરાંત તેને અટકાવી શકતો નથી. છેક લખતા પહેલાં પત્ની સાથેના સંઘર્ષથી શરૂ થયેલી ના શબ્દ યાત્રા પુસ્તક છપાયા બાદ સાહિત્યક્ષેત્રે મંચસ્થ થવાની તેમની મથામણ સુધી ચાલુ રહે છે. ઊ.ગ.લે. માત્ર પત્ની સાથે જ નહિ પિતાજી સાથે પણ અણબનાવ થાય છે. પિતાજી તેને વારંવાર ધંધામાં ધ્યાન દેવાની સલાહ આપે છે અને લેખક પાઈની પેદાશ નહિ ઘડીની નવરાશ નહિ જેવાં ધંધામાં વ્યસ્ત હોય છે. આ રીતે પિતાજીને જ સૌથી વધુ વિચારતા કરી મુકે છે.
               ઊંચા ગજાના લેખક લખતા અચૂક ખોંખારો ખાય છે. ખોંખારો એક ઊંચાઇનું પ્રતિક છે ખાંસી નહિ પણ આજે તો ખોંખારો અને ખાંસી વચ્ચેના ભેદની કેટલાને ખબર છે. આજકાલ તમે  કોઈ સાધારણ લેખકને ખોંખારો ખાવાનું કહેશો અને ખાંસી ખાઈ બેસશે. એટલે કે તમે ખંડકાવ્ય રચવાનું કહ્યું ને તે હાઈકુ રચી કાઢે. એવું ઊંચા ગજાનો લેખક આનાથી ઊલટું કરે છે પહેલાં રાજા- રજવાળાના સમયમાં ખોંખારા ખૂબ ખવાતા. વળી ખોંખારો ખાવા માટે કોઈ કારણ જરૂરી નથી નવરાશની પળોમાં આ પ્રવૃત્તિ ખૂબ વધી જતી. કેટલીકવાર બગાસા ને ખાળવા માટે પણ ખોંખારા ખવાતા. રજવાળાઓમાં કસુંબા પાણી કર્યા પછી ખોંખારા ખવાતા. જયારે આજે રાજા અને રજવાળા બેમાંથી એકેય નથી પણ સાહિત્યના રાજા એવાં ઊંચા ગજાના લેખકો તો છે જ. તેથી તેઓ ચા પીધા પછી ખોંખારા ખાય છે. વળી ચા બીજાની હોય તો ખોંખારો વધુ બુલંદ બને છે.
             ઊંચા ગજાનો લેખક ગુગલની વાત લાખનો અને માહિતીની અછત વર્તાય તો ત્યાં ગુગળ (ધૂપ) ની વાત જોડી શકે છે. અબળાની ચીસને આધુનિક બનાવવા તેમાં માઈક્રોચીપ ની માહિતી મૂકી શકે છે. બક્ષી ચંદ્રકાંતના સર્જનની રજનીકાંતની ફિલ્મ સાથે સિલાઈ કરી ચમત્કૃતિ સર્જી શકે છે. વિવેચકો ભલે તેને મર્યાદાનો ભંગ કરતો હોવાનું કહે પણ ખરેખર તે મર્યાદાઓને વિસ્તરે છે. વળી ઊ.ગ.લે. માહિતીની અછત અનુભવે છે. તેનો અર્થ એવો નથી કે તેની પાસે શબ્દસમૃદ્ધિ કે સાહિત્યિક સમૃદ્ધિ નથી. ખરેખર તો આપણે એ બાબતે તેને અભિનંદન આપવા જોઈએ કે આવી અછતમાં પણ તે માહિતી લેખ, કવિતા, નિબંધ, નવલિકા કે નવલકથાના બે છેડા ભેગા કરી શકે છે. વળી જયારે જયારે તે શબ્દો કે માહિતીની અછત અનુભવે ત્યારે તે છત સામે તાકી રહે છે તેથી તેને એક સાથે બે બાબતોની પ્રાપ્તિ થાય છે. એક તો દિવ્ય વિચારોની પ્રાપ્તિ થાય છે અને બીજી બાજુ છેલ્લા પાંચ વરસથી છત રીપેર કરવવાની છે તેનો ખ્યાલ તાજો થાય છે.આ બંનેમાંથી ઊંચા ગજાનો લેખક દિવ્ય વિચારોને જ પકડશે. બાકી છત અછતના પ્રશ્નો તો ચાલ્યા જ કરવાના. એજ રીતે જયારે જયારે તેને પત્ની ટોકે છે ત્યારે પણ તે છત સામે અથવા બારી બહાર શૂન્ય મનસ્ક થઈને તાક્યા કરે છે. પછી એજ શૂન્યમાંથી ફરી પાછુ સર્જન કરે છે. એટલે જ તો મોટા ભાગના લેખકો, કવિઓ બારીએ બેસીને જ લખવાનું પસંદ કરે છે. જો કે આ સિવાયના બીજા કારણો પણ જાણવા મળ્યા છે. પણ તેની વાત ફરી ક્યારેક. કહેવાનું તાત્પર્ય એટલું જ કે આ લેખ વાંચ્યા પછી પ્રિય વાચકો સાધારણ લેખક અને ઊંચા ગજાના લેખક વચ્ચેનો ભેદ સહેલાઈથી પારખી શકશે. એ ભેદ પારખવો જ જોઈએ, ઊંચા ગજાનો લેખક સધારણમાં ખપી જાય તે કેમ ચાલે.
ગરમાગરમ
તમને જરૂર છે ટેકાની અમને જરૂર છે કેશની,
તો ચાલો આપણે પથારી ફેરવીએ આ દેશની.
                                                     - કૃષ્ણ દવે
   

     -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com


No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...