Sunday 14 September 2014

સાવંત સાથે સુવાણ



(બાપુ અને રાખી સાવંતની કાલ્પનિક મુલાકાતનો એક મજેદાર હાસ્યલેખ)

હમણાં હમણાં બાપુ જેઠાની ચાની લારીએ છાપું પડતું મુકીને મેગેઝીનમાં મગ્ન થઇ જતાં હતા. બાપુ કાયમ સવારે પરવારીને ‘જેઠા જમાવટ’ની લારીએ આવે, ત્યાં કડક-મીઠ્ઠી ચા પીવે, ઉપર શિવાજી બીડી ઠઠાડે. પછી વાતુંની જમાવટ થાય. ચાનાં ધંધા પહેલા જેઠો ગામ લોકોનાં બાલ દાઢી કરવાનું કાર્ય કરતો. પણ દાઢી કરવામાં જેઠાની રાડ્ય (ધાક). જેઠો જેની દાઢી બોડે તે આખો દિવસ જેઠાને યાદ કરે. તેથી ઘણા ગ્રાહકો દાઢી કરાવતી વખતે જ ફરિયાદ કરતાં પણ જેઠો કીમિયાગર હતો. થોડા દિવસ પછી શહેરમાં જઈ તે મલ્લિકા શેરાવત, પૂનમ પાંડે અને રાખી સાવંત જેવી લઘુવસ્ત્રધારીણીઓનાં મોટા મોટા પોસ્ટર લાવ્યો અને દુકાનમાં ગ્રાહકની પહેલી નજર પડે ત્યાંજ લગાડી દીધા. ગામડા ગામમાં ત્યારે સારું છાપુંય ન આવતું ત્યાં આવા ‘દર્શનીય ફોટાઓ’ની તો વાત જ ક્યા રહી ! આવા પોસ્ટરોમાં ગ્રાહક એવો ખોવાઈ જતો કે દાઢી વિષયક ફરિયાદ કરવાનું જ ભૂલી જતો. જેઠાએ આ રીતે ગ્રાહકોની ફરિયાદનું નિવારણ કરેલું (આનું નામ કોઠા સૂઝ !)
        એ જ કસબ જેઠાએ ચાના ધંધામાં પણ અજમાવ્યો. જેઠો શહેરમાં જઈ શનિવારીમાંથી પાંચ સાત જુના ફિલ્મી મેગેઝીન લઇ આવ્યો. બસ પછી તો બાપુનેય છાપું છૂટી ગયું અને મેગેઝીનની માયા લાગી.  પછી તો બાપુ છાપું જોયું ન જોયું કરીને તરત જ મેગેઝીન ઉપાડતા અને ઈંગ્લીશ મેગેઝીનનાં ખાસ પાને ચોંટી જતાં. (હૃદયને ભાષાનાં બંધન ક્યા નડે છે!) પછી મસ્તી ભર્યા સ્વરે ચાનો ઓર્ડર આપતા, “એલા જેઠીયા, એક એલચી મસાલાવાલી પહેલીધારની પેશ્યલ બનાવ.”
        આ રીતે એકવાર લારી પર જેઠો અને બાપુ બે  જ હતા ત્યારે એકાંતનો લાભ લઈને બાપુએ મેગેઝીન ખોલીને જેઠાને પૂછ્યું, “એલા જેઠા, આ બાય કોણ છે?” જેઠાએ મેગેઝીનમાં મોઢું ઘાલ્યું ને ઠેકડો મારીને બોલ્યો, “એ તો રાખી છે.”
અને બાપુનો પિત્તો ગયો. તેણે કમરેથી તલવાર ખેંચવા હાથનો ઝાટકો માર્યો. પણ જેઠો સમય સુચકતા વાપરી બાપુનો હાથ પકડી લેતા બોલ્યો,  “હં..અ, બાપુ જાળવજો, હમણાં તમે મારો પ્રાયમસ પછાડી નાખત.”
બાપુ બોલ્યા, “તારા પ્રાયમસનાં બદલામાં માથું માગી લેજે પણ અટાણે મને રોક્યમાં.”
બાપુની આવી અસાધારણ એક્ષચેન્જ ઓફરથી જેઠો વધુ મૂંઝાયો.
બાપુ ખીઝાયા, “જેઠીયા, તે મને જવાબ નો દીધો. કઉં છું આ બાઈ કોણ છે?”
“રાખી છે, બાપુ” જેઠો બોલ્યો.
“હેં ... કોણે રાખી છે? કોની માએ સવાશેર સુંઠ ખાધી છે કે અમે બેઠા હોય ને આને રાખે. બોલ્ય, કોણે રાખી ?”
“બાપુ, એનું નામ ‘રાખી’ છે, રાખી સાવંત છે. બાકી હજુ સુધી એને કોઈએ રાખી નથી. એને રાખવી એ કાચાપોચાનું કામ નથી.”
“અરે, જેઠીયા, ઈ તો શું, એની માને ય રાખીએ. તુ અમને હમજે છ શું?”
“બાપુ એની માં રયે પણ આ ગધની નો રેય, આણે તો ‘ભાંગ્યા નય એટલા ખોખરા કર્યા છે.’
“તંયે આ ધંધો શું કરે છ?”
“બાપુ, પેલા ઈ ‘આઈટમ ગર્લ’ હતી હવે ફીલમુમાં ઘુસી છ!”
“હા...આ, ગધની લાગે છ ‘આઈટમ’ ! આ ‘આઈટમ રયે છ ક્યાં ?”
“મુંબઈ”
“આલ્લે .. લે ! મારે અઠવાડિયા પછી જ મુંબઈ જાવાનું છ. તયે વાત.” એટલું કહી બાપુ ગુલાબી સ્વપનોમાં ગરકાવ થઇ ગયા. આમ ને આમ ત્રણેક દિવસ વિત્યા ત્યાં બાપુનાં ગામમાં ફિલમનું શુટિંગ કરવા મુંબઈથી ફિલમવાળા આવી ચડ્યા. પહેલા તો ફિલમવાળાએ ગામની બારોબાર તંબુ તાણ્યો. પછી ડિરેક્ટરે તેનાં એક માણસને વિગતવાર પત્ર સાથે શુટિંગની મંજુરી મેળવવા આ સરપંચ બાપુ પાસે મોકલ્યો. ડિરેક્ટરે કાઠીયાવાડી બાપુઓ વિશે સાંભળ્યું હતું કે કેટલાંક બાપુઓ ગામમાં આવા ફિલમનાં શુટિંગની મંજુરી સહેલાઇથી આપતાં નથી. તો કેટલાંક વળી શરત મુકતા કે “ઓલ્યા તીરવેદી (ઉપેન્દ્ર ત્રિવેદી) અને કનોડિયાને કાઢી મુકો ને એને ઠેકાણે અમને લ્યો તો ફિલમ ઉતારવા દંઈ.” આવી શરતો સાંભળી ડિરેક્ટર હીરો બદલવાને બદલે ગામ બદલવાનું પસંદ કરતાં. અહીં બાપુએ ડિરેક્ટરનાં માણસ પાસેથી પત્ર લઇ નિરાંતે વાંચ્યો. પત્રમાં રાખીનું નામ વાંચીને બાપુનાં હૈયામાં દહ-બાર સિતાર એકહાર્યે ઝણેણાટી બોલાવવા માંડ્યા.
        ડિરેક્ટરના પત્રમાં  રાખીનું નામ વાંચી હ્રદયમાં વાગતા દહ-બાર સિતારની ઝણેણાટી પર કાબૂ રાખીને બાપુ બોલ્યા, “આમ તો અમને આવા શૂટિંગ-બૂટિંગના ભવાડા પોહાય નઈ. ગામ બગડે. છતાંય તમારા બધ્ધાય એસ્તાફની આંય રૂબરૂ લ્યાવો. પસી કંઇક નક્કી થાય.’ બાપુના આદેશ મુજબ બધા બાપુને મળવા જવા તૈયાર થયા. ડિરેક્ટરે રાખીને નખ-શીખ ઢંકાય એવા સંપૂર્ણ કપડાં પહેરવાની કડક સૂચના આપીને કહ્યું, “અહીં પૂરેપૂરી મર્યાદાથી કપડાં પહેરજે. નહિ તો બાપુ સીધી કાળા-મોઢાળી (બંધુક) ઉપાડશે’ રાખી માટે જિંદગીનું સૌથી અઘરું કામ આ હતું. જાહેર જનતાનાં લાભાર્થે જેણે દેહ ધારણ કર્યો હોય એને લૂગડાં પહેરવા કેમ ફાવે? છતાં રાખીએ પગથી માથા સુધી સંપૂર્ણ કપડાં પહેર્યા. આમ, ડાયરો બાપુનાં ગઢમાં આવ્યો, બધા બેઠા. ડિરેક્ટરે બાપુને બધાનો પરિચય કરાવ્યો. એમાં રાખીને જોઇને બાપુ બગડ્યા અને ભાર પૂર્વક પૂછ્યું, “આ જ ઓલ્યા રાખીબા ! (બાપુમાં સ્ત્રીદાક્ષિણ્યની ભાવના ફાટફાટ થતી હતી તેથી રાખીબા કહ્યું)  ડિરેક્ટરે કહ્યું, “ હા જી, બાપુ, એ જ રાખી સાવંત” ડિરેક્ટરે ધાર્યું કે રાખીને સંપૂર્ણ વસ્ત્રોમાં જોઈને બાપુ ખુશ થશે. પણ બાપુ મનોમન બગડ્યા અને બબડ્યા, “હંમ... માળા બેટા અમને ટોપીયું પે’રાવવા નીકળ્યા છ. આ ઓલી ચોપડી માંયલી ક્યા છે?” આટલું વિચારી બાપુએ કડક સ્વરે શૂટિંગની મનાઈ ફરમાવી દીધી. ફરી બીજે દિવસે રાખીને વધુ મર્યાદાસભર વસ્ત્રો પહેરાવી સતી સાવિત્રીનો અવતાર બનાવી સૌ આવ્યા  પણ બાપુ એકનાં બે તો શું દોઢ પણ ન થયા. છેવટે આખી ટીમ વિલા મોઢે પાછાં ફરતી વખતે જેઠા જમાવટની લારીએ ગઈ. રાખીને જોઈને જેઠાનાં જૂનવાણી હ્રદયમાં ઉફાણા આવવા માંડ્યા. તે ડિરેક્ટર સાથે વાતુંએ ચડી ગયો પછી બધી વિગત જાણી જેઠાએ કહ્યું, “ડિરેક્ટર સાયબ, હું કઉ એમ કરો એટલે બાપુ મોરલો થઇ જાહે.” આમ કહી જેઠાએ ઈંગ્લીશ મેગેઝીનમાંથી ડિરેક્ટરને રાખીનો ફોટો બતાવ્યો પછી આંખ મીંચકારી ડિરેક્ટરનાં કાનમાં સૂચના આપી.
        બીજા દિવસે ડિરેક્ટરે ફરી માણસ મોકલી કહેડાવ્યું, “બાપુ શૂટિંગની રજા ન આપો તો કાઈ નહી પણ એકવાર અમારે ત્યાં ચા પાણી પીવા તો પધારો, અમારા મહેમાન બનો.” બાપુએ ઓફર સહર્ષ સ્વીકારી લીધી અને ફિલમવાળાનાં ઉતારે નિર્ધારિત સમય કરતા અડધો કલાક વહેલા પહોંચી ગયા. બાપુ બેઠા અને ડિરેક્ટર સાથે વાતોએ વળગ્યા. ત્યાં જ ડિરેક્ટરનો મોબાઇલ વાગ્યો. ગામડાંમાં કવરેજનાં પ્રોબ્લેમનાં કારણે ડિરેક્ટર વાત કરવા બહાર ગયો. અને થોડી જ ક્ષણોમાં અતિઅલ્પ વસ્ત્રો પહેરેલી મારકણી અદાવાળી એક યુવતી ગરમાગરમ ચાનો કપ લઇને બાપુ પાસે આવી. બાપુને બત્રીસ કોઠે દીવા થઇ ગયા. બાપુનો અંતરાત્મા આંબાની ડાળે ઝૂલવા લાગ્યો, દિલ ડીઝલ એન્જીનની માફક ધબકવા માંડ્યું, નસોમાં લોહી નાગણીની જેમ સરકવા લાગ્યું. બાપુ પચીસ વર્ષ રીવર્સમાં જતાં રહ્યા. (મનથી જ) ચા પડી પડી જ ઠરીહેં ઠીકરું થઇ ગઈ. બાપુ નક્કી ન કરી શક્યા કે ચા અને ‘આ’ બેમાંથી કોણ વધુ ગરમ ! અંતે રાખીએ જ  બાપુનાં હાથમાં હાથ મિલાવ્યો. બાપુને વગર કસુમ્બે કાંટો ચડી ગયો. બાપુનો હાથ રમાડતા રમાડતા રાખી બોલી, “હાય ડીયર બાપુ..ઉ આઈ એમ રાખી, રાખી સાવંત ફ્રોમ બોમ્બે” બાપુ બોલ્યા, “હવે બરોબર્ય” પછી પૂછ્યું, “તંઈ રાખીબા તમે આ ફિલમમાં શું બનવાના?”
રાખીએ બાપુની લગોલગ બેસીને કહ્યું, “ફીલમમાં હું એવી ગરીબ બાઈનો રોલ કરવાની છું કે જેની પાસે પહેરવા પુરતા કપડાંય નથી”
બાપુ ભાવ વિભોર થઇને બોલ્યા,  “ઓ હો હો ... આવા ગરીબ માણહની સંસ્કારી ફિલ્મું ઉતારવી હોય તો તમતમારે કરી દ્યો શૂટિંગ હાલતું. કોઈ તમારું નામ લ્યે તો હું બેઠો છું.” બાપુ તરફથી લીલી ઝંડી નહિ પણ  ઝંડો ફરકેલો જોઈ “ઓહ ડીયર બાપુ, હાઉ સ્વીટ યુ આર !” કહીને રાખીએ બાપુને નાનકડું બથોડીયું ભરી લીધું. અને બાપુને આતિથ્યભાવનાનો અટેક આવ્યો.  તે ભાવવિભોર થઇને બોલ્યા, “તમારે હંધાયે આઠે આઠ દિ રેવા જમવાનું આપના ગઢમાં જ રાખાવાનું છ.”
રાખીએ થોડી આનાકાની કરી એટલે બાપુએ ગળગળા થઇને કહ્યું, “નો આવો તો તમને મારા ગળાનાં સમ” અંતે રાખીએ હસતાંહસતાં આમંત્રણ સ્વીકાર કર્યો. અને બાપુને દરવાજા સુધી વળાવવા ગઈ અને બોલી, “ડીયર બાપુ, ગુડ બાઈ, સી યુ.”
બાપુ મલકાતાં મલકાતાં બોલ્યા, “ગુડ બાઈ, ગુડ બાઈ, બૌ ગુડ બાઈ !”
બાપુનાં હૃદયમાં સિતાર, સંતુર અને સરોદ એકસાથે વાગી રહ્યા હતા.
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

1 comment:

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...