Saturday 6 September 2014

હાથી ઉપર બાવો !


તા : ૧૫/૬/૨૦૧૧
હમણાં એક ત્રીજુ ધોરણ પાસ કરીને ઉપર ચડાવ્યાની નોંધ વિના જ ચોથા ધોરણમાં પ્રવેશેલા બાળકના ગુજરાતી વિષયમાં સારા ગુણ જોઈને મેં પૂછ્યું, ગુજરાતીમાં કયો નિબંધ પુછાયો હતો?

બાળકે કહ્યું, હાથી
એટલે મેં આગળ પૂછ્યું, હાથી વિશે તેં શું લખ્યું હતું તે કહીશ?
બાળક તેજસ્વી હતો. તે તરત જ નિબંધ બોલવા લાગ્યો, હાથી મોટું પ્રાણી છે. હાથીને ચાર પગ હોય છે, હાથીને લાંબી સૂંઢ હોય છે. હાથી ઉપર બાવો હોય છે.

આ છેલ્લું વાક્ય મને સ્પર્શી ગયું. નિબંધમાં તેની મૌલિકતા જોઈને હું ખુશ થઇ ગયો અને મને વિચાર આવ્યો કે ખરેખર આપણા નસીબમાં એ નથી કે હાથી ઉપર રાજા જોવા મળે. હવે તો હાથી પર અંબાડી પણ જોવા મળતી નથી. આપણને તો હવે હાથી પર બાવો જોવા મળે છે.
        સુરત જેવા મોટા શહેરોની ગલીઓમાં બાવાઓ હાથી ઉપર સવાર થઇને પહોંચી જાય છે અને હાથી પાસે રૂપિયા, બે રૂપિયા, પાંચ રૂપિયાની ભીખ મંગાવે છે. જો રૂપિયો બે રૂપિયા માગવા હોય તો બાવો એકલો નીકળે તો ય પતી જાય. યા તો સાથે કોઈ વાંદરું કુતરું જેવા વાજબી પ્રાણીનો ઉપયોગ કરી શકાય. લોટનો ડબ્બો લઇ જવાં માટે સાયકલ કે સ્કૂટરનો ઉપયોગ કરાય, તેના માટે બુલડોઝર ન વપરાય. જો કે ભીખ માગવા માટે તો વાંદરા, કૂતરાનો ય શા માટે દુરૂપયોગ કરવો જોઈએ. પ્રાણીઓને તો ભીખ માંગવાની ટેવ જ નથી હોતી. તમે ક્યારેય જોયું કે વાંદરી કે બિલાડી ક્યારેય રૂપિયા માગવા નીકળી હોય. એ લોકોને એ ફાવે જ નહીં. વળી, એમના સમાજમાં બાવાઓ પણ નથી. એમને તો માગવું એ મરવા બરાબર લાગે. પણ તેને વાચા ન હોવાથી તેઓ લાગણીઓ વ્યક્ત કરી શક્તા નથી. બાકી કાંઈ રૂપિયા બે રૂપિયાની ભીખ માગવા માટે આખે આખો હાથી ન વેડફી નખાય. હાથીનો આનાથી મોટો દુરુપયોગ બીજો કયો ! હાથીએ આમાં શું સમજવું?

એક સમય હતો કે જ્યારે પોરસ જેવા મહાન સમ્રાટો હાથી પર સવાર થઈને સિકંદર જેવા શહેનશાહ સામે ભીષણ યુદ્ધ લડતા અને આજે એ જ હાથી પાસે ન કરવાનું કરાવાય છે. શું સમય આવ્યો છે ! અલબત્ત, હાથીઓનો. બાવાઓને તો હાથી જેવું જનાવર હાથ લાગવાથી એમને તો જમાનો આવ્યો છે. હાથીવાળા બાવાઓની તો સ્પેશયલ નોંધ લેવાય છે. પણ ઉપર બાવો બેઠો હોય એવી હાલતમાં હાથીને હાથણી જોઈ જાય તો હાથીની ઇજ્જતનો તો ફાલુદો જ થઇ જાય ને. ધારો કે આપણે મોટા ઓફિસર, શેઠ કે શાહુકાર છીએ એવો સિક્કો આપણી પ્રિયા સામે જમાવ્યો હોય અને એ પ્રિયા કોઈ વાર એકાએક ટ્રેનમાંથી ઊતરે ત્યારે રેલવે સ્ટેશને આપણે લાલ ખમીસ પહેરીને સામાન ચડાવતા હોઈએ અને તે દ્રશ્ય પ્રિયા પોતાની આંખમાં આંજી લે તો આપણી તો પથારી જ ફરી જાયને ! બસ એવી જ દશા હાથણીની થાય.      
        વળી, બાવાઓની હૈસિયત પણ કેટલી? હાથી પાસે શું મગાવાય તેનુંય તેને ભાન નથી. હાથી જેવો હાથી હાથ લાગ્યો છે તો પછી કમ સે કમ પાંચસોની નોટથી જ શરૂઆત કરાય. રૂપિયા બે રૂપિયા માટે હાથી પાસે ઘૂંટણિયાના વળાવાય કે ચિંધાડ ના મરાવાય. (સિંહ ગર્જે, હાથી ચિંઘાડે એટલે વોઇસ ઓફ હાથી, ઓરિજિનલ.) એ તો વાંદરાનો વ્યાયામ હાથી પાસે કરાવ્યો કહેવાય. સમશેરથી શાકભાજી ન સમરાય કે ડબ્બાના જામ થઇ ગયેલા ઢાંકણ ન ખોલાય. વળી, આમ જૂઓ તો આપણે હાથીને ગણપતિદાદાનું સ્વરૂપ માનીએ છીએ. એટલે તો બાવાઓ પણ બાવાહિંદીમાં આપણને કહે છે, દેખ બચ્ચાં, યે ગનપતિદાદા હય. ઇસકુ પરનામ કરો બચ્ચાં. વળી, બાવાઓના મુખેથી સંભળાતું સૌથી ખરાબ સંબોધન છે બચ્ચાં તેના બાપ જેવડાને ય સાલાઓ બચ્ચાં કહીને સંબોધે છે. આપણને કહેવાનું મન થાય કે અરે બાવાલાલ, તને ખબર છે કે આ ગણપતિદાદા છે તો પછી ભીખ મંગાવવા શા માટે નીકળ્યો છે. પણ બાવા કોને કહ્યા છે ! બાવાઓ ભીખ માંગે યા તો મંગાવે.
આવી રીતે જ્યારે જ્યારે હું બાવો વીથ હાથી જોઉ ત્યારે  વિચાર આવે કે તેના પર ચડી બેસીને કનડગત કરતાં બાવાને હાથી ટાટીયો ઝાલીને ફગાવી દેતો કેમ નથી. એકવાર જો બાવાને બોચીએથી પકડીને ઉછાળે તો જીવનભરનું સુખ થઇ જાય. પણ સવાલ છે પ્રેરણાનો. હાથીને આવી બાવા-વિસર્જનની પ્રેરણા આપે કોણ?! બાકી તો જંગલના રાજા સિંહ જેવો સિંહ પણ એકલો હોય ત્યારે હાથીને અડપલું કરવાની હિંમત નથી કરતો અને આ બાવાઓ સાલ્લા હાથીનો હાથલારીની જેમ ઉપયોગ કરે છે. હાથીઓ પણ ભારતની જનતા જેવા બની ગયા છે. હાથી કરતાં અનેકગણી શક્તિશાળી આ દેશની જનતાની માથે ચડી બેઠેલા ઝાભ્ભાઓને ય ફેંકી દેવાનું તેને ક્યાં સુઝે છે? તેઓ જનતાને જ્યાં દોરી જાય ત્યાં દોરાય છે અને જનતા પોતાના હક્કને ય ભીખારીની જેમ માગે છે. બાકી જો આખા દેશની જનતા એક સાથે ખોંખારો ખાય તો ય બધાના ધોતિયા ઢીલા થઇ જાય.
હાથીમાં શક્તિ ઘણી છે. પણ તેને પોતાને શક્તિનો કોની સામે કંઈ રીતે ઉપયોગ કરવો તેનો ખ્યાલ નથી. નહિ તો તે બાવા પાસે પોતાની શક્તિ મુજબની ભક્તિ કરાવી શકે. તેથી જ અહીં એક વાત યાદ આવે છે કે એક છકી ગયેલો સિંહ ભયંકર ગર્જનાઓ કરતો આખું જંગલ ધ્રુજાવતો નીકળી પડ્યો. સામે વરુ મળ્યું. તરત જ સિંહ વધુ એક ગર્જના કરીને પૂછ્યું, બોલ એ લબાળ, જંગલનો રાજા કોણ?
        વરુએ ધ્રુજતા સ્વરે જવાબ આપ્યો, એ તો બાપુ તમે જ ! તમારા સિવાય રાજા બીજો કોણ હોઈ શકે! વરુના શબ્દો સાંભળી સિંહના વોલ્ટેજ વધ્યા. પછી તો તેણે સસલાં, શિયાળ, ઝરખ, ચિત્તા, દીપડા બધાને આવી તોછડાઈથી પૂછ્યું અને બધાએ ધ્રુજતા, ડરતાં, ફફડતાં એક જ જવાબ આપ્યો, રાજા તો બાપુ તમે જ! બાકી કોની માએ સવાશેર સૂઠ ખાધી છે કે આ જંગલનો રાજા થાય. હવે સિંહને જમાના હમસે હૈ, હમ જમાને સે નહીં વાળો કેફ ચડી ગયો. એ કેફમાં જ આગળ ચાલ્યો ત્યાં સામે પહાડ જેવો મદમસ્ત ગજરાજ પોતાની મસ્તીમાં ચાલ્યો આવે. તેણે તો સિંહરાજાની નોંધ પણ ન લીધી. એટલે સિંહ ફરીથી બે-ચાર બિનજરૂરી ગર્જના કરી બોલ્યો, બોલ બે લબાડ! જંગલનો રાજા કોણ હેં? વાક્ય પૂરું થતાં જ હાથીએ સિંહને બોચીમાંથી પકડ્યો પછી હવામાં બે-ચાર હિંચકા ખવડાવી એવો ફગાવ્યો કે સિંહરાજા છેક બાઉન્ડ્રીની બહાર જઈને પડ્યો. પછી હાથી તો તરત જ ઝાડ પાનનો નાસ્તો કરવા લાગ્યો.  સિંહનો પારો છેક તળિયે સ્પર્શી ગયો.  અડધો કલાક પછી મંદ સ્વરે બોલ્યો, અલ્યા ખબર ન હોય તો ના કહી દેવાય. પણ આવું કરાય?
        આપણે ત્યાં કહેવત છે કે હાથી જીવતો લાખનો, મર્યા પછી સવાલાખનો (કહેવત જુના ભાવ પ્રમાણે છે.) આ ફક્ત કહેવત નથી હકીકત છે એટલે તો પેલા મૂછાળ વિરપ્પને કેટલાય હાથીઓને સવા લાખના કરી નાખ્યા. પણ આ બાવાઓએ તો હાથીને જીવતાં જ કોડીનો કરી નાખ્યો છે. પ્રાથમિક શાળામાં જ્યારે જેમને જોઈને હાથણીની યાદ તાજી થાય એવાં શિક્ષિકાબહેન નિબંધમાળામાંથી અક્ષરશ: હાથી નિબંધ લખાવતા. (આ નિબંધ લખાવવાની પરંપરા પણ હાથી જેટલી જ જૂની છે.) ત્યારે હાથી જોવા મન આતુર હતું. વળી, હાથીના પરાક્રમો વાંચ્યા સાંભળ્યા પછી અમારી હાથીદર્શનની મહેચ્છા વધી ગઈ. પણ પ્રથમવાર જ્યારે બાવાને હાથી હંકારતો જોયો ત્યારે હાથી પરથી માન ઊતરી ગયું. હાથી વિશેય શંકા જાગે કે હાથી તે આવો હોય. આ રીતે તો એક બકરીને ય દોરી જઈ શકાતી નથી. હાથી જેવા હાથીની આટલી બધી નિષ્ક્રિયતા. બાવાઓ હાથીનો આમ બાજારુ ઉપયોગ કરે એ આપણા જેવા હાથીપ્રેમીઓથી કેમ જોવાય. આમાં તો ખરેખર હાથી બાવો થયો ગણાય. બાકીતો બાવાઓ જાહેરમાં વૈરાગી અને ખાનગીમાં બહુરાગી હોય છે. ગુરુ કી કૃપાસે.
        કારણ એટલું જ કે હાથીના મનમાં પણ ભારતની પ્રજા જેમ જ એક વાત ઊતરી ગઈ છે કે આપણાથી હવે બાવા સામે કશું જ ન થઇ શકે. આમ થવાનું કારણ એટલું જ કે હાથીને પોતાને શક્તિનું ભાન નથી. જો હાથીને એટલું ભાન થઇ જાય તો બાવો હંમેશા હાથીથી સો મીટર જેટલું સુરક્ષિત અંતર રાખે. ભારત દેશની જનતાનું પણ હાથી જેવું જ છે તેણે પોતાની શક્તિનું ભાન નથી. બાકી જૂઓ અન્નાજી એ એક કદમ આગળ માંડ્યું ત્યાં જ જનતા પર ચડી બેઠેલા ઝભ્ભાઓની ઊંઘ હરામ થઇ ગઈ. માટે હાથી અને ભારતને જનતાએ  જાગી જવાની જરૂર છે. આ બાજુ અન્નાજીએ ભ્રષ્ટાચાર સામે આંદોલન છેડ્યું તો ત્યાં પણ બાવા પહોંચી ગયા છે અને તેઓ તર્કટાસન કરી રહ્યા છે. (તર્કટાસન એટલે તક મુજબ કરવામાં આવતું તરકટ) એટલે હાથીઓ અને ભારતની જનતાએ બાવાઓથી ચેતવા જેવું છે. અન્નાજીએ પણ ચેતવા જેવું છે નહીં તો તેમની દશા હાથી જેવી થઇ જશે.

ગરમાગરમ :
એક ઓળખીતા સજ્જન મળ્યા, શરીરે એકદમ સુકલકડી છે. મને કહે, બ્લડ ડોનેટ કરી આવ્યો.
તમારા શરીરમાં તો એટલું લોહી જણાતું નથી, શા માટે રક્તદાન કર્યુ? મેં તેમને ઠપકાભર્યા સ્વરે સવાલ કર્યો. એટલે સજ્જન ફિક્કું હસીને બોલ્યા, રૂપિયા પચાસ હજારનું ડોનેશન આપી પોત્રને કે.જી.માં માંડ દાખલ કર્યો, લોહીનું પાણી કરીને બચાવેલ રૂપિયા એ સ્કુલને બાળ્યા.
-વિનોદ ભટ્ટ (સોટી વાગે ચમચમમાંથી)
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...