Saturday 25 March 2017

ગળગળા થઇ જવું !




               ગળગળા થવું એટલે શું તે અંગ્રેજોને પૂછો તો ખરેખર આવ્યા હોય તેવું મોઢું કરી પૂછનારને જ ગળે પડી પૂછે. તેમજ કહોને આ ગળગળા થવું એટલે શું? ગળગળા થવામાં એક્સપર્ટ તો આપણા લોકો જ! અમુક લોકો તો કોઇપણ વાત વગર ગળગળા થઇ જાય. કેટલાંક લોકો ગળગળા થવાના કૌશલ્ય આધારે પોતાનો બચાવ પણ કરી લે. ગળગળાના આવા કલાબાજો વચ્ચે સચેસાચ ગળગળા થનારા પણ હોય છે. શું કહેવું આ બધા વિશે? ઓહ, હમણા તમે રહેવા દો.
             ગળગળા થઇ જવાં બાબતે લોકોમાં બે પ્રકાર છે. પહેલાં પ્રકારના લોકો ધારે ત્યારે ઈચ્છે તેટલા ગળગળા થઇ જાય છે. જયારે બીજા પ્રકારના લોકો ક્યારે ગળગળા થઇ જાય કાંઈ કહેવાય નહિ. આમ છતાં ગળગળા તહી જતા આવડવું ખૂબ જરૂરી છે. પણ તેનાથીય વધારે અગત્યનું છે ગળગળા થઇ જવાં પર પુરતો કાબુ હોવો તે જ લોકો જયારે અને જેટલા પ્રમાણમાં ઈચ્છે તેટલા ગળગળા કરી શકે છે. અને એક વાર જો સામેવાળાને ગળગળા કરવાનું ફાવી ગયું તો ગળગળા થવાના સુખદ પરિણામો જાતક મેળવી શકે.
       ગુજરાતી કે જૂની હિન્દી ફિલ્મોમાં જયારે હીરો કે હિરોઈન વિલનના હુમલાઓને ન ખાળી શકે ત્યારે તેઓ ગળગળા થઇ શસ્ત્ર ઉગામતા જે મુદે કોર્ટમાં જવાનું હોય તે મુદ્દે હીરો હિરોઈન અથવા તેના ફિલ્મી માતા-પિતા સીધા જ મંદિરે જઈ છાશવારે ગળગળા થઇ જતા જોવા મળે છે. એ લોકો મંદિરમાં ગળગળા થાય એટલે ટોકીઝમાં બેઠેલા એંસી ટકા ગળગળા થઇ જાય અને તેમાંથી પચાસ ટકાના ખિસ્સામાંથી તો રૂમાલ બહાર નીકળી આવે છે. હા, ગળગળા થવું હોય ત્યારે હાથ રૂમાલ ખાસ જરૂરી છે. ટોકીઝમાં ગળગળા ન થયેલા બાકીના વીસ ટકા પણ ગળગળા થવા મચી રહ્યા હોય છે. પણ એ લોકો પૂરતો રીયાઝ કરતા હોવાથી ગળગળા થઇ શકતા નથી. જયારે કેટલાકને એજ સમજાતું નથી કે આ ગુજરાતી ફિલ્મની હિરોઈનની માતા શા માટે મંદિરમાં આવીને આટલી બધી ગળગળી થઇ ગઈ છે. પછી જયારે તેણે એ વાતની કરુણતા સમજાય છે ત્યારે જાતક બે મુદ્દે ગળગળો થઇ જાય છે. એકતો હિરોઈનની માતા ગળગળી થઇ ગઈ છે માટે એને બીજું પોતે આટલી કરૂણ વાત પણ ન સમજી શક્યો તે માટે પછી તેનું ગળગળાપ રોમેન્ટિક કે કોમેડી સીન શરૂ થાઉં જાય તો ય હટતું નથી છેવટે તે ઇન્ટરવલમાં એકાદ બીડી જલાવે કે પાન મસાલો ખાય ત્યારે પરિસ્થિતિ થાળે પડે છે.
          રસ્તામાં, બસમાં, બગીચામાં કે સેમિનારમાં ગળગળા થવા કરતા મંદિરમાં ગળગળા થઇ જવું વધારે સારું કારણ કે ત્યાં આપણે ભક્ત કે હરિના દાસ માં ગણાઈ જઈએ. પણ જો આપણને ટ્રાફિક પોલીસ રોકીને રૂપિયા સાડા સાત સો નો દંડ ફટકારે ત્યારે આપણે મંદિરમાં થયાં હતા એટલા જ કદાચ તેનાથીય વધુ ગળગળા થઇ જઈએ ભક્તમાં ગણાતા નથી અને સામેવાળો નાગરિક કેટલો ગળગળો થયો છે તેની માત્રામેળ મુજબ સપ્રમાણમાં દંડ ફટકારે છે. (જેમ ગળગળો વધુ તેમ દંડ વધુ સપ્રમાણ) હા, એ લોકો નાગરિકને સંભાળતા જ નથી એવું નથી. નાગરિક ગળગળો થઈને જે નિવેદન કરે છે તે નિવેદન પોલીસ જુદી દિશામાં મોં રાખી નાગરિકથી વિમુખ થઇ, હાથમાં પાનું વાળેલી રસીદ બુક અને પેન સાથે સાંભળે છે. નિવેદન પૂરું થાય એટલે તરત જ તેઓ નામ, નંબર નોંધી ને રસીદ પકડાવી દે છે. આ રીતે તેમની સામે નાગરિકોને ગળગળા થતા જોઈને તેમની ફરજ નિષ્ઠા ઝળહળી ઉઠે છે.
         કેટલાંક લોકો એવાં પણ છે જે ક્યારે ગળગળા થઇ જાય કાંઈ કહેવાય નહિ. હજુ બે મિનિટ પહેલાં તો તેમના ચહેરા પર ખુશીની ચમક દેખાતી હોય અને પછીની ક્ષણે વાતાવરણમાં અણધાર્યો પલટો આવી જાય અને તેઓ ગળગળા થઇ જાય. હાલમાં મોઘવારીના મુદ્દે ગળગળા થઇ જવાની અને બીજાને કરી મુકવાની મૌસમ ચાલે છે. આ રીતે ગળગળા થઈને તેઓ બોલી ઉઠે છે. શાકભાજીનું તો નામ નથી લેવાતું! ખાવું શું? આમ કહી તેઓ એટલા ગળગળા થઇ જાય છે કે આપણને શાકમાર્કેટમાંથી સીધા જ સ્મશાનમાં જતા રહેવાનું મન થાય. જોકે તેઓ તો શાકભાજીની થેલી ભરીને જ ઘરે જાય છે.
            જયારે કેટલાંક લોકોને ભગવાને ચહેરા જ એવાં આપ્યા હોય છે કે કોઇપણ પરિસ્થિતિમાં તેઓ ગળગળા થઇ ગયા હોય એવાં જ લાગે. કોઈના લગ્નમાં માંડવે તેઓ પ્રથમ હરોળમાં સ્થાન પામ્યા હોય તો પણ તેઓ ગળગળા થઈને જ બેઠા હોય છે. એટલે સામેવાળા માણસ તો તેણે જોઈને જ ગળગળો થઇ જાય. પછી તેણે ખુશીના સમાચાર આપવા હોય તો પણ માંડી વાળે. અને પેલા ગળગળા ચહેરાવાળા તરફથી કોઈ ખુશીના સમાચાર મળવાના હોય તો તે ગળગળા ફોર્મમાં જ મળે.
            કેટલાકના હૃદયમાં એવાં હોય છે કે તેઓ બાહરના ઓર્ડર પર પૂરતું ધ્યાન આપી શકે છે. એટલે કે તેઓ ઓર્ડર મુજબ ગળગળા થઇ શકે છે. આવા લોકો જાણે જરૂર પડ્યે ગળગળા થવાનો વાલ્વ ખોલે છે. અને તરત જ તેઓ ગળગળા થઇ જાય છે અને વાલ્વ બંધ કરે એટલે એકદમ સ્વસ્થ. આ પ્રકારના હૃદયો આપણા નેતાઓ ધરાવે છે. ચૂંટણી સમયે તેઓ ઘણીવાર જાહેરમાં ગળગળા થઇ જાય છે. અને ચૂંટાયા પછી ગળગળા થવાનો વારો જનતાનો હોય છે. કુશળ કથાકારો પણ આ રીતે એકના એક પ્રસંગ પર અનેક વાર ઈચ્છે ત્યારે ગળગળા તહી શકે. એવી એમના પર પ્રભુની કૃપા દ્રષ્ટિ હોય છે. કવિ હૃદયો પણ કેટલીકવાર તેનાથી ઊલટું બને છે. મૂળ વ્યક્તિ કરતા અનેકઘણો ગળગળો થઈને તેના સુરમાં સુર પુરાવે તેથી પરિસ્તિતિ એ થાય કે જેણે આશ્વાસન મેળવવાનું હતું તે આશ્વાસન આપનારની ભૂમિકામાં આવી જાય છે. કોઈના દાદા પંચમહાભૂતમાં ભળી ગયા હોય તો ત્યાં ખરેખર જનારની ફરજ એ થાય કે દાદા જેમને વિલાપ કરતા છોડી એટલું રૂદન કરે કે જેમ શાસ્ત્રીય સંગીતકાર સ્વરઘૂંટે એમ વારંવાર તાન, મુર્કી લઈને તેઓ વિલાપનો આલાપ એટલો બધો ઘૂંટે કે જેમના દાદા સ્વર્ગસ્થ થયાં છે એ લોકો આમને આશ્વાસન આપવા લાગી જાય.
              વળી જરા અજાણ્યા લોકો અને દુરના સગાઓને તો ખબર જ ન પડે કે દાદા કોના ગુજરી ગયા છે!
           એટલે આમ ગળગળા થવામાં તો કેટલીકવાર તો બંને પક્ષોની મૂળ ભૂમિકા જ બદલાય જાય છે. જયારે ગળગળા થવું જેમને સહજ છે. એવાં લોકોને વક્તાઓ કોઇપણ વિષય વગર પણ વક્તવ્ય આપી શકે છે. એજ રીતે આ લોકો  કોઇપણ જાતની વિષય વાસના વગર મનમુકીને ગળગળા થઇ શકે છે. એમણે તો બસ વિષય હો શ્રધ્ધાનો તો પુરાવાની જરૂર શી! આ લોકો વિષય મુક્ત રહીને પણ એટલા બધા ગળગળા થઇ જાય છે કે અન્ય લોકો તેણે પૂછવાનીય હિંમત નથી કરી શકતા કે ભાઈ તમે આટલા બધા ગળગળા કેમ થઇ ગયા? આ રીતે જેઓ કોઇપણ પ્રકારના વિષય વગર જ ગળગળા થઈશકે છે તેઓ લોકહૃદયમાં મૂકી ઊંચેરું સ્થાન મેળવી શકે છે.
           ગરમાગરમ:        
          કોઈ એક વ્યક્તિના દાદા સ્વર્ગસ્થ થયાં એટલે ત્યાં મોઢે આવેલ વડીલે આશ્વાસન આપતા કહ્યું, દાદા બે વરસ બેઠા હોત તો સારું હતું. પેલા ભાઈએ કહ્યું, -હા, બેઠા હોત તો આ પાંચ વિદ્યા છે એ પણ વેચાઈ જતે.
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...