Friday 29 April 2016

ઉત્કૃષ્ટ પ્રણય દ્રશ્યનો અખતરો, તું સલીમ, મેં અનારકલી



૦૭/૧૨/૨૦૧૨                                               
        જમાના પ્રમાણે દરેક ક્ષેત્રમાં લોકોને કંઈક નવું નવું કરવાના શોખ વધતો જાય છે. આ રીતે કંઈક નવું કરવાના શોખીન એવાં અમારા મિત્રને તે સમયે પોતાનાં લગ્નમાં કંઈક નવું કરી બતાવવાનો શોખ જાગ્યો. ઘણા મનોમંથન પછી નક્કી કર્યુ કે પરણીને ઘેર આવ્યા પછી પહેલી સભાના કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં પતિ-પત્ની વચ્ચેના કલાત્મક પ્રણયદ્રશ્યો કંઈક નવું કરવું અને કેમેરામાં કંડારવા. બધા મિત્રો જુદી જુદી ફિલ્મના કલ્ત્મક પ્રણયદ્રશ્યો યાદ કરવા લાગ્યા. વળી, આવા પ્રણયદ્રશ્યો શયનખંડમાં જ ભજવવા એવું નક્કી કરવામાં આવ્યું. ઘણા દ્રશ્યો તળ કર્યા પછી ફિલ્મોમાં પેલું ઝુલાવાળું એવરગ્રીન દ્રશ્ય મિત્રના મનમાં વસી ગયું. પ્રિયા ઝૂલામાં બેથી હોય અને પોતે તેની પાછળ ઝુલોમાં ઊભો રહી બંને હાથે ઝૂલાની સાંકળ કે દોરડા પકડી ઝૂલો ઝુલાવતા હોય અને ઝૂલે મેં આયી પવન કી બહાર... ગાતો હોય, એ દ્રશ્ય પસંદગી પામ્યું. પણ તે માટે શયનખંડ નાનો પડે. વળી, આવા દ્રશ્યો ફળિયામાં તો ભજવાય નહિ. કારણ કે બાપુજી ગરમ થાય.
          વળી, આવા દ્રશ્યો પ્રેક્ટીસ માગી લે એવાં પણ ખરા. કોઇપણ જાતના મહાવરા વગર પ્રિયાને ઝૂલાના પાટિયા પર બેસાડી પોતે પાછળ ઊભો રહે એટલે જેમ ટ્રેનના જનરલ કોચના પગથીયે પણ ભરાવી બારણાના બંને સળિયા પકડી રીઢો અપડાઉનકાર લટકતો હોય એવું લાગે. એટલે આવા દ્રશ્યોમાં પ્રણય ક્યાંય શોધ્યો ન જડે રેલવે જ યાદ આવે. વળી, જુલો અને હૈયું બંને હિલોળે ચડ્યા પછી સ્થળ, કાળનું ભાન ભૂલાઈ જાય અને ઝૂલામાં પાછળ ઉભેલો પ્રિયતમ ભાવવિભોર થઈને પગની આંગળી અને અંગૂઠા વડે પ્રિયાના પડખામાં મીઠો ચીંટીયો ખણે કે પછી પગ વડે ગલગલીયા કરે અને પગ-બગ છટકેને વરરાજા નીચે પડે તો પીઠીવાળા પગે ફરીથી હળદર ચડાવવી પડે. જો કે એ વખતે કોઈ ગીતો ન ગાય, ઉલટાના બાપુજી ધુઆંપુઆં થાય.પછી મચકોડાયેલા પગ સાચવીને પહેલી રાત પ્રભુ ભજનમાં વિતાવવી પડે. વળી, ચીંટીયા કે ગલગલીયને કારણે જો પ્રિય ઝુલામાંથી જમીનદોસ્ત થાય તો મધુરજની પહેલાં અઠવાડિયાનું મીની વેકેશન આવી જાય અને વરરાજા માટે વસમો સમય શરુ થાય. આ બધું વિચારીને એ પ્રોજેક્ટ પડતો મુકવામાં આવ્યો. કારણ કે આમ કરવા જતા પ્રણય દ્રશ્યો દ્રશ્યોમાં ફેરવાઈ જાય.
         પછી મને એ મુદ્દે કંઈક વિચારવાનું આવ્યું. મેં સજેશન કર્યુ કે મુગલે-આઝમ ફિલ્મમાં સલીમ-અનારકલીના મુખ પર સફેદ પીંછુ ફેરવે છે તે દ્રશ્ય ભજવો. સાવ જોખમરહિત અને એકદમ ઇન્ડોરગેઇમ. ઠરાવ સર્વાનુમતે પસાર થયો. શરૂઆત પરણવાના આગલા દિવસથી જ કરવામાં આવી. પણ એ કાબર, કબૂતર અને કાગડાના હતા. કાગડાનું પીંછુ લાવેલા મિત્ર પર સલીમનો પીતો ગયો. મિત્રને ખખડાવી નાખતા કહ્યું, અલ્યા અક્કલમઠા! તને એટલુંય ભાન નથી કે કાગડાના પીંછા આમાં ન ચાલે. પણ પીંછુ લાવનાર મિત્રનું લોજીક સાચું હતું. તેને કહ્યું, ચાલે કે ન ચાલે એ તારે ક્યાં જોવાનું છે. એ તો ભાભીને નક્કી કરવાનું છે, ભાભીને જો કાગડાના પીંછામાં ય મજા આવે તો મોરની માથાકૂટ શા માટે કરવી! પણ આ તો સાહેબે-આલમ! ન માન્યો. ઘણી શોધખોળને અંતે મુઘલેઆઝમમાં છે એવું જ પીંછુ શોધી કાઢવામાં આવ્યું.
        બીજે દિવસે મિત્ર પરણીને આવ્યો અને જરૂરી વિધિ પતાવી પતિ-પત્ની શણગારેલા શયનખંડમાં આવ્યા. શયનખંડમાં બે મિત્રો વિડીયોગ્રાફર મિત્ર અને જરૂરી પીંછા ઉપરાંત એક મોરપીંછની સાવરણી પણ હાજરાહજૂર હતી. વિડીયોગ્રાફરના સૂચન મુજબ ભાભીને સામે બેસાડવામાં આવ્યા. અને બરાબર તેની સામે તેનો પતિ ઉર્ફે સલીમ હાથમાં પીંછુ લઈને પલાંઠી મારીને બેઠો. એટલે તરત મારે કહેવું પડ્યું, દોસ્ત આમ તો તું શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધ ચડાવવા બેઠો હોય એવું એવું લાગે છે. એટલે તે પલાંઠી મારીને મંદિરમાં રામધૂન ગાવા બેઠા હોય એમ મંત્રમુગ્ધ થઈને બેઠા હતા. ન હલે ન ચાલે! ફરીથી મેં કહ્યું, અરે ભાભી પલાંઠી છોડો અને ટીવીમાં જે રીતે ઘૂંટણ વાળીને બેસે છે એમ બેસો. મને થયું કે આ વખતે દ્રશ્ય જામશે. મેં  કહ્યા મુજબ ભાભીએ ઘૂંટણ વાળી બાજુમાં જમણો હાથ ખોડીને બેઠા. પણ મેં ધાર્યુંતું તેના કરતા સાવ જુદું જ પરિણામ પ્રાપ્ત થયું. રસ્તા વચ્ચે ગાય બેથી હોય એવું આબેહુબ દ્રશ્ય રચાયું. હવે શું કરવું?!
          પછી અમે મિત્રને કહ્યું હવે તું સામે કંઈક પ્રણય પોઝીશન લે અને પીંછુ ફેરવવાનું શરૂ કર. જો તો ખરો આમને આમ સાડા અગિયાર વાગી ગયા. મિત્ર ભાભી સન્મુખ થયો અને ધીમે રહીને ભાભીના મોં પર ડાબેથી જમણે અને જમણેથી ડાબે પીંછુ ફેરવવા લાગ્યો. ભાભી સાવ નીચું જોઈને બેઠા હતા. મિત્રમાં મહાવરાનો અભાવ સ્પષ્ટ વરતાતો હતો. તેથી દ્રશ્ય જોતા મુઘલે-આઝમને બદલે દીવાલ પર કળીચૂનો પીંછડો ફેરવતા રંગારો યાદ આવી જતો હતો. વિડીયોગ્રાફરે કહ્યું, ભાભી જરા ઉંચે જુઓ. પણ ભાભીએ એંગલ મુજબ ઊંચું ન જોયું. એટલે જે રીતે વાળંદ દાઢી કરતી વખતે આપણું માથુ મશીન સમજીને ગોઠવતો હોય એજ રીતે તેને ભાભીનું મુખ પકડીને જરૂરિયાત મુજબનું ઊંચું ગોઠવ્યું. સલીમે ફરી પીંછુ લઇ કળીચૂનો ચાલુ કર્યો. દ્રશ્ય પહેલાં કરતા જરાક નજાકતવાળું બન્યું. ભાભી સદગતના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરતા હોય એમ સાવ આંખો મીંચીને બેઠા હતા. એટલે મેં કહ્યું, ભાભી આંખો જરા અધખુલ્લી રાખો ચોથા પ્રહારની ઊંગ ખેંચતા હો એમ સાવ બંધ નહિ.
         ભાભી મારા સૂચનને અનુસર્યા. આમ ઊંચું મુખ અને આંખો જરા અધખુલ્લી એટલે નજાતક વધી હવે વિડીયોગ્રાફરે કહ્યું, ભાભી હસો, સ્માઈલ પ્લીઝ. ભાભી હસ્યા પણ ખરા અને મિત્રે દ્રશ્યમાં નવીનતા લાવવા આ વખતે પીંછુ ગળાથી કપાળ તરફ એમ ઊર્ધ્વગતિએ ફેરવ્યું. અને એવું ત્રણ-ચાર વાર કર્યુ. એટલે પીંછાના રૂંછા ભાભીના નાકમાં જતા ભાભીને છીંક આવી. પછી તો ઉપરા-છાપરી છ-સાત છીંકો આવી. એટલે માંડ માંડ આવેલી નજાતક ગાયબ થઇ ગઈ. ભાભીનું નાક લાલચોળ થઇ ગયું. આંખમાં પાણી આવી ગયું. ભાભીને છીંકો આવવાને કારણે મિત્ર વિહવળ બની ગયો અને પીંછુ પડતું મૂકી પોતાનાં રૂમાલથી ભાભીનું નાક સાફ કરવા લાગ્યો. વિડીયોગ્રાફરે સમય સુચકતા વાપરીને આ દ્રશ્યનું શુટીંગ કરી લીધું. ખરેખર પેલા મુગલે-આઝમવાળા દ્રશ્ય કરતાય આ નાક લુંછવાનું પ્રણય દ્રશ્ય ઉત્કૃષ્ટ હતું. કારણ કે એકદમ નેચરલ હતું. પણ મિત્રે સમસ્યા રજૂ કરી કે દ્રશ્ય ભલે ગમે તેટલું ઉત્કૃષ્ટ હોય પણ એ કોઈને બતાવાય થોડું! એટલે ફરીથી પીંછાપ્રયોગ પર આવ્યા. વિડીયોગ્રાફરે જરૂરિયાત મુજબ ભાભીનું મોં ઊંચું ગોઠવ્યું અને સલીમ ફરીથી પીંછુ હાથમાં લઇ રૂંછા નાકને ન અડે એ રીતે ભાભીના બંને ગાલ પર પીંછુ ફેરવવા લાગ્યો. આ વખતે થોડું થોડું મુગલે-આઝમ જેવું થયું. પણ ભાભી સાવ નિર્લેપ! એટલે સલીમ અહીં કોઈની હજામત કરવા બેઠો હોય એવું દ્રશ્ય ખડું થયું. આમ, નજાકતને બદલે હજામત પ્રગતિ. વળી, એક મિત્રે સૂચવ્યું કે માત્ર એક પીંછાને બદલે મોરપીંછાની સાવરણી જ ભાભીના મોં પર ફેરવી હોય તો?! મેં કહ્યું, લલવા એ તો દિવાળી ટાણે ઘરમાં બાવા-જાળા પાડતા હોય એવું લાગે. છતાં અમારા મિત્રને આ દરખાસ્ત ગમી.(વિચારો કે આસીફ જેવાં ડિરેક્ટરને ય આ નહોતું સુઝ્યું! મૌલિકતાનો અભાવ બીજું શું?) મોરપીંછની સાવરણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પછી બીજા મિત્રે સૂચન કર્યુ કે મોંને બદલે ભાભીની પીઠમાં સાવરણી પ્રેમથી ફેરવી હોય તો! (અલબત, સવળી જ. બાકી લગ્નના અમુક વરસો પછી અવળી સાવરણીઓ પણ ફરે છે. ખરેખર તો એ દ્રશ્ય જ કેમેરામાં કંડારવા જેવા હોય છે.) મુગલે આઝમ કરતાય કંઈક નવું થાય. આ દરખાસ્ત મુજબ ફરીથી ભાભી બેડમાં વચ્ચોવચ્ચ ગોઠવાયા અને મિત્ર નવોઢાના વાંસામાં ઉપરથી નીચે તરફ મોરપીંછાની સાવરણી ફેરવવા લાગ્યો. ભાભીને પણ જરા સારું લાગ્યું. તેમના ચહેરા પર જરા સ્માઈલ ઝળકી ઉઠી. પણ મને તો એ દ્રશ્ય કોઈ ભુઓ ભાભીના શરીરમાંથી પ્રેત કાઢતો હોય આવું લાગ્યું. દ્રષ્ટિભેદ જ ને! પણ વાંસામાં મોરપીંછની સાવરણી ફરવાને કારણે ભાભીને મજા આવી. મેં કારણ પૂછ્યું તો કહ્યું કે હું નાની હતી  ત્યારે સૂતી વખતે દરરોજ મારા મોટાબાપુ મારા વાંસામાં હાથ પસવારતાં અને મને ઊંગ આવી જતી.
           આ સાંભળી મેં મિત્રને કહ્યું, ભાઈ જો સાવરણીનો પ્રયોગ. રહેવા દે. આમાં જો ભાભીની જૂની ટેવ તાજી થશે તો પછી રોજ રાત્રે તારે ભાભીને વાંસમાં મોરપીંછની સાવરણી ફેરવવી પડશે. અને દામ્પત્ય જીવનમાં તારો આંખો રોલ બદલાઈ જશે. બધાએ મારી વાતમાં સુર પુરાવ્યો. છેવટે સર્વાનુમતે પેલું ના લુંછવાનું દ્રશ્ય ઉત્કૃષ્ટ પ્રણય દ્રશ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું. અને બાકીનું ડીલીટ કરવામાં આવ્યું. કારણ કે નેચરલ હતું. મુગલે આઝમમાં પણ અનારકલીને જો છીંકો આવી હોત તો સલીમે એજ કર્યુ હોત. કારણ કે અનારકલી પાસે તો બધાજ સલીમ સરખા.
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...