Sunday 7 September 2014

સાંકડી શેરીમાં મારા સસરાજી મળ્યા.....!!




૧૨/૧૦/૨૦૧૧

            સાંકડી શેરીમાં મારા સસરાજી મળ્યા એ યુગોથી ઘૂંટાતું એક વણઉકેલ રહસ્ય છે. પ્રશ્ન એ છે કે સસરો સાંકડી શેરીમાં જ શા માટે મળે છે? વનિતા વિશ્રામના ગ્રાઉન્ડ પર, રીંગ રોડ પર કે ચોકમાં શા માટે નથી મળતા? વળી અહીં પ્રશ્ન એ થાય કે આખી ઘટનામાં જે ખરેખર રહસ્યમય છે તે સસરો છે કે સાંકડી શેરી? પ્રથમ દ્રષ્ટિએ શેરી જ કંઈક ભેદી જણાય છે. તેથી જ ત્યાં આવી ભેદી ઘટનાઓ ઘટતી રહે છે. વળી ડિટેકટીવ સ્ટોરીઓ લખવી જેના માટે ડાબો હાથનો ખેલ છે એવાં સિદ્ધહસ્ત લેખક માટે સાંકડી શેરીમાં મારા સસરાજી મળ્યા એટલુ મુખડું જ પૂરતું છે. તેના પરથી તે એક રાતમાં એક ખોફનાક જાસૂસ કથા લખી શકે. સનસનીખેજ સમાચારો શોધી લાવતી નહિ પણ ગમ્મે તેવા સમાચારોને સનસનીખેજના તાવડામાં તળીને લોકોને પીરસનારી ચેનલ માટે ય આ મુખડું આખો દિવસ ચાલે એવું છે. સંકીર્ણ શેરી મેં મિલા શ્વસુરજી.... શૂમ...શૂમ્મ...શૂમ્મ...! કૌન થેથે શ્વસુરજી ? બડી બજારકે બજાય સંકીર્ણ શેરીમે કયું મિલે ?! કિસસે મિલે? કિતની બાર મિલે?  શૂમ્મ...શૂમ્મ...શૂમ્મ...! ચેનલ પાસે લોકોને માથે મારવા ખાસ કંઈ ન હોય ત્યારે ચેનલ ધારે તો આવા સનસનીખેજ સમાચાર પૂરું અઠવાડિયું ખેંચી શકે.
            સૌપ્રથમ તો રહસ્ય એ છે કે સસરાજીએ સાંકડી શેરી શા માટે પસંદ કરી? શું કોઈ સસરાજીને પાછળ પડ્યું હતું? પાછળ પાડનાર સાસુજી તો નહતા ને? સસરોજી શું આ રીતે પતલી ગલીસે નિકલ જાના ચાહતે થે? સાંકડી શેરી જેવો શોર્ટકટ જીવન માટે ખતરનાક છે એ શું સસરાને ખબર નથી? કે પછી સસરો ખુદ ખતરનાક છે કે પછી સાસુજી? શું અહીં સસરો CIACIACCIAનો એજન્ટ છે કે એલ.આઈ.સી.નો !  કોઇપણ શખ્સને ઝડપવો હોય તો CIAના એજન્ટ કરતાય એલ.આઈ.સી.ના એજન્ટ વધુ કાબેલ હોય છે. તેઓ ધારે તે શખ્સને પકડી તેનો વીમો ઉતારી નાખે છે.
             બીજું રહસ્ય એ છે કે સાંકડી શેરીમાં સસરોજી કોને મળે છે જમાઈને? જો હા તો શા માટે? ગહન ચિંતનને અંતે અમે એક એવાં તારણ પર આવીએ છીએ કે જમાઈએ જરૂર સસરા પાસેથી નાણા ઉછીના લીધા હોવા જોઈએ અને મુદત વીત્યાં પછી જમાઈ પાસેથી નાણાને બદલે નવી નવી તારીખો જ મળે છે. એટલે છેવટે સસરો ડેટિંગ કરી કરીને થાક્યો હશે. બીજો કોઈ હોય તો સસરોજી ભર બજારે અવળા હાથની બે ઠોકી દે. પણ આ તો જમાઈરાજ. એટલે સાપે છછુંદર ગળી. જમાઈની બોચી પકડાય નહિ. જમાઈને ધોલ-ધપાટ કરાય નહિ. વળી જમાઈ પાસે જાહેરમાં ઉઘરાણી કરાય નહિ. આવી મજબુરીને કારણે જે સસરાએ સાંકડી શેરી પસંદ કરી હશે. કારણ કે નાણાને બદલે ફક્ત તારીખો જ આપનાર જમાઈએ હવે મેઈનબજારમાં આવેલી સસરાની દુકાન પાસેથી નીકળવાનું બંધ કરી રસ્તો બદલી નાંખ્યો છે. અને હવે દરરોજ તે પાછળની સાંકડી શેરીમાંથી સરકી જાય છે. એટલે સસરાજીએ સાંકડી શેરીમાં જ જમાઈને ઝડપી લેવાંનો કારસો રચ્યો હશે.
વળી, આ ગીતની પંક્તિમાં આવે છે કે ...
સાંકડી શેરીમાં મારા સસરોજી મળ્યા,
મને લાજુ કાઢ્યાની ઘણી હામ રે...
એટલે અહીં સસરો સાંકડી શેરી અને લાજ કાઢવાની હામ એ ત્રણે બાબતો પરથી સાબિત થાય છે કે સસરા ઉઘરાણી અર્થે જમાઈને આંતરે છે. જયારે જમાઈએ અત્યાર સુધી લાજ નેવે મૂકી હતી. પણ હવે સસરોજી ભટકાઈ જ ગયા છે તો જમાઈરાજને લાજ કાઢવાની ઘણી હામ છે. પણ અહીં સસરોજી એવી તક આપતા નથી. છતાં સસરાનું માનવું છે કે જો શાંતિથી પતિ જતું હોય તો બબાલ ન કરવી.
         પણ જો સસરો સાંકડી શેરીમાં વહુને સામે મળ્યો હોય તો આ બાબત ઘણી સૂચક છે. તેને ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ. કારણ કે સસરો આ રીતે વહુને સાંકડી શેરીમાં મળે છે તો પછી ઘેર સાસુ શું કરે છે? આનો અર્થ એ છે કે સસરો સાસુના કહ્યામાં નથી. વળી બીજી તકલીફ એ છે કે આ બાબતે સાસુજી છાપાંમાં જાહેરાત પણ આપી શકતા નથી કે અમારા પતિ વખતચંદ હરદાસ અમારા કહ્યામાં નથી. કારણ કે એમાં તો સસરા કરતા આબરુ સાસુની જ જાય. સાસુની સખીઓ કહેશે અલી મંછા, તું તૈણ દોકડાના તારા પતિનેય કહ્યામાં ન રાખી શકી? તે જિંદગીમાં કર્યુ શું? ફટ છે તેને ! આ જો અમારા હસબન્ડ. ક્લાસ વન ઓફિસર છે ઓફિસમાં બધા તેનાથી ધ્રુજે છે પણ ઘેર પોતે ધ્રુજે છે. અમારી આંગળીના ટેરવે કથ્થક કરે છે. અમારી જીભ વળે ને એમનું ડીલ વળે.
             વળી પ્રશ્ન એ થાય કે રખડતા આખલાની જેમ સાંકડી શેરીમાં સસરોજી સામે મળતા હોય તો વહુએ શેરી શા માટે ન બદલી? વળી ગીતની આગળની પંક્તિમાં વહુ કહે છે કે સાંકડી શેરીમાં મારા જેઠજી મળ્યા મને ઝીણું બોલ્યાની ઘણી હામ રે એટલે બાપ તેવા બેટા. અહીં જેઠ પણ પૂજ્ય બાપુજીને પગલે જ ચાલે છે.  જયારે સસરોજી ન હોય ત્યારે તક મળ્યે શેરીમાં આંટા ફેરા મારે છે જેઠના આ કારસ્તાનની જેઠાણીને જાણ નથી. વહુ કોઈ અકળ કારણોસર ચૂપ છે. નહિ તો તેને ‘જેઠના મુદ્દે યોગ્ય કરવા વિંનતી’. એવી દેરાણીની એપ્લીકેશન ધ્યાનમાં લઈને જેઠાણી ખુદ જો જેઠને સાંકડી શેરીમાં સામે મળી જાય તો આજની ઘડી અને કાલનો દી જેઠ શેરી જ ભૂલી જાય. જો કે પછી તે શેરી છોડીને ચૌટા બજાર તરફ ન વળી જાય તેનું ધ્યાન રાખવું પડે.
               કદાચ કોઈ રાજકીય, સામાજિક કે કૌટુંબિક પ્રેસર દ્વારા વહુના મુખેથી ‘મને ઝીણું બોલ્યાની ઘણી હામ રે’ એવું નિવેદન કરાવામાં આવતું હોય એમ પણ બને. બાકી ખરેખર તો વહુ તેના જેઠ અને સસરાને સાંકડી શેરીમાં નહિ પણ ભર બજારે જાડું બોલીને ઝાટકી નાખવા માંગતી હોય એમ પણ હોઈ શકે. રાજકારણમાં આવું ઘણીવાર બને છે. અમુક નાના નેતાઓને પોતાનો મુખ્ય નેતા જરાય ન ગમતો હોય છતાં જાહેરમાં તેને પ્રસંશાના પુષ્પો ચડાવવા જ પડે. કારણ કે એમ ન કરે અને ક્યારેક સાંકડી શેરીમાં સાહેબ મળી જાય તો પછી ઝીણું બોલવાની હામ પણ નથી રહેતી. આવી જ સ્થિતિ કદાચ વહુની હોઈ શકે. તેથી જ ઝીણું બોલવાનો મુદ્દો ઝીણવટભરી તપાસ માગી લે એવો છે.
         જેમ ગામ હોય ત્યાં ઉકરડો હોય તેમ શેરી હોય ત્યાં સસરો તો હોય જ. અને સસરો કદી સામે મળ્યા વગર રહે જ નહિ. સામે મળ્યો એટલે સખણો રહે નહિ. એટલે વહુએ વારંવાર આ વિકટ સમસ્યાનો સામનો કરવો પડે છે. સાંકડી શેરીને કારણે જ કેટલીય વહુઓએ પોતાનાં સસરા અને જેઠથી જુદા રહેવાનો નિર્ધાર કર્યો હોય છે. કારણ કે સસરો ઘરમાં તો મર્યાદા પુરુષોત્તમ લાગતો હોય છે. પણ તેના અસ્સલ લક્ષણો શેરીમાં જ પ્રગટ થાય છે. ટૂંકમાં ઘરમે રામ ગલીમે શ્યામ આ રીતે વહુ દીકરો જયારે જુદા રહેવા જાય છે. ત્યારે લોકોને વહુમાં જ વાંક દેખાય છે. એમને ક્યાં ખબર છે કે પેલી સાંકડી શેરીમાં સસરો સીટીબસની જેમ આંટા ફેરા મારે છે. અને જેઠ પ્રેતાત્માની જેમ ભટકી રહ્યો છે. જે રીતે સાંકડી શેરીઓમાં ભારે વાહનો માટે પ્રતિબંધ મુકવો જોઈએ એ રીતે સાંકડી શેરીમાં સસરા અને જેઠ પર પણ પ્રતિબંધ મુકવો જોઈએ. અથવા જો નીકળવું હોય તો જેઠાણી સાસુને સાથે લઈને જ નીકળવું એવો કડક આદેશ કરવો જોઈએ.
          સાંકડી શેરી એ ટાઉન પ્લાનીંગની દૂરંદેશિતાનો અભાવ દર્શાવે છે. કારણ કે જો શેરી પહોળી હોત તો સસરો કે જેઠ વહુને ગમે તેટલી વાર સામો મળે તો પણ વહુ તેનાથી સુરક્ષિત અંતર રાખીને નીકળી શકતી હોત. પછી તેને ઝીણું કે જાડું કોઈ બોલવાની જરૂર રહેત નહિ. પણ ટાઉન પ્લાનીંગ વાળાએ આ સસરો વહુ વાળી સમસ્યા પર કોઈ ધ્યાન આપ્યું નહિ. એજ રીતે સાંકડી શેરીમાં આર્થિક સંકળામણ વાળાને કોઈ લેણદાર મળી જાય, પોલીસને ચકમો આપીને નાસી છુટેલા આરોપીને ક્યારેક જમાદાર સામે મળી જાય, પતિદેવ કોઈ પડોશણ સાથે બે ઘડી પડોશી ધર્મ બજાવવા નીકળ્યા હોય અને સાંકડી શેરીમાં ધર્મપત્ની મળી જાય, તબિયત ખૂબ જ ખરાબ છે એવાં બહાના હેઠળ ઓફિસમાંથી ગુટલી મારી સાંકડી શેરીમાં ભેળ પૂરી ખાતા કર્મચારીને સાહેબ સામે મળી જાય. ત્યારે એવાં લોકોની હાલત ઘણી કરુણ બની જાય છે. આમ સાંકડી શેરીમાં ટ્રાફિક સિવાયની બીજી ઘણી સમસ્યાઓ સર્જાય છે.
ગીતમાં સસરો તો માત્ર પ્રતિક છે. ખરેખર તો સસરાના માધ્યમ દ્વારા કવિએ ટાઉન પ્લાનીંગવાળાને ટપાર્યા છે.     
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...