Sunday 7 September 2014

                   કોઇપણ યુવતી કે સ્ત્રીના હાથમાં નાળિયેર જોઉં અને એ પણ મંદિરે ત્યારે મારી ગભરામણ વધી જાય છે. ગભરામણનું કારણ એ નથી કે તે શ્રીફળ અને સવા રૂપિયો આપણને આપી બેસશે તો શું કરીશું? પણ કસોટી જુદી જ રીતે શરૂ થાય છે.
           નારિયેલવાળા બહેન આપણને તરત જ કહેશે, જરા છોતરા ઊતરી દો ને છોતરા કાઢી નાખવા નારિયેળના નહિ પણ પુરુષના! એ બહેનો માટે તો રમત વાત છે. તો પછી નારિયેળ પર તેમણે હાથ અજમાવવો જોઈએને! એમ ન કરતા તેઓ આપણા હાથમાં નારિયેળ પકડાવીને આપણને જ ભેરવી દે છે. એમના નારિયેળ પર આપણો હાથ અજમાવે છે. શરૂઆતમાં તો એક-બે વાર બહેનની ઓફર કાન સોંસરવી કાઢી નાખીએ તો ત્રીજીવાર  તે આખું નાળિયેર જ આપણા હાથમાં પકડાવી હસતા મુખે કહે, ભાઈ, નારિયેળના જરા છોતરા ઊતરી દો ને, પ્લીઝ! અહીં આપણને બેવડો માર પડે છે. એક તો એમના શ્રીફળ માટે આપણે શહીદ થઇ જવાની હદે ઝઝૂમવું પડતું હોય છે. વળી ઉપરથી ‘ભાઈ’નું વ્હાલભર્યું સંબોધન. શ્રીફળના ઘા કરી દેવાનું મન થાય. ઘણી બહેનોએ આ રીતે પ્રચંડ પુરુષાતનનો ગેરઉપયોગ કર્યો છે. વળી આ છોતરા ઉતારવાના કાર્યમાં તો આપણી પસંદગી સર્વાનુમતે થાય છે. એમાં ડીપોઝીટ ગુમાવવાનો ભય રહેતો નથી. એટલે કે આપણે સમરસ છોતરા કાઢું ગણાઈએ. આ રીતે એકને સફળતાપૂર્વક છોતરા ઊતરી દઈએ એટલે બીજી બે-ત્રણ બહેનો નારિયેળ સાથે તૈયાર ઉભી હોય. અને જેવાં છોતરા ઊતરી જાય કે તે જય માતાજી કહેવાય ઉભી રહેતી નથી. આ રીતે તે જતી રહે ત્યારે આપણને આપણા ખુદનો છોતરા ઉતરી ગયાનો અહેસાસ થાય છે.
          આપણે માનતા હોઈએ કે આપણને કંઇક ઊંચા ગજાના બૌદ્ધિક કાર્યો સોંપાવા જોઈએ. એવાં કાર્યોમાં આપણું કૌવત ઝળહળી ઉઠે. વિચાર ગોષ્ઠી વિચાર વિમર્શ, પરામર્શ પ્રકારના કાર્યોમાં આપણે સોળ નહિ પણ બત્રીસ કળાએ ખીલી ઉઠીએ. વળી, આવા કાર્યો કરતા કરતા વચ્ચે ચા-કોફી કે કોલ્ડ્રીંક્સ જેવું પી શકીએ અથવા બુદ્ધિજીવીઓની અદાથી આઈસ્ક્રીમ ખાઈ શકીએ. જયારે નાળિયેરના છોતરા કાઢવાના કાર્યની શરૂઆતમાં વચ્ચે કે આભારવિધિ વખતે પેલી બહેન પાણીનું ય નથી પૂછતી અને નાળિયેરનું પાણી પોતે જ પી જાય છે.
          કોઈ પણ બહેન આપણને બસમાં કે ટ્રેનમાં જગ્યા રાખવાનું કહે, એમના બંધ પડેલા એકટીવાને એક્ટીવ કરવાનું કહે, એમના બાબાને સાચવવાનું કહે, (એટલે કે એમનો બાબો આપણને વળગાડીને જતા રહે.) આવા સેવાકાર્યો જાનની બાજી લગાવીને (જરા વાજબી કરો પ્રભુ) આપણે સફળતા પૂર્વક પાર પાડીએ છીએ. કારણ કે આવા સત્કાર્યો કરતા કરતા બહેન સાથે બે ઘડી સત્સંગ થઇ શકે. પણ જયારે છોતરા ઉતારવાના હોય ત્યારે સત્સંગ તો શું સ્માઈલ પણ આપી શકાતું નથી. કારણ કે બે ઘૂંટણ વચ્ચે શ્રીફળ દબાવીને છોતરા ઉખેડતા હોઈએ ત્યારે આપણું ‘વદનકમળ’ બગડીને ‘ડાચું’ થઇ જાય છે. સ્ત્રી દાક્ષિણ્યને સાર્થક કરતા બીજા કાર્યો કરતી વખતે તો વદનકમળ જરા હસમુખું રાખી શકીએ પણ છોતરા ઉતારવાનો પ્રોજેક્ટ શરૂ થાય એટલે તે પુરો ન થાય ત્યાં સુધી ચહેરા પર મલકાટ શોધ્યો જડતો નથી. એમાં તો કપાળમાં કરચલીઓ પડી જાય, દાંત કચકચાવીને જોર લગાવવાને કારણે ક્યારેક છોતરાની પહેલાં તો દાંત જ ઉખડી જાય. ચહેરા પરથી પરસેવાના બિંદુઓ ટપકવા માંડે.
          બે ઘૂંટણ વચ્ચે દબાવી રાખેલા નારિયેળનું છોતરું ખેંચી કાઢવા આંચકો મારીએ ને હાથ છટકે તો આપણો જ હાથ આપણી દાઢીએ અથડાય અથવા ક્યારેક આંચકો મારતા ઘૂંટણ વચ્ચેથી આખે આખું નારિયેળ જ છટકીને આપણા મોં પર અથડાય અથવા દૂર ફેંકાઇ જાય આવા સમયે આપણને નારિયેળ પધરાવનાર બહેન સ્થિતપ્રજ્ઞ થઈને જોયા કરે. તેમના ચહેરા પર પ્રેમ, કરૂણા, વિહ્વળતા એવાં કોઈ ભાવ જોવા મળતા નથી. એમના ચહેરા પર તો નાળિયેરના ભાવ વધી ગયા છે એ જ ભાવ હોય છે.
          મૃત્યુલોકમાં જીવને લેવાં આવેલા જમને અને જીવને છેલ્લી ઘડીએ જે વાદ ચાલતો હોય એવો વાદ આપણી અને નાળિયેર વચ્ચે ચાલતો હોય છે. ત્યારે પરસેવે રેબઝેબ થયેલું આપણું મોં લુછવા માટે તે બહેન તેનો રેશમી કે ખાદીનો રૂમાલ પણ ઓફર કરતી નથી. આવી જીવસટોસટની બાજી ખેલતા હોઈએ ત્યારે વચ્ચે છોટા-સા-બ્રેક કહીને આપણા માટે ઠંડું પાણી પણ પીવડાવતી નથી. એટલું જ નહિ આપણો જુસ્સો અંત સુધી (એટલે કે આપણા અંત સુધી નહિ, પ્રોજેક્ટના અંત સુધી.) જળવાઈ રહે તે માટે બુલંદ સ્વરે ખમ્મા મારા વીરા તને ઘણી ખમ્મા, માતાજી તારું રક્ષણ કરે, બજરંગી તને બળ આપે, ભાલાવાળા તારી ભેરે રહે, ભગવાન તને સો વરસનો કરે. એવાં પ્રોત્સાહક શબ્દો પણ નથી ઉચ્ચારતી. નહિ તો શબ્દપુષ્પો ચડાવવામાં એનું શું જાય છે. તૂટી મારવાનું તો આપણે હોય છે.
        રસ્તામાં કોઈ મેડમના અટકી પડેલા એકટીવાને આપણે ઉપરા-છાપરી કીકો મારતા હોઈએ તો બીજા બે-ચાર કારીગરો (એકટીવાના નહિ, ઈશ્કના) ત્યાં આવી ચડે ને તેઓ પણ કીકોત્સુક થઇ જાય છે કારણ કે બંધ પડેલું એક્ટીવા ચાલુ કરી દેવું એ એક કૌશલ્ય ગણાય છે અને એ જ કારીગરો બીજે દિવસે, ત્યાં રાહ જુએ છે કે કદાચ એક્ટીવા બંધ પડે તો..... પણ, આ છોતરા ઉતારવાના ખેલમાં ત્યાં ઉભેલો કોઈ મરદ મૂછાળો કે ક્લીન શેવ્ડ હાથ નાખતો નથી. કારણ કે ગમે તેટલા નારીયેળના છોતરા કાઢી નાખો છતાં કોઈ સ્ત્રી આપણને અહોભાવથી જોતી નથી. કેળાની છાલ ઉતારતા હોઈએ એમ નારીયેળના છોતરા ઉતારી નાખીએ તો પણ કોઈ માનુની માતાજીની સાક્ષીએ છોતરકાઢુંને સાત-સાત જન્મ સુધી સાથ નિભાવવાના કોલ દેતી નથી. એટલું જ નહિ ઘણીવાર તો એ જતી રહે પછી છોતરા ભેગા કરીને યોગ્ય જગ્યાએ નાખવા જવાનું કામ પણ આપણા ભાગે આવે છે. વળી, મંદિરનો બાવોય આપણને ખખડાવે, ચલ બે...એ છોતરા ઇધર સે ઉઠા. વળી, આપણા કાંડાનું કૌવત અને કૌશલ્ય જોઈને કોઈ ગુજરાતી ફિલ્મવાળો વીર છોતરાવાળો એવું ફિલ્મ પણ નથી બનાવતો. નહિ તો એમાંય કોયલડીને મોરલિયો બોલાવી શકાય. આજની ગુજરાતી ફિલ્મોનો ડિરેક્ટર શું નથી કરી શકતો!
        છોતરા ઉતારી નાખ્યા પછી પણ ઘણીવાર કાર્ય સંપન્ન થતું નથી. છોતરા પછી કોપરાને કાચલીથી જુદું પડવાનું આનુંશંગિક કાર્ય પણ આપણને સોંપવામાં આવે છે. એ કામ વળી છોતરા ઉતારવાથી પણ કઠીન છે અને છેલ્લે તો આપણને છોતરા ઉતારવા પર રીતસરનો વૈરાગ આવી ગયો હોય એટલે કંટાળીને થાકીને આપણે આટલું કામ અધૂરું છોડીએ તો કિંમત કોડીની થઇ જાય. જો કે છોતરાના કામમાં તો કિંમત પહેલેથીજ બહુ ઊંચી નથી હોતી. તેથી ગમ્મે તેટલા નારીયેળના છોતરા ઉતારી આપો તો પણ બહેનને જાતક પર સદભાવના તો નથી જ જાગતી. આમ છતાં પલાળ્યું એટલે મૂંડાવવું તો પડે જ! ભગવાન સૌનું ભલું કરે.
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com


No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...