Thursday 23 March 2017

આખલાનો ઇન્ટરવ્યૂ!



          જૂની કથાઓમાં પશુ-પંખીઓ બોલતા અને હોલીવુડની ફિલ્મોમાં પણ હવે તેઓ બોલે છે, પણ ઇન્ટરવ્યૂ આપવા તૈયાર થાય તેવા જીવો હજુ ઓછા છે. અહીં આખલાએ આપેલા ઇન્ટરવ્યૂ એટલે જ માથે ચડાવવા જેવો છે. વાંચતા વાંચતા તમને ક્યાંક વાગે યા કોઈનેય વાગે તો અમે નહિ, એ આખલાને જવાબદાર ગણશો. મઝા પડે તો એ આખલા પાસે બોલાવનારને જવાબદાર ગણશો.
        મોટા ભાગના લોકોને આખલાનો પરિચય હોય, પણ દૂરથી જ. આખલાની અડફેટે ચડ્યા પછી જે પરિચય મળે છે તે પૂર્ણ ગણાય. પણ એવો પરિચય કેટલાંક બડભાગીઓને જ મળ્યો હોય. તેથી અહીં ઇન્ટરવ્યૂ સ્વરૂપે આખલાનો પરિચય મેળવીએ.
ઇન્ટરવ્યૂકાર: આખાલાજી નમસ્કાર.
આખલો: (એક હળવો છીંકોટો મારીને) નમસ્કાર...જય ભારત...જય હિન્દ!...
ઇન્ટરવ્યૂકાર: તમે અગાઉ બોલતા એ અભિવાદનના શબ્દો છોડી હમણાં હમણાં જય ભરત જય હિન્દ કેમ બોલવા માંડ્યા છો?
આખલો: મુદ્દાની વાત કરો હું તો બધે જ સમદ્રષ્ટિ રાખું છું.
ઇન્ટરવ્યૂકાર: માફ કરજો આખાલાજી, આપ થાકેલા જણાવો છો, તમને આજે ઇન્ટરવ્યૂ ફાવશે?
આખલો: કોણે કહ્યું થાકેલો છું? હું થાકતો નથી, થકવી નાખું છું.
ઇન્ટરવ્યૂકાર: આખાલાજી તમે આમ રોડ પર ઊભા હો અને એસ.એમ.સી વાળા રખડતા ઢોરને પકડવા નીકળે છે ત્યારે તમને ડર નથી લાગતો?
આખલો: ડર તો એમને લાગે છે તેને ખબર છે કે એકવાર આખલાને પકડ્યો તો પછી સાચવવો મુશ્કેલ અમને પછી છોડો તોયે મુશ્કેલ! એટલે તો એ લોકો મને ફસાવવા છેક મારી નજીક સુધી આવે છે કારસા કરે છે ને પાછા હટીજાય છે.
ઇન્ટરવ્યૂકાર: તમને ચરવા માટે જે હરિયાળું ખેતર આપ્યું છે તે તમને પસંદ છે ખરું?
આખલો: જુઓ એક વાત પાયામાંથી સમજી લો. અમને આપે તે નહિ પણ અમને પસંદ પડે તે ખેતરમાં ચરીએ છીએ.
ઇન્ટરવ્યૂકાર: તો પછી ખેતરના માલિકને તેના બાળકોને પત્નીને અસંતોષ ન થાય?
આખલો: અસંતોષ તો રહેવાનો જ. કોઈને અસંતોષ ન થાય એવું વિચારીને ચરવા નીકળીએ તો ચરી જ ન શકીએ. એટલે શરૂઆતમાં ખેતરના માલિકને એવું થાય પણ ખરું, પણ થોડો સમય જાય એટલે આપોઆપ તેના મનમાં સ્વીકાર થઇ જાય કે ખેતર આપણું નહિ, પણ આખાલાજીનું છે. માટે તેમના ચર્યા બાદ જે વધે તે આપણું.
ઇન્ટરવ્યૂકાર: એટલે કે સબ ભૂમિ ગોપાલ કી એમ જ ને!
આખલો: અરે ભાઈ સબ ભૂમિ ગોપાલકી નહિ સબ ભૂમિ સાંઢ કી.
ઇન્ટરવ્યૂકાર: તો પછી ગોપાલ શું કરશે?
આખલો: એ તો ગોપાલ બોલો હરે ગોવિંદ બોલો એવાં ભજન કરશે.
ઇન્ટરવ્યૂકાર: આખાલાજી તમે ચરી લીધા પછી જ કેમ વાગોળો છો? ચરતા હો ત્યારે કેમ વાગોળતા નથી?
આખલો: જુઓ દોસ્ત, ચરવાનું ત્યારે એકધારું ચરવાનું, સૌપ્રથમ ચરી ખાવાનું.કારણ કે બીજા સાંઢ પણ હોય ને! આપણે કાચા પડીએ તો બધું જ એ ચરી જાય. એટલે પહેલાં ધરાઈને ચરી લેવાનું પછી વાગોળવાનું.
ઇન્ટરવ્યૂકાર: તમે પેલી પંક્તિ સાંભળી છે...
લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે;
મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે.
આખલો: ક્યાંક સાંભળી હોય એવું લાગે છે, પણ તેમાં એજ સમજાતું નથી એવું શું છે? એમ તો અમે પણ ક્યારેક નવરાશની પળોમાં કવિતા કરી નાખીએ છીએ પણ હમણાં હમણાં અમારા પસંદગીના ખેતરો બીજા આખલા ઘૂસવા માટે ઝઝૂમે છે, એટલે કવિતાને બદલે કડાકૂટ જ ચાલે છે.
ઇન્ટરવ્યૂકાર: તો પછી તે આખલાઓને તમે મારી હટાવશો?
આખલો: નહિ...નહિ... અમે તેને અંદરોઅંદર લડાવીશું.
ઇન્ટરવ્યૂકાર: વેરી ગુડ, તમે એક શીંગડે અનેક પ્રાણીઓ મારવાની ક્ષમતા ધરાવો છો, પણ તમારી કવિતાની ઝલક તો દેખાડો.
આખલો: અત્યારે હું જે ઝલક બતાવી રહ્યો છું તે માણો, તે પણ માણવાલાયક છે. હું ક્યારેક સાહિત્યના ખેતરમાં ચરતો હોઉં ત્યારે કહેજો હું ઝલક બતાવીશ.
ઇન્ટરવ્યૂકાર: મેં સાંભળ્યું છે કે પહેલાં તમે લોકોને બહુ શીંગડે ચડાવ્યાતા. બહુ છીંકો મારી હતી, પણ હમણાં હમણાં એવું નથી કરતા એ સાચું?
આખલો: શીંગડે તો ચડાવવા જ પડે ને, અમારે સાબિત તો કરવું પડે કે અમે સાંઢ છીએ, સસલું નથી. હવે લોકોને ખ્યાલ આવી ગયો છે, એટલે એવું કરવાની જરૂર ક્યાં રહી. હવે થોડી શાંતિની સ્થાપના પણ કરવી જોઈએ ને!
ઇન્ટરવ્યૂકાર: એવું પણ જાણવા મળ્યું છે કે જેણે તમે શીંગડે ચડાવ્યાતા એજ તમને શુભેચ્છા આપે છે.
આખલો: એમને બે વાત સમજાઈ ગઈ છે કે ગાય કરતા આખલો વધુ ઉપયોગી છે. અને આખલાની સાથે રહેવાય, સામે ન રહેવાય.
ઇન્ટરવ્યૂકાર: અમારા માહિતગાર વર્તુળોમાંથી જાણવા મળ્યું છે કે જેમને પૂરું ચરવા નથી મળ્યું તેવાં આખલાઓ તમારાથી ઘણા નારાજ છે, છતાં તેઓ માથુ ઊંચકી શકતા નથી.
આખલો: જ્યાં સુધી અમારું માથુ ઊંચું છે ત્યાં સુધી તેમના માથા નીચા રહેશે.
ઇન્ટરવ્યૂકાર: તમે બેસવા માટે ખાસ રસ્તો જ કેમ પસંદ કરો છો?
આખલો: એ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી.
ઇન્ટરવ્યૂકાર: તેથી રાહદારીઓને મુશ્કેલી પડે તેનું શું?
આખલો: અરે, રાહદારીઓ થાકી અમને કેટલી મુશ્કેલીઓ પડે છે, એનો વિચાર કર્યો છે? તમને લોકોને અમને બદનામ કરવાના જ સવાલો કેમ સુઝે છે?
ઇન્ટરવ્યૂકાર: તમારો માલિક અ બાબતે તમને કંઈ કહેતો નથી?
આખલો: માલિક ગાયોને હોય, આખલાઓને નહિ. અમારા માલિક અમે જ, શું સમજ્યા! અને રસ્તા પે બેસવું હોય તો માલિકની ભાવનાથી જ બેસવું પડે.
ઇન્ટરવ્યૂકાર: તમે બધા સવાલોનો જવાબ શબ્દો ચોર્યા વિના બેધડક અને ખુલામ્ખુલ્લા આપો છો તેનું રહસ્ય શું છે?
આખલો: રહસ્ય તમને છેલ્લે સમજાઈ જશે આગળ વધો.
ઇન્ટરવ્યૂકાર: હવે જરા બીજી વાત. આપણે ત્યાં ઘણી જમીન માટે ગૌચર શબ્દ વપરાય છે પણ તેમાં ચરે છે આખલાઓ! એ વિશે આપનું શું કહેવું છે?
આખલો: આઝાદી પછી આપણે ત્યાં કાયદો થયો, ખેડે તેનું ખેતર એજ રીતે ચરે તેનું ગૌચર ઓ..કે..!
ઇન્ટરવ્યૂકાર: તમે તક મળ્યે ગમે ત્યાં ઘુસી જાવ છો એજ રીતે શાકમાર્કેટમાં પણ ઘુસી જાવ છો અને ગમે તે શાકભાજીની લારી કે થાડામાં મોઢું મારી લો છો ત્યારે શાકમાર્કેટવાળાના પ્રત્યાઘાતો કેવાં હોય છે?
આખલો: સૌપ્રથમ મને એ કહો કે શાકમાર્કેટમાં શાકભાજી આવ્યા ક્યાંથી? શાકમાર્કેટનો વિકાસ થયો કેવી રીતે?
ઇન્ટરવ્યૂકાર: આપ જ સમજાવોને,કારણ કે આપ બધાને ગમ્મે તે રીતે ગમ્મે તે બાબત સમજાવી દેવામાં કુશળ છો.
આખલો: (ગર્વથી માથુ ઊંચું કરીને) જુઓ આખલા એટલે કે અમે બળદ. ખેતી બળદોથી થાય છે, તેથી જ અનાજ, શાકભાજી વગેરે પાકે છે, અને તે શાકમાર્કેટમાં આવે છે. તો પછી શાકમાર્કેટનો વિકાસ થયો કોના થકી? બોલો! શાકમાર્કેટનો સંપૂર્ણ વિકાસ અમારા જ થકી થયો છે. હજારો લોકોને રોજગારી મળે છે. વિટામીનથી ભરપૂર શાકભાજી મળે છે. તો પછી અમે જરા સેમ્પલ રૂપી મોઢું મારીએ તેમાં વાંધો શો?!
ઇન્ટરવ્યૂકાર: પણ ખેતી માટે તૂટી મર્યા પેલા બળદો તમને તો મેં ક્યારેય હળે જોતરાયેલા જોયા નથી, તમે તો માથુ ઊંચું કરીને ફરતા રહો છો.
આખલો: એ મહેનતુ બળદોની વાતને આમ જનતા સુધી પહોંચાડવા માટે જ હું આમ જનતાની વચ્ચે જ (એટલે કે રસ્તા વચ્ચે) ઊભો હોઉં છું, અને મારા બળદબંધુઓને ગૌરવ અપાવવા માટે જ હું ગમે ત્યાંથી ગૌરવી ગોની માથુ ઊંચું રાખું છું. જો કે તેના કારણે હમણાં હમણાં જરા ડોકમાં દુખાવો થઇ ગયો છે.
ઇન્ટરવ્યૂકાર: પણ તમારી વાતો અમારા ગળે ઉતરતી નથી તેનું શું?
આખલો: એક જોરદાર છીંકોટો મારી પૂંછડું અને માથુ બંને ઊંચા કરી ઇન્ટરવ્યૂકારના હાથ પર મોઢું મારી કાગળિયા આંચકી ચાવીને પેટમાં ઉતારી જાય છે. પછી કહે છે જો આ બધી વાત મારા ગળે ઉતારી ગઈ અને તારા ગળે કેમ ઉતારવી એ મને આવડે છે. માટે છાનોમાનો પતલી ગલીસે નિકલ જા, નહિ તો એક ઢીંક ભેગો ધૂળ ચાટતો કરી દઈશ. હવે સમજાઈ ગયું ને મારા બેધડક જવાબોનું રહસ્ય. મારા જવાબો હું ઈચ્છું તો જ છપાઈ શકે, નહિ તો મારા પેટમાં જ રહે, શું સમજ્યો?! (ઇન્ટરવ્યૂકાર જીવ બચાવીને ભાગી છુટે છે. આખલાજીના સમર્થનમાં મિત્ર આખલાઓ જોરદાર છીંકોટા મારે છે લોકો જોતા રહી જાય છે, ટ્રાફિક જામ થઇ જાય છે.) 
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...