Friday 24 March 2017

કવિ એક કાવ્યસંગ્રહ અનેક!




               કવિતાને સમજવી એ દરેક વ્યક્તિ માટે ખાવાના ખેલ નથી એ તો જાણે સમજ્યા! પરંતુ અમુક કવિતા સંગ્રહ એવાં હોય છે કે ભલભલા પંડિતો પણ સમજી શકતા નથી તો સામાન્ય લોકોની તો શું વાત કરવી? સરવાળે પબ્લીકને માથે દે ધના ધન કાવ્યસંગ્રહના લોકાર્પણની વર્ષા થતી રહે છે તે વાત અહીં રમૂજ રૂપે કરે છે નટવર પંડ્યા.
            કવિશ્રી દલસુખ દાઢીવાલાના દોઢ ડઝન કાવ્યસંગ્રહોની એક સાથે સમિક્ષા કરતા સમિક્ષક લખે છે, લગભગ દોઢેક ડઝન કાવ્યસંગ્રહો દ્વારા ફરીથી ધ્યાનથી વાંચો, દોઢ ડઝન કાવ્યસંગ્રહો દ્વારા કવિશ્રી દલસુખ દાઢીવાલા આપણા સાહિત્યનું આભૂષણ બની રહ્યું છે. અ...ધ...ધ...ધ...દોઢ ડઝન કાવ્યસંગ્રહો ...? એને સાહિત્યનું આભૂષણ કહેવું કે પ્રદુષણ?
              વાચકમિત્રો ક્ષમા કરે કે અમે એ સમિક્ષા વાંચતા વાંચતા અમારા મુખમાંથી સરી પડેલા શબ્દો અને કેટલાંક તો હૃદયમાંથી બહાર નીકળવાની હિંમત જ નથી કરી એવાં શબ્દો , સમુહો, ઉદગારો વગેરેને અત્રે રજૂ કર્યા છે.
            તો ફરી મૂળ મુદ્દા પર આવીએ તો સમિક્ષકશ્રી લખે છે કે આ છેલ્લો કાવ્યસંગ્રહ તેમનું મરણોત્તર પ્રદાન છે... મારી નાખ્યા મારા બાપ! ટૂંકમાં મરતા ગયા ને મારતા ગયા. અલબત, પુરેપુરા તો ન માર્યા પણ અધમૂઆ તો કર્યા જ! દોઢ ડઝન કાવ્યસંગ્રહો વાંચવાની તો ઠીક હાથમાં લેવાની હિંમત પણ ન ચાલે. તેમણે રચ્યા કેવી રીતે?! એમના અ કાવ્યધાણનો પ્રેરણાસ્ત્રોત કોણ? વળી ભલભલા પ્રકાશકો આ કાવ્યજથ્થો જોઈને શરણે થઇ ગયા.તેણે પ્રકાશિત કરવાની અસમર્થતા દર્શાવી. આમ છતાં કવિએ આગ્રહ જારી રાખ્યો એટલે છેવટે એક મોટા ગજાના પ્રકાશકે કહ્યું શા માટે અમારા છોકરાના રોટલામાં લાત મારો છો?
                 સમિક્ષક ભારે હૃદયે નોંધે છે અત્રે સમિક્ષકનુ હૃદય કાવ્યસંગ્રહોને કારણે નહિ પણ કવિ શબ્દસ્થ થવાને કેરને ભારે થઇ ગયું છે. તેથી તેઓ ભારે હૃદયે નોંધે છે કે કવિના અવસાનના લગભગ એકાદ માસ પહેલા તેમના સત્તાણુંમાં જન્મદિન નિમિત્તે તેમનો ઉત્પાત નામે કાવ્યસંગ્રહ પ્રગટ થયો. આ બાજુ કાવ્યસંગ્રહ પ્રગટ થયો અને એમનો જીવનદીપ બુજાયો. આ કાવ્યસંગ્રહનું કવિશ્રીએ જે ઉત્પાત નામ આપેલું તેના પરથી એવું અભિપ્રેત થયું કે આના પછી તેમનો વધુ એક કાવ્યસંગ્રહ જરૂર પ્રગટ થશે. કદાય શીર્ષક હશે. ઉલ્કાપાત પણ કુદરતને એ મંજુર ન હતું. અરે ભાઈ! એતો લોકોનેય મંજુર નહતું. પણ લોકોનું કવિ પાસે કંઈ ચાલે? બસ, એજ રીતે કવિનું પણ કુદરત સામે ન ચાલ્યું અને તેઓ કલમને વિલાપ કરતી છોડીને ચાલી નીકળ્યા. આ છેલ્લું વાક્ય છાપામાંથી એમની જીવન-ઝરમર માંથી લીધું છે. ઝરમર વાળાએ પત્નીનો ઉલ્લેખ ચતુરાઈ પૂર્વક ટાળ્યો હોય એવું ઝણાય છે.
                      સામાન્ય રીતે પંચમહાભૂતોમાં ભળી ગયા પછી કવિના કુટુંબીજનો તેમની પ્રવૃતિમાં પડતા નથી પણ ઘરમાંથી પસ્તી કાઢી નાખવાની પ્રવૃત્તિ આદરે છે.
          કુટુંબીજનો મોઢે આવનાર એટલે કાણે આવનારા લોકો કુટુંબીજનોને કહેશે કે બિચ્ચારા છૂટ્યા. ઘણા વખતથી એમણે દમ હતો. (પણ એમના કાવ્યમાં દમ નહોતો) તેથી જ દમ ઘૂંટાઈ ગયો. ત્યારે કુટુંબીજનો પણ મનોમન બોલી ઉઠે છે એકલા એજ નથી છૂટ્યા!
           પણ અહીં જરા ઉલ્ટો ખેલ થયો. સદગતે નવા કાવ્યસંગ્રહને ઉલ્કાપાત નામ આપેલું. તેના ફક્ત બે જ કાવ્યો રચાયા હતા. એમની આ વિશિષ્ટતા હતી કે તેઓ કાવ્યસંગ્રહને પહેલા નામ આપતા અને પછી કાવ્યો રચતા. જે રીતે આજકાલ નવપરણિત યુગલો પુત્ર જન્મ પહેલા જ નામ નક્કી કરી નાખે છે એમ જ! આમ ઉલ્કાપાત માટે બે જ કાવ્યો ઘણા અપૂરતા ગણાય એવી પ્રતીતિ એમના ભત્રીજાને થઇ ત્યારે ઉંમરમાં આથમતા પણ કવિ તરીકે ઉગતા એવાં એમના ભત્રીજાએ ઝંડો ઊંચકી લીધો. કાકાએ અધૂરું છોડેલું કામ પૂરું કરવાની જાહેરમાં પ્રતિજ્ઞા લીધી. આ રીતે સદગતનું સુયોગ્ય તર્પણ કર્યું. આમ ભત્રીજા કાકા ચિંધ્યા માર્ગે ચડી જવાથી કુટુંબમાં કોહરામ મચી ગયો. પણ અન્ય કવિઓ તરફથી ભત્રીજાને ધન્યવાદને પાત્ર બન્યો. અન્ય કવિઓએ તે ભત્રીજાને પ્રેરણા લેવાનું પોતાનાં ભત્રીજાઓને સૂચન કર્યું.
                   આમ અપવાદરૂપે અહીં તેમના પરિવારના જ સભ્યે તેમના ક્ષેત્રમાં ઝંપલાવી ચીલો ચાતર્યો છે. શરૂઆતમાં તેઓ જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોએ જ કાવ્યો રચતા પણ સમય જતા પ્રસંગો ખૂટ્યા પણ કવ્યયજ્ઞ ચાલુ જ રહ્યો. એટલે પછી મહત્વપૂર્ણ કે મહત્વરહિત એવાં કોઇપણ પ્રસંગોએ તેઓ કાવ્યો રચવા લાગ્યા. અને છેવટે એવો સમય આવ્યો કે પ્રસંગો પહેલા જ તેઓ કાવ્યો રચી કાઢવા લાગ્યા. મંગળ પ્રસંગોએ રચેલા અમંગલાષ્ટોક જંગલમાં રચેલા જંગલાષ્ટકો, અને વિદાય. આપણા સાહિત્યમાં ચિરસ્મરણીય બની રહે એવાં ઉત્તમ બન્યા છે. તેમના વિદાય કાવ્યોમાં વિદાયવેળાનો વિરહ તેમણે એવો બખૂબી પ્રગટાવ્યો છે કે સંભાળનારા જ વિદાય લઇ લે.  તેમના વિદાય કાવ્યો સાંભળીને એકાદ બે ભાવકોએ તો આ દુનિયામાંથી જ વિદાય લઇ લીધી છે. પણ અફસોસ એક જ વાતનો કે એમની વિદાય વેળાના કાવ્યો આપણને ન મળ્યા. જો એમની વિદાય વેળાના કાવ્યો એમની જ કલમે મળ્યા હોત તો સોનામાં સુગંધ ભળતે સમિક્ષકને એ વાતનું આશ્ચર્ય છે કે તેમણે તેમના પોતાનાં જ આ પ્રસંગ વિશે અગાઉથી વિદાય કાવ્યો રચવાનું કેમ ન સુજ્યું? કે પછી આ બાબતે તેઓ બીજા કોઈને તક આપવા માંગતા ન હતા.?! હરિ ઈચ્છા બળવાન! બીજું શું? હરિ ઈચ્છા બળવાન, એ પણ એમના એક કાવ્ય સંગ્રહનું જ નામ છે. કવિની વિશિષ્ટતા એ છે કે જીવતી જાગતી અછાંદસ રચના જેવાં તેમના સંતાનો વિશે પણ તેમણે હળવી શૈલીમાં કલમ અજમાવી છે. તેમના કાવ્યોની શૈલી ભલે હળવી રહી પણ સંતાનો ભારે પડ્યા છે, ખાસ કરીને પડોશીઓને! આમ કવિની શાબ્દિક અને શારીરિક એમ બંને રચનાઓ યાદગાર બની રહે છે. આમ તેમણે સાહિત્યમાં અને સંસારમાં એમ બંને ક્ષેત્રોમાં સફળતા પૂર્વક ખેડાન કર્યું છે. અને બંને ક્ષેત્રોમાં તેમની યોગ્ય પ્રદાન અનન્ય બની રહ્યું છે.
           વળી કવિશ્રી જીવનની કડવા મીઠા ખટમધુરી યાદોને કાવ્યના માધ્યમ દ્વારા રજૂ કરે છે. આ રીતે તેઓ ભાવકોના હૃદયને વારંવાર સ્પર્શી લે છે. જેણે અન્ય સમિક્ષકે હૃદયને અડપલા કરે છે એવાં સાહજ શબ્દોમાં રજૂ કર્યું છે. આમ છતાં પોતાની કેટલીક રચનાઓમાં તેઓ કહે છે કે પોતે સરવાળે શાંતિની શોધમાં આજીવન પ્રવાસી છે. કર્ણ કે આ પ્રવાસમાં કોઈ ભાડું ચુકવવું પડતું નથી. આ ઉપરાંત કવિએ પોતાનાં કાવ્યોમાં આલેખેલા વૃદ્ધ દંપતીના ઉર્મીભાવો અને ઉધરસ બંને વાચકોના માનસપટ પર વારંવાર પડઘાય છે. આવા વિશેષ કાવ્યો તેમનું ગૌરવ પદ પ્રદાન બની રહે છે. વળી કવિશ્રી ગઝલો અને સોનેટોની નોંધ લીધા વિના તો છુટકો જ નથી. એટલે તો ક્યારેય તેમણે વાચકોને ટકોર કરતા લખ્યું છે.....
એ મને સમજી શક્ય ના કોઈ દી,
એટલે જ તો જીવનભર વાંચતા રહ્યા.
વળી કવિ બીજી રચનામાં કહે છે કે...
સાબુના પરપોટા સમી છે દલ્સુખની જિંદગી.
સહેજ અડશે આંગળી, તો પણ ફૂટી જશે.
અને અફસોસ કે આજે એ પરપોટો ફૂટી ગયો.
              માત્ર એટલું જ નહિ બેરોજગારીના પ્રશ્ન પર આંગળી મૂકીને કવિએ સમસ્યાનું મૂળ બતાવ્યું છે. તો બીજી બાજુ વાચકો પણ એ જ દિશામાં વિચારવા પ્રેરાશે કે દોઢ ડઝન કાવ્યસંગ્રહોનું એ જ તો નથી ને?!
            એકાદ કાવ્યમાં કવિએ માણસને વંઠેલું સંતાન કહ્યું છે. વંઠેલું છતાં તે સંતાન છે, શેતાન નથી. એટલે તેણે સુધારવા અન્ય કવિતા સુધરેલું સંતાન આપી છે. આમ કવિ તેમની કલ્પના માધ્યમથી ઘણા પ્રયોગો કુશળતા પૂર્વક કરી બતાવે છે. તેમના પ્રયોગો જોતા તેઓ પ્રયોગ શીલને બદલે પ્રયોગ ખોર હોવાની છબી ઉપસે છે. વળી કુદરતી બક્ષિસનો ઉપયોગ બહુજન હિતાય બહુજન સુખાય કરવો જોઈએ એવું કવિ માને છે. તેથી તેમની કલ્યાણની ભાવના માનવી સુધી સીમિત ન રહેતા છેક પ્રાણીઓ સુધી વિસ્તારી છે. આમ તેમની આંખ મીંચાઈ ગઈ હોવા છતાં તેમના કાવ્યસંગ્રહો ભાવકો ચાહકોની આંખો ખેલનારા બની રહે છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે.
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...