Friday 24 March 2017

કૂતરાથી સાવધાન, કૂતરાના માલીકથી અધિક સાવધાન!



                                                                                                    

            પૈસાદાર લોકોમાં ફેશન છે કે જેમ મોંઘી રાખવી તેમ મોંઘા વિદેશી કૂતરા પણ પાળવા. રસ્તા પરના કૂતરાને હડેહડે કરનારા પાળેલા કૂતરાને લાડ કરે કે પત્નીને પણ ઈર્ષા આવે. એવાં લોકોના કૂતરા વિના સુનો સંસાર હોય છે. પોતાનાં રોગની ખબર ન હોય પણ કૂતરાને કેવાં રોગ થઇ શકે તેના વિદ્વાન હોય. પોતાને ડોક્ટર પાસે નિયમિત ન લઇ જાય પણ કૂતરાને કારની આગલી સીટ પર બેસાડી લઇ જાય. સમજો કે તેમણે કૂતરાને નહિ કૂતરાએ તેમણે પાડ્યા હોય એવો ઘાટ થાય. નટવર પંડ્યા આ વેળા એવાં કૂતરા પર વ્યંગ્ય કરે છે.
         કૂતરાથી સાવધાન મોટા ઘરના મોટા દરવાજા પર આવું પાટિયું વાંચીને આપણે જરા ડોરબેલ વગાડી દરવાજાથી લગભગ દશેક ફૂટ દૂર સુરક્ષિત અંતરે ઊભા રહીએ. આમ છતાં પણ કૂતરો આપણું ઉષ્માભર્યું સ્વાગત કરવા દરવાજાની બહાર નીકળી આવે તો કોઈ રીતે પોબારા ભણી જવાં એનું પણ આયોજન અગાઉથી મનમાં થઇ ચૂક્યું હોય છે અને કરવું જ પડે છે. કર્ણ કે અહીં કોઈ LIC ના સુરક્ષા કવચ કામ આવતા નથી. નારાયણ કવચ નો પાઠ કરવા હોય તો દોડતા દોડતા કરાય. ઉભું ન રહેવાય. કારણ કે કૂતરાને ખબર હોતી નથી કે આપણે કોઈ કવચ પાઠ કરી રહ્યા છીએ. માટે જાળવવું જોઈએ. આમ થોડી મીનીટો પછી દશેક ફૂટ દુરથી જોઈએ તો એમ ડાઘિયો કૂતરો હાઉ-હાઉ કરતો દરવાજાની અંદર આપણું સ્વાગત કરવા ધસી આવે છે. એ હાઉ હાઉને આપણે હાઉ આર યુ? સમજી લેવાનું. ત્યાર પછીની થોડી જ ક્ષણોમાં ચડ્ડો અને ડોમેસ્ટિક ટી-શર્ટ પહેરેલા નેનો માલિક દરવાજે આવે છે. ત્યારે તેણે જોઈને આપણને પહેલા પ્રશ્ન એ થાય કે આમને કૂતરો પાડવાની શી જરૂર હતી? તેથી તો ભૂતકાળમાં માલિક જયારે પ્રથમવાર તો કૂતરો પાળવાના પ્રસ્તાવ પત્ની સમક્ષ રજૂ કરે છે ત્યારે એ પતિવ્રતા, આર્યનારી રૂપાની ઘંટડી જેવાં અવાજે બોલી ઉઠે છે, આપણે કૂતરા-બૂતરા કાંઈ નથી પાળવા, તમે છો તો મારે બધ્ધું જ છે. અને પેલો પતિવ્રતા પર પુનઃ એકવાર વારી જાય છે.
     આપણે ત્યાં કૂતરા પાડવા કરતા ધર્મ પાળવો સહેલો છે. કારણ કે ધર્મ પાળ્યા પછી જેટલું ધર્મચુસ્ત રહેવું પડે છે તેના કરતાંય કૂતરો પાળ્યા પછી કૂતરાચુસ્ત વધુ રહેવું પડે છે. સામાન્ય રીતે કૂતરો માણસને વફાદાર હોય છે. પણ કેટલાંક લોકો તો કૂતરાને વફાદાર હોય છે. કૂતરો પાળ્યા પછી તેઓ એટલા બધા કૂતરાને વફાદાર હોય છે કે આખે આંખો કૂતરો આશ્ચર્યમાં ગરકાવ થઇ જાય છે. આવા લોકોને કૂતરાચુસ્ત માલિકો કહેવાય છે. અને એમ જરા ઉંડાણથી જુઓ તો ખ્યાલ આવી જાય કે આમાં અસ્સલ માલિક કોણ છે.  ખરેખર તો માલિકનું ધ્યાન રાખવા માટે કૂતરો હોય છે પણ માલિક જ કૂતરાનું એટલું બધું ધ્યાન રાખે છે કે બંનેની ભૂમિકા ઊલટ-સુલટ થઇ જાય છે. કહેવાય છે કે કેટલાંક લોકો આ જગતમાં કૂતરાની માફક જીવે છે. વાત પણ ખરી છે. કૂતરાની જેમ જ પૈસા પાછળ દોડતા ધનનંદોની જિંદગી એમ જ પસાર થઇ જાય છે. પણ તેમના કૂતરા સુખ-શાંતિવાળું જીવન જીવી જાય છે. દુરથી કોઈ ભવ્ય બંગલામાં આપણે કૂતરાની ભવ્ય લાઈફસ્ટાઈલ જોતા હોઈએ અને બરાબર એજ સમયે ભગવં પ્રગટ થઈને કહે કે બોલ બેટા નેક્સ્ટ જન્મમાં તારે શું બનવું છે? તો આપણાથી સહેજ બોલાઈ જાય કે પેલા બંગલાનો કૂતરો એટલે સ્તો કહ્યું છે નજર લાગી રાજા તોરે બંગલે પર.
          કૂતરાથી સાવધાન એ પાટિયું જેટલું બહારથી આવનારા લોકો માટે જરૂરી છે એટલું જ કૂતરામય થઇ ગયેલા માલિકને માટે પણ જરૂરી છે. કારણ કે તેઓ કૂતરાનું એટલું બધું ધ્યાન રાખે છે કે ઘરનું ધ્યાન રાખવાની કૂતરાને તક જ મળતી નથી. પત્ની બપોરે જમી કે નહિ એની તેણે ખબર નથી પણ કૂતરાને જરા પણ ભૂખ્યો રહેવા દેતો નથી.
           આપણે ત્યાં કૂતરા ત્રણ પ્રકારના છે. એક તો શેરીના સ્વદેશી કૂતરા બીજા વિદેશી કૂતરા અને ત્રીજા માનસ્વરૂપે ફરતા કૂતરા જો કે અત્રે ત્રીજા પ્રકારની ચર્ચાને બહુ અવકાશ નથી પણ કેટલાંક કૂતરામાલિકો જે વિદેશી કૂતરા બાબતે કૂતરાવિદ્ હોય એ કક્ષાનું જ્ઞાન ધરાવે છે. આવા શ્વાનવિદો કહે છે કે વિદેશી કૂતરાઓ આપણા દેશી કૂતરા કરતા વધારે બુદ્ધિશાળી હોય છે. આવા નિવેદનો સાંભળી તેમણે કહેવાનું મન થાય કે વધારે બુદ્ધિશાળી કૂતરા બહુ કામના હોતા નથી. તેથી જ કૂતરામાં કૂતરા જેટલી જ બુદ્ધિ હોય એ જ બરાબર છે. માણસની જેમ ઊંચા I.Q. ધરાવતા કૂતરા ક્યાંય સેટ થઇ શકતા નથી. વળી વધારે બુદ્ધિશાળી કૂતરો નકામો એટલા માટે કે ધારો કે રાત્રે ત્રણ-ચાર ધાડપાડુઓ આપણા ઘરે ધસી આવ્યા છે. એક ધાડપાડુના હાથમાં ગન છે. અને તેણે આપણને પકડી લીધા છે. તો તે સમયે વધારે બુદ્ધિશાળી કૂતરો એટલે કે વિદેશી કૂતરો માલિકનો જીવ બચાવવાને બદલે બુદ્ધિથી પોતાનો જીવ બચાવવાનો નિર્ણય કરશે. વિચારશે કે જાન બચી તો લાખો પાયે જયારે સ્વદેશી કૂતરો ગનવાળાની ગળચી પકડી લેશે પછી ભલે શહીદ થઇ જાય. તેથી વધારે બુદ્ધિશાળી કૂતરો પાળવો નહિ. વળી, વધારે બુદ્ધિશાળી કૂતરો માલિકમાં કેટલી બુદ્ધિ છે એ પણ જાણી જાય છે. વળી આવા બુદ્ધિશાળી કૂતરાના માલિક  સાથે આપણે બેઠા હોઈએ. બાજુમાં હીરો જેવો માલિકનો પુત્ર બેઠો હોય છતાં પુત્રને પરિચય આપવાને બદલે શેઠ ડાઘીયાની સાત પેઢીનો પરિચય આપી તેમની ખૂબીઓનો ચિતાર આપ્યા કરશે. એ તો સારું છે કે શેઠ એવું નથી શોધી કાઢતા કે આ બુદ્ધિશાળી ડાઘીયાના પરદાદા મારા પરદાદાને ત્યાં હાઉ હાઉ કરતા હતા. આમ, અમારે આ ડાઘીયા સાથે સાત સાત પેઢીના સંબંધ છે. જો કે શેઠને જોયા પછી તો આપણે એવું માનવાને પણ પ્રેરાઈને કે શેઠના પરદાદા અને ડાઘીયાના પરદાદા  જરૂર કંઈક સગા થતા હશે. વળી, શેઠના બંગલાની લોનમાં આપણે શેઠ સાથે બેઠા હોઈએ અને શેઠનો પ્રિય ડાઘીયે તેના રાક્ષસી દાંત બતાવતો અને જીભ લટકાવતો (જે આપણા માટે ડાકુ સમાન હોય છે.) આજુબાજુ આંટા મારતો હોય એમ એ જ સમયે શેઠ રસપૂર્વક અને ગૌરવપૂર્વક આપણને ડાઘીયાની વિશિષ્ટતાઓ સમજાવતા હોય અને ડાઘિયો આપણા પગે લબરકો ન લઇ લે તે માટે આપણે તે જે બાજુ  ફરે તે બાજુ જોતા સંકોચતા હોઈએ છીએ. શેઠ આ બધું જોતા અને જાણતા હોવા છતાં એમના ડાઘીયાને એના સ્થાને કે જવાનો આદેશ નથી આપતા. આપણી સ્વબચાવની હરકતો જોઈને તેઓ મંદ મંદ મુસ્કુરાતા કહે છે ગભરાશો નહિ એ કંઈ નહિ કરે, એ તો બસ અમસ્તો જ. આ સંભાળીને મહેમાન ચહેરો શેઠ સામે અને નજર ડાઘીયા સામે રાખીને ડરતા ડરતા જરાક હસી લે છે. સાવ નીરુપદ્રવી માણસ ફરતે આ રીતે ડાઘિયો ફરતો રાખવો જરૂરી નથી. પણ એમાંય શેઠને બે ત્રણ ફાયદા તો છે જ. એક તો કેટલીક વાર આ રીતે ડાઘીયાના મોંમાં મહેમાન બેઠેલા હોય અને જીવલેણ હરકતો કરતો ડાઘિયો મહેમાન ફરતે શ્રદ્ધાપૂર્વક પ્રદક્ષિણા કરી રહ્યો હોય ત્યારે કેટલીક વાર તો મહેમાન જે કામ લઈને આવ્યા હોય તે કામ સદંતર ભૂલી જ જાય છે. અને નિષ્કામ થઇ જાય છે. આમ છતાં પણ મહેમાન કામને મહાપરાણે યાદ કરી હૈયામાં શેષ બચેલી હિંમતનો ટેકો લઇ જે તે કામ માટે શબ્દો ઉચ્ચારે છે ત્યાંજ ડાઘિયો ગળું સાફ કરવા બે-એક હાઉકારા  કરે છે. એટલે મહેમાન બધ્ધું જ ભૂલી જાય છે. આ રીતે કેટલીક વાર દઘીયને કારણે મહેમાનની અકળામણ વધી જવાથી તે વધારે બેસવાને બદલે વહેલા વિદાય લઇ લે છે. વળી, કોઈ મુદ્દે શેઠ સામે ઝગડવા આવેલા મહેમાન બે ડાઘીયાને જોઈને એકદમ સંબંધ સહિષ્ણુ બની જાય છે. કેટલીક વાર ડાઘિયો આવા મહેમાનના ગાલે લબસકો લેવાની ચેષ્ટા કરે છે. ત્યાંજ માલિક ફરીથી બોલી ઉઠે છે એ કંઈ નહિ કરે. કાંઈ નહિ કરે ત્યારે મહેમાન મનોમન બોલી ઉઠે છે. અરે ભાઈ એ શું નહિ કરે એ કહો વળી, મહેમાનના ચરણ સુંઘીને એકાદ વાર ડાઘિયો પગ ઉંચો કરે છે ત્યારે શેઠ ડાઘીયા જેવાં જ અવાજે ડાટે છે સ્ટોપ સ્ટોપ આવી સ્થિતિમાં અંદરથી અકળાયેલા મહેમાન ડાઘીયાના સાન્નિધ્યમાં બેઠા હોવાથી ગમ્મે તેટલો વાંધો હોવા છતાં કોઈ વાંધો નહિ, કોઈ વાંધો નહિ એવું બોલ્યા કરે છે.



ગરમાગરમ
કૂતરાને ફેરવવા લઇ જતા માલિકને જોયા છે? બરાબર જોજો, જોતા ખબર પડશે કે કૂતરાને માલિક નહિ, માલિકને કૂતરો ફેરવે છે. કૂતરો જે દિશામાં ખેંચે તે દિશામાં ધરાર ઘસવવું પડે છે. 
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...