Thursday 23 March 2017

ઊંચાઈ માટેના ઊંચા પ્રયોગો



                      ઊંચાઈ ન હોય તો માણસો નીચું જોવાની જરૂર નથી. પણ નીચી ઊંચાઈ ધરાવનારા ઊંચી ઊંચાઈવાળાને જોઈ નીચું અનુભવ્યા કરે છે. ને પછી ઊંચાઈ વધારવા ઊંચા ઊંચા અખતરા કરે છે. આ અખતરાનો ખતરો એ જ કે તે લાંબા સમય ટકતા નથી કર્ણ કે ઊંચાઈ માટેના સાધનો તો તેના બનવનારની કમાણી વધારવા હોય છે, ઊંચાઈ વધારવા માટે નહિ. હા, કોઈ એકની તો ઊંચાઈ ચઢી એમ જરૂર કહેવાય પણ તેમાં ઘરનાઓ ઊંચા-નીચા થઇ ગયા તેનું શું? અહીં નટવર પંડ્યા એ હાલત પર બયાન કરે છે.
બડા હુઆ તો ક્યા હુઆ ,
જૈસે પેડ ખજુર,
પંખી કો છાયા નહિ,
ફૂલ લાગે અતિ દૂર.
કબીરજી ભલે આવું કહી ગયા પણ ઓછી શારીરિક ઊંચાઈ ધરાવનારને તો ઊંચાઈને આંબવાની સતત ઝંખના હોય છે. આમ પણ માણસ પાસે જે નથી તેનો વસવસો વધારે હોય છે. આવો કટપીસ સ્વરૂપ મનુષ્યો તાકા સ્વરૂપને જોઈને હતાશા અનુભવે છે. ત્યાં વળી કોઇપણ મેગેજીનની પૂર્તિમાં વાંચી બેસે કે ઓછી ઊંચાઈને કારણે સ્ત્રીનું વ્યક્તિત્વ પ્રભાવશાળી બનતું નથી. ખલ્લાસ, પતિ ગયું! આવી પસ્તીને જ બાળી મુકવાની હોય પણ તેણે બદલે પસ્તીના શબ્દોથી બહેનના માથાને બદલે પેટમાં તેલ રેડાય છે. એમણે હાડોહાડ લાગી આવે અને તે કોઇપણ ભોગે ઊંચાઈને આંબવા માટે કમર નહિ પણ આખું શરીર કસે છે. આટલેથી ન અટકતા સાથોસાથ પતિને પણ કસે છે. અને ત્યાંથી જ શરૂ થાય છે પતિ માટે કસોટી જિંદગી કી મેડમની ઉંચાઈ આંબવાના અખતરામાં પતિ બિચારો અડધો થઇ જાય છે. પણ મેડમના મનમાં એક વાત ઘર કરી જાય છે કે ઊંચાઈ નથી તો કશું જ નથી. તેથી ઊંચાઈ વધારવા માટે તે આખું ઘર માથે લે છે. હવે તેની ઓછી ઊંચાઈને કારણે ફક્ત જગત જ નહિ બ્રહ્મ પણ મિથ્યા લાગે છે. તેથી ઊંચાઈ વધારવા માટે એજ છાપા મેગેઝીનનો સહારો લે છે.
છાપા મેગેઝીનોમાં લખ્યું હોય છે કે ઊંચાઈ વધારવી અશક્ય નથી. પણ તેના માટે જરૂરી છે દ્રઢ મનોબળ, અને ધીરજપૂર્વક સખત પુરુષાર્થની. (આમ સ્ત્રીઓએ પણ ઊંચાઈ વધારવા માટે  પુરુષાર્થ કરવો પડે છે.) આવા વાક્યો બહેનના ઉત્સાહમાં અનેક ગણો વધારો કરે છે. અને રાતો રાત તેઓ છોડમાંથી ક્ષુપ અને ક્ષુપમાંથી વૃક્ષ બની ગયાનું અનુભવે છે. આટલેથી જ ન અટકતા સખીઓની પણ સલાહ લે છે અને સખીવૃંદની  સલાહમાંથી થયેલ જ્ઞાન પ્રાપ્તિના નિચોડરૂપે તે ઊંચાઈ વધારવાનો અસાધારણ પ્રયત્નો શરૂ કરે છે. પછી તો થોડું ઘણું અગાઉથી જ વાંચેલું હોય અને સખીઓ સલાહ આપે કે ક્યાંય પણ લટકીને હિંચકો ખાવાથી અને દંડ પીલવાથી ઊંચાઈ વધે છે. તરત જ તેનો અમલ કરે છે. પણ મૂળ મુદ્દો એ ભૂલાઈ જાય છે કે સોળ વરસની ઉંમરની વાત છે સાડત્રીશે કંઈ ન થઇ શકે. છતાં તે સક્રિય થાય છે. અને આ રીતે સક્રિય થયેલાઓને નિષ્ક્રિય કરવા બહુ મુશ્કેલ હોય છે. પછી તો હિંચકા ખાવા અને દંડ પિલવા માટે મેઇડ ઇન જાપાનનું મશીન ખરીદે છે. ખરેખર તો તે માંચડો જાપાન નહિ પણ જામનગરના જયંતિલાલ મિસ્ત્રીએ જ બનાવ્યો હોય છે. આવા મોંઘા માંચડે લટકીને બહેન ગમે ત્યારે પાંચ સાત હિંચકા ખાઈ લે છે. ઉપરાંત દંડ પીલે છે. આમ, ઋષિયુગમાં લોકો હેમાળે (હિમાલયમાં) હાડ ગાળતાં હવે હિંચકે ગાળે છે. 
માંચડો ઘરમાં આવ્યા પછી પતિદેવે સવારની ચા બગાસાં ખાતા ખાતા જાતે જ બનાવીને પીવી પડે છે. શરૂઆતમાં તો ઉત્સાહ ફાટફાટ થતો હોય અને તેણે ભરપૂર આશા હોય કે ટૂંક સમયમાં તે લેડી બચ્ચન થઇ જશે. એટલે પછી તો માંચડા ઉપરાંત ઘરમાં જ્યાં પણ કંઈ લટકવા જેવું લાગે તો ત્યાં હિંચકો ખાઈ લે. આવા પ્રયોગોને કારણે ઘરમાં ઘણા ફેરફાર થાય. સમય જતાં દીવાલમાંથી કેટલાંક ખીલા જ નીકળી જાય છે. આ રીતે એકવાર અભેરાઇનો ખીલો પકડીને દંડ પીલાવાથી આખેઆખી અભેરાઈ જમીનદોસ્ત થઈ ગયેલી અને ખળભળાટ મચી ગયેલો. પડોશીઓ તો ભૂકંપનો આંચકો સમજી ત્વરિત ગૃહત્યાગ કરી ગયેલા. પછી મોડેમોડે તેમને ખબર પડી કે એતો પડોશણના ઊંચાઈ વધારવાના અખતરાના કારણે બન્યું છે. આમ છતાં આવા ઊંચાઈના પ્રયોગો કારણે થતાં નુકશાનને ચોપડે ચડાવવામાં આવતું નથી.

દિવસો સુધી કોઈ પણ મશીન સાથે માથાકૂટ કરો એટલે એકધારાપણું લાગવા માંડે.  એવું જ અહીં બને છે. વળી એ મશીન સાથે બનતાં બથોડા લેવાં છતાં બહેનની(કે મશીનની) ઊંચાઈ ચોખાના દાણા જેટલીયે વધવાને બદલે મશીનમાંથી શ્રદ્ધા ઘટવા માંડે છે. એટલે મહિલાનું મન આપોઆપ અન્ય વિકલ્પ તરફ દોરાય છે. ત્યાં જ મૂળભૂત રીતે સખીવૃંદના ભળતી એવી એક એકસ્ટર્નલ અને પ્રયોગશીલ સખી તેને સાયકલ ચલાવવાની સલાહ આપે છે. આમ વિકલ્પની વિચારણા ચાલતી હતી ત્યાં જ વિકલ્પ મળી ગયો. બસ હવે તો સંકલ્પ જ બાકી રહ્યો. આમ છતાં અહીં બગાસું ખાતા પતાસું મળ્યું એમ તો ન જ કહી શકાય. પણ જો નિયમિત ધોરણે બગાસા ખાતા રહીશું તો એક દિવસ જરૂર પતાસાને પામીશું. એવી આશા જરૂર સેવી શકાય. પછી તો સાયકલીંગના વિચાર વિમર્શના બીજા જ દિવસે બહેન નવી સાઈકલ લઇ શહેરના રોડ માપવા નીકળી પડે છે અને પતિને પણ પરાણે સાથે લે છે.
આમ, પત્ની સાથે સાયકલીંગ વખતે દોડમદોડ કર્યા પછી પતિ પત્નીને કહે છે કે પ્રિયે, સાયકલીંગને કારણે કદાચ તારી ઊંચાઈ તો વધતાં વધશે પણ મારું આયુષ્ય જરૂર ઘટશે.  પણ ઊંચાઈ ઉત્સુક પત્ની એ વાતને એક કાને થી બીજા કાને કાઢી નાખશે.  બસ, પછી તો મેડમ જયારે નવરા પડે ત્યારે અથવા નવરા થઈને ગમે ત્યારે સાયકલ લઈને સડસડાટ નીકળી પડે છે અને સમય જતાં તે આખા ગામમાં પેલી સાયકલવાળી તરીકે પ્રખ્યાત થઈ જાય છે અને પતિ સાયકલવાળીનો પતિ તરીકે ઓળખાય છે. આમ, પત્નીને કારણે પતિને સ્પેશ્યલ આઈડેન્ટિટી પ્રાપ્ત થાય છે. આમ, છેલ્લા ત્રણેક મહિનાથી સાયકલના રવાડે ચડી ગયેલા બહેનને સીધીસાદી વાત એ પણ સમજાતી નથી કે જો સાયકલ ચલાવવાથી ગમે ત્યારે ઊંચાઈ વધતી હોય તો ગામડાનાં એક એક ટપાલી બચ્ચનછાપ હોત. છેવટે સાયકલમાંથી પણ મન ઉતરી જાય છે એટલે બહેન સાયકલ પરથી પણ ઉતરી જાય છે.
આ જગતમાં એક એક મનુષ્ય પાસે અનેકાનેક અમુલ્ય સલાહ લેવાયા વિનાની ધૂળ ખાતી પડી હોય છે અને તે સલાહ વિનામુલ્યે અન્યને આપવા માટે તેઓ તલપાપડ હોય છે. આવી રીતે રસ્તે રખડતી ગયો જેવી બે સખીઓ મળે છે અને તેઓ સલાહ આપે છે કે સાયકલ છોડ અને સ્વીમીંગમાં ઝંપલાવ. પછી તરત જ અમલ થાય અને સ્વીમીંગમાં ઝંપલાવે છે. ભલે તરતા ન આવડતું હોય પછી તો હવા ભરેલી ટ્યુબોના સહારે તરવાનો તરખાટ મચાવે છે. જો કે સ્વીમીંગમાં થાક વધારે લાગે. આમ છતાં ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહેવાના ધોરણે બે ત્રણ મહિના સુધી પાણી સાથે પ્રીત બાંધે છે પણ જુએ તો હતા ત્યાંના ત્યાં! ઊંચાઈમાં એક ચોખાનોયે વધારો નહિ. પરિણામ જોઈને લાગે કે બધી મહેનત પાણીમાં ગઈ. સ્વીમીંગથી કઈ શક્કરવાર નહિ વડે એટલે સ્વીમીંગને સાયોનારા કહી દે છે અને ઊંચાઈ વધારવા અન્ય રસ્તા અજમાવે છે.
બહેનને સખીઓ ઘણી હોય છે. અને સલાહ ન આપે તો સખીઓ શાની! સખીતો પોતાની સખીને સુખી જોવા ઈચ્છતી હોય. બસ એ જ રીતે ફરી એકવાર એક સખી શાકમાર્કેટમાં મળે. ગાજર ચાવતી ચાવતી તે ગાજરવાળા સાથે બાર્ગેનિંગ કરી રહી હોય છે ત્યાં જ તેની નજર ઓછી ઊંચાઈવાળી સખી પર પડે છે.  જેમ નર્મદાને અને તાપીની નહેરનો સંગમ થાય એમ શાકમાર્કેટમાં બંનેનો સંગમ થાય છે અને સંગમમાંથી સત્સંગ શરૂ થાય છે અને એ જ સત્સંગમાંથી જ સમસ્યાઓનો સચોટ ઉકેલ મળી આવે છે અને સખી સુઝાવ આપે છે કે હિંચકા, દંડ બેઠક, સાયકલીંગ, સ્વીમીંગ એ બધી લમણાઝીંક કરવા કરતાં તુ હિલવાળા સેન્ડલ પહેર. એટલે તારી સમસ્યા સમાપ્ત. સખીને આ સલાહ ચોખ્ખા ઘીના શીરાની જેમ ગળે ઉતરી જાય છે. પળનોય વિલંબ કર્યા વિના તે શોપિંગમોલમાંથી સેન્ડલ ખરીદી લાવે છે. આ રીતે સાતેક જોડ સેન્ડલ ખરીદે છે જેમાં એક જોડ મેરજ માટેની સ્પેશ્યલ, બીજી પાર્ટી સ્પેશ્યલ, ત્રીજી ડેઈલી યુઝ માટે, ચોથી શોકસભા સ્પેશ્યલ, પાંચમી સન્ડે સ્પેશ્યલ, છઠ્ઠી તૂટેલી જોડ ટેમ્પલ સ્પેશ્યલ અને સાતમી કોઈને ફટકારવા માટે સ્પેશ્યલ (એના કવરેજ ક્ષેત્રમાં પતિને પણ સમાવી લેવાય છે).
બસ પછી તો આ રીતે, સેન્ડલ પહેરીને પુરુષ સમોવડી બનીને નીકળે એકાદ બે સખીઓ પ્રશંશાના પુષ્પો ચડાવે એટલે બહેનનું જીવન ધન્ય થઇ જાય. પછી તો એજ સેન્ડલ પહેરીને એમને બહાર નીકળવાનું બહુ ગમે. આ રીતે સખીને ઘેર જાય તેના ઘરનો દાદર ચડતા ચડતા છીંક આવે અને પગ નીચેથી ધરતી ખસી જાય અને ટોચ પરથી સીધા જ તળેટીમાં આવી જાય. પગ અને પાતળી કમર (આ એક ધારણા છે) બંને લચકાઈ જાય પછી રીક્ષારૂપી રથમાં ઘેર પુનઃ પાવન પગલાં કરે. અલબત્ત પતિના ટેકે ટેકે પછી સેન્ડલ ફગાવીને પોતાની મૂળ ઊંચાઈ પર આવી જાય.
(બોધ : ઊંચાઈ વધારવાના અટકચાળા ન કરવા)   
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

3 comments:

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...