Saturday, 25 March 2017

ખોવાયા છે નેતાશ્રી !



           નેતાઓ જબરા હોય છે તેઓ નેતા બન્યા પછી યાને સરકારી રીતે ચૂંટાયા પછી આપણી નજર સામે જ ખોવાઈ જવાનો એવો કસબ ધરાવે છે કે તમને જ્યાં સુધી બીજી ચૂંટણી ન આવે ત્યા સુધી દેખાય જ નહિ! ખરેખર મિસ્ટર ઇન્ડિયા તો આ નેતા જ કહેવાય મિસ્ટર ઇન્ડિયા તો ખરા જ. મોગામ્બો પણ તેઓ જ છે. એવા નેતાઓ ખોવાય તો શોધવા કેમ? અહીં આપેલી વિગતો પ્રમાણે જો તમે શોધી શકો જણાવજો.
           કેટલીક ચીજ ખોવાય ત્યારે લોકોને વસવસો થાય છે. તેને શોધવા પુન:પ્રાપ્ત કરવા લોકો ફાંફા મારે છે.જયારે કેટલીક ચીજો ખોવાય છે. ગુમ થઇ જાય છે ત્યારે લોકો તેની શોધાશોધ નથી કરતા. આ બધું જ જે તે ચીજની ઉપયોગીતા પર આધારિત છે. કંઈક એજ રીતે ચૂંટાયા પછી આપણા વિસ્તારમાંથી જે તે નેતા, જનતાના તારણહાર લગભગ ખોવાઈ જાય છે આમ છતાં લાખો લોકોએ ગુમાવેલી ચીજની શોધખોળ ચલાવતા નથી કદાચ લોકો ખાતર માથે દીવો કરવામાં નહિ માનતા હોય. વળી એ ચીજમાં વિશિષ્ટતા એ છે કે (જો કે એમાં તો ઘણી વિશિષ્ટતાઓ છે.) પાંચ એ આપોઆપ મળી આવે છે એટલે કે પુન: પ્રાપ્ત થાય છે અને ફરી એકવાર મંચ પરથી લોકોને કહે છે કે ....
તુમ મુઝે ભૂલ ભી જાઓ તો યે હક હૈ મેને તો મહોબ્બત કિ હૈ.
            અલબત્ત મુહોબ્બત જરૂર કરી છ, પણ મન સાથે મન સિવાય એમને કોઈ મતલબ હોતો નથી. આ રીતે લોકો તેને ઓળખી જાય છે. પણ સામે પણ ઘાટે ઘાટન પાણી પીને બેઠા હોય છે. એટલે દરવર્ષે નઈ ઉમંગે નઈ કહાની લઈને આવે છે. એ લોકોને પણ ખ્યાલ છે કે બધુજ ભૂલી જાય છે. એટલે ફરીથી નઈ કહાની કામ કરી જાય છે. એ રીતે માનો કે કોઈ ખોવાયેલા ધારાસભ્યશ્રી માટે જાહેરાત આપવામાં આવે તે કેવી હોય તે વિશે જરા... આછેરી ઝલક.
            ખોવાયા છે અમારા વિસ્તારના આમ જનતાના સેવક. પ્રજા વત્સલ નેતાશ્રી લક્ષ્મીપ્રસાદ રોકડિયા કહેતાં જોકે કેટલાંક હસવ ઉ જરા આગળના અક્ષરમાં લગાડી તેમના નામ થકિ જ તેમનો ટૂંકો પરિચય આપી દેતા. એમનામાં જરા નાંણા વગરનો નાથિયો કહેવત મુજબ ફેરફાર થયો પણ અટક તો એ જ હતી. કેટલાંક લોકો નામ જેવાં ગુણ હોય છે પણ અહીં લખુમા અટક જેવાં ગુણ વધારે હતા. આમ અટક પરથી તેમના અટકચાળાનો અણસાર આવી જ પણ ચૂંટાયા પછી તેમણે તેમનું નામ લક્ષ્મીપ્રસાદ કરી નાખ્યું. જે એકાદ ઉચિત હતું. કારણકે ત્યાર બાદ તેમને લક્ષ્મીનો પ્રસાદ લેવામાં રસ ન હતો. તેમનો વ્યવહાર આજે રોકડા ઉધાર કાલે વાળો હતો. આમ મૂળ અટક લાંધણીયા હતી.
           આ નેતાશ્રી જેઓ ચૂંટાયા પહેલા પાનાના ગલ્લે, બસ સ્ટેશને, જિલ્લા પંચાયતે અનેકવાર મળી જતા. આપણી એમને મળનારી ઈચ્છા ન હોવા છતાં ચાની લારી પર તેઓ જાતે ચાનો ઓર્ડર આપતા અને છેલ્લે પૈસા બીજો કોઈ ચૂકવતો આવા ચપળ, ચાલક,ઉત્સાહી પણ સરવાળે જડ વિચાર શક્તિ ધરાવતા નેતાશ્રી છેલ્લા ચાર-ચાર વરસથી ગાયબ છે. રૂબરૂ તો ઠીક પણ હવે તો લોકોને સ્વપ્નમાં પણ નથી દેખાતા. આમ થવાનું કારણ તેમના વચનો માનવામાં આવે છે.કારણકે અહીં પ્રાણ જાયે અરુ વચન ન જાયે મુજબ વચનો જ ગયા છે. વળી પ્રાણ ગયા છે તો તે બીજાના! તેમણે ચૂંટણી અગાઉ લોકોને એકાદ બે નહિ બહુ-વચનો આપ્યા છે. જેમાંથી ભાગ્યેજ એકાદ બે પુરા થયાં છે. અન્ય કોઈ મુદ્દા તેઓ વચન-વિવેકી દેખાતા નથી.વળી બાકી રહેલા વચનોમાંથી મોટા ભાગના તો જનતા ભૂલી ગઈ છે તેમ છતાં તેમણે એ વાત ગભરાવે છે કે આપણે ભાષણોમાં છુટતા મોંએ જે વચનોની વર્ષા કરી હતી તે વચનો પ્રજા યાદ કરશે તો  કરવું શું? ચૂંટણી પહેલા તેઓ લોકોને જુકી જુકીને સલામો કરતા આમ સલામ કરવાની તેમની આદત એટલી બધી વકરી ગયેલી કે ઉત્સાહમાં તેમણે એક રખડતા આખલાને અને બે ગધેડાને પણ સલામ કરેલી કહેવાય છે કે તેની ગધેડા પર બહુ જબરી અસર થયેલી. વળી તેઓ પોતાને પ્રજાના સેવક તરીકે ઓળખાવતા. વળી સેવક પહેલા અદનો એવું વિશેષ વાપરતા. જનતાને તેઓ ફક્ત જનતા નહિ પણ જનતા જનાર્દન કહેતાં તેમણે આપેલા વચનોથી પ્રેરાઈને એક મતદાતા છેક તેમણે મળવા પાટનગર ગયેલો અને તેમણે આપેલું વચન યાદ કરાવ્યું ત્યારે તેમણે મતદાતાને કડવા વચનો કહી તેના પર પગરખાંનો છુટ્ટો ઘા કરેલો. આવા ગુમ થયેલા નેતાશ્રીની વિશેષ વિગતો આ પ્રમાણે છે.

(૧) સ્વરૂપ, કદ અને આકાર:-    પદાર્થની દ્રષ્ટિએ જોતા તેમનું સ્વરૂપ ધન છે. પણ રાજકારણમાં તેમની પરિસ્થિતિ એકદમ પ્રવાહી છે ગમે ત્યારે દીવાલ ઠેકી જાય. તેમણે દુરથી જોતા તેમાં માનવ-આકારનો ભાસ થાય. પણ આમ જુઓ તો એકદમ નિરાકાર! એટલે કે શીંગાડે ખાંડો ને પૂછડે બાંડો (કોઈ રીતે પકડાય નહિ) શારીરિક ઊંચાઈ લગભગ છ ફૂટ પણ માનસિક ઊંચાઈ વ્યસ્ત પ્રમાણમાં, શરીર ભરાવદાર અને જાડું, ચામડી પણ જાડી, વળી શરીર અને બુદ્ધિ બંને સરખા વળી ટુંકી ગરદન, બાઠયા કાન, વાન શ્યામ રણ પ્રદેશમાં જોવા મસ્તી વનસ્પતિ જેમ માથા ઉપર છુટ્ટા છવાયા વાળ. ઉપલા જડબામાં આગળના ચાર દાંત જાહેર જનતાના લાભાર્થે મોંની બહાર દેખાય એવા લાંબા દેખાડવાના અને ચાવવાના બંને જુદા વળી, દંતપંક્તિઓ એકદમ અછાંદસ ભગવાનના પોતાના આ સર્જન પર ખુદ ભગવાનનેય ભરોસો ન બેસે એવું અદ્દભુત સર્જન.

(૨) ખાસિયતો અને લક્ષણો :  અહીં નેતાજીશ્રી ના જે લક્ષણો વર્ણવવામાં આવ્યાં છે તે એકદમ વિશિષ્ટ પ્રકારના હોવાથી તેને અપલક્ષણો તરીકે પણ નોંધી શકાયા. શારીરિક રીતે તેઓ દશમાં દેખાય એવા મોમાં પાન ચાવવાની કાયમી ટેવ. ચાવવાની ટેવ પાનથી લઈને પાન ખાયે સૈયા હમારો ગીત વાગતું હોય તો બંધ કરવું પડે. વળી સૈયા ની જગ્યાએ ભૈયા શબ્દ મુકો તો વાસ્તવિકતાની વધારે નજીક લાગે. જાહેરમાં ભાષણ કરતા કરતા વાંસો ખંજવાળવાની ટેવ અને વાંસો પીઠ ખંજવાળતી વખતે તેમની મુખમુદ્રા અમાનુષ સ્વરૂપ ધારણ કરે. ભાષણ વખતે તેમણે સમય અને વિષય બંને જણાવી દેવામાં આવ્યાં હોવા છતાં તેઓ વિસ્મુક્ત થઇ સમયની સરહદો ઓળંગી જાય છે. આ રીતે એમના ધારદાર વક્તવ્ય વળે તેમના વિરીધીઓને અને શ્રોતાઓને ઘાયલ કરી દે છે.

(૩) વ્યવસાય:  લગભગ અનિશ્ચિત ! પોતાનો મુખ્ય કે ગૌણ વ્યવસાય કયો છે તેનાથી પુરેપુરા અજાણ છે. આમ વ્યવસાય બાબતે પણ તેમની પરિસ્થિતિ એકદમ પ્રવાહી છે. હા કોઇપણ વ્યવસાયમાં તેઓ લક્ષ્મીપ્રસાદ રોકડિયા છે આ સિવાય તેમના વ્યવસાય વિશે કેટલીક ધારણાઓ બાંધી શકાય જેમ કે.....

(૪) ધારણાઓ:  સાવ નવરાશના સમયમાં ગાંધી ચિંધ્યા રહે કોઇપણ મુદ્દે ઉપવાસ આંદોલન જગાવવું અને ધરણા કરવા ગમે તેવા સુમેળ ભર્યા વાતાવરણને પણ ડહોળી નાખવું. શક્ય એટલા સન્માન સમારોહ અને ઉદગાટનોમાં હાજરી આપવી. સરકારી કામના કોન્ટ્રાક્ટ લેવાં અથવા મળતીયાઓને અપાવવા અને જો યોગ્ય વ્યક્તિને અપાયા હોય તો તે છટકાવવા અને ભવિષ્યમાં આવી પડનારા આક્ષેપો સામે અગાઉથી જ રદિયા તૈયાર કરવા.
          ઉપરોક્ત ખાસિયતો, કદ,આકાર, સ્વરૂપ અને વ્યવસાય ધરાવનારા અમારા વિસ્તારના નેતાશ્રી લક્ષ્મીપ્રસાદ રોકડિયા છેલ્લા પાંચ વર્ષથી સંપૂર્ણ પણે ગાયબ છે. ટીવી કે છાપાઓમાં ક્યારેક તેમનું નામ સંભળાય છે આમ છતાં તે ચોક્કસ પણે ક્યાં છે તે જનતા જાણી શકી નહિ આવા નેતાશ્રીને શીધવામાં રસ ધરાવનાર પાર્ટીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. વહેલો તે પહેલાના ધોરણે તેમણે શોધી કાઢવાના છે આ શોધ પણ ભવિષ્યમાં એક મહાન શોધ તરીકે સ્થાન મળી શકે એવી શક્ય છે.  


       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

        

Friday, 24 March 2017

કૂતરાથી સાવધાન, કૂતરાના માલીકથી અધિક સાવધાન!



                                                                                                    

            પૈસાદાર લોકોમાં ફેશન છે કે જેમ મોંઘી રાખવી તેમ મોંઘા વિદેશી કૂતરા પણ પાળવા. રસ્તા પરના કૂતરાને હડેહડે કરનારા પાળેલા કૂતરાને લાડ કરે કે પત્નીને પણ ઈર્ષા આવે. એવાં લોકોના કૂતરા વિના સુનો સંસાર હોય છે. પોતાનાં રોગની ખબર ન હોય પણ કૂતરાને કેવાં રોગ થઇ શકે તેના વિદ્વાન હોય. પોતાને ડોક્ટર પાસે નિયમિત ન લઇ જાય પણ કૂતરાને કારની આગલી સીટ પર બેસાડી લઇ જાય. સમજો કે તેમણે કૂતરાને નહિ કૂતરાએ તેમણે પાડ્યા હોય એવો ઘાટ થાય. નટવર પંડ્યા આ વેળા એવાં કૂતરા પર વ્યંગ્ય કરે છે.
         કૂતરાથી સાવધાન મોટા ઘરના મોટા દરવાજા પર આવું પાટિયું વાંચીને આપણે જરા ડોરબેલ વગાડી દરવાજાથી લગભગ દશેક ફૂટ દૂર સુરક્ષિત અંતરે ઊભા રહીએ. આમ છતાં પણ કૂતરો આપણું ઉષ્માભર્યું સ્વાગત કરવા દરવાજાની બહાર નીકળી આવે તો કોઈ રીતે પોબારા ભણી જવાં એનું પણ આયોજન અગાઉથી મનમાં થઇ ચૂક્યું હોય છે અને કરવું જ પડે છે. કર્ણ કે અહીં કોઈ LIC ના સુરક્ષા કવચ કામ આવતા નથી. નારાયણ કવચ નો પાઠ કરવા હોય તો દોડતા દોડતા કરાય. ઉભું ન રહેવાય. કારણ કે કૂતરાને ખબર હોતી નથી કે આપણે કોઈ કવચ પાઠ કરી રહ્યા છીએ. માટે જાળવવું જોઈએ. આમ થોડી મીનીટો પછી દશેક ફૂટ દુરથી જોઈએ તો એમ ડાઘિયો કૂતરો હાઉ-હાઉ કરતો દરવાજાની અંદર આપણું સ્વાગત કરવા ધસી આવે છે. એ હાઉ હાઉને આપણે હાઉ આર યુ? સમજી લેવાનું. ત્યાર પછીની થોડી જ ક્ષણોમાં ચડ્ડો અને ડોમેસ્ટિક ટી-શર્ટ પહેરેલા નેનો માલિક દરવાજે આવે છે. ત્યારે તેણે જોઈને આપણને પહેલા પ્રશ્ન એ થાય કે આમને કૂતરો પાડવાની શી જરૂર હતી? તેથી તો ભૂતકાળમાં માલિક જયારે પ્રથમવાર તો કૂતરો પાળવાના પ્રસ્તાવ પત્ની સમક્ષ રજૂ કરે છે ત્યારે એ પતિવ્રતા, આર્યનારી રૂપાની ઘંટડી જેવાં અવાજે બોલી ઉઠે છે, આપણે કૂતરા-બૂતરા કાંઈ નથી પાળવા, તમે છો તો મારે બધ્ધું જ છે. અને પેલો પતિવ્રતા પર પુનઃ એકવાર વારી જાય છે.
     આપણે ત્યાં કૂતરા પાડવા કરતા ધર્મ પાળવો સહેલો છે. કારણ કે ધર્મ પાળ્યા પછી જેટલું ધર્મચુસ્ત રહેવું પડે છે તેના કરતાંય કૂતરો પાળ્યા પછી કૂતરાચુસ્ત વધુ રહેવું પડે છે. સામાન્ય રીતે કૂતરો માણસને વફાદાર હોય છે. પણ કેટલાંક લોકો તો કૂતરાને વફાદાર હોય છે. કૂતરો પાળ્યા પછી તેઓ એટલા બધા કૂતરાને વફાદાર હોય છે કે આખે આંખો કૂતરો આશ્ચર્યમાં ગરકાવ થઇ જાય છે. આવા લોકોને કૂતરાચુસ્ત માલિકો કહેવાય છે. અને એમ જરા ઉંડાણથી જુઓ તો ખ્યાલ આવી જાય કે આમાં અસ્સલ માલિક કોણ છે.  ખરેખર તો માલિકનું ધ્યાન રાખવા માટે કૂતરો હોય છે પણ માલિક જ કૂતરાનું એટલું બધું ધ્યાન રાખે છે કે બંનેની ભૂમિકા ઊલટ-સુલટ થઇ જાય છે. કહેવાય છે કે કેટલાંક લોકો આ જગતમાં કૂતરાની માફક જીવે છે. વાત પણ ખરી છે. કૂતરાની જેમ જ પૈસા પાછળ દોડતા ધનનંદોની જિંદગી એમ જ પસાર થઇ જાય છે. પણ તેમના કૂતરા સુખ-શાંતિવાળું જીવન જીવી જાય છે. દુરથી કોઈ ભવ્ય બંગલામાં આપણે કૂતરાની ભવ્ય લાઈફસ્ટાઈલ જોતા હોઈએ અને બરાબર એજ સમયે ભગવં પ્રગટ થઈને કહે કે બોલ બેટા નેક્સ્ટ જન્મમાં તારે શું બનવું છે? તો આપણાથી સહેજ બોલાઈ જાય કે પેલા બંગલાનો કૂતરો એટલે સ્તો કહ્યું છે નજર લાગી રાજા તોરે બંગલે પર.
          કૂતરાથી સાવધાન એ પાટિયું જેટલું બહારથી આવનારા લોકો માટે જરૂરી છે એટલું જ કૂતરામય થઇ ગયેલા માલિકને માટે પણ જરૂરી છે. કારણ કે તેઓ કૂતરાનું એટલું બધું ધ્યાન રાખે છે કે ઘરનું ધ્યાન રાખવાની કૂતરાને તક જ મળતી નથી. પત્ની બપોરે જમી કે નહિ એની તેણે ખબર નથી પણ કૂતરાને જરા પણ ભૂખ્યો રહેવા દેતો નથી.
           આપણે ત્યાં કૂતરા ત્રણ પ્રકારના છે. એક તો શેરીના સ્વદેશી કૂતરા બીજા વિદેશી કૂતરા અને ત્રીજા માનસ્વરૂપે ફરતા કૂતરા જો કે અત્રે ત્રીજા પ્રકારની ચર્ચાને બહુ અવકાશ નથી પણ કેટલાંક કૂતરામાલિકો જે વિદેશી કૂતરા બાબતે કૂતરાવિદ્ હોય એ કક્ષાનું જ્ઞાન ધરાવે છે. આવા શ્વાનવિદો કહે છે કે વિદેશી કૂતરાઓ આપણા દેશી કૂતરા કરતા વધારે બુદ્ધિશાળી હોય છે. આવા નિવેદનો સાંભળી તેમણે કહેવાનું મન થાય કે વધારે બુદ્ધિશાળી કૂતરા બહુ કામના હોતા નથી. તેથી જ કૂતરામાં કૂતરા જેટલી જ બુદ્ધિ હોય એ જ બરાબર છે. માણસની જેમ ઊંચા I.Q. ધરાવતા કૂતરા ક્યાંય સેટ થઇ શકતા નથી. વળી વધારે બુદ્ધિશાળી કૂતરો નકામો એટલા માટે કે ધારો કે રાત્રે ત્રણ-ચાર ધાડપાડુઓ આપણા ઘરે ધસી આવ્યા છે. એક ધાડપાડુના હાથમાં ગન છે. અને તેણે આપણને પકડી લીધા છે. તો તે સમયે વધારે બુદ્ધિશાળી કૂતરો એટલે કે વિદેશી કૂતરો માલિકનો જીવ બચાવવાને બદલે બુદ્ધિથી પોતાનો જીવ બચાવવાનો નિર્ણય કરશે. વિચારશે કે જાન બચી તો લાખો પાયે જયારે સ્વદેશી કૂતરો ગનવાળાની ગળચી પકડી લેશે પછી ભલે શહીદ થઇ જાય. તેથી વધારે બુદ્ધિશાળી કૂતરો પાળવો નહિ. વળી, વધારે બુદ્ધિશાળી કૂતરો માલિકમાં કેટલી બુદ્ધિ છે એ પણ જાણી જાય છે. વળી આવા બુદ્ધિશાળી કૂતરાના માલિક  સાથે આપણે બેઠા હોઈએ. બાજુમાં હીરો જેવો માલિકનો પુત્ર બેઠો હોય છતાં પુત્રને પરિચય આપવાને બદલે શેઠ ડાઘીયાની સાત પેઢીનો પરિચય આપી તેમની ખૂબીઓનો ચિતાર આપ્યા કરશે. એ તો સારું છે કે શેઠ એવું નથી શોધી કાઢતા કે આ બુદ્ધિશાળી ડાઘીયાના પરદાદા મારા પરદાદાને ત્યાં હાઉ હાઉ કરતા હતા. આમ, અમારે આ ડાઘીયા સાથે સાત સાત પેઢીના સંબંધ છે. જો કે શેઠને જોયા પછી તો આપણે એવું માનવાને પણ પ્રેરાઈને કે શેઠના પરદાદા અને ડાઘીયાના પરદાદા  જરૂર કંઈક સગા થતા હશે. વળી, શેઠના બંગલાની લોનમાં આપણે શેઠ સાથે બેઠા હોઈએ અને શેઠનો પ્રિય ડાઘીયે તેના રાક્ષસી દાંત બતાવતો અને જીભ લટકાવતો (જે આપણા માટે ડાકુ સમાન હોય છે.) આજુબાજુ આંટા મારતો હોય એમ એ જ સમયે શેઠ રસપૂર્વક અને ગૌરવપૂર્વક આપણને ડાઘીયાની વિશિષ્ટતાઓ સમજાવતા હોય અને ડાઘિયો આપણા પગે લબરકો ન લઇ લે તે માટે આપણે તે જે બાજુ  ફરે તે બાજુ જોતા સંકોચતા હોઈએ છીએ. શેઠ આ બધું જોતા અને જાણતા હોવા છતાં એમના ડાઘીયાને એના સ્થાને કે જવાનો આદેશ નથી આપતા. આપણી સ્વબચાવની હરકતો જોઈને તેઓ મંદ મંદ મુસ્કુરાતા કહે છે ગભરાશો નહિ એ કંઈ નહિ કરે, એ તો બસ અમસ્તો જ. આ સંભાળીને મહેમાન ચહેરો શેઠ સામે અને નજર ડાઘીયા સામે રાખીને ડરતા ડરતા જરાક હસી લે છે. સાવ નીરુપદ્રવી માણસ ફરતે આ રીતે ડાઘિયો ફરતો રાખવો જરૂરી નથી. પણ એમાંય શેઠને બે ત્રણ ફાયદા તો છે જ. એક તો કેટલીક વાર આ રીતે ડાઘીયાના મોંમાં મહેમાન બેઠેલા હોય અને જીવલેણ હરકતો કરતો ડાઘિયો મહેમાન ફરતે શ્રદ્ધાપૂર્વક પ્રદક્ષિણા કરી રહ્યો હોય ત્યારે કેટલીક વાર તો મહેમાન જે કામ લઈને આવ્યા હોય તે કામ સદંતર ભૂલી જ જાય છે. અને નિષ્કામ થઇ જાય છે. આમ છતાં પણ મહેમાન કામને મહાપરાણે યાદ કરી હૈયામાં શેષ બચેલી હિંમતનો ટેકો લઇ જે તે કામ માટે શબ્દો ઉચ્ચારે છે ત્યાંજ ડાઘિયો ગળું સાફ કરવા બે-એક હાઉકારા  કરે છે. એટલે મહેમાન બધ્ધું જ ભૂલી જાય છે. આ રીતે કેટલીક વાર દઘીયને કારણે મહેમાનની અકળામણ વધી જવાથી તે વધારે બેસવાને બદલે વહેલા વિદાય લઇ લે છે. વળી, કોઈ મુદ્દે શેઠ સામે ઝગડવા આવેલા મહેમાન બે ડાઘીયાને જોઈને એકદમ સંબંધ સહિષ્ણુ બની જાય છે. કેટલીક વાર ડાઘિયો આવા મહેમાનના ગાલે લબસકો લેવાની ચેષ્ટા કરે છે. ત્યાંજ માલિક ફરીથી બોલી ઉઠે છે એ કંઈ નહિ કરે. કાંઈ નહિ કરે ત્યારે મહેમાન મનોમન બોલી ઉઠે છે. અરે ભાઈ એ શું નહિ કરે એ કહો વળી, મહેમાનના ચરણ સુંઘીને એકાદ વાર ડાઘિયો પગ ઉંચો કરે છે ત્યારે શેઠ ડાઘીયા જેવાં જ અવાજે ડાટે છે સ્ટોપ સ્ટોપ આવી સ્થિતિમાં અંદરથી અકળાયેલા મહેમાન ડાઘીયાના સાન્નિધ્યમાં બેઠા હોવાથી ગમ્મે તેટલો વાંધો હોવા છતાં કોઈ વાંધો નહિ, કોઈ વાંધો નહિ એવું બોલ્યા કરે છે.



ગરમાગરમ
કૂતરાને ફેરવવા લઇ જતા માલિકને જોયા છે? બરાબર જોજો, જોતા ખબર પડશે કે કૂતરાને માલિક નહિ, માલિકને કૂતરો ફેરવે છે. કૂતરો જે દિશામાં ખેંચે તે દિશામાં ધરાર ઘસવવું પડે છે. 
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

કવિ એક કાવ્યસંગ્રહ અનેક!




               કવિતાને સમજવી એ દરેક વ્યક્તિ માટે ખાવાના ખેલ નથી એ તો જાણે સમજ્યા! પરંતુ અમુક કવિતા સંગ્રહ એવાં હોય છે કે ભલભલા પંડિતો પણ સમજી શકતા નથી તો સામાન્ય લોકોની તો શું વાત કરવી? સરવાળે પબ્લીકને માથે દે ધના ધન કાવ્યસંગ્રહના લોકાર્પણની વર્ષા થતી રહે છે તે વાત અહીં રમૂજ રૂપે કરે છે નટવર પંડ્યા.
            કવિશ્રી દલસુખ દાઢીવાલાના દોઢ ડઝન કાવ્યસંગ્રહોની એક સાથે સમિક્ષા કરતા સમિક્ષક લખે છે, લગભગ દોઢેક ડઝન કાવ્યસંગ્રહો દ્વારા ફરીથી ધ્યાનથી વાંચો, દોઢ ડઝન કાવ્યસંગ્રહો દ્વારા કવિશ્રી દલસુખ દાઢીવાલા આપણા સાહિત્યનું આભૂષણ બની રહ્યું છે. અ...ધ...ધ...ધ...દોઢ ડઝન કાવ્યસંગ્રહો ...? એને સાહિત્યનું આભૂષણ કહેવું કે પ્રદુષણ?
              વાચકમિત્રો ક્ષમા કરે કે અમે એ સમિક્ષા વાંચતા વાંચતા અમારા મુખમાંથી સરી પડેલા શબ્દો અને કેટલાંક તો હૃદયમાંથી બહાર નીકળવાની હિંમત જ નથી કરી એવાં શબ્દો , સમુહો, ઉદગારો વગેરેને અત્રે રજૂ કર્યા છે.
            તો ફરી મૂળ મુદ્દા પર આવીએ તો સમિક્ષકશ્રી લખે છે કે આ છેલ્લો કાવ્યસંગ્રહ તેમનું મરણોત્તર પ્રદાન છે... મારી નાખ્યા મારા બાપ! ટૂંકમાં મરતા ગયા ને મારતા ગયા. અલબત, પુરેપુરા તો ન માર્યા પણ અધમૂઆ તો કર્યા જ! દોઢ ડઝન કાવ્યસંગ્રહો વાંચવાની તો ઠીક હાથમાં લેવાની હિંમત પણ ન ચાલે. તેમણે રચ્યા કેવી રીતે?! એમના અ કાવ્યધાણનો પ્રેરણાસ્ત્રોત કોણ? વળી ભલભલા પ્રકાશકો આ કાવ્યજથ્થો જોઈને શરણે થઇ ગયા.તેણે પ્રકાશિત કરવાની અસમર્થતા દર્શાવી. આમ છતાં કવિએ આગ્રહ જારી રાખ્યો એટલે છેવટે એક મોટા ગજાના પ્રકાશકે કહ્યું શા માટે અમારા છોકરાના રોટલામાં લાત મારો છો?
                 સમિક્ષક ભારે હૃદયે નોંધે છે અત્રે સમિક્ષકનુ હૃદય કાવ્યસંગ્રહોને કારણે નહિ પણ કવિ શબ્દસ્થ થવાને કેરને ભારે થઇ ગયું છે. તેથી તેઓ ભારે હૃદયે નોંધે છે કે કવિના અવસાનના લગભગ એકાદ માસ પહેલા તેમના સત્તાણુંમાં જન્મદિન નિમિત્તે તેમનો ઉત્પાત નામે કાવ્યસંગ્રહ પ્રગટ થયો. આ બાજુ કાવ્યસંગ્રહ પ્રગટ થયો અને એમનો જીવનદીપ બુજાયો. આ કાવ્યસંગ્રહનું કવિશ્રીએ જે ઉત્પાત નામ આપેલું તેના પરથી એવું અભિપ્રેત થયું કે આના પછી તેમનો વધુ એક કાવ્યસંગ્રહ જરૂર પ્રગટ થશે. કદાય શીર્ષક હશે. ઉલ્કાપાત પણ કુદરતને એ મંજુર ન હતું. અરે ભાઈ! એતો લોકોનેય મંજુર નહતું. પણ લોકોનું કવિ પાસે કંઈ ચાલે? બસ, એજ રીતે કવિનું પણ કુદરત સામે ન ચાલ્યું અને તેઓ કલમને વિલાપ કરતી છોડીને ચાલી નીકળ્યા. આ છેલ્લું વાક્ય છાપામાંથી એમની જીવન-ઝરમર માંથી લીધું છે. ઝરમર વાળાએ પત્નીનો ઉલ્લેખ ચતુરાઈ પૂર્વક ટાળ્યો હોય એવું ઝણાય છે.
                      સામાન્ય રીતે પંચમહાભૂતોમાં ભળી ગયા પછી કવિના કુટુંબીજનો તેમની પ્રવૃતિમાં પડતા નથી પણ ઘરમાંથી પસ્તી કાઢી નાખવાની પ્રવૃત્તિ આદરે છે.
          કુટુંબીજનો મોઢે આવનાર એટલે કાણે આવનારા લોકો કુટુંબીજનોને કહેશે કે બિચ્ચારા છૂટ્યા. ઘણા વખતથી એમણે દમ હતો. (પણ એમના કાવ્યમાં દમ નહોતો) તેથી જ દમ ઘૂંટાઈ ગયો. ત્યારે કુટુંબીજનો પણ મનોમન બોલી ઉઠે છે એકલા એજ નથી છૂટ્યા!
           પણ અહીં જરા ઉલ્ટો ખેલ થયો. સદગતે નવા કાવ્યસંગ્રહને ઉલ્કાપાત નામ આપેલું. તેના ફક્ત બે જ કાવ્યો રચાયા હતા. એમની આ વિશિષ્ટતા હતી કે તેઓ કાવ્યસંગ્રહને પહેલા નામ આપતા અને પછી કાવ્યો રચતા. જે રીતે આજકાલ નવપરણિત યુગલો પુત્ર જન્મ પહેલા જ નામ નક્કી કરી નાખે છે એમ જ! આમ ઉલ્કાપાત માટે બે જ કાવ્યો ઘણા અપૂરતા ગણાય એવી પ્રતીતિ એમના ભત્રીજાને થઇ ત્યારે ઉંમરમાં આથમતા પણ કવિ તરીકે ઉગતા એવાં એમના ભત્રીજાએ ઝંડો ઊંચકી લીધો. કાકાએ અધૂરું છોડેલું કામ પૂરું કરવાની જાહેરમાં પ્રતિજ્ઞા લીધી. આ રીતે સદગતનું સુયોગ્ય તર્પણ કર્યું. આમ ભત્રીજા કાકા ચિંધ્યા માર્ગે ચડી જવાથી કુટુંબમાં કોહરામ મચી ગયો. પણ અન્ય કવિઓ તરફથી ભત્રીજાને ધન્યવાદને પાત્ર બન્યો. અન્ય કવિઓએ તે ભત્રીજાને પ્રેરણા લેવાનું પોતાનાં ભત્રીજાઓને સૂચન કર્યું.
                   આમ અપવાદરૂપે અહીં તેમના પરિવારના જ સભ્યે તેમના ક્ષેત્રમાં ઝંપલાવી ચીલો ચાતર્યો છે. શરૂઆતમાં તેઓ જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોએ જ કાવ્યો રચતા પણ સમય જતા પ્રસંગો ખૂટ્યા પણ કવ્યયજ્ઞ ચાલુ જ રહ્યો. એટલે પછી મહત્વપૂર્ણ કે મહત્વરહિત એવાં કોઇપણ પ્રસંગોએ તેઓ કાવ્યો રચવા લાગ્યા. અને છેવટે એવો સમય આવ્યો કે પ્રસંગો પહેલા જ તેઓ કાવ્યો રચી કાઢવા લાગ્યા. મંગળ પ્રસંગોએ રચેલા અમંગલાષ્ટોક જંગલમાં રચેલા જંગલાષ્ટકો, અને વિદાય. આપણા સાહિત્યમાં ચિરસ્મરણીય બની રહે એવાં ઉત્તમ બન્યા છે. તેમના વિદાય કાવ્યોમાં વિદાયવેળાનો વિરહ તેમણે એવો બખૂબી પ્રગટાવ્યો છે કે સંભાળનારા જ વિદાય લઇ લે.  તેમના વિદાય કાવ્યો સાંભળીને એકાદ બે ભાવકોએ તો આ દુનિયામાંથી જ વિદાય લઇ લીધી છે. પણ અફસોસ એક જ વાતનો કે એમની વિદાય વેળાના કાવ્યો આપણને ન મળ્યા. જો એમની વિદાય વેળાના કાવ્યો એમની જ કલમે મળ્યા હોત તો સોનામાં સુગંધ ભળતે સમિક્ષકને એ વાતનું આશ્ચર્ય છે કે તેમણે તેમના પોતાનાં જ આ પ્રસંગ વિશે અગાઉથી વિદાય કાવ્યો રચવાનું કેમ ન સુજ્યું? કે પછી આ બાબતે તેઓ બીજા કોઈને તક આપવા માંગતા ન હતા.?! હરિ ઈચ્છા બળવાન! બીજું શું? હરિ ઈચ્છા બળવાન, એ પણ એમના એક કાવ્ય સંગ્રહનું જ નામ છે. કવિની વિશિષ્ટતા એ છે કે જીવતી જાગતી અછાંદસ રચના જેવાં તેમના સંતાનો વિશે પણ તેમણે હળવી શૈલીમાં કલમ અજમાવી છે. તેમના કાવ્યોની શૈલી ભલે હળવી રહી પણ સંતાનો ભારે પડ્યા છે, ખાસ કરીને પડોશીઓને! આમ કવિની શાબ્દિક અને શારીરિક એમ બંને રચનાઓ યાદગાર બની રહે છે. આમ તેમણે સાહિત્યમાં અને સંસારમાં એમ બંને ક્ષેત્રોમાં સફળતા પૂર્વક ખેડાન કર્યું છે. અને બંને ક્ષેત્રોમાં તેમની યોગ્ય પ્રદાન અનન્ય બની રહ્યું છે.
           વળી કવિશ્રી જીવનની કડવા મીઠા ખટમધુરી યાદોને કાવ્યના માધ્યમ દ્વારા રજૂ કરે છે. આ રીતે તેઓ ભાવકોના હૃદયને વારંવાર સ્પર્શી લે છે. જેણે અન્ય સમિક્ષકે હૃદયને અડપલા કરે છે એવાં સાહજ શબ્દોમાં રજૂ કર્યું છે. આમ છતાં પોતાની કેટલીક રચનાઓમાં તેઓ કહે છે કે પોતે સરવાળે શાંતિની શોધમાં આજીવન પ્રવાસી છે. કર્ણ કે આ પ્રવાસમાં કોઈ ભાડું ચુકવવું પડતું નથી. આ ઉપરાંત કવિએ પોતાનાં કાવ્યોમાં આલેખેલા વૃદ્ધ દંપતીના ઉર્મીભાવો અને ઉધરસ બંને વાચકોના માનસપટ પર વારંવાર પડઘાય છે. આવા વિશેષ કાવ્યો તેમનું ગૌરવ પદ પ્રદાન બની રહે છે. વળી કવિશ્રી ગઝલો અને સોનેટોની નોંધ લીધા વિના તો છુટકો જ નથી. એટલે તો ક્યારેય તેમણે વાચકોને ટકોર કરતા લખ્યું છે.....
એ મને સમજી શક્ય ના કોઈ દી,
એટલે જ તો જીવનભર વાંચતા રહ્યા.
વળી કવિ બીજી રચનામાં કહે છે કે...
સાબુના પરપોટા સમી છે દલ્સુખની જિંદગી.
સહેજ અડશે આંગળી, તો પણ ફૂટી જશે.
અને અફસોસ કે આજે એ પરપોટો ફૂટી ગયો.
              માત્ર એટલું જ નહિ બેરોજગારીના પ્રશ્ન પર આંગળી મૂકીને કવિએ સમસ્યાનું મૂળ બતાવ્યું છે. તો બીજી બાજુ વાચકો પણ એ જ દિશામાં વિચારવા પ્રેરાશે કે દોઢ ડઝન કાવ્યસંગ્રહોનું એ જ તો નથી ને?!
            એકાદ કાવ્યમાં કવિએ માણસને વંઠેલું સંતાન કહ્યું છે. વંઠેલું છતાં તે સંતાન છે, શેતાન નથી. એટલે તેણે સુધારવા અન્ય કવિતા સુધરેલું સંતાન આપી છે. આમ કવિ તેમની કલ્પના માધ્યમથી ઘણા પ્રયોગો કુશળતા પૂર્વક કરી બતાવે છે. તેમના પ્રયોગો જોતા તેઓ પ્રયોગ શીલને બદલે પ્રયોગ ખોર હોવાની છબી ઉપસે છે. વળી કુદરતી બક્ષિસનો ઉપયોગ બહુજન હિતાય બહુજન સુખાય કરવો જોઈએ એવું કવિ માને છે. તેથી તેમની કલ્યાણની ભાવના માનવી સુધી સીમિત ન રહેતા છેક પ્રાણીઓ સુધી વિસ્તારી છે. આમ તેમની આંખ મીંચાઈ ગઈ હોવા છતાં તેમના કાવ્યસંગ્રહો ભાવકો ચાહકોની આંખો ખેલનારા બની રહે છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે.
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...