Thursday 23 March 2017

આહ્હા.... રસાવાળું શાક...ને આખર બાફેલું શાક



         શાક જો રસાવાળું ન હોય તો ઘણા લોકો જમવાનું છોડી ઊભા થઇ જાય છે. શાની ગૃહિણીઓ એવાં રસાદાર શાક બનાવે છે કે ઘણીવાર તો આ આવડતને કારણે જ તેમનો રોજ તૂટું તૂટું તો સંસાર રોજ સંધાય જતો હોય છે. રસાનું મતલબ આ રસનું મહત્વ દરેક ક્ષેત્રે છે. રસ-આસ્વાદ બધાને ગમે છે. પણ ભોજન રસથી ચડિયાતો રસ કોઈ નહિ. કુશળ વિવેચકો રસહીન વાર્તા, કવિતા, નવલકથામાંથી રસ નીચોવી આપે પણ શાકના રસો જેવો રસો નહિ. હજુ રસા વિશે મનમાં રસ્સા ખેંચી હોય તો વાંચો રસા વિશે રસાથી ભરપુર આ લેખ.
           બક્ષીબાબુના એક લેખનું શીર્ષક કંઈક આવું છે. ગુજરાતીઓનો આત્મા સિંગતેલમાં તરી રહ્યો છે! જયારે ગુજરાતી ગાંધીબાપુએ કહ્યું કે પ્રાર્થના આત્માનો ખોરાક છે. વાત બાબુ અને બાપુ બંનેની ટકોરા બંધ છે. પણ બક્ષીબાબુના વિધાન પરથી કહી શકાય કે સિંગતેલ આત્માનો ખોરાક છે. ખાસ કરીને ગુજરાતમાં. સીંગ એટલે કે મગફળી નું મબલખ ઉત્પાદન ગુજરાતમાં થાય છે અને તેનું તેનું મબલખ ભોજન અને પાચન પણ ગુજરાતમાં જ થાય છે. ગુજરાતીઓ અને તેમાંય ખાસ કરીને ગુજરાતણોના શરીર જોતા જ કહી શકાય કે તેમાં સીંગતેલનો સિંહફાળો છે. ગુજરાતના લોકો માટે શાકમાં સિંગતેલનો રસો એજ નશો છે. રસા કા નશા કુછ ઔર હોતા હૈ. વળી શાકનો રસો અને રસામાં સિંગતેલના પ્રમાણને આધારે જ તેનું આર્થિક ધોરણ નક્કી થાય છે. કહેવાય છે કે પહેલાના બે ચાર જામેલી બીડી પાતાં તો પેલા બીડીથી ખુશ થયેલા વળી દીકરા દીકરી ની સગાઈનું પાકું કરી ને આવતા એજ રીતે આજે પણ ઘેર આવેલા મહેમાન શાકમાં સિંગતેલનો ભરપેટ માણે તો વિચારતા થઇ જાય કે આ ઘરમાં દીકરી ખાધે પીધે ક્યારેય દુઃખી નહિ થાય. આમ રસાસ્વાદ માણસને નવી જ દિશામાં વિચારતા કરી મુકે છે. રસો અંતરના દ્વાર ખોલે છે.
            વળી ભાવવધારાનું કારણ પણ કદાચ આ રસો જ હોઈ શકે. કારણ કે આપણા રાજા (જે રાજા બન્યા પછી સાવ રંક બની ગયા છે.) કદાચ ગુજરાતમાં આવ્યા હશે. અને તેમણે સિંગતેલના રસાવાળું શાક ખાધું હશે ત્યારે તેને થયું હશે કે જે પ્રજામાં શાકમાં આટલી બધી છૂટથી સિંગતેલનો રસો ખાતી હશે તે ખરેખર ખૂબ સમૃદ્ધ હશે. તો પછી શા માટે તેમની પાસે થી વધારે ભાવ ન લેવો. એવાં હેતુથી તેમણે ભાવવધારો કર્યો હશે. જે આખા દેશને લાગુ પડ્યો હશે. વળી આ વિચાર પછી પેલી કલાપીની કવિતા ગ્રામમાતા માં બને છે તે તેમ રાજાએ વધુ એક ચમચો શાક માગ્યું હશે ત્યારે શાક સાવ સુકીભાજી જેવું એટલે કે રસાહીન બની ગયું હોત તો જરૂર રાજાએ પાછો ભાવવધારો ખેંચ્યો હોત પણ પ્રજાના કમનસીબે અને શરદ જેવાના સદનસીબે આવો નહિ બન્યું હોય એટલે ભાવવધારો આગળ વધતો રહ્યો હશે. પછી પ્રજા તેની પાછળ ઢસળાતી રહી અને રાજા સ્થિતપ્રજ્ઞ થઈને જોતા રહ્યા.
              આમ સિંગતેલના રસામાં પ્રેમાનંદના નવેનવ રસાસ્વાદ માણી શકાય છે. ગુજરાતી રસપ્રેમીઓને જણાવવાનું કે આ પ્રેમાનંદ કોઈ મારવાડી રસોઈયો નહોતો. અમારો મૂળ હેતુતો અહીં એક નવલકથાનો રસાસ્વાદ કરાવવાનો હતો પણ બપોરના ભોજનમાં જમતી વખતે શાકના રસામાં રોટલીનું બટકું ઝબોળીને મોંમાં મુક્યું એ મોંમાં સિંગતેલનો સ્વાદ છવાઈ ગાયો ત્યારે સાવ નવો જ વિચાર સ્ફૂર્યો કે નવલકથાનો રસાસ્વાદ કરાવવા માટેનો આપણે ત્યાં ઘણા વિવેચકો છે. જે અસ્સલ પંજાબી શાક જેવી નવલકથાનું કારેલાના શાક જેવું રસાસ્વાદ કરાવે છે. ભૂલેચુકે જો વાચક નવલકથાની પહેલાં તેના વિવેચનના એકાદ બે પ્રકરણ વાંચી ગયો તો (એટલા તો માંડ વાંચી શકાય) નવલકથાની સામે પણ નહિ જુએ. કારણ કે વિવેચન પ્રકારની ચીજ છે. વળી જે નવલકથા વાંચ્યાં પછી વાચક વિવેચન વાંચશે તેનુંય ડાચું દિવેલિયું થઇ જશે. જાણીતા હાસ્યકાર ઉર્વીશ કોઠારીએ બરફગોળા વિશેના લેખમાં લખ્યું છે કે અવનવા સ્વાદિષ્ટ રસ છાંટેલો બરફગોળો એ નવલકથા છે. જયારે કોઈ સ્વાદ વગરનો પથ્થર જેવો કઠોર બરફ એ તેનું વિવેચન સ્વરૂપ છે.
             તેથી જ અહીં અમારું દ્રઢપણે માનવું છે કે રસાસ્વાદ એટલે કે રસ-આસ્વાદ શબ્દને મૂળભૂત રીતે સાહિત્ય સાથે જ સંબંધ છે ખાસ કરીને રસાવાળા શાક સાથે સામાન્ય રીતે મેથી તાંદળજાની બાફેલી ભાજી પર લાંબુ જીવનનો અને લાંબુ લખવાનો મદાર રાખનાર સાહિત્યકારોએ જયારે આર્થિક અને શારીરિક રીતે સમૃદ્ધ આવા કોઈ ગુજરાતીને ઘેર રસાવાળા શાકનો સ્વાદ માણ્યો હશે. ત્યારેજ તેના મનમાં રસાસ્વાદ શબ્દ ઉદભવ્યો હશે. ત્યાર પછી તેઓ ઉગતા લેખકોને પ્રસ્તાવના લખી આપવાની પ્રવૃત્તિ પડતી મુકીને કાવ્યો, નવલકથાઓ, નવલિકાઓ, રસાસ્વાદ કરાવવા કલમ ચલાવતા થયાં હશે. શાકના રસાસ્વાદ અને સાહિત્યના રસાસ્વાદ માં મૂળભૂત તફાવત એ છે કે શાકને જોતા ખ્યાલ આવી જાય કે તેમાંથી આપણે ભરપુર રસાસ્વાદ માણી શકીશું. કારણ કે શાકના તપેલા તપેલીમાં આપણને પ્રથમ દ્રષ્ટિએ રસો જ નજરે પડે છે. બટેટા, ટમેટા, રીંગણાં જેવી શાકની લોકભોગ્ય જાતિઓ પણ મોટાભાગે રસાને કારણે જ તપેલામાં રસાતાળ ગઈ હોય છે. એટલે કે પહેલી નજરે દેખાતી નથી. એ ભલે દેખાય કે ન દેખાય પણ રસાનો ચાહક રસો જ માગે. ન માગે રીંગણ, બટાટા રે... આ રીતે રસો જ મનુષ્યનો શાકોત્સુક અને સ્વાદોત્સુક કરે છે.
           જયારે સાહિત્યિક કૃતિઓમાં નવલકથાઓમાં એમ સીધેસીધો રસો નજરે ચડતો નથી. એટલે જેમ જેમ વાંચતા જાઓ તેમ-તેમ રસાસ્વાદનો અનુભવ થતો જાય. આમ છતાં ફક્ત નવલકથાના વાંચન થી વાચક સીધેસીધો અને પુરેપુરો રસાસ્વાદ માણી શકતો નથી એવું વિવેચકો માણે છે. એટલે બાકી રહી ગયેલા રસાસ્વાદ વિવેચકો કરાવે છે પણ વિવેચકોએ કરાવેલો રસાસ્વાદ દાઢમાં રહી જતો નથી પણ ખુદ વિવેચક જ દાઢમાં રહી જાય છે. આમ વિવેચકો વારંવાર નવલકથાઓનો રસાસ્વાદ કરાવ્યા કરે છે. તેને કારણે જ રસ ક્ષતિ થાય છે આમ તેઓ નવલકથામાંથી દેખીતા રસા સિવાય નવલકથાને નીચોવીને તેમાંથી રસો જ કાઢે છે. આમ પ્રથમ દ્રષ્ટિએ સાહિત્યમાં રસો દ્રષ્ટિગોચર થતો નથી. પણ શાકમાં થાય છે. એટલે રસાસ્વાદ તો પ્રથમ શાકના થતા, પછી તે કાળક્રમે સાહિત્યથી માંડીને સિનેમા સુધી વિસ્તર્યા.
           સાહિત્યની જેમજ સિનેમામાં પણ હીરો હિરોઈન વચ્ચે પાંગરેલો પ્રેમ એ રસો છે. અને એ રસામાં જ આખી ફિલ્મ રસ તરબોળ હોય છે એટલે જે લોકો છેક સુધી બેસી રહે છે. વધારામાં ફિલ્મમાં પ્રણય ગીતો આવે છે. તે રસાવાળા શાકમાં છાંટેલા મૂળજી જુઠાના મધમધતાં મસાલા સમાન હોય છે. પછી મૂળ શાક તો (સ્ટોરી) શોધ્યું જડતું નથી. પ્રણય ત્રિકોણમાં તો પછી કલાકો સુધી દરિયા કિનારે ઊભા રહી જેમ વર્ગખંડમાં પ્રોફેસર વિધાર્થીઓની પરવા કર્યા વગરજ લેક્ચર ફાડતા હોય છે. એજ રીતે પ્રણય ત્રિકોણના પાત્રો પણ પ્રેક્ષકોનિ પરવા કર્યા વગરજ પ્રેમની ફિલસૂફી વિશે ઠંડા કલેજે ગ્લિસીરીનના આંસુ સાથે હિરોઈનના વાળ અને દુપટ્ટો હવામાં ઉડતા રહે છે. જયારે હીરોના ચહેરા પર મહાવરાના અભાવે કરુણતાને બદલે કબજીયાતના દર્દના ભાવો દ્રષ્ટિગોચર થાય છે. આવા માહોલમાં પ્રેક્ષકોએ આટ-આટલું વેઠ્યા પછી પણ તેમાં કંઈ ખાસ બનતું નથી. છેલ્લે બે હીરોમાંથી કોઇપણ એક પેલા બંનેને દુઆં દેતો દેતો અથવા કાઠીયાવાડી દુહા ગાતો ગાતો (જો ફિલ્મ ગુજરાતી હોય તો!) તેમના થી સુરક્ષિત અંતરે જતો રહે છે અને છેવટે આ વધેલો રસો જ આખી ફિલ્મનો રસાસ્વાદ બગાડી નાખે છે.
         આવા રસાપ્રેમીઓનો રસો જયારે છેક તેમના હૃદયને સ્પર્શી જાય છે ત્યારે ડોક્ટર તેમને કડક શબ્દોમાં ફક્ત બાફેલું શાક ખાવાની જ સલાહ આપે છે અને ત્યારે જ એની ખરી કસોટી શરૂ થાય છે અને એ કસોટીમાંથી તેને પાર ઉતરવું જ રહ્યું. કારણ કે એજ છે કસોટી જિંદગી કી    
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com
   
          

No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...