Friday 29 April 2016

પેટ્રોલીયા પડતા મૂકો, દૈવી વાહનો વસાવો



૨૧/૧૨/૨૦૧૧
      આમ જુઓ તો મનુષ્યો અને દેવોમાં કોઈ તફાવત નથી. વળી મનુષ્ય ધારે તો સત્કર્મો કરીને દેવ થઇ શકે છે. પણ મોટાભાગના મનુષ્યો સત્કર્મો કરવાનો વિચાર કરતા કરતા જ દેવ થઇ જાય છે. અને આપણને છાપાના છેલ્લા પાનાં પરથી છેલ્લા શ્વાસ લેવાઈ ચૂક્યાની ખબર મળે છે. પણ માનવી અને દેવમાં તફાવત ફક્ત દ્રષ્ટિનો જ છે. દેવો દુરદેશી છે. તેમની પાસે દિવ્ય દ્રષ્ટિ છે. તેથી જ્કોઈ દેવના ચહેરા પર ચશ્માં જોવા મળતા નથી.પણ માત્ર ચશ્મા ન હોવાને કારણે જ દિવ્ય દ્રષ્ટિ હોય એમ કહી શકાય નહિ. કારણ કે એમ તો આપણા દાદા, પરદાદાઓને પણ ચશ્માં ન હોતા છતાય....! પણ દેવો દુરદેશી છે એમ એટલા માટે કહી શકાય કે તેમને પોતાનાં વાહનો તરીકે સજીવોને વસાવ્યા છે. બાકી દેવો ધારે તો ચૂટકી બજાકે મોટર, મોટરકાર કે હાઈટેક હવાઈ જહાજ વસાવી શક્યા હોત. પણ યુગો પહેલા તેમને અંદાજ આવી ગયો હતો કે કળીકાળમાં પેટ્રોલના ભાવો જયારે ભડકે બળશે અને લોકો ઓઈલ કંપનીઓના કર્તાહર્તા અને ચર્તાઓને ભડાકે દેવા તત્પર થશે ત્યારે યંત્રવાળા વાહનો ટીનકા ડબ્બા સાબિત થશે.
         વળી દેવોએ તો સ્વર્ગમાંથી વારંવાર વૈકુંઠ, કૈલાસ, પાતાળ, મૃત્યુલોકની મુલાકાત લેવાની થાય છે. વળી મૃત્યુલોકના મહામાનવો જયારે દેવોને પણ દેવ કરી દે એવાં ભયંકર રક્ષાસોનો વધ કરે ત્યારે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરવા માટે જવું પડે. નરસિંહ જેવી ભક્તિ ક્લાસિકલ ઢબે કે અન્ય ભક્તો કર્કશ અવાજે પોકાર કરે ત્યારે પણ તેને ઉગારવા દોડી જવું પડે. આવા લાંબા અંતરની મુસાફરીઓ માટે પેટ્રોલ પોસાય નહિ. અને પોસાય તેમ હોય તોયે પુરવઠો ન મળે. પેટ્રોલ પુરાવવા છેક મૃત્યુલોક પર આવવું પડે. દેવો મૃત્યુલોક પર પેટ્રોલ પુરાવવા આવે એ તેમની પત્નીઓને પસંદ નથી. કારણ કે કોઈક મુંબઈ જેવાં મોટા શહેરમાં દેવ પોતાનું સ્પેશ્યલ યાન લઈને પેટ્રોલ પુરાવવા ઊભા હોય અને ત્યાં જ સ્વર્ગની સુંદરીઓને પણ આંટી દે એવી મૃત્યુલોકની બોલીવુડ કે ઢોલીવુડની કોઈ નરવી- ગરવી માનુની યા તો આઈટેમ ગર્લ પોતાની કાર લઈને પેટ્રોલ પુરાવવા આવે અને દેવતાની નજરોમાં વસી જાય તો પછી દેવ પૃથ્વી પર જ રોકાઈ જાય અને ઉપર દેવીઓ ડાકલા બેસાડવા પડે કે દેવ કેમ આવતા નથી?! જો તે દેવ સ્વરૂપે જ પૃથ્વી પર જ ન રહી શકે તો મનુષ્ય અવતાર ધારણ કરીને રોકાય જાય. પછી ભલે દેવને દુકાને દુકાને દેશીનામાં લખવા પડે. પણ મૃત્યુલોકની સુંદરીની માયાજાળમાંથી નીકળી શકે નહિ. ભગવાન ભોળાનાથનો જ દાખલો લોને! તેઓ ઓ.બી.સી. કન્યા માટે ઓડીસી કરવા નહોતા તૈયાર થયા.(એમાં તાંડવ ન ચાલે ઓડીસી, કુચીપુડી, મણિપુરી, કે રોક એન્ડ રોલ શીખવા પડે.) તેથી જ દેવોની પત્નીઓ પણ ખનીજ તેલથી ચાલતા યંત્રોને બદલે મંત્રોથી ચાલતા યંત્રો વસાવવાની તરફેણ કરે છે. જો કે હવે પૃથ્વી પર જ જયોતિષાચાર્યો પણ આવા યંત્રો બનવે છે. અમારા એક મિત્ર ઉર્ફે શાસ્ત્રીજી આ રીતે મોટાપાયે યંત્રોનું ઉત્પાદન કરે છે.
         પેટ્રોલના ભાવો આજકાલ વાંસના છોડની જેમ વધે છે. આ ભાવ વધારાના મુદ્દે માનવી હૈયાવરાળ કાઢે કે હૈયાફાટ રૂદન કરે. દેવો તેમને સાંભળવાના નથી. કારણ કે દેવોએ મનુષ્યોને યુગોથી માર્ગ બતાવેલો છે કે વાહન સ્વરૂપે સો જ વાપરો, યંત્રો નહિ, પણ મનુષ્યોએ દેવ આજ્ઞાનું ઉલ્લંઘન કરી વાહનો બનવ્યા. એટલે હવે પેટ્રોલના મુદે હવે પ્રભુ આપણી પ્રાર્થના સાંભળતા નથી. ચોખ્ખું સંભળાવી દે છે. તમારા કર્યા તમે ભોગવો વળી એમ પણ કહેવાય છે કે  મનુષ્યના પાપકર્મો બહુ વધી જાય છે ત્યારે દેવો કંઈ પૃથ્વી પર આવી મનુષ્યોને ગડદા-પાટું નો માર મારતા નથી. પણ પેટ્રોલના ભાવ સ્વરૂપે મારે છે. શરદ સ્વરૂપે મારે છે.
            જો શરદ નાબૂદ નહિ થાય તો ભારત દેશોમાંથી શતમ જીવ શરદ સૂક્તિ નેસ્ત નાબૂદ થઇ જશે.
         વળી તમામ પુરાણોનો અભ્યાસ કરી લેવાની છૂટ છે. તેમાં ક્યાંય દેવો કે દેવીઓએ પોતાનાં વાહન બાબતે ક્યારેય ફરિયાદ કરી નથી. દેવોના વાહનો માટે સર્વિસ સ્ટેશનો ઊભા કરવા પડતા નથી. દેવો વાહનો જ ઘણીવાર કોઈની સર્વિસ કરી નાખતા હોય છે. એટલે તો ક્યારેય ગોવિંદે એમ કહ્યું નથી કે પ્રભુ હું જરા નાસ્તો કરી લઉં જસ્ટ દશ મિનિટ જાળવો. તમે ચા-બા પીઓ, છાપામાં નજર નાંખો પછી ઉપડીએ. શિવજીનો નંદી તો ઠીક પણ ગણપતીબાપાનો ઉંદરેય એકવાર રવાના થયા પછી ક્યારેય કહ્યું નથી કે વિઘ્નહર્તા હું બહુ થાકી ગયો છું. તો આ ભીમસેનની હોટલ પર જરા પંદર મિનિટ હોલ્ટ કરી લઈએ.
        વળી પેટ્રોલને બાજુ પર મુકીને જુઓ! દેવોના વાહનોના પાર્કિંગનો કોઈ પ્રશ્ન જ નહિ. સ્થળ પર પહોંચ્યા પછી વિષ્ણુ ભગવાનનું ગરુડ ઝાડ પર બેસી જાય લાખનો ઉંદર દરમાં ઘુસી જાય, મોર ગમે ત્યાં કળા કરવા લાગી જાય.
          જયારે શીવજીના નંદી તો આજેય શહેરના ભરચક રસ્તાઓ વચ્ચે પાર્ક થયેલા જોવા મળે જ છે ને! બાકી રહ્યા માતાજીના સિંહ, વાઘ કે યમરાજનો પાડો! એતો પોતાની મરજી પડે ત્યાં જાતે પાર્ક થઇ જાય. કોની મા એ સવાશેર સૂંઠ ખાધી છે તેને કોઈ ચલ બે જરા બાજુ હટ, યે પાર્કિંગ જોન નહિ હૈ એવું કહે વિચારો! દેવોએ કેટ-કેટલું વિચારીને વાહનોની પસંદગી કરી છે. આજે આપણે ય વાહન તરીકે ગીરનો ડાલા મથ્થો સિંહ વાપરતા હોત તો ટ્રાફિક પોલીસ હેલ્મેટનું પૂછવાની હિંમત કરે ખરો! વળી દેવોના વાહનોને હાઈવે, નેશનલ હાઈવે જેવાં રાજમાર્ગોની જરૂર નહિ. એ લોકો પોતે જ માર્ગો પર રાજ કરવા ટેવાયેલા હોય છે. બ્રીજરાજના ગરુડને ગમે તેવી નદી ઓળંગવા બ્રિજની જરૂર પડે? વળી સિંહ, વાઘ, પાડો, નંદી, જેવાં હેવી વાહનો રસ્તા પર જ ચાલવાની જરૂર નહિ પણ તેઓ ચાલે ત્યાં રસ્તો જરૂર થાય. વળી રસ્તે ચાલતી વખતે  તેમને એવી સૂચના પણ ન લખવી પડે કે આપણું વાહન દશ ફૂટ દૂર રાખો એમનાથી બધા સુરક્ષિત અંતરે જ ચાલે જેથી સગવડતા વાળા વાહનો! પણ માણસ જેનું નામ, ઈશ્વરે જે કંઈ કરવાનું કહ્યું તેનાથી ઉંધુ જ કર્યુ. જાતે વાહનો બનાવ્યા વાહનો ભલે બનાવ્યા પણ પેટ્રોલ ન બનાવી શક્યા. એ કેમિકલ કલા કુદરતે પોતાનાં હાથમાં જ રાખી.કુદરતની કેમેસ્ટ્રી તો માણસ કરતા એડવાન્સ જ હોય ને! દેવોએ પોતાનાં વાહનો સર્જ્યા. માણસને એ ન સુજ્યું. એટલે તો દેવો દુરદેશી કહેવાય અને મનુષ્યો દેશી. એમના વાહનો ક્યારેય અટકે નહિ. ખોરાક ન લીધો હોય છતાય દેવોના વાહનો રસ્તામાં રિઝર્વમાં ન આવે. એટલે તો કહ્યું છે ને કુદરતે બનાવેલું વાહન બગડે તોયે પહોચાડે ખરું જયારે માણસે બનાવેલ વાહન બગડે તો માણસે તેને પહોંચાડવા પડે.
        વળી દેવોએ પોતાનાં વાહનો થાકી બીજો પણ બોધ આપ્યો છે. દેવતાઓ ક્યારેય એકબીજાના વાહન લઇ જતા નથી. ગમ્મે તેટલું દૂર જવાનું હોય તો પણ ગણપતિબાપાએ ક્યારેય ભગવાન વિષ્ણુ ને એમ નથી કહ્યું કે વિષ્ણુ અંકલ આજનો દિવસ પૂરતું જરા તમારું ગરુડ આપોને, મારે જરા બ્રહ્માંડ નંબર ચૌદ પર જવું છે. આટલું લાંબુ ઉંદર ન ખેંચી શકે. છતાં લઇ જઇએ તો સાવ લોકલ ચાલે, એટલે અઠવાડિયું નીકળી જાય. ગરુડ હોય આંટો મારીને સાંજે ઘર ભેગા. શિવજીએ ક્યારેય યમરાજાને કહ્યું છે કે બેટા યમરાજ જરા બે દિવસ પુરતો તારો પાડો આપને પ્લીઝ. મારે મૃત્યુલોકમા જવું છે. અને તુ તો વારંવાર ત્યાં દોરીઓ ખેંચવા જાય છે એટલે પાડાને રૂટ પણ જાણી લીધો હશે.
          છતાં જરૂર પડે તો મારો નંદી છે જ, લઇ જજો તમતમારે. આ ઉપરાંત વિશેષ બોધ એ છે આપ્યો કે જો સંસાર સુખેથી ચલાવવો હોય તો પુરુષો પાસે હોય તેના કરતા સારું વાહન મહિલા પાસે હોવો જોઈએ. તેમે જુઓ દેવો કરતા દેવીઓના વાહનો કેવાં પ્રભાવશાળી છે. વાઘ, સિંહ, મગર, વગેરે અને આપણે ત્યાં પત્ની કારની માંગણી કરે તો તરત કહીએ કાર લઈને તારે ક્યાં જવું છે? નકામાં કોઈકના ટાંટિયા ભાગીશ. એના કરતા રિક્ષા બરાબર છે! નથી દેવીઓએ પણ કોપાયમાન થઇ પેટ્રોલના ભાવવધારાને પ્રોત્સાહન આપ્યું છે ને આજે આપણા દેશમાં દેવી સંકેતથી જ પેટ્રોલના ભાવવધારાને પ્રોત્સાહન મળે છે. માટે ગો બેંક ટુ ગોડસ વેહીકલ્સ.    
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...