Friday 24 March 2017

ઊઠો, જાગો અને છાપાંના છેલ્લા પાનાં સુધી મંડ્યા રહો



                 આ એવો લેખ છે જે વાંચ્યા પછી તમારે તમારી વાચક તરીકેની કેટેગરી નક્કી કરવાનું આવશે. વાંચ્યા પછી જો કે કેટેગરી તો જાતે જ નક્કી કરવાની હોય છે. એટલે તમને તમારી રીતે કેટેગરી ધારણ કરવાની છૂટ છે. પણ, એટલું ખરું કે જેમ અખબાર ઘણા પ્રકારના હોય તેમ વાચકના ય ઘણા પ્રકાર હોય. તુંડે તુંડે મર્તિ ભીન્નાની જેમ તુંડે તુંડે વાચક ભિન્ના. આ વેળા એવાં તુંડ પર લેખકે આંગળીથી ટકારા કર્યા છે.
           આજકાલ કૂતરાઓને રોટલી ખાવામાં રસ નથી. અરે એ તો પારલેના બિસ્કીટને ય સુંઘતા નથી. કૂતરાના ટેસ્ટ બદલાઈ ગયા છે. પણ જો રોટલી નધણીયાતી હાલતમાં પડી હોય અને ત્રણ-ચાર કૂતરા બેઠા હોય તેમાંથી એકાદ કૂતરો રોટલી ઉઠાવે તો તરત જ બાકીના બધા જ રોટલી મેળવવા દોડે, અને ઝૂંટાઝૂંટ શરૂ થઇ જાય. બસ આવું જ કંઈક છાપાનું છે. પાનના ગલ્લે કે એવાં કોઈ સ્થળે છાપુ નિરાધાર અવસ્થામાં પડ્યું હોય સાત-આઠ જણ છાપુ વાંચવા સક્ષમ હોવા છતાં અને વાંચે ગુજરાત કાર્યક્રમ ઊજવાઈ ગયો હોવા છતાં છાપુ તેના વફાદાર વાચકની રાહ જોતું હોય છે. અરે વફાદાર નહિ તો ચાલુ વાચક મળે તો ય ચાલે. પણ વાચક ભૂખ્યા છાપાંને કોઈ હાથ ઝાલતું નથી. પણ એવો એકાદ જણ છાપુ લઇ પાનના ગલ્લાના બાંકડે ટેકવે એટલે આપોઆપ બાકી રહેલાંમા વાંચન વિચાર પ્રગટે, અને તેઓ વાંચનોત્સુક થઇ છાપાં તરફ વળે. તેમાંથી છાપાના પ્રથમ પાને ચમકેલા રાજકીય સમાચારોનો રસિયો બાંકડે બેસીને છાપામગ્ન થઇ ચુકેલા શખ્સની પાછળ વિકેટકીપરની માફક થોડો ઝૂકીને ઊભો રહે છે. અને તેમના જમણા કાન પર બરાબર તેનું નાક આવે એ રીતે પાછળ ઊભો રહી આગળના સમાચાર વાંચતો હોય છે. સવાર-સવારમાં પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને છાપુ વાંચતા શખ્સને છાપાના પ્રથમ પાના પર પોતાનાં માથા ઉપરાંત બીજા એક માથાનો ભેદી આકાર પડછાયા સ્વરૂપ રચાયેલો જોવા મળે છે. ત્યારે જ તેણે ખ્યાલ આવે કે પોતાની પાછળ શું ચાલી રહ્યું છે. ત્યાર બાદ વાચક જે રીતે હાથમાં છાપુ આઘુંપાછું કે ઊંચુંનીચું કરે છે તેના અનુસંધાને પાછળવાળો શખ્સ તેનું માથું સેટ કરે છે. આમ ક્યારે જમણા કાન પરથી તો ક્યારેક ડાબા કાન પરથી ડોકિયું કરીને તે અખબારનું અધ્યયન ચાલુ રાખે છે. એ વાચક જેટલો જ રસિક અન્ય વાચક પણ હોય છે. પણ હવે પાછળની બાજુએ વેકેન્સી ન હોવાથી તે પ્રથમ નજરે જ પ્રથમ પાનાના સમાચાર વાંચી શકતો નથી. તેથી તે છાપાવાળાની સામે જરા ઝૂકીને છેલ્લા પાને અવસાન નોધથી શરૂ કરે છે. તો અહીંથી જોઈએ અખબારના કેટલાંક વિશિષ્ટ વાચકોના પ્રકારો.
       અવસાન નોંધનો વફાદાર વાચક:  આ વાચક અંતના સમાચારથી આરંભ કરે છે. આમ અવસાન નોંધ વાંચનારો એક વફાદાર વર્ગ છે. ભલે પછી છાપાના પ્રથમ પાને ગમે તેવી ઉથલ-પાથલ મચી હોય કે સનસનીખેજ સમાચાર હોય. પણ એ તો જીવન એવું જીવી ગયા થી જ અખબાર પઠનનો કાર્યક્રમ શરૂ કરે છે. વળી અવસાન નોંધ બાબતે તેઓ ઘણા ઉદાર છે. તેઓ અવસાન નોંધમાં માત્ર પોતાનાં મિત્ર કે સગાસંબંધી પૂરતા જ સંકુચિત નથી. પણ જે રીતે ચિંતનની ચાસણી ચાખી ગયેલા વાચકો જે. કૃષ્ણમૂર્તિથી માંડીને જીવન જ્યોત સુધીનું બધું જ સમાનભાવે વાંચી જાય છે. એ જ રીતે અવસાન નોંધના વાચકો બિનસાંપ્રદાયિક ધોરણે લગભગ બધી જ અવસાન નોંધ વાંચી જાય છે. હવે તો અખબારવાળા અવસાન નોંધનુંય પાટીદાર, અનાવિલ, ક્ષત્રિય, વિપ્ર, દેવીપૂજક જેવું વર્ગીકરણ કરીને તૈયાર આપે છે. જો કે એમાં ક્યારેક છાપા ભૂલને કારણે છબરડાય વાળે છે. આ રીતે એકવાર અમારા એક મિત્રના દાદા કૈલાસવાસી થયાં એની વિગતો દેવીપૂજકવાળા શીર્ષક નીચેથી વાંચવા મળી.
             છતાં પણ અખબારવાળાને તેમણે ભૂલ સુધારણા માટે તાકીદ કરી નહોતી. મિત્રનું કહેવું હતું કે મનુષ્ય પંચમહાભૂતમાં ભળી જાય પછી ખોળિયું તે ખલ્લાસ થઇ જાય છે. ફક્ત આત્મા રહે છે. આત્માને વળી નાતજાતની વાડાબંધી શું?!
                 આમ અવસાન નોંધના વાચકો લગભગ તમામ પ્રકારની અવસાન નોંધ નિર્લેપ ભાવ વાંચી જાય છે. અવસાન નોંધ તેમના આત્માનો ખોરાક છે. તેથી તેઓ અવસાન નોંધનો એકેએક અક્ષર ચણી જાય છે.
           અખબારને ઘોળીને પી જનારો વાચક:  આખા અખબારને કબજે કરી બેઠેલા વાચકને આ શીર્ષક નીચે નોંધવામાં આવે છે તેના માટે આખા અખબારમાં કશું જ વર્જય નથી. લખ્યું વંચાય ની જેમ જ છાપ્યું વંચાય ના એક જ સિદ્ધાંતને તેઓ અનુસરે છે. એટલે અખબારમાં જેટલું છાપેલું છે તે બધ્ધું જ વાંચી કાઢવાની નેમ સાથે તે અખબાર ઉઠાવે છે. તેથી તેના માટે પહેલાં, છેલ્લા કે વચ્ચેના પાનાંના સમાચારોમાં કોઈ ભેદભાવ નથી. તે બધાનું સમદ્રષ્ટિથી પઠન કરે છે. વળી તે રાષ્ટ્રીય સમાચાર પરથી કુદીને સ્થાનિક સમાચાર પર, ત્યાંથી કુદીને ક્રાઈમ ન્યુઝ પર, વળી ત્યાંથી કુદીને બાબા રામદેવના બોધ પર, એમ બિલાડીની માફક કૂદાકૂદ નથી કરતા. એ તો પહેલાં પાને છેક ઉપર અખબારના નામની જમણી બાજુએ છાપેલા સુવિચાર અને દાબી બાજુએ સેન્સેક્સથી શરુ કરે છે. ત્યારબાદ તારીખ, વાર, તિથી, ત્યારબાદ અખબારના માલિક, તંત્રી, મુદ્રક, પ્રકાશક, સંપાદકનું નામ, (આ નામ ઘણું કરીને એક જ હોય છે.) ટેલીફોન નંબર આદિ વિગતો વાંચતા વાંચતા જેમ હિમાલયના શિખરો પરથી વહેતી વહેતી ગંગા નદી મેદાન પ્રદેશમાં પ્રવેશે છે. એમ તે સમાચારોમાં પ્રવેશે છે. આથી અખબારનું પૂર્ણ અધ્યયન કરવાની તેમની દ્રઢ ઈચ્છા હોવા છતાં કાર્ય પરિપૂર્ણ થતું નથી. આમ છતાં તેણે ધન્યવાદ એ મુદ્દે આપવા ઘટે કે તે પોતાની નિષ્ઠામાં પાછીપાની કરતો નથી. આજે નહિ તો કાલે પણ એક દિવસ જરૂર તે અખબારનું અધ્યયન પૂર્ણ કરવાની સિદ્ધિ મેળવશે જ, એવી નિષ્ઠાથી તે આગળ વધે છે અને રોજનો નવો દિવસ તેના માટે નવી આશા અને નવું અખબાર લઈને આવે છે.
             પોષક તત્વો ગ્રહણ કરનારો વાચક: કેટલાંક તો રે....શિર સાટે નટવરને વરીએ... જેવી દ્રઢતાથી આરોગ્યને વરેલા લોકો હંમેશા આરોગ્યવર્ધક જ ખોરાક લે છે. એટલે કે તેઓ જીભ જે કહે તે નહિ પણ શરીરને જેની જરૂર છે એવો ખોરાક ગ્રહણ કરે છે. અલબત, તેમનું શરીર જોતા તેમણે હવે કેટલાંક સમય સુધી ખોરાકની જરૂર નથી એવો આપણને ભાસ થાય છે. છતાં તે પોષક તત્વોવાળો જ આહાર લે છે. એ જ રીતે અખબારના વાચકોમાં પણ એક વર્ગ એવો છે જે અખબારમાંથી પોષક તત્વો જ ગ્રહણ કરે છે. પણ, આવા લોકોની સૌથી મોટી સમસ્યા એ છે કે તેઓ જાહેર સ્થળે કોઇપણ ના હાથમાંથી લાવો તો જરા એક નજર નાખી લઉં એટલું બોલીને પેલાની હા કે ના ની પરવા કર્યા વગર તેના હાથમાંથી છાપુ ખૂંચવી લે છે. અને પછી તેની એક નજર લગભગ દશ મિનિટ ચાલે છે. ત્યાં સુધી જેમ નાનકડા બાળકના હાથમાંથી કાગડો પૂરી ઝૂંટવી ગયા પછી બાળક જે રીતે કાગડાને જોઈ રહે તેમ પેલો મૂળ વાચક પેલા એક નજરવાળા ને જોઈ રહે છે. વળી તે દશ મીનીટમાં નીર-ક્ષીર વિવેકના ધોરણે અખબારમાંથી પોષક તત્વો તારવી લીધા બાદ છાપું પેલાના હાથમાં આપવાને બદલે બાંકડા પર પછાડીને બોળે, હવે છાપામાં ક્યાં કંઈ વાંચવા જેવું આવે છે. આ તો ઠીક છે જરા નજર નાખી લઈએ બાકી તો....ઓ... આ રીતે ફેંકાયેલા છાપા વખતે પેલો ઘોળીને પી જનારો જો જરાય ગાફેલ રહે તો ત્રીજો જ વાચક છાપું પકડી લે છે, અને પેલો ચશ્માં લૂછતો રહી જાય છે.
           ટચુકડી જા.*ખ.નો વાચક: અખબારને ઘોળીને પી જનારા વાચક જયારે સ્થળ કાળનું ભાન ભૂલી અખબારના અધ્યયનમાં ગળાડૂબ થઇ ગયો હોય ત્યારે અન્ય એક વાચક સિફતપૂર્વક તેમાંથી વચ્ચેનું પાનું સરકાવી  ટચુકડી જા.*ખ.મા ખોવાઈ જાય છે. કેટલાંક વાચકો ટચુકડી પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે કારણ કે યુવાનીમાં બેકારીના સમયથી તેણે ટચુકડી વાંચવાની એવી સજ્જડ આદત પડી ગઈ હોય છે કે ટચુકડી ન વાંચે તો તેણે બધું જ ન વાંચ્યા બરોબર લાગે છે.
          જ્યોતિષની જાહેરાતનો વાચક:  ટચુકડીના વાચકોનો આ એક પેટા પ્રકાર છે. તે તક મળ્યે અથવા તક સર્જીને છાપુ ઉઠાવીને ૧૫૦ ટકા ગેરેંટીવાળા જ્યોતિષશાસ્ત્રીઓની મૂઠ, ચોટ, વશીકરણ, વાળી ટચુકડી જા.*ખ. વાંચી લે છે. અને તેના આધારે પોતાનું ભવિષ્ય કોના હાથમાં છે તે નક્કી કરે છે.
    લગ્નવિષયક જાહેરાતનો વાચક: ટચુકડી વાંચનારા વર્ગનો એક ખાસ પેટા વર્ગ લગ્નવિષયક અથવા તો સપ્તપદી વાંચનારો છે. આવી ટચુકડીમા ઘણી જગ્યાએ ઉંમરનો બાધ નથી એવી નોંધ હોય છે. એ રીતે આ જાહેરાતો વાંચનારને પણ ઉંમરનો બાધ નથી તેથી જ લગ્નોત્સુક તેનું જેટલી એકાગ્રતાથી પઠન, મનન અને પછી ન ગોઠવાય તો ચિંતન કરે છે. એટલી જ ઉત્સુકતાથી લગ્નગ્રંથીથી સજ્જડબંમ જોડાયેલા સદગૃહસ્થો પણ તેનો અભ્યાસ કરે છે. (ખાસ નોંધ- લગ્નોત્સુકને યુવાન જ ધારી લેવાની ભૂલ ન કરવી. એક્સપાયરી ડેઈટ વટાવી ચુકેલો માનવીય કોઇપણ ઉંમરે લગ્નોત્સુક હોઈ શકે છે. અને ક્યારેક તો પાકેલી ઉંમર જાતક યુવાન કરતાય વધુ લગ્નોત્સુક હોય છે. કારણ કે life begins at torty.
           આ સિવાય પણ અખબારના બહોળા વાચક વર્ગના ઘણા પ્રકારો છે, પણ તેની વાત ફરી ક્યારેક. બસ અત્યારે તો ઘેર અખબાર આવી ગયું છે તો પછી ઊઠો જાગો અને છેલ્લા પાનાં સુધી માંડ્યા રહો.
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com
 

No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...